Get The App

હૃદયરોગને આમંત્રણ આપે તેવા જોખમી પરિબળો .

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
હૃદયરોગને આમંત્રણ આપે તેવા  જોખમી પરિબળો              . 1 - image


- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક

ન વરાત્રીના પર્વમા ગરબા દરમ્યાન ઘણા યુવાનોને હૃદયરોગનો હુમલો થવાથી જીવ ગુમાવવો પડયો તો આજે આપણે આ વિષય પર ચર્ચા કરીએ.

એક્સરસાઇઝને હાર્ટ એટેક સાથે કેવો સંબંધ છે?

- અપૂરતી કસરત કરતા હોય એવી વ્યક્તિઓમાં સ્વાભાવિક રીતે હાર્ટ એટેકની સંભાવના વધારે રહે છે 

પરંતુ એનાથી ઉલટુ  ટેવ ના હોય અને વધુ પડતી કસરત અચાનક કરી લેવામાં આવે તો પણ હૃદય ઉપર ભાર વધે છે, ધબકારા અચાનક જ વધે છે અને પરિણામે હૃદયની લોહીની જરૂરિયાત ઓચિંતી વધી જાય છે અને એ જરૂરિયાત પૂરી ના થાય તો  હૃદયનો એટેક આવી શકે.

અર્થાત્ જો કસરતની આદત ના હોય તો દેખાદેખીમાં મેડિકલ સલાહ વગર અચાનક જ ભારે કસરત ચાલુ કરી દેવી ખૂબ જ જોખમી કહેવાય.

ભેજ અને ગરમી કદાચ વધારે હોય તો એટલે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું પણ જરૂરી છે.

કસરત દરમિયાન ખૂબ પરસેવો થાય  છે અને શરીરમાંથી પોટેશિયમ ઓછું થાય છે એટલે વચ્ચે વચ્ચે ફળોનો રસ અથવા ફળ લેતા રહેવા જોઈએ.

હૃદયરોગને આમંત્રણ આપે તેવા જોખમી પરિબળો કયા?

જો તમને હાઈ બ્લડપ્રેશર રહેતું હોય, લોહીમાં વહેતી ચરબી  (LDL cholesterol)નું પ્રમાણ વધારે હોય, ડાયાબિટીસ હોય, કુટુંબમાં નાની ઉંમરે હૃદય રોગનો ઇતિહાસ હોય, ધુમ્રપાન કે આલ્કોહોલનું સેવન કરતા હો, વજન વધારે હોય (HIGH BMI)  તો તમારે તબીબી પરીક્ષણ કરાવી લેવું સલાહકાર કહેવાય.

એવા કયા ચિન્હો હોય તો કસરત કરતા સાવચેત થઈ જવું જોઈએ?

છાતીમાં દુખાવો, ગભરામણ, મુંઝારો, અચાનક  થતો પરસેવો, ચક્કર આવવા, શ્વાસ ચડવો, અચાનક ઉલટી થવી, અચાનક જ થાક  લાગવો જેવા કેટલાક ચિન્હો જણાતાની સાથે જ અટકી જવું અને તબીબી સલાહ લેવી યોગ્ય ગણાય.

નાની ઉંમરે એકથી બે સીડી ચડવાથી શ્વાસ ચડતો હોય અથવા છાતીમાં ધબકારા વધતા હોય તો પણ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

એવી કોઈ દવાઓ છે કે જે ખિસ્સામાં રાખવાથી ઇમરજન્સીમાં કામ લાગે?

તબીબી પરીક્ષણ વગર અથવા તો તબીબી સલાહ વગર કોઈ પણ દવા લેવી સલાહ કારક નથી.

જે લોકોને હૃદય રોગનો ઇતિહાસ હોય એ લોકોએ ડોક્ટરની સલાહ મુજબ એસ્પિરિન  અને સ્ટેટીનની ગોળી પાસે રાખવી જરૂરી કહેવાય પરંતુ માત્ર અને માત્ર તબીબી સલાહ લીધા પછી જ .

સાધારણ માન્યતા એવી છે કે sorbitrateની ગોળી હૃદય રોગમાં ખૂબ જરૂરી અને અસરકારક કહેવાય  પરંતુ આ ગોળીની પણ કેટલીક જોખમી આડ અસરો હોય છે એટલે તબીબી સલાહ વગર આ દવા કોઈને પણ આપવી નહીં.

હૃદય રોગનું વહેલું નિદાન કેવી રીતે કરી શકાય ?

જો ઉપર જણાવેલા કોઈ પણ લક્ષણો જણાય તો ડોક્ટર પાસે બ્લડરપ્રેશર અને કાર્ડિયોગ્રામની તપાસ અવશ્ય કરાવી લેવી જોઈએ. જો ડોક્ટરને યોગ્ય લાગે તો નિદાન માટે ઇકો કાર્ડિયોગ્રાફી અને સીટી સ્કેન દ્વારા કોરોનરી કેલ્શિયમ સ્કોર નામની તપાસ ઉપયોગી થઈ શકે. જો કોઈ પણ લક્ષણો ના હોય તો પણ જે લોકોને ડાયાબિટીસ, બીપી કે કોલેસ્ટ્રોલની બીમારી હોય, હૃદય રોગ વારસામાં હોય, તમાકુ કે ધૂમ્રપાનનું વ્યસન હોય તો ડોક્ટર ને જરૂરી લાગે તો ઉપરોક્ત તપાસ કરાવવી જોઈએ.

હૃદય રોગથી કેવી રીતે બચી શકાય ?

 નિયમિત જીવનશૈલી, યોગ્ય ખોરાક, વ્યસન તેમજ તણાવ મુક્તિ અને નિયમિત કસરત ઉપરાંત જો ડાયાબિટીસ બીપી કે કોલેસ્ટ્રોલ હોય તો એના પર કાબુ રાખવામાં આવે તો હૃદય રોગથી મહદઅંશે બચી શકાય છે. જો ડોકટરની સલાહ હોયતો સ્ટેટીન પ્રકારની દવાઓ હૃદય રોગને રોકવા માટે સક્ષમ અને સુરક્ષિત છે. 

અંતમાં એવું કહી શકાય કે prevention is better than cure એ કહેવતથી વધારે મહત્વનો સંદેશો હેલ્થ માટે બીજો કોઈ નથી.


Google NewsGoogle News