જો, મને ઢોલવાળો મનીયો ય ગમે સે .
- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- પડોશણની ભાખરી કેવી છે? હુક્કીભઠ, 'દુબળી એવી કે જાણે મરશે.' આ વર્ણન ભાખરીનું હશે કે પડોશણનું?
આખી આવરદા મેં રોટલા ઘડયા
ને ઈ હંધુંય ગયું ચૂલાની માંય
પડખેવાળીએ એક ભાખરી દીધી
ઈને પયણ્યો કચડી કચડી ખાય
બાપીકા ખેતરની લીલુડી જાર
ઈને કાંડાં તોડીને અમે દળીએ
ટીપેલા રોટલામાં લાખેણું ઘી
ને ભાણું પીરસી દઈએ ફળિએ
પણ નુગરો એવો તે
લુખ્ખી ભાખરી ઓરે
ને મારા ઘીનો રેલો હાલ્યો જાય
ભેંશોનું દૂધ ને માખણના લોંદા
કૂણા ગુંદા-ગરમર હોત રાખું
શીરો કે લાપશી ઇ નકટાને દઉં
ઈની પહેલાં હું ગળપણને ચાખું
પણ ઈ હંધીય મીઠપ
કોક કુબજા લઈ ગઈ
મને મરચાં લાગ્યાં સે એવાં માંય
બજારુ લોટની હુક્કીભઠ ભાખરી
દુબળી એવી કે જાણે મરશે
કાચી કિનાર ઉપર દાઝયાના ડામ
ઢોરાં હોત ખાતાં થથરશે
પણ આપડા જ ભાયગમાં ભમરડો હોય
તો કાગડીયુ માલપુઆ ખાય
આખી આવરદા મેં રોટલા ઘડયા
ને ઈ હંધુંય ગયું ચૂલાની માંય
-દેવાંગી ભટ્ટ
ભ રતમુનિએ 'નાટયશાસ્ત્ર'માં આઠ પ્રકારની નાયિકાઓનાં વર્ણન કર્યાં છે. જેની ઉપેક્ષા કરીને નાયક અન્ય સ્ત્રીમાં રસ લેતો હોય, તેવી નાયિકા 'ખંડિતા' કહેવાઈ છે. ઉપરનું ગીત ખંડિતા નાયિકાની ઉક્તિ છે.
'આખી આવરદા'- લગ્નસંબંધ કંઈ નવોસવો નથી, કેટકેટલી તડકી-છાંયડી સાથોસાથ જોઈ લીધી છે. નાયિકામાં કોઈ વાતે કમી નથી, તે કામગરી છે, પતિપરાયણ છે, રોજેરોજ પતિ માટે રોટલા ઘડનારી છે. પરિવેશ ગામડાનો છે, માટે રોટલો સ્ટવ કે ગેસની ચૂલી પર નહિ પણ ચૂલા પર ચડાવાય છે. નાયિકાને વસવસો થાય છે: મારી પતિનિષ્ઠા ચૂલામાં ગઈ! આનું કારણ શું? 'પડખેવાળીએ એક ભાખરી દીધી'- પડખેવાળીએ ઘાસ નાખ્યું જે પયણ્યો ખાવા લાગ્યો! 'કચડી કચડી' અહીં માત્ર ભોજન પ્રત્યે નહિ પણ રતિભાવ પ્રત્યે સંકેત છે. વળી 'પડખે' એટલે પડોસમાં તો ખરું જ, પણ બીજો અર્થ દેહની બાજુમાં. નાયિકાની જાર (જુવાર) બાપીકા ખેતરની છે, ખાનદાન છે; જ્યારે શોક્ય પાસે તો 'બજારુ લોટ' છે. અહીં 'બજારુ'નો બીજો અર્થ સુજ્ઞા ભાવકને તરત સમજાશે. નાયિકા અથથી ઇતિ સર્વ કામો કરે છે : જાર વાઢે, દળે, રોટલો ટીપે, ઘી રેલાવે અને ફળિયે પીરસી આપે. પણ નાયક નુગરો (ગુણ કે ગુરુ વિનાનો) નીકળ્યો. પડોસણની લુખ્ખી ભાખરી ઓરી ગયો. (ખાવાને તુચ્છકારમાં ઓરવું કહે.) નાયિકાનો ઘીનો રેલો વ્યર્થ ગયો. (સંસ્કૃતમાં ચિકાશવાળા પદાર્થો-તેલ, ઘી- માટે અને પ્રેમ માટે એક જ શબ્દ છે : 'સ્નેહ.') નાયિકાને ખાદ્ય પદાર્થો સાથે રોજ પનારો પડે, એટલે વાનગીઓનાં નામ આવે છે: દૂધ, માખણ, ગુંદા, ગરમર, શીરો, લાપશી. કુશળ રસોઇયો રાંધતી વખતે થોડું ચાખી લે, નાયિકાએ પણ મીઠાશની ખાતરી કરી લીધી છે. પણ એ મીઠાશ કુબજા-શોક્યના ભાગ્યમાં ગઈ. મધ્યયુગનાં ગીતોમાં ગોપીઓ કુબજાની ઇર્ષા કરતી આલેખાઈ છે, તે યાદ આવે. જેમ કે ભગા ચારણના ગીતમાં: 'વ્હાલાની મરજીમાં રહેશું/ જે કહેશે તે લાવી દેશું/ કુબજાને પટરાણી કેશું રે/ એ ઓધાજી મારા વ્હાલાને વઢીને
કે'જો જી.'
પડોશણની ભાખરી કેવી છે? હુક્કીભઠ, 'દુબળી એવી કે જાણે મરશે.' આ વર્ણન ભાખરીનું હશે કે પડોશણનું? ઢોર પણ મોં ન નાખે તેવી ભાખરી! કહેવત છે ને, 'કાગડો દહિથરું લઈ ગયો,' તેને ઉલટાવીને નાયિકા મહેણું મારે છે, 'કાગડીયુ માલપુઆ ખાય.' નાયિકા નિસંકોચ બોલે છે, ભાયડાને ગાળો ચોપડે છે, માટે ધારી શકાય કે સખી પાસે હૈયાવરાળ કાઢતી હશે. આ ગીતમાં નાયિકા શોક્યને મોઢે કશું બોલતી નથી. પરંતુ દેવાંગી ભટ્ટે બીજા ગીતમાં તેને પણ આડે હાથ લીધી છે. સાંભળો :
મારા પયણા ઉપર ડોળો ડળકાવીને
વેવલી,તું ગાતી'તી ગાણું?
જા તને દીધો ઈ તયણ માસ હારું
ઈને પાલવી બતાડે તો જાણું!
આ કવયિત્રીની નાયિકા અન્ય ગીતમાં પયણાને ચેતવી દે છે :
જો,મને ઢોલવાળો મનીયો ય ગમે સે
એટલે ટણીયુ તો કરવાની નઈ જ
માપમાં રેવાનું, 'કેમ સો' કેવાનું
મોટાઈની ડંફાશ્યું કરવાની નઈ જ