મારો દેશ, મારું ગામ .
- આજકાલ-પ્રીતિ શાહ
- અઢી હજાર ગામો અને ચાળીસ લાખ લોકોને ખેતી માટે સિંચાઈ અને પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ થયું
ત મિલનાડુના તંજાવુર જિલ્લાના નાનકડા શહેર પેરાવુરાનીમાં નિમલ રાઘવનનો જન્મ થયો હતો. પિતા નાળિયેરની ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. નાનપણથી નિમલ એ જોયા કરતો કે કુટુંબની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવા માટે એના પિતાને કેટલો બધો શ્રમ કરવો પડે છે. એણે પેરાવુરાનીમાં સ્કૂલનો અભ્યાસ પૂરો કરીને અન્ના યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક અને કમ્યુનિકેશન એન્જિનિયરીંગમાં બી.ટેક્. કર્યું. અભ્યાસ પૂર્ણ કરીને તરત જ પૂણે કૉલ સેન્ટરમાં નોકરી મળી અને ત્યાંથી દુબઈ જવાની તક મળી. સોફ્ટવેર ડેવલપર તરીકે દુબઈમાં ઊંચા પગારની નોકરી પણ મળી ગઈ હતી, પરંતુ નિમલને સતત વતનની યાદ સતાવતી રહી. એની સાથે કામ કરતા મિત્રોની સાથે બેસીને એ સતત એવી યોજના વિશે વિચારતો કે થોડા પૈસાની બચત કરીને પોતાના ગામ પરત ફરવું અને પોતપોતાના ગામનો વિકાસ થાય તેવું કામ કરવું. તેના મનમાં આવા વિચારોની ગડમથલ ચાલતી હતી અને ૨૦૧૮ના નવેમ્બરમાં તે રજા લઈને પોતાને ગામ આવ્યો. બન્યું એવું કે તે પોતાના ગામ નાદિયમ ગામમાં શાંતિથી બેઠો હતો, ત્યારે તમિલનાડુ અને આંધ્રના તટીય વિસ્તારોમાં એકસોથી વધુ કિમી.ની ઝડપે 'ગાઝા' નામનું વાવાઝોડું ત્રાટક્યું. આને કારણે પિસ્તાળીસ લોકો મૃત્યુ પામ્યા. એક લાખ ઘરોને નુકસાન થયું. એક કરોડથી પણ વધુ નાળિયેરનાં વૃક્ષો ઉખડી ગયા અને ખેતી પર નિર્ભર એવાં નેવું ગામોમાં ઘણું મોટું નુકસાન થયું.
આ બધાં ગામોમાં એવો વિનાશ થયો કે જે મિત્રો દુબઈથી વતન પાછા આવવા માગતા હતા, તેમણે એ વિચાર મુલતવી રાખ્યો. જે લોકો આ ગામમાં પેઢીઓથી ખેતી કરતા હતા તે પણ અન્ય કામની શોધમાં ગામ છોડી શહેરમાં જવા લાગ્યા. નિમલ રાઘવન ઊંડા આઘાતમાં સરી પડયા. તેઓ વિચારવા લાગ્યા કે હવે અહીં કંઈ બચ્યું નથી. પિતા બીમાર રહેતા. ખેતી તો ક્યારનીય બંધ થઈ ગઈ હતી. નિમલની દુબઈની નોકરી પર જ ઘર ચાલતું હતું, પરંતુ પોતાના ગામ અને ગામલોકોને આવી સ્થિતિમાં છોડીને જવાનું એમનું મન માનતું નહોતું. તેણે માત્ર પોતાના પરિવારનું જ નહીં, પણ સમગ્ર ગામવાસીઓના હિતમાં નોકરી છોડવાનો નિર્ણય લીધો. નિમલે પોતાનું મન બદલાય જાય, તે પહેલાં નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને સહુને રાહત પહોંચાડવાના કામમાં લાગી ગયો.
નિમલે વિચાર્યું કે રાહત કાર્ય એટલું સરળ નહોતું, કારણ કે એના માટે એની પાસે પર્યાપ્ત ભંડોળ નહોતું. તેથી તેણે 'બાઉન્સબૅકડેલ્ટા' નામથી સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કર્યું. તેના દ્વારા કાવેરી ડેલ્ટામાં વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં કપડાં, કરિયાણું અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવી. તાંજાવુર જિલ્લાના ઓરાથનાડુ, પુટ્ટુકોટ્ટઈ અને પેરાવુરાનીની પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી, કારણ કે અહીં રહેતા પરિવારોમાં એંશી ટકા પરિવારો નાળિયેરની ખેતી પર નિર્ભર હતા. અહીંના લોકો પાણીની અછતને કારણે અનાજ અને શેરડીની ખેતી કરતા નહોતા. નિમલે વિચાર્યું કે તેમને અન્ય પાકોની ખેતી તરફ વાળવા માટે સૌપ્રથમ તો પાણી અને સિંચાઈની વ્યવસ્થા કરવી જોઈએ. ખેડૂત પરિવારમાં ઉછરેલા નિમલને પાણી અને જમીનના મહત્ત્વની પૂર્ણ જાણકારી હતી. એ ઉપરાંત તે જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, ત્યારે ૨૦૦૨માં જુનિયર રેડક્રોસમાં જોડાઈને પર્યાવરણ જાગૃતિનું કામ કરતા હતા.
ગામડાંઓમાં રાહતકાર્ય દ્વારા ગામલોકોને જરૂરિયાતની વસ્તુઓ મળી, તેથી સહુ નિમલમાં વિશ્વાસ મૂકવા લાગ્યા. બધા પોતપોતાની રીતે ઇલેક્ટ્રીક લાઈન અને રોડ સરખા કરવા લાગ્યા. વૃક્ષો અને નાળિયેરી વાવવાં લાગ્યાં. પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટનો સહયોગ મળવાથી કામ ઝડપથી ચાલવા લાગ્યું. તેણે 'ડેલ્ટાસેપલિંગચેલેન્જ' નામનું અભિયાન ચલાવ્યું અને એના દ્વારા એક ફંડ ઊભું કરી, જે વૃક્ષો ગુમાવી દીધા હતા તેને બચાવવાની કામગીરી શરૂ કરી.
નિમલ રાઘવને શેરડી અને ચોખાની ખેતી તરફ ગામલોકોને વાળવા માટે પાણીની વ્યવસ્થા અને તળાવોને પુનર્જીવિત કરવાનું વિચાર્યું. એની સ્કૂલના એક સિનિયર સાથી નવીન આનંદન અને અન્ય મિત્રોનો સહયોગ મળ્યો. ટકાઉ ખેતી માટે 'કદઈમદઈ એરિયા ઈન્ટીગ્રેટેડ ફાર્મર્સ એસોસિયેશન' (કૈફા)ની શરૂઆત કરી. એકવીસ હજારના ફંડ સાથે પેરાવુરાનીમાં આવેલા ૫૬૪ એકર મોટા પેરિયાકુલમ સરોવરને પુનર્જીવિત કરવાનું કામ શરૂ કર્યું. ગામલોકો, શુભેચ્છકો અને સિત્તેર જેટલા સ્વયંસેવકોની મદદથી ૧૦૪ દિવસમાં બત્રીસ લાખના ખર્ચે સરોવરને પુનર્જીવિત કર્યું. તેનાથી આશરે છ હજાર એકર જમીનમાં સિંચાઈનું કામ સરળ બન્યું. આ ઘટનાથી નિમલ અને એની ટીમને પ્રોત્સાહન મળ્યું. તેમણે વિચાર્યું કે અન્ય તળાવોને પણ પુનર્જીવિત કેમ ન કરી શકાય ? એ થાય તો વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે. તેમના પ્રયત્નથી ભૂગર્ભજળના સ્તરમાં વધારો થયો. જે ભૂગર્ભજળ ત્રણસો-ચારસો ફૂટ ઊંડે ખોદવાથી મળતું હતું, તે ચાળીસ ફૂટે મળવા લાગ્યું. નિમલ અને એના સાથીઓએ ત્રણ વર્ષમાં તમિલનાડુમાં ૧૧૮ જળાશયોનો પુનરોદ્ધાર કર્યો. એનાથી અઢી હજાર ગામો અને ચાળીસ લાખ લોકોને ખેતી માટે સિંચાઈ અને પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ થયું.
નિમલ રાઘવને મેગા ફાઉન્ડેશનની સ્થાપના કરી. જેના દ્વારા તેઓ જળાશયોનું સમારકામ, મિયાવાકી પ્લાન્ટેશન, મેંગ્રોવ જંગલો વધારવા અને તેનું સંરક્ષણ કરવું, વરસાદી પાણીનો સંગ્રહ કરવા જેવાં કામો કરે છે. અત્યાર સુધીમાં એમણે પંદર લાખથી વધારે છોડ વાવ્યા છે અને બે લાખ કરતાં વધારે પામ સીડનું વાવેતર કર્યું છે. ૩૩ વર્ષના નિમલને કારણે આ વિસ્તારમાં ત્રણસો કુટુંબો ફરી ખેતી કરવા લાગ્યા છે. કોઈ ઉજ્જડ ભૂમિ પર હરિયાળા ખેતરો લહેરાતા જોઈને નિમલને એટલો આનંદ આવે છે કે એરકન્ડીશન્ડ ઘર અને લાખો રૂપિયાનું પેકેજ એની આગળ ફિક્કું લાગે છે.
ઘોર અંધકારમાં જીવનપ્રકાશ
માત્ર હંગામા કરવો એ મારું લક્ષ નથી. મારો પ્રયત્ન એ છે કે પરિસ્થિતિ બદલાવી જોઈએ.
સુ ધા વર્ગીસે પોતાના જીવનના તમામ સંસાધનો, પ્રયત્નો, સમય, પ્રેમ અને કરુણાથી હાંસિયામાં જીવતી અને અસ્પૃશ્ય ગણાતી બિહારની દલિત એવી મુસહર જાતિના અનેક લોકોના જીવનમાં અજવાળું પાથર્યું છે. ૧૯૪૪માં કેરળના કોટ્ટાયમમાં સુખી કુુટુંબમાં જન્મેલાં સુધા વર્ગીસ છ ભાઈ-બહેનોમાં સૌથી મોટા. ઘરનું પ્રથમ સંતાન હોવાથી સહુ ખૂબ વહાલ વરસાવતા. સ્કૂલમાં નૃત્ય, નાટક અને સંગીતમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા સુધા માધ્યમિક સ્કૂલના અભ્યાસ દરમિયાન એક દિવસ પુસ્તકાલયમાં ગયા. અહીં એક મેગેઝિનમાં એક તસવીર જોઈ જે બિહારની જીર્ણશીર્ણ ઝૂંપડીની હતી. એ તસવીરને ભય અને વિસ્મય સાથે જોયા કરી અને તેમના મનમાંથી એ ક્યારેય ભૂંસાઈ નહીં. એમને કલ્પના જ નહોતી આવતી કે આવી કફોડી પરિસ્થિતિમાં પણ લોકો જીવતા હશે. આ સમય દરમિયાન તેઓ નોટ્રે દેમ એકેડેમીમાં જોડાયા અને કુટુંબીજનોની અનિચ્છા હોવા છતાં કેથોલિક નન(સાધ્વી) બન્યા. ત્યારબાદ તેમણે જ્યારે બિહાર જવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે માતા-પિતાએ મંજૂરી ન આપી, પરંતુ સુધાના નાનાની સમજાવટ પછી બિહાર જવાની મંજૂરી મળી.
કેરળમાં સંપન્ન પરિવારમાં ઉછરેલ સુધા માટે બિહારમાં રહેવું સહેલું નહોતું. સૌથી મોટી મુશ્કેલી ભાષાની હતી. અંગ્રેજી થોડું આવડતું હતું. એમણે અનુભવ્યું કે હિન્દી શીખ્યા વિના તેઓ અહીં કામ નહીં કરી શકે. ત્યાંની જાતિ, જ્ઞાાતિપ્રથા અને એમના પ્રશ્નોને સમજતા એક વર્ષ લાગ્યું. મુસહરનો અર્થ થાય છે 'ઉંદર ખાનાર'. અહીં ઘણા લોકો ભીખ માગીને ફૂટપાથ પર સૂઈ રહેતા. તેમણે નોટ્રે ડેમ એકેડેમી છોડીને દાનાપુરમાં રહેવાનું નક્કી કર્યું. પહેલાં દિવસે ભારે વરસાદને કારણે આખી રાત ઝૂંપડીમાંથી પાણી કાઢવામાં જ વિતાવવી પડી. તેમણે જોયું કે આ જાતિ માત્ર ગરીબાઈ સામે જ લડતી નથી, પરંતુ વર્ષો જૂની જાતિવાદી પ્રથાનો પણ ભોગ બનેલી છે. શિક્ષણનું કોઈ નામનિશાન નહીં અને સ્ત્રીઓ વારંવાર જાતીય સતામણીનો ભોગ બનતી હતી. ત્યાં વસતા મોટાભાગના લોકો તાડી વેચીને ગુજરાન ચલાવતા હતા. તેમણે પોતાના ઘરે છોકરીઓને સીવણ અને એમ્બ્રોઇડરી શીખવવાનું શરૂ કર્યું ૧૯૮૭માં એણે સ્ત્રીઓને એના અધિકારો માટે જાગૃત કરવા 'નારી ગુંજન' નામની સંસ્થા સ્થાપી. છોકરીઓ તેમને ત્યાં શીખવા આવવા લાગી. તેઓ હંમેશા નીચું જોઈને આવતી અને પાછળ બેસતી, તેઓ પોતાના અધિકાર વિશે વાત કરી શકે એવી એમને ખબર જ નહોતી. અત્યાર સુધી એવા વાતાવરણમાં ઉછર્યા હતા કે તમારી પાસેની ખુરશી ખાલી હોય તો પણ તે જમીન પર બેસતા અને એમ જ રહેવાનું હોય એવી જડબેસલાક માન્યતા તેમના મનમાં ઠસાવી દીધી હતી. સુધા વર્ગીસે જોયું કે તેઓ જે વર્ગ સાથે કામ કરતા હતા ત્યાં તેમનું શોષણ થતું હતું, પરંતુ એમની સામે કોઈ કંઈ બોલવાની હિંમત કરતું નહીં. તેમણે ૧૯૮૯માં સ્ત્રીઓને ન્યાય અપાવવા માટે બેંગાલુરુ સ્કૂલનો બે વર્ષનો કાયદાનો અભ્યાસ કર્યો અને કાયદાની ડિગ્રી મેળવી. એક વખત ગામમાં એક છોકરી પર થયેલા બળાત્કાર અંગે પોલીસ સ્ટેશને સુધા વર્ગીસ ફરિયાદ લખાવવા ગયા. બે વર્ષમાં નવ જેટલા બળાત્કાર કેસ થયા, પરંતુ પોલીસ સ્ટેશને જતાં સહુ ભય પામતા. અહીં તેમનું કાયદાનું જ્ઞાાન કામ આવતું હતું, પરંતુ સુધા વર્ગીસ કહે છે કે ગામના કેટલાક લોકો તેમને ઇચ્છતા નહોતા. દિવસ-રાત તેઓ ભયમાં રહેતા કે આ લોકો તેમને મારી નાખશે. આવા સંજોગોમાં તેમણે વિચાર્યું કે ભય પામવાથી કામ નહીં થઈ શકે. તેથી સુધા વર્ગીસને ભય લાગતો હતો, છતાં મોં પર ક્યારેય એવું દર્શાવા ન દીધું અને તેમાં તેમને સફળતા મળી.
આ બધામાં સૌથી મુશ્કેલ કામ એમની માનસિકતા બદલવાનું હતું. સ્ત્રીઓમાં જાગૃતિ આવતી જતી હતી. તેઓ પોતાના અધિકારો વિશે જાગૃત થઈને ક્યારેક પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા જતી. જો પોલીસ ન સાંભળે તો સુધાને બોલાવી લાવતા. ગામમાં શાકભાજી ઉગાડીને થોડી આવક મેળવતા પણ થયા હતા. આટલું કામ કર્યા પછી હવે તેમને લાગ્યું કે અહીં શિક્ષણ દ્વારા પરિવર્તન આવશે. શિક્ષણથી તેઓ સમાજમાં પોતાનું સ્થાન ઊભું કરી શકશે. તેમણે ૨૦૦૬માં રાજ્ય સરકાર અને અન્ય શુભેચ્છકોની સહાયથી પ્રેરણા નામની સ્કૂલ શરૂ કરી. અહીં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તેવો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. અભ્યાસના વિષયો ઉપરાંત યોગ, ચિત્ર, સંગીત, કરાટે જેવી માર્શલ આર્ટ પણ શીખવવામાં આવે છે. અત્યાર સુધીમાં પાંચ હજાર જેટલી વિદ્યાર્થિનીઓએ આમાં ભાગ લીધો છે. ૨૦૧૧માં કરાટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં પાંચ સુવર્ણ, પાંચ રજત અને ચૌદ કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા. તે ઉપરાંત જાપાનમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય માર્શલ આર્ટ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. નારી ગુંજન દ્વારા સ્ત્રીઓને રોજગારી મળે તેવા અનેક કાર્યક્રમો થાય છે. 'નારી ગુંજન સરગમ મહિલા બેન્ડ ઘણા લોકોની પ્રશંસા પામ્યું છે. તેઓ એક પરફોર્મન્સના બે હજાર રૂપિયા મેળવે છે, જે ખેતરમાં કામ કરવા કરતાં ઘણા વધારે છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે મુસહર સ્ત્રીઓ હવે બીજાનાં ખેતરમાં કામ કરવાને બદલે જાતે ખેતી કરતી થઈ છે. એમાં મુખ્યત્વે ડુંગળીનો પાક લે છે અને એમાંના કેટલાક તો પાંચ લાખનો નફો મેળવે છે. સુધા વર્ગીસ ખુશ થતાં કહે છે કે મારી સ્ત્રીઓ ઇતિહાસ રચી રહી છે. આવતા વર્ષોમાં કદાચ એમના નામે જમીન હશે. આ તો હજી શરૂઆત છે. ૭૭ વર્ષના સુધા વર્ગીસના મુખ પર આનંદ અને સંતોષ છે તે કહે છે કે માત્ર હંગામા કરવો એ મારું લક્ષ નથી. મારો પ્રયત્ન એ છે કે પરિસ્થિતિ બદલાવી જોઈએ. તેમને આશા છે કે આ જાતિની ભૂતકાળની કરુણતાને આવનારું ઉજ્જ્વળ ભવિષ્ય ભૂંસી નાખશે. આજે જો કોઈ ફોટોગ્રાફર તસવીર પાડે તો દાયકાઓ પહેલાં સુધા વર્ગીસે જોયેલી તસવીરની જગ્યાએ આત્મવિશ્વાસથી ઉન્નત મસ્તકે હાથમાં સ્નાતકની ડિગ્રી લઈને ઉભેલી કોઈ યુવતી જોવા મળે.