મોર્નિંગ વૉકની નવી ટેકનિક... ''ઇન્ટરવલ વૉકિંગ!''
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
શરીરને સુદ્રઢ રાખવા માટે ચાલવું જરૂરી છે પરંતુ તમારા દૈનિક વૉકને થોડો વળાંક આપવાથી વધુ લાભ લઈ શકે છે. એક અભ્યાસ પ્રમાણે થોડીવાર ઝડપથી ચાલી થોડો વાર ધીમેથી ચાલવાથી શરીરને વધુ ફાયદો થશે. આ ટેકનિક ઇન્ટરવલ વૉકિંગ તરીકે જાણીતી છે.
તમે એક સરખી ઝડપે ચાલો એના કરતાં ઇન્ટરવલ વૉકિંગ ટેકનિકથી ચાલો તો તમારા હૃદયની ચૂસ્તિ વધે છે. જો તમે ધીમા-ફાસ્ટનું ચક્ર ચાલુ રાખશો તો હૃદયના ધબકારા વધારી શકશો, વળી કેલરી પણ વધુ બાળી શકશો.
ચાલતી વખતે તમે ઢોળાવનો ઉપયોગ પણ કરી શકો. તમારી ક્ષમતા પ્રમાણે થોડું વજન લઈને પણ ચાલી શકો. જો તમને વૉક દરમ્યાન પીડા થાય કે ચક્કર આવે તો ડૉક્ટરની સલાહ લેવી આવા ચિન્હો ટાળવા નહિ.
ચાલતી વખતે પાણીની બોટલ સાથે રાખો એટલે ડિહાઇડ્રેશન ના થાય. બીજી ટેકનિક પ્રમાણે તમે વૉક અપ થાવ ઝડપથી ચાલો અને ઠંડા એવા ૩ ચક્રો પણ અપનાવી શકો. શરૂઆતમાં થોડી મિનિટ ચાલો. પછી સમય વધારતા જાવ. તમે સવારે કે સાંજે ચાલી શકો છો.
વહેલી સવારે ચાલવાની મજા ઓર જ હોય છે. વહેલી સવારે પ્રદૂષણ ખૂબ થોડું અને પ્રાણવાયુની માત્રા હવામાં વધુ હોવાથી ચાલવું ખૂબ ફાયદાકારક છે. ૪૦ મિનિટ દિવસમાં પાંચ વખત ચાલવું બધા માટે જરૂરી છે. તમારી ચાલવાની સ્પીડનો આધાર તમારા સ્વાસ્થ્ય પર છે. પરંતુ એક મિનિટના ૧૨૦ પગલાં શ્રેષ્ઠ છે આપણી આર્મીની પરેડ આ સ્પીડે થાય છે.
જો તમે આ સ્પીડે ચાલી ના શકો તો થોડું હાંફી ગયા હોય તેવું લાગે ત્યાં સુધીની સ્પીડે ચાલવું પરંતુ તે પહેલાં તમારી ક્ષમતાનું માપ ડૉક્ટરના ટ્રેડ મીલ ટેસ્ટ વડે કઢાવી લેવું. હૃદયની ક્ષમતાથી વધુ ચાલવાના ઊત્સાહમાં તમારૂ હૃદય પણ ખેતરના બળદની માફક બેસી જવાનો ભય હોય છે !
ચાલવા માટેનો સમય અને સ્પીડ જાણ્યા પછી કેવાં વસ્ત્રો અને શૂઝ પહેરીને ચાલવું એ અગત્યનું છે. હળવા વસ્ત્રો, પરસેવો ચૂસે એવા વસ્ત્રો અને સારી ગુણવત્તાવાળા શૂઝ પહેરીને ચાલવું એવો અભિપ્રાય કાર્ડિયોલોજીસ્ટનો છે અયોગ્ય શૂઝ તમારા મસલ્સ અને હાંડકાને ઈજા પહોંચાડશે. બીજું ચાલતી વખતે આખા શરીરનું વજન પંજા પર આવે છે જે બે થી ત્રણ ઘણું હોય છે. એટલે પંજાને રક્ષણ આપવું ખૂબ જરૂરી છે. પગરખાં એવા પસંદ કરો કે ચાલતી વખતે પંજાને અંગુઠા પાસે અડધો ઇંચ ઉપર આઘાપાછા થવાની સગવડ મળી શકે છે.
શૂઝના સોલ જાડા અને શોફ્ટ હશે તો કુશનિંગ મળશે. ચંપલ કે સ્લીપર પહેરીને ચાલવું હાનિકારક છે. તેનાથી પગ પછડાય છે અને સ્નાયુને ઈજા પહોંચે છે. આગળના ભાગ કરતાં પાછળની હીલ અડધોથી પોણો ઇંચ ઊંચું હોવી જોઈએ. હવે આવા અનેક સંશોધનો પછી ચાલવાના અને દોડવાના શૂઝ અલગ અલગ ગુણવત્તાં સાથે મળે છે.
શિયાળામાં એક જાડા વસ્ત્ર કરતાં બે કે તેથી વધુ પાતળા સ્તરો સારી ગરમી આપશે. આ સ્તરો વચ્ચે ગરમ હવા જળવાઈ રહેશે...! શોર્ટ સ્લીવ અને શોર્ટ પેન્ટને ઠંડી ઋતુમાં રજા આપવી સારી.
ચાલવું શા માટે જરૂરી છે ? ઉત્તર છે ફિટનેસ જાળવવા ચાલવું જરૂરી છે. ચોક્કસ ધ્યેયથી ચાલી કેલરી બાળવી જરૂરી છે. તમારે ચરબી અને વજન બન્ને ઘટાડવા હોય તો આહાર અને વ્યાયામનું સમતુલ સંયોજન ખૂબ જરૂરી છે.
કસરતથી શરીરના મેટાબોલિઝમની ક્રિયા ઝડપી રહે છે. તમે યોગ્ય રીતે ચાલશો તો આખો દિવસ ચયાપચયની ક્રિયા વધુ રહેશે અને કેલરી બળતી રહેશે...!