દોરે બંધાયાં આયખાં .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- 'દોરી બળે પણ વળ ન મેલે' એ કહેવતનો અર્થ માણસ જો જિદ્દી હોય તો પોતાનો મૂળ સ્વભાવ છોડતો નથી
સં સારના સર્વ જીવો રંગમંચની કઠપૂતળિયો છે, કોઈ અદ્રશ્ય નટરાજ તેમને નચાવે છે. નચાવનારના હાથમાં જ દોર રહેલો છે. એ 'દોર' શબ્દ ક્રિયાવાચક નથી, જ્ઞાાતિવાચક સંજ્ઞા છે. 'દોર' શબ્દમાંથી દોરી, દોરડી, દોરડું, દોરો અને દોરા જેવા શબ્દો બન્યા છે. ઊંડા કૂવામાંથી ડોલ વડે પાણી બહાર કાઢવા દોરડું વપરાય, એમ ઊંચા શિખરે રાષ્ટ્રધ્વજ, ધર્મધ્વજ કે વિજય ધ્વજ લહેરાવવા માટે પણ દોરી વપરાય. દોરીનું મુખ્ય કામ જ મહદ્અંશે બાંધવાનું છે. ક્યારેક દોરાથી દોરો કપાય પણ ખરો, તો કોઈકવાર દોરી પોતાની કાયા ઉપર નટ જેવા કારીગરોને નચાવે પણ છે - પેટિયું રળી આપે છે. ત્યારે દોરીની કર્મઠતાને સલામ કરવાનું મન થાય છે. 'મયિ સર્વમિંદ પ્રોતં' સૂત્રે ગીતામાં કહ્યું છે, મણિ ગણા ઇવ (ગીતા અ. ૭ શ્લોક ૭) દોરામાં મણકાની જેમ સર્વ મારામાં પરોવાયેલું છે.
માતાના ગર્ભમાં વિકસીને બહાર આવતા બાળકનો નાભિનાળનો દોર કાપી નાખવામાં આવે છે, એ કપાઈ ગયેલો સંબંધ પુન: સ્થાપિત કરવા જીવ આખી જિંદગી ઝાવાં મારે છે. ઘોડિયાની દોરીની આદત પડે છે એમાંથી લય મેળવે છે. બચપણમાં ભમરડો ફેરવવા, ઢિંગલા-ઢિંગલી રમવા, નાળની ગાડી રમવા એ દોરીને ઉપયોગ કરે છે. ખેતરે જાય ત્યારે ઘાસ, પૂળા કે બળતણની ભારી બાંધવા એ દોરી વાપરે છે. સૂતરના દોરે લગ્નથી જોડાય છે. વાડથી વેલો ચઢે એ ત્યારે નોકરી મેળવે કોઈ ઓળખાણના દોરે લગ્ન કરે, માનમરતબો મેળવે ત્યારે સૂતરની દોરીની આંટી, ફૂલો ગૂંથાયેલાં છે જે દોરીમાં ! ભગવાનને ભજવાની માળા પણ દોરીમાં પરોવેલા મણકાની હોય છે. મંડપો બાંધવા, પોથી ઉપર વીંટવા, અનાજની ગુણો બંધ કરવા, તોરણે ગૂંથવા અને લટકાવવા, કપડાં બનાવવા અને કપડાં સુકવવા, ગાડાના ઊંટડે ઘુંસરી જોડવા, કમરે બાંધવા, નેફામાં નાખવા દોરી જ વપરાય છે. મૃત્યુ ટાણે દોણી બાંધવા, ફોફળ બાંધવા અને નનામી બાંધવા દોરી જ વપરાય છે. જન્મથી મૃત્યુ સુધી આખા આયખામાં માણસ દોરીની અડખે પડખે જ રહે છે એના કારણે એના જીવનને જીવા દોરી કહેતા હોઈશું ને?
ફૂલોને વેણીનું, ફૂલમાળનું કે હારનું નામ દોરીને કારણે જ મળતું હોય છે. જશોદાએ કાનુડાને દોરીથી જ બાંધેલા, એ પ્હેલાંથી કાનુડાએ જગતને સ્નેહની દોરી બાંધી છે ! 'નામરૂપ જૂજવા'ની જેમ દોરરૂપ જૂજવાં છે. ખાટલો ભરવા માટે વપરાય તે દોરીને 'વાણ' કહે છે. પૂજાપાની સામગ્રીમાં વપરાય, જેનાથી કળશ બંધાય તે 'નાડાછડી', કૃષિકો બળદને, વાંછડાને બાંધે તે 'રાશ', નેફામાં નંખાય તે 'નાડું', ચામડાની મજબૂત દોરી 'વાઘણી'ના નામે ઓળખાય છે. શણમાંથી જે દોરી બને તેને 'કાથીં,' વળી મુંજ નામના ઘાસમાંથી જે દોરી બને તે 'મુજ,' ત્રાજવાનાં બે પલ્લા જે દોરીથી લટકે તે દોરીને 'નાથણું' કહે છે. ભમરડાની દોરીને 'જાળ' અને પતંગ ચગાવવાની દોરીને 'માંજો' કહે છે. કમરે બાંધવાની સૂતરની દોરીને 'કદડો' અને અંગરખું બાંધવા લટકતી દોરીને 'કસ' કહે છે. ઘોડાની લગામની એક બાજુની દોરી 'વાઘિયો' કહેવાય અને ઘોડાની પૂંછડી નીચે જ દોરી ભરાવીને ઘોડાની પીઠ સજાવાય એ દોરીને 'ડૂમચી' કહે છે. પીંજારો પીંજણ જે દોરીથી કરે તે 'તાંત' અને રેંટિયાના પૈડાનાં પાંખિયાં તથા ઊંટને બાંધવાની દોરીને 'ડામણ' કહે છે. છાસ વલોણા માટે વપરાતી દોરી 'નેતરું' અને પંખી ઊડાવવા માટેની દોરી 'ગોફણ' બળદને કોટે બંધાય તે 'જોતર' અને પાડાને ગળે નંખાય તે 'ગાળિયો.' કૂવામાંથી કોશ દ્વારા પાણી બહાર કાઢવા વપરાય તે 'વરત' અને ડોલ દ્વારા પાણી બહાર કઢાય, બંધાય તે 'રાંઢવું'. ગાયને દોહતી વખતે પાછલે પગમાં બંધાતી નુજણું દોરીને 'નુંજણું' કહેવાય, ગોફણની દોરીને 'પાગરું' કહેવાય, એમ ધનુષની દોરીને 'પણછ' કહેવાય. હોડી બાંધવાની દોરીને 'લંગર' ઢોલ બાંધવાની દોરીને 'કસણ' કહેવાય અને હાલડાં જોડતી વખતે બળદને બંધાય તે દોરીને 'તણી' અને તંતુવાદ્ય વગાડવાની પાતળી દોરને 'તાર' કહેવાય. તોતિંગ વૃક્ષો પાડવા દોરડાં વપરાય અને ભારે ઢોર મરી ગયાં હોય ત્યારે તાણી જવા દોરડું વપરાય. દોરીનાં કેટકેટલાં વિવિધ નામો !! બધાં જ અંતરપદો દોરી નિર્ભર હોય છે. તાણિયાથી બંધાય તંબૂ, દોરીથી વણાય વસ્ત્રો, ઓળંબાથી તૈયાર થાય, દિવાલો અને દોરીથી જ બને છે ગોદડી ! વળી દોરીથી શણગાર સજાવાય અને દાકતરો પણ વિશિષ્ટ પ્રકારની દોરીથી સફળ શસ્ત્રક્રિયાઓ કરે છે ! ગુંચાઈ ગયેલી દોરીને ગૂંથી તણખલાંની સાથે ગોઠવી પારેવાં માળાં કરે. દોરડા કૂદની અને રસ્સાખેંચની રમતો રમી બાળજગત ક્રીડા કરે છે. યજ્ઞાોપવિત દોરીની જ બનેલી હોય છે ! સાત ફેરાની સાક્ષી દોરી જ હોય છે. વટસાવિત્રીનું વ્રત કરતી બહેનો સૌભાગ્યની સુરક્ષા કાજે વડને જાણે વસ્ત્રથી સજાવે છે !
ભાઈબહેનના પ્રેમનું પ્રતીક બનેલી 'રાખડી' દોરીનું જ બીજું નામ છે.
વિરાટનો હિંડોળો ઝાકમઝોર
આભને મોભે બાંધ્યો દોર
- ન્હાનાલાલ
કવિની વિરાટ કલ્પના તો જુઓ ! આભના મોભે બાંધેલાં દોરથી વિરાટનો હિંડોળો ઝુલી રહ્યો છે ! કવિ હરીન્દ્ર દવે 'કાનુડાને બાંધ્યો છે હીરના દોરે' એમ કહે છે કવિ હરીશ મીતાશ્રુ શબ્દ દોરીનો આમ ઉપયોગ કરે છે શૃંગારિક !!
કંચવાની કસ કસી, તસોતસ મદન મનોરથ ભીડી રે
મહિયારણ રણઝરતી હરિનો મદ હણવાને હીંડી રે
આપણે ત્યાં કેટલાંક રૂઢિપ્રયોગોમાં અને કેટલીક કહેવતોમાં પણ દોરી આવે છે. 'દોરો બાંધવો' એટલે દર્દ નાબૂદ કરવાનો એક કીમિયો ! દોરા ધાગા કરવા એક પ્રકારની અંધશ્રદ્ધાને શરણે જવું 'દોરો વાળવો' બાંધા આપવી, ઉતારવી, 'દોરડાં તાણવાં'- ધામા નાખવાના
અર્થમાં વપરાય છે 'દોરી લોટો' એટલે ખાલી હાથ, સંપત્તિ વગરના હોવું એવો અર્થ છે. 'દોરી બળે પણ વળ ન મેલે' એ કહેવતનો અર્થ માણસ જો જિદ્દી હોય તો પોતાનો મૂળ સ્વભાવ છોડતો નથી. 'દોરડીએ છેદાય છે પાકા કાળા પ્હાણ' દોરડી કેવળ બાંધવાનું જ નહિ, પર્વત જેવી કઠણ વસ્તુઓને કાપવાનું પણ કામ કરે છે. 'દોરા ચિઠ્ઠીથી છોકરાં થાય તો કોઈ પરણ્યાનો ભાવેય ન પૂછે' આ કહેવતમાં જ બાધા આખડીથી જ બાળકો જનમતાં હોય તો કોઈ પરણીને ઘરસંસાર માંડે જ નહિ 'દોરી સંધાય પણ ગાંઠ રહી જાય' તૂટેલી દોરી કે તૂટેલો સંબંધ ગાંઠ પડી ગયા પછી એની મૂળ તાજગી ગુમાવે છે. ફાંસો, ગાળિયો, મોહ્યરો અને પાંગથી દોરી થકી નિર્મિત છે. બંધ, બંધિયો, અનંત દોરો, નજરિયું, મદળિયું વગેરે દોરીનાં સંતાનો છે.
સમગ્ર પ્રેમી જગત નજરના દોરથી બંધાય છે તે સંધાય છે ગુરુ-શિષ્ય, પરિવારજનો પરસ્પર સ્નેહના દોરથી જ બંધાય છે બધે જ દોર છે. જીવન પણ આખું દોરે બાંધેલો માંડવો છે. નટ પોતાનું પેટિયું રળવા દોર ઉપર નાચે છે એવી રીતે આપણે સૌ સંસારમાં જીવનની દોર ઉપર થેકડા લઈએ છીએ. ક્યારે એ દોર કોને માટે, ક્યાંથી કેવો કપાશે એ નક્કી નથી હોતું એટલે આપણે કહીએ છીએ જીવાદોરી ઉપરવાળાના હાથમાં છે.