ઈન્ટરવ્યૂ .
- 'સિમ્પલ!' ઉમેદવાર હાથ ફેલાવી રહ્યો. 'આપણે તેને 'મર્જ' કરી લઈશું અથવા આપણે 'મર્જ' થઈશું. કેટલું વિશાળ માર્કેટ મળશે! એક સે ભલે દો!'
ઑ ફિસમાં પ્રવેશતાં જ મુકુંદરાયની ચકોર દ્રષ્ટિ ઝડપથી બધે ફરી વળી. તેમની સૂચના મુજબ જ બધું નીટ એન્ડ ક્લીન! ઈન્ટરવ્યૂ માટે જરૂરી તમામ પત્રકો તેની નિશ્ચિત જગાએ. બેલ મારી પટાવાળાને અંદર બોલાવ્યો. હાજરી-પત્રક લઈ ઝડપથી તે આવ્યો. નક્કી કરેલા અંતરે અદબથી ઊભો રહ્યો.
'સાહેબ, અભય પાઠક સિવાય, તમામ ઉમેદવારો હાજર છે.' ટેબલ પર હાજરી-પત્રક મૂકી આઘે જઈ ઊભો.
'હમમ્.' મુકુંદરાય પત્રક તપાસી રહ્યા. બાજુમાં બેઠેલા કારકૂનને બરાબર ૧૨-૩૦ના ટકોરે કાર્યવાહી શરૂ કરવાનો સંકેત કર્યો. પ્રથમ ઉમેદવાર શિસ્તબદ્ધ રીતે આવ્યો. સામે પડેલી ખુરશીમાં તેને બેસવાનો ઈશારો થતાં તેણે ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો કારકૂનને સોંપ્યા.
'આપણી કંપનીની પ્રોડક્ટ્સ વિશે વ્યાપારિક પૂછપરછ માટે આવેલી પાર્ટીને, જનસંપર્ક અધિકારી તરીકે કેવી રીતે હેન્ડલ કરશો?' મુકુંદરાય હાથમાં પેન રમાડી રહ્યા.
'જી સર!' ઉમેદવાર ખુરશીમાં ટટ્ટાર બેઠો. 'સર્વ પ્રથમ તો હું તેમને મીઠો આવકાર આપીશ.'
'હંઅઅઅ્'
'પછી ઠંડુ પાણી ઓફર કરીશ.'
'બરાબર.'
'ઠંડું કે ગરમ પીણું ફાવશે તે જાણીશ.'
'વાહ!'
'બપોરનો સમય હશે એટલે 'લંચ'માં શું લેશો તેની માહિતી મેળવીશ.'
'પછી?'
'વામકૂક્ષી માટે.... આપણી બહુરાષ્ટ્રીય કંપની છે એટલે ગેસ્ટહાઉસ તો હશે જ!'
'છેને!' મુકુંદરાય ખુરશીને અઢેલી રહ્યા.
'સાંજની ચા પછી તેમની જવાની અનુકૂળતા...' તેમને વચ્ચેથી જ અટકાવી તે આગળ ઝૂક્યા.
'ઈન્ટરેસ્ટીંગ! ધંધાકીય પૂછપરછ કરવાની ખરી?' બાજુમાં બેઠેલો કારકૂન હસવું ખાળી શકે તેમ નહોતો. પરંતુ સાહેબના ચૂસ્ત શિસ્ત-પાલન અને મેનર્સનાં કડક ધોરણોથી વાકેફ હોઈ મોં પર રૂમાલ દબાવી રહ્યો.
'કરવાનીને સર! એ માટે તો તે આવ્યા હોય! તો તેમની ફરજ...'
'ઓ.કે. તમે જઈ શકો છો.' મુકુંદરાયનો ચહેરો સખ્ત બની રહ્યો.
'નેક્ટ્સ' મુકુંદરાય જોર જોરથી બેલ વગાડી રહ્યા. પટાવાળો તેમનો આક્રોશ પામી ગયો. તેણે જલદીથી બીજા નંબરને રવાના કર્યો.
'મે આઈ કમ ઈન સર!' બીજા ઉમેદવારે અનુમતિ મળતાં, ગભરાટ અનુભવતો, ખુરશીમાં સ્થાન લીધું.
પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેણે વ્યવસ્થિત બેસીને ખૂંખારો ખાધો.
'પહેલાં તો કંપનીની પ્રોડક્ટ અંગે, ગુણવત્તા માટે અને માર્કેટમાં તેની ડિમાન્ડ બાબતે વિશદ છણાવટ કરીશ.'
'રાઈટ!' મુકુંદરાયની આંખોમાં આશા ડોકાઈ રહી.
'ફોરેન માર્કેટમાં તેની પોઝીશનની જાણકારી આપીશ. એક-બે ખોટા ફોન કરી, ઈન્ટરનેશનલ કંપનીઓ સાથે ટ્રેડ કોમ્યુનિકેશન કરીશ. જેથી કસ્ટમર 'ઈમ્પ્રેસ' થાય.' ઉમેદવારના ચહેરા પર આત્મવિશ્વાસ ચમકી રહ્યો.
'ગો-ઓન.' મુકુંદરાયના સ્વરમાં નિરાશા વ્યાપતી જતી હતી.
'પછી પ્રોડક્શન-ડિપાર્ટમેન્ટમાં લઈ જઈ, રૉ-મટીરીયલ્સથી માંડી ફાઈનલ પ્રોસેસથી માહિતગાર કરીશ. તેના બધા 'સોર્સ' વિશે અધિકૃત માહિતી પૂરી પાડીશ. આપણી વિશ્વસનીયતા અને ક્વૉલિટી માટે કોઈ પ્રશ્ન ન રહે. બધું પારદર્શી.'
'તો પછી તે પોતાનો જ વ્યવસાય શરૂ નહિ કરે?' મુકુંદરાય અકળામણ અનુભવતા રહ્યા. 'સિમ્પલ!' ઉમેદવાર હાથ ફેલાવી રહ્યો. 'આપણે તેને 'મર્જ' કરી લઈશું અથવા આપણે 'મર્જ' થઈશું. કેટલું વિશાળ માર્કેટ મળશે! એક સે ભલે દો!' સહજ ભાવે તે તેમની સામે નજર નોંધી રહ્યો.
'યુ કેન ગો!' મુકુંદરાયના સત્તાવાહી અવાજથી તે સહેજ છોભીલો પડીને ઝડપથી ઊઠી ગયો.
મુકુંદરાયનો રસ ઉડી ગયો. ઈન્ટરવ્યૂની ઔપચારિકતા ઝડપથી પતાવી, માથું પકડી મૌન બની ગયા.
'સુહાસ!' કારકૂન તરફ નજર માંડી રહ્યા. 'કાબેલ જનસંપર્ક અધિકારીની આપણી ખોજ પૂરી નહિ થાય કે શું! મોટી ડિગ્રીઓ, હાઈ પર્સન્ટેજ... પણ પ્રોફેશનલ કૌશલ્ય, પ્રેક્ટીકલ નૉલેજનો સંપૂર્ણ અભાવ!' તેમના ચહેરા પર વ્યથા સ્પષ્ટપણે વંચાતી હતી.
'યસ સર! હું જાઉં?' કારકૂનને બેસવા સંકેત કર્યો.
'આ બધામાં શશાંકમાં મને થોડી આશા લાગે છે.' શશાંકના નામ પર બોલ પેનનો નોબ દબાવી રહ્યા. 'તેને છ માસ માટે અજમાયશી ધોરણે તદ્દન હંગામી નિમણૂક આપીએ. કદાચ તૈયાર થાય.'
'જી સર!' કારકૂન પોતાની બાજુમાં આવેલી કેબીન તરફ જવા ઊભો થયો.
મુકુંદરાય પણ ટેબલ પર બધું યોગ્ય જગ્યાએ ગોઠવી ઊભા થયા. ત્યાં પટાવાળો ઝડપથી અંદર આવી રડમસ ચહેરે ઊભો રહ્યો, 'સાહેબ, અભય પાઠક આવ્યા છે અને આપને મળવાની જીદ કરે છે. મેં એમને ઘણું સમજાવ્યા...'
'તેને કહી દો. ઈન્ટરવ્યૂનો સમય પૂરો થઈ ગયો.' તેમણે અધિકારીના સ્વરમાં જવા પગ ઉપાડયો.
'સર! ફક્ત પાંચ મિનિટ!' અભય પાઠક, પટાવાળો રોકે તે પહેલાં અંદર ધસી આવ્યો. 'ઈન્ટરવ્યૂ માટે નથી આવ્યો. ફક્ત મને સાંભળી લો.'
આજીજીભર્યો સ્વર અને દીન મુખમુદ્રા બે પળ સ્થિર નજરે નિહાળી રહ્યા. 'ઠીક છે!' તે બેઠા.
ચોળાઈ ગયેલા વસ્ત્રો, અસ્ત વ્યસ્ત વાળ અને થાક, પરસેવા, ધૂળથી ખરડાયેલો ચહેરો જોઈ તાડૂકી ઊઠયા, 'મેનર્સ, શિષ્ટાચારનું કંઈ ભાન છે?'
'સાહેબ! એક વાર મને સાંભળી લો!' સામેની ખુરશીમાં બેસવાનો ઈશારો થતાં, હાંફતાં બેસી ગયો.
સાહેબની નજરનો મર્મ પામી જતાં પટાવાળાએ ઝડપથી પાણીનો ગ્લાસ અભય સામે ધર્યો. થોડું પાણી પીને સ્વસ્થ થયો.
'સાહેબ! ઘરેથી તો હું સમયસર જ નીકળ્યો હતો. અહીં પણ ટાઈમસર જ પહોંચવાનો હતો.' સહેજ અટકી આગળ વધ્યો. 'આપણી ઑફિસથી થોડે દૂર ચાર રસ્તા પર, ગામડેથી આવેલા એક પિતા અને બાર-તેર વર્ષનો પુત્ર રસ્તો ઓળંગી રહ્યા હતા.' રૂમાલથી મોં લૂછી, ફરી થોડું પાણી પીધું.
'દૂરથી પૂરપાટ ઝડપે આવતી એક કાર કિશોર સાથે જોરથી અથડાઈ. ટક્કર ભારે હતી. તે તો ભાગી ગયો. છોકરો રસ્તા વચ્ચે તરફડવા લાગ્યો. લોહી વહી રહ્યું હતું.' મોં પર વારંવાર વળતા પરસેવાને લૂછી રહ્યો, 'પિતા મદદ માટે ચીસો પાડી રહ્યો હતો. પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું. મેં પરિસ્થિતિની ગંભીરતા જાણી, રસ્તા વચ્ચે ધસી જઈ એક રીક્ષાને રોકવા ફરજ પાડી. તેમાં બંનેને નજીકમાં જ સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડયા. ડૉક્ટરે તાત્કાલિક ઓપરેશન માટે લોહીની જરૂર જણાવી. તે છોકરાના બ્લડ ગુ્રપ સાથે નસીબજોગે મારું બ્લડગુ્રપ મળતું આવ્યું. હવે તેની હાલત સ્થિર છે.'
તેણે ફરીથી સ્વસ્થ બની મોં પર વળેલો પ્રસ્વેદ સાફ કરી ઊભા થતાં મુકુંદરાયની આંખમાં આંખ મેળવી રહ્યો. 'મારો આગ્રહ એટલા માટે હતો કે નવી પેઢી બેજવાબદાર, દિશાશૂન્ય અને સામાજિક ઉત્તરદાયિત્વથી બેફિકર પોતાનામાં જ મસ્ત છે તેવા સર્વસામાન્ય અભિપ્રાયમાં કેટલાક અપવાદ પણ હોઈ શકે છે. બધા યુવાઓને એક જ લાકડીએ ન હાંકો.'
મુકુંદરાયનો આભાર માની ઝડપથી નીકળી ગયો. તે મોડે સુધી વિચારતા ત્યાં જ બેસી રહ્યા. કારકૂને ઈન્ટરકોમથી એપોઈન્ટમેન્ટ લેટર તૈયાર થયાનું જણાવ્યું. નામ લખવાનું બાકી છે. 'સહી માટે મોકલાવું?'
'સુહાસ, શશાંક નહિ અભય પાઠકને નિમણૂક-પત્ર આજે રવાના કરી દો.' મુકુંદરાય હળવાશ અનુભવી રહ્યા. તે ધીમેથી ઊભા થઈ દીવાલ પર લગાવેલી કંપનીના આદ્યસ્થાપક મયૂર શેઠની તસવીર તરફ ડગ માંડી રહ્યા નતમસ્તક બની ગયા. તેમની આંખમાંથી અશ્રુબિંદુઓ ચૂપચાપ વહી ફર્શ પર ચળકી રહ્યાં.
'મારી પણ આપે આ જ રીતે નિમણૂક કરી હતી ને!'
- ચંડીદાન ગઢવી