બધું દેખાય છે એવું હોતું નથી .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- બીજા દિવસે સવારે બધા પોતાના રૂટિન પ્રમાણે કામગીરી પતાવીને ઓફિસ ચાલ્યા ગયા. દિવ્યા પણ ઓફિસ જતી રહી અને રેખા ફિયાએ એ દિવસે પણ પોતાનું ભાષણ ચાલું રાખ્યું
'કેતકી, તને ભાન પડે છે. છોકરા-વહુને આટલી બધી છુટ કેવી રીતે અપાય. આ રીતે તો બધા માથે ચડી જશે. તમારું માન-અપમાન કોઈને કંઈ ફેર પડશે જ નહીં. આપણે ઘરમાં હાજર હોઈએ કે ન હોઈએ, ઘરનું તંત્ર આપણે કહ્યું હોય તેવું જ ચાલવું જોઈએ. આ તારી વહુ ઘરમાં જીન્સ-ટીશર્ટ પહેરીને ફરે છે. દસ વાગે એટલે ટપટપ કરતી પાકીટ લટકાવીને નોકરો કરવા ઉપડી જાય છે. સાંજે આવે ત્યારે ઘરનું કામ કર્યું ન કર્યું ત્યાં તો પોતાના વરને લઈને રૂમમાં પુરાઈ જાય છે. આ રીતે ઘર રખાય. આપણો દાબ તો હોવો જ જોઈએ.' - રેખાબેને કડક શબ્દોમાં કહ્યું.
'મોટી બેન, આજના જમાનામાં તું આવું ક્યાં વિચારે છે. નવી પેઢી નોકરી કરે છે, છોકરા મોટા કરે છે, ઘર સાચવે છે પછી તેમના ઉપર કારણ વગરનું દબાણ શા માટે ઊભું કરવાનું. અમારા ટાઈમે જમવાનું મળે છે, નાસ્તો મળે છે, અમારે કોઈ કામ કરવા પડતા નથી. ઘરમાં કામ કરવા માટે દિવ્યા હાજર હોય છે અને તેની ગેરહાજરીમાં અમારે કોઈ કામ કરવા પડતા નથી. કામવાળા આવીને કામ કરી જાય છે. બે ટાઈમ રસોઈ કરવાની હોય તો તેમાં તો બંને ટાઈમ દિવ્યા કરી જ લે છે. એનાથી વધારે શું જોઈએ.' - પ્રવીણભાઈ બોલ્યા અને કેતકીબેનના ચહેરા ઉપર આછકલું સ્મિત આવી ગયું.
'ભલે, તમને દાબમાં રાખવાનું યોગ્ય લાગતું નથી તો ભોગ તમારા. ભવિષ્યમાં કંઈક આઘુપાછું થાય તો રડતા રડતા મારી પાસે ના આવતા. છોકરો અને વહુ ઘરમાંથી કાઢી મુકે ત્યારે ક્યાં જશો એ પણ વિચારી રાખજો. ઘર તો તમે વિહાંગના નામે કરી દીધું છે. જુનું ઘર વેચી માર્યું છે એટલે હવે તમારી પાસે તો મરણમૂડી પણ વધી નહીં હોય. ભગવાનની દયાથી પેન્શન આવે છે એટલે હાથખર્ચ તો નિકળી જશે પણ રહેશો ક્યાં તેનો વિચાર કરજો. નિકળ્યા છે નવાઈના વહુને લાડ લડાવવાવાળા.' - રેખાબેને ગુસ્સામાં કહ્યું અને ત્યાં જ દિવ્યાએ ઘરમાં પ્રવેશ કર્યો.
દિવ્યાના ચહેરાના ભાવ બદલાઈ ગયા. તેને જોઈને સમજાઈ ગયું કે, રેખા ફીયાએ જે કહ્યું છે તે બધું જ તેણે સાંભળી લીધું છે. દિવ્યા કશું જ બોલ્યા વગર પોતાના રૂમમાં જતી રહી અને ફ્રેશ થઈને કપડાં બદલીને બહાર આવી.
'મમ્મી તમે લોકોએ ચા-પાણી કર્યા કે બાકી છે. રેખા ફિયા માટે હું ગરમા ગરમ પેટીસ લઈને આવી છું. આજે ઓફિસમાં હાફ ડે કર્યો હતો. આવતા અઠવાડિયે દાદાની પચ્ચીસમી તિથી છે એટલે વિહાંગે કહ્યું હતું કે, હવેલીએ જઈને રાજભોગ નોંધાવી આવું. હું ત્યાં ગઈ હતી એટલે આવતા આવતા બધા માટે પેટિસ લેતી આવી. પપ્પાને બહુ ભાવે છે એટલે જ લાવી.' - દિવ્યા એટલું બોલીને પેટિસનું પેકેટ ત્યાં જ ટેબલ ઉપર મુકીને ડિશ લેવા રસોડામાં ગઈ.
'દિવ્યા મારા માટે થોડી ચા મુકજે. તારા સાસુ-સસરાએ તો જાતે બનાવીને ચા પી લીધી છે.' - રેખા ફિયાએ ભારે અવાજમાં કહ્યું.
'હા ફિયા. તમારા માટે તો ચા મુકવાની જ છું. તમારા માટે તો સ્પેશિયલ પેલા દશરથની દુકાનેથી ચા નો મસાલો પણ લેતી આવી છું. તમને થોડી તીખી ચા જોઈએ છે મને યાદ છે. તમે આવવાના હતા એ વાત જરા ધ્યાન બહાર જતી રહી બાકી પરમદિવસે જ લેતી આવતી. સોરી હોં એક દિવસ લંબાઈ ગયો.' - દિવ્યાએ રસોડામાંથી જ જવાબ આપ્યો અને કેતકીબેન ધીમે રહીને હસી પડયા. પ્રવીણભાઈ પણ સ્મિત કરતા કરતા ઊભા થયા.
સાંજે ચા-નાસ્તો થયા અને રાત્રે ભોજન કર્યા બાદ બધા પોત-પોતાના રૂમમાં ગયા. લગભગ રાત્રે અગિયાર વાગ્યે કેતકીબેનના રૂમના દરવાજે ટકોરા પડયા. પ્રવીણભાઈએ દરવાજો ખોલ્યો તો વિહાંગ અને દિવ્યા ઊભા હતા. બંને અંદર આવ્યા અને બેડની પાસે પડેલી ખુરશીઓમાં ગોઠવાયા.
'મમ્મી, ફિયા હજી ત્રણ દિવસ રહેવાના છે. તો દિવ્યાને ત્રણ દિવસ ઓફિસમાં રજા લેવડાવી લઉં.' - વિહાંગે કહ્યું.
'કેમ રજા, શું થયું. ફિયાએ કશું કહ્યું તને.' - કેતકીબેનના અવાજમાં ચિંતા આવી.
'મમ્મી, વાત એવી છે કે, ફિયા મારા કારણે તમને બંનેની સાથે ગમેતેમ વાત કરે છે એ મને ગમતું નથી. ફિયાને વરસમાં આવવું બે-ચાર દિવસ અને તમને ખખડાવી જાય એ અમને નહીં ગમે. આજે સાંજે પણ કેવું બોલતા હતા.' - દિવ્યાએ ફોડ પાડયો.
'બેટા એનો સ્વભાવ જ આકરો છે. પહેલેથી તારા દાદી જેવી જ છે. પોતાના ઘરમાં પણ આવી જ રીતે રહેતી હશે. હવે આ ઉંમરે સ્વભાવ બદલાવાનો નથી. આપણે ત્યાં આવે ત્યારે થોડું સહન કરી લેવું. થોડું જતું કરી લેવાનું.'-પ્રવીણભાઈએ દિવ્યાના માથે હાથ મુકીને સાંત્વના આપતા કહ્યું.
'તારે કંઈ રજા પાડવાની જરૂર નથી. બે-ચાર દિવસ આમ નીકળી જશે. તમે લોકો ચિંતા કર્યા વગર તમારું રૂટિન ચાલું રાખો. અમારે સાંભળવું પડશે તે અમે જોઈ લઈશું. અમને ફરક નથી પડતો તો પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી.' - કેતકીબેન બોલ્યા. તેમની વાત સાંભળીને બંને જણા નિરાંતે પોતાના રૂમમાં જતા રહ્યા.
બીજા દિવસે સવારે બધા પોતાના રૂટિન પ્રમાણે કામગીરી પતાવીને ઓફિસ ચાલ્યા ગયા. દિવ્યા પણ ઓફિસ જતી રહી અને રેખા ફિયાએ એ દિવસે પણ પોતાનું ભાષણ ચાલું રાખ્યું. સાંજે દિવ્યા આવી અને તેણે જમવામાં કાઠિયાવાડી ભાણું બનાવ્યું. ગરમા ગરમ ઓળો, લસણની ચટની, છાશ, રોટલો, વઘારેલી ખિચડી અને ઘી-ગોળ તથા આથેલાં મરચાં. બધા મિજબાની ઉડાવતા હતા ત્યાં કેતકીબેનનો ફોન રણક્યો.
'મામી, જય શ્રી કૃષ્ણ... આશીર્વાદ આપો આજે મારો જન્મદિવસ છે. મારા સાસુમાને ફોન આપોને. તેમનો ફોન બંધ આવે છે.' - સામેના છેડેથી રેખાબેનની વહુ અપેક્ષાનો અવાજ આવ્યો.
'ખુશ રહેજે દીકરા... ભગવાન તારી બધી ઈચ્છા પૂરી કરે.' - કેતકીબેને એટલું કહીને ફોન રેખા બેનને આપ્યો અને ત્યારબાદ પ્રવીણભાઈ અને વિહાંગે પણ વાત કરી. દિવ્યા ગરમા ગરમ રોટલા લાવતી હતી ત્યાં વિહાંગે સ્પીકર ઉપર ફોન કરીને દિવ્યાને વાત કરાવી.
'ભાભી, હેપ્પી બર્થ ડે. બોલો શું મોકલાવું. શું અપેક્ષા છે તમારી.' - દિવ્યાએ કહ્યું.
'કંઈ નહીં ભાભી, તમારા ઘરે મારી સાસુને વધારે પંદર દિવસ રાખો એટલે મારી આખા વર્ષની ભેટ આવી ગઈ.' - અપેક્ષા બોલી અને આ તરફ સન્નાટો છવાઈ ગયો.
'દિવ્યા... તારી હિટલર ફોઈને તું રાખ થોડા દિવસ એટલે અહીંયા અમારું ઘર ઘર જેવું રહે. આ છોકરીને મેં લગભગ એકાદ વર્ષે હસતા જોઈ છે. બે દિવસથી એટલી રાહત લાગે છે. અમને બધાને ભેટ આપી દે, અપેક્ષાના જન્મ દિવસે.' - રોહિત ફુવા બોલ્યા અને હસી પડયા. વિહાંગે તરત જ ફોન સ્પીકર ઉપરથી નોર્મલ કરી દીધો અને ફુવા સાથે વાત કરીને કોલ કટ કરી દીધો. રેખા ફિયા ખુરશી પરથી ઊભા થઈને બહાર હિંચકે જતા રહ્યા.
'મોટીબેન, દર વખતે આપણે જે જોઈએ છીએ અથવા તો આપણને જે દેખાય છે તેવું હોતું નથી. તમારા ઘરની સ્થિતિ આજે જે રીતે બહાર આવી તે ક્યારેય તમે જોઈ જ નહોતી પણ અમે અનુભવતા હતા. તેના કારણે જ આ ઘરમાં મુક્ત વાતાવરણ રાખ્યું છે. સંતાનોને સ્વતંત્રતા આપવી જોઈએ અને નિરિક્ષણ પણ રાખવું જોઈએ. તેમની સાથે મિત્ર બનીને રહીશું તો વધારે આનંદ આવશે. નવી આવનારી વ્યક્તિને દીકરી માની લો તો સાસુ થવાની જરૂર જ નહીં પડે તે પણ તમને મા-બાપની જેમ જ રાખશે. આટલી નાની વાત છે પણ આપણે સમજતા નથી અને દુ:ખી કરીએ છીએ અને જાતે પણ દુ:ખી થઈએ છીએ.' - કેતકીબેને કહ્યું અને રેખાબેન રડી પડયા.
'ફિયા, આ સાડી લાવી છું, આમ તો તમારા માટે હતી પણ હવે અપેક્ષા ભાભીને આપી દેજો અને કહેજો કે તમારા તરફથી ભેટ છે. એ તમને ભેટી ના પડે તો કહેજો. લાગણીઓને થીજાવી દેશો તો બધા ધ્રુજશે પણ જો વહેતી રાખશો તો બધું જ હુંફાળું રહેશે અને જીવંત રહેશે. તમને પણ આનંદ આવશે અને બીજાને પણ.' - દિવ્યાએ રેખાફિયાના હાથમાં સાડી મુકતા કહ્યું.
'સોરી દીકરા... અને થેંક્યુ દીકરા...' - રેખાબેને સાડી બાજુમાં મુકીને દિવ્યાનો હાથ પકડતા કહ્યું અને બધાના ચહેરા ઉપર સ્મિત દોડી આવ્યું.