બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરાવનારો મહામંત્ર!
- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ
માર્કંડેયપુરાણમાંથી જેનું પ્રાકટય થયું છે એવા પ્રધાન શાક્તગ્રંથ 'શ્રીદુર્ગાસપ્તશતી'માં અપાયેલો નવાર્ણ મંત્ર અને મા લલિતા મહાત્રિપુરસુંદરી જેનાં અધિાત્રી દેવી છે, એ 'શ્રીવિદ્યા સાધના'ના પંચદશી મંત્ર વચ્ચેની સામ્યતા અને ઉલ્લેખ અંગે જાણકારી મેળવવાના ઉદ્દેશ્ય સાથે 'શ્રીદેવીઅથર્વશીર્ષમ્'ના વિભિન્ન શ્લોકોમાં છુપાયેલાં ગૂઢાર્થોને ઉલેચવાની લેખમાળાનો આ બીજો મણકો છે.
નવાર્ણ મંત્ર છે: ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે. (જેમને મંત્રદીક્ષા પ્રાપ્ત થઈ ચૂકી હોય, તેવા સાધકો માટે ઓમ અર્થાત્ પ્રણવબીજનું ઉચ્ચારણ વૈકલ્પિક હોય છે, પરંતુ જેમને દીક્ષા પ્રાપ્ત ન થઈ હોય, એ સાધકોને મંત્રદોષમાંથી મુક્તિ મેળવવા માટે પ્રણવબીજનું ઉચ્ચારણ કરવાની સલાહ આપવામાં આવે છે.)
નવ અક્ષરનાં આ મંત્ર વિશે અથર્વશીર્ષમાં ૧૮મો (૧+૮=૯) શ્લોક જણાવે છે,
वियदीकारसंयुक्तं वीतिहोत्रसमन्वितम् ।
अर्धेन्दुलसितं देव्याबीजं सर्वार्थसाधकम् ।।
ભાવાર્થ: 'વિયદીકાર' શબ્દ 'વિયત્' અને 'ઈકાર' એમ બે શબ્દોની સમન્વય સાથે બનેલો સંધિ શબ્દ છે, જેનો અર્થ છે: વિયત્ અર્થાત્ આકાશ (હ) તથા 'ઈ' કારથી યુક્ત! એ પછીનો શબ્દ: 'વીતિહોત્રસમન્વિતમ્' જેનો અર્થ છે, વીતિહોત્રને પોતાની ભીતર સમાહિત કરી ચૂકેલ. વીતિહોત્ર એટલે કે અગ્નિ (ર) સહિત! અર્ધેન્દુલસિતં અર્થાત્ અર્ધચંદ્ર અથવા 'ચંદ્રબિંદુ સાથેનો અનુસ્વાર'. ત્રણ વર્ણ - હ, ર, ઈ - અને એના ઉપર ચંદ્રબિંદુ સાથેનો જે બીજમંત્ર (દેવીબીજ) છે, એ સર્વ પ્રકારનાં મનોરથ પૂર્ણ કરનાર છે. આ બીજમંત્ર એટલે 'હ્રીં'! માયાબીજ. મહાલક્ષ્મીનો બીજમંત્ર.
ભાવાર્થ: આ એકાક્ષર (હ્રીં)નો જાપ, એ સાધકો કરે છે જેમનું ચિત્ત શુદ્ધ છે તથા જેઓ પરમાનંદથી પરિપૂર્ણ છે અને જ્ઞાનનો સાગર છે. (ધ્યાનાકર્ષક વાત એ છે કે માયાબીજને વાસ્તવમાં દેવીપ્રણવ માનવામાં આવે છે. ઁકારના જાપથી જે ફળ મળે છે, એ જ પરિણામ દેવીપ્રણવ - હ્રીં - નાં જાપથી પણ મળે છે. શ્રીદુર્ગાસપ્તશતી અનુસાર, પ્રણવબીજ - ઁ - ની જેમ જ દેવીપ્રણવ - હ્રીં - નાં પણ વ્યાપક અર્થોની ચર્ચા થઈ શકે, પરંતુ સંક્ષિપ્તમાં કહેવું હોય તો, માયાબીજનો અર્થ ઈચ્છા-જ્ઞાન-ક્રિયાધાર, અદ્વૈત, અખંડ, સચ્ચિદાનંદ અને શિવશક્તિસ્ફુરણ જેવાં વિસ્તૃત અને ગહન શબ્દો સાથે જોડી શકાય.)
ભાવાર્થ: વાંગ (વાક્ -બીજ અર્થાત્ ઐં), માયા (હ્રીં), બ્રહ્મસૂ-કામબીજ (ક્લીં), ષં એટલે છઠ્ઠો વર્ણ - ચ, જે વક્ત્ર અર્થાત્ 'આ'કારથી યુક્ત (જેનો અર્થ છે, 'ચ'ની સાથે 'આ' જોડી દઈએ તો, બનશે 'ચા'), સૂર્ય (મ), 'અવામ શ્રોત્ર' - દક્ષિણ કર્ણ (ઉ) અને બિંદુ અર્થાત્ અનુસ્વારથી યુક્ત (મું), 'ટ'કારથી ત્રીજો વર્ણ ડ, જેની સાથોસાથ નારાયણ અર્થાત્ 'આ'થી મિશ્રિત સ્વર ઉમેરવામાં આવે તો એ બની જશે 'ડા'! વાયુ (ય) અને અધર અર્થાત્ હોઠ વડે જેનું ઉચ્ચારણ સંભવ છે એવા વર્ણ 'ઐ'થી યુક્ત સ્વર એટલે 'યૈ' અને 'વિચ્ચે'! આ નવાર્ણમંત્ર સાધકોને આનંદદાયક ઉપરાંત પરબ્રહ્મ સાથે મિલન કરાવનારો છે!
ઉપરોક્ત તમામ વર્ણોનો સરવાળો કરવાથી મળશ: ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે.
આ શબ્દનો શાબ્દિક અર્થ કંઈક આ પ્રમાણે કરી શકાય: હે ચિત્સ્વરૂપિણી મહાસરસ્વતી! હે પાલનકર્તા મહાલક્ષ્મી! હે આનંદરૂપિણી મહાકાલી! બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા માટે અમે આપનું સ્મરણ કરીએ છીએ. હે મહાકાલી-મહાલક્ષ્મી-મહાસરસ્વતીસ્વરૂપિણી ચંડિકા, આપને નમસ્કાર છે. અવિદ્યારૂપી ગાંઠને ખોલી મને મુક્તિ પ્રદાન કરો.
નવાર્ણ મંત્ર એ બ્રહ્મવિદ્યાથી બ્રહ્માંડવિદ્યા (શ્રીવિદ્યા) સુધીની યાત્રા કરાવનારો મંત્ર છે. સાક્ષાત્ આદિ પરાશક્તિની પ્રચંડ દિવ્યઊર્જાને પોતાની ભીતર ધરબીને બેઠેલો નવાર્ણ મંત્ર વાસ્તવમાં દેવી માનું વાંગમયસ્વરૂપ છે, એમની ધ્વનિઊર્જા છે. નવાર્ણ મંત્રનાં ઉચ્ચારણ સમયે મોટાભાગના સાધકો બીજમંત્રોને અંતે 'મ્'નું ઉચ્ચારણ કરે છે, પરંતુ સાચી રીતે અને સંસ્કૃત-વ્યાકરણના દ્રષ્ટિકોણથી નવાર્ણ મંત્રના ત્રણેય બીજમંત્રોને અંતે 'અંગ્'નું ઉચ્ચારણ થવું જોઈએ. ઐમ્ નહીં, ઐંગ્ હ્રીમ્ નહીં, હ્રીગ્. ક્લીમ્ નહીં, ક્લીંગ્.
'અંગ્'નું ઉચ્ચારણ પણ એટલી સૂક્ષ્મ રીતે થવું જોઈએ કે નાસિકાસ્વરનો પ્રયોગ થાય. 'અંગ્' ઉપર ભાર દઈને એનું સ્પષ્ટ રીતે ઉચ્ચારણ કરવાની જરૂર નથી. ખરું ઉચ્ચારણ તો એને કહેવાય, જેમાં સાધકને સ્વયંને જ ખ્યાલ આવે કે તેણે 'મ્'નું ઉચ્ચારણ કર્યુ છે કે 'અંગ્'નું!