પૂજા પરાજિત થઈ નહીં! .
- આજકાલ-પ્રીતિ શાહ
- ટૅક ઇન્ડસ્ટ્રીમાં સમાન કૌશલ્ય હોવા છતાં પુરુષોની સરખામણીમાં મહિલાઓનો પગાર વીસથી ત્રીસ ટકા ઓછો છે
પુણેના પારંપરિક સંયુક્ત કુટુંબમાં પૂજા બાંગડનો જન્મ થયો હતો. પૂજા અભ્યાસમાં હોશિયાર હતી, પણ પરિવારમાં એવી માન્યતા હતી કે દીકરીને વધુ ભણાવીશું તો તેના માટે યોગ્ય મુરતિયો શોધવો મુશ્કેલ થશે. એવી પણ માન્યતા હતી કે દીકરીને બહુ ભણીને શું કરવું છે? તેનો સામાજિક નિર્વાહ ચાલે અને લગ્નમાં કોઈ મુશ્કેલી ન આવે એટલો અભ્યાસ તો બહુ કહેવાય. અભ્યાસમાં તેજસ્વી પૂજાએ મુક્તાંગન ઇંગ્લિશ સ્કૂલમાંથી ૨૦૧૨માં બારમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરીને પુણેની સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. સ્નાતક થયા પછી બ્રિટનમાં અભ્યાસ સાથે નોકરી કરવાની સારી તક મળી. પરંતુ પરિવારે તેને વિદેશ જવાની મંજૂરી ન આપી.
તેણે પુણેમાં જ કમ્પ્યૂટર સાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી, તો પણ સગાંવહાલાં કહેતા હતા કે આટલું ભણીને શું કરશે ? વિદેશ જવા ન મળ્યું તેનું દુ:ખ એટલું હતું કે તે સમયે જ પૂજાએ નક્કી કર્યું કે તે પોતે જાતે કામ શોધીને પગભર થશે. જાણીતી બહુરાષ્ટ્રીય કંપનીમાં એને નોકરી મળી અને આત્મનિર્ભર બનવાનું તેનું સ્વપ્ન સાકાર થયું. તેણે જોયું કે મહિલા કર્મચારીઓ કરતાં પુરુષ કર્મચારીઓને બહાર જવાની તક વધારે મળતી હતી. તેમનું પ્રમોશન પણ ઝડપથી થતું હતું તો બીજી બાજુ મહિલા કર્મચારીનો મહત્ત્વની બાબતમાં કોઈ મત પણ લેવામાં આવતો નહોતો. આ ઉપરાંત તેણે એ પણ અનુભવ્યું કે કોઈ કારણસર લાંબી રજા પર હોય, લગ્ન કે માતા બનવા નોકરીમાં બ્રેક લીધો હોય તો તેને ફરી નોકરી મળવી મુશ્કેલ બનતી હતી.
પૂજા આ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માગતી હોય, ત્યારે તેને તેની કૉલેજનો સહાધ્યાયી તેજસ કુલકર્ણી યાદ આવ્યો, જે સમાન વિચારધારા ધરાવતો હતો. બંનેએ પોતપોતાની નોકરી છોડી અને ટેલીમર્જ આઈટી સર્વિસિસ પ્રા. લિ.ની શરૂઆત કરી. ૨૦૨૦માં શીવર્કડોટઈન (જીરીઉિં.ૈહ)નો જન્મ થયો. આ પ્લેટફોર્મ દ્વારા તે મહિલાઓને ટૅક્નૉલૉજીના ક્ષેત્રે કારકિર્દી શરૂ કરવાની તક આપે છે. પોતાના અનુભવે પૂજા એમ ઇચ્છતી હતી કે મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને, જેથી માતા-પિતા, પતિ કે પરિવાર તેના પર ખોટી રીતે દબાણ ન લાવી શકે અને પોતાનું કાર્યક્ષેત્ર પોતે પસંદ કરે. પૂજા બાંગડ કહે છે કે, 'અમારું મુખ્ય ધ્યાન મહિલા પ્રતિભાઓની સમસ્યા પર જ નથી, પરંતુ તે કંપનીઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે, જે તેમનામાં વિશ્વાસ મૂકીને તેમને તક આપે છે, તેથી બંને વચ્ચે સંતુલન જળવાય તે રીતે કામ કરીએ છીએ.'
શીવર્ક વધુ મહિલાઓને નોકરી મેળવવામાં મદદ કરે છે. તેઓ મહિલાઓ માટે વિશેષ નીતિ બનાવવાનું નથી કહેતા, પરંતુ સમાવેશી નીતિ બનાવવા માટે આગ્રહ સેવે છે. પુરુષોને જે તક મળે છે તે મહિલાઓને પણ મળી રહે, તેવો તેમનો પ્રયત્ન છે. આજે ટૅક ઇન્ડસ્ટ્રીમાં સમાન કૌશલ્ય હોવા છતાં પુરુષોની સરખામણીમાં મહિલાઓનો પગાર વીસથી ત્રીસ ટકા ઓછો છે. આજે શીવર્ક ટૅક મહિન્દ્રા, રીબેલ ફૂડ્સ, ડેલ, ટીસીએસ જેવી મોટી કંપનીઓ ઉપરાંત દોઢસો કંપનીઓ સાથે જોડાણ ધરાવે છે. શીવર્ક વેબસાઇટ અડતાળીસ કલાકમાં નોકરી અપાવવામાં મદદ કરે છે. આજે આ વેબસાઇટ સાથે વીસ હજાર જેટલી વ્યક્તિઓ જોડાયેલી છે, જેમાં એંશી ટકા મહિલાઓ છે. કંપનીઓને વ્યક્તિઓના બાયોડેટા આપે છે, ત્યારે તેઓ નામની સાથે તેનો અનુભવ, તેનું કૌશલ્ય, જે પ્રોજેક્ટ પર વ્યક્તિએ કામ કર્યું છે. તેની ભૂમિકા, જવાબદારીઓ વગેરે બાબતો પર વધુ ભાર મૂકે છે. તેની વૈવાહિક સ્થિતિ, ઉપનામ કે લિંગ જેવી બાબતો પહેલાં કહેતા નથી, પરંતુ એનો અર્થ એવો નથી કે તેઓ મહિલાઓને જ નોકરીની તક માટે પ્રયત્ન કરે છે, પરંતુ ટૅકનૉલૉજી ક્ષેત્રે તેમને વધુ તક મળે તેવો પ્રયત્ન કરે છે.
શીવર્ક પ્રોજેક્ટ મેનેજર, ડિઝાઈનર, મોબાઈલ આધારિત એપ્લીકેશન ડેવલપર્સ, વેબ-આધારિત એપ્લીકેશન ડેવલપર્સ, ફંડ અન્ડ, બેક એન્ડ, ફુલ સ્ટેક ડેવલપર્સ, ટેસ્ટર વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પૂજા બાંગડ આટલા પ્રયત્નો અને અનુભવને અંતે કહે છે કે કંપનીઓ ભરતી કરતી વખતે મહિલાઓ પ્રત્યે પૂર્વગ્રહ રાખે છે. જ્યાં સુધી પુરુષ કર્મચારી મળતા હશે ત્યાં સુધી મહિલાઓને તક નથી મળતી તે વાસ્તવિકતા છે. એક હકીકત એ પણ છે કે સ્ત્રીઓને પરિવાર, ઘરના કામ અને ઑફિસના કામ વચ્ચે સંતુલન કરવાનું હોય છે, ત્યારે પરિવારજનોની મદદ મળે તે જરૂરી છે. વિદેશનો પ્રવાસ કરતાં પૂજા બાંગડે જોયું કે ઘણા દેશો વ્યવસાયી મહિલાઓને ઘણી સગવડ પૂરી પાડે છે. સિડનીની યાત્રા દરમિયાન તેણે જોયું કે માતાઓ માટે ઘોડિયાઘર અને ફીડિંગ રૂમની સુવિધા હતી. ભારતમાં પણ કંપનીઓએ આવી સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ અને સમયની સાથે તાલ મિલાવીને આગળ વધવું જોઈએ. પૂજાએ શીવર્ક અંતર્ગત ગાયનો-કેર કાર્યક્રમ શરૂ કર્યો છે, જે તેની સાથે જોડાયેલી કંપનીઓના સહયોગથી મહિલા આઈ.ટી. વ્યવસાયીઓ માટે નિ:શુલ્ક સ્વાસ્થ્ય તપાસ શિબિર આયોજિત કરે છે. પૂજા શીવર્કના પ્લેટફોર્મ દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા અવિરત પ્રયત્ન કરે છે.
મેનેજરમાંથી રવિ ખેડૂત બન્યા !
અત્યારના આધુનિક ખોરાકમાં કોઈ પણ વસ્તુ ખાવા માટે લોભામણું તત્ત્વ ઘણું હોય છે, પરંતુ પોષક તત્ત્વો ઓછા જોવા મળે છે
આંધ્રપ્રદેશના એક નાનકડા ગામમાં જન્મેલા રવિ દરલાપુડી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા. તેમની ફેક્ટરીના વિસ્તારમાં હંમેશાં ભારે પ્રદૂષણ અને ધૂળ ઊડતી જોવા મળતી. તેમને થતું કે આ બધું ક્યાં જમા થતું હશે, પરંતુ તેઓ આવો વિચાર કરીને અટકી જતા અને રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ જતા. આ બધા પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે રવિ દરલાપુડીએ બહુ રાહ જોવી પડી નહીં. એમણે એક અહેવાલ વાંચ્યો જેમાં જણાવ્યું હતું કે પ્રદૂષણમાં ઝેરી જંતુનાશકો ભળીને અનેક રોગોને આમંત્રણ આપે છે અને તેમાં કૅન્સરના નવા પ્રકારનાં જીવાણુઓ પણ મળી આવ્યાં છે. આથી રવિ દરલાપુડીએ અનુમાન કર્યું કે આવા પ્રદૂષિત વાતાવરણ અને જંતુનાશકોવાળો બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાના કારણે જ તેમના ઘણા મિત્રો અને સગાંવહાલાં ડાયાબીટીસ, અપચો અને પેટના દર્દથી પીડાતા હશે. તેમણે વિચાર્યું કે પોલીશ કરેલા ચોખાને બજારમાં 'કાર્બોહાઇડ્રેટ-રીચ' કહીને વેચવામાં આવે છે, પરંતુ તેમાં સ્ટાર્ચ એટલો બધો હોય છે કે તે શરીરમાં બહુ ઝડપથી સુગર વધારવાનું કામ કરે છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્ષ ઘણો ઊંચો છે.
તેને થયું કે આ કોર્પોરેટ ક્ષેત્રની નોકરી છોડી ગામમાં પોતાની જમીન ઉપર ખેતી કરવી જોઈએ. છેવટે ૨૦૧૫માં નોકરી છોડીને પોતાના ગામમાં પાંચ એકર જમીન પર ખેતીની શરૂઆત કરી. તેમણે તેના બેકયાર્ડમાં ખેતી કરીને એક નાની ક્રાંતિનું સર્જન કર્યું. ભૂતકાળને યાદ કરતાં કહે છે કે તેમના દાદાના સમયમાં બેકયાર્ડમાં રસોડું ચાલતું હતું અને ઘરના બગીચામાં શાકભાજી ઊગાડવામાં આવતા હતા. તે સમયની અને અત્યારની ખાણીપીણીમાં કેટલો વિરોધાભાસ જોવા મળે છે તેમ જણાવીને તેઓ કહે છે કે આજે ઘરની આસપાસની જમીનમાં શાકભાજી ઊગાડવામાં નથી આવતા, પણ બગીચો બનાવવામાં આવે છે. તેમણે કુદરતી ખેતીની પદ્ધતિ વિષયના ટ્રેઇનિંગ કોર્સમાં રજિસ્ટ્રેશન કરાવીને જોડાયા. બે વર્ષ સુધી સતત સઘળી જાણકારી મેળવી. માટીમાં રહેલા કાર્બન કોન્ટેન્ટ અને તેનો છોડના વિકાસમાં શું ફાળો છે તે શીખ્યા. તેમને બીજ અને તેની વિવિધ જાતો વિશે જાણવામાં એટલો ઊંડો રસ પડયો કે તેઓ છત્તીસગઢના દાંતેવાડામાં ગયા. અહીં રહેતી જનજાતિઓ પાસેથી વિવિધ પ્રકારના બીજ મેળવ્યાં. દાંતેવાડાના જંગલમાં જવાનું સાહસ ખેડવા પાછળનો તેમનો હેતુ એટલો જ હતો કે બધી જગ્યાએ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો હતો, તેથી જાતજાતના બીજ મળતા હતા, પરંતુ આ વિસ્તારમાં જે બીજ મળ્યા, તેને કેમિકલનો સ્પર્શ થયો નહોતો. આવાં બીજ મળવાથી તેમનો ઉત્સાહ એટલો વધ્યો કે તે તેમનું 'પેશન' બની ગયું. એક દાયકાથી તેઓ બીજ એકત્રિત કરી રહ્યા છે.
બીજ મેળવવા અને તેનું સંરક્ષણ કરવું તે એમનું જીવનલક્ષ બની ગયું. તેમની જમીનમાં શેરડી, ચોખા અને કેરી સહઅસ્તિત્વ ધરાવે છે. આપણે ત્યાં આવેલી હરિયાળી ક્રાંતિને લીધે સ્વદેશી બીજનું અવમૂલ્યન થઈ ગયું અને તેની જગ્યાએ જેનેટીક મોડીફાઇડ બીજ લોકપ્રિય થયા. આ બીજથી જથ્થો વધ્યો, પરંતુ ગુણવત્તા જળવાઈ નહીં. આ બીજ પ્રતિકૂળ હવામાન સામે ટકી શકતા નથી, જ્યારે દેશી બીજ પ્રતિકૂળ હવામાન સામે ટકી શકે છે અને સ્વાદમાં પણ સારા હોય છે. રવિ દરલાપુડીએ બીજ સંરક્ષણ માટે સૌપ્રથમ તો બીજ એકત્ર કર્યા. જ્યાં દુષ્કાળ પડતો હોય છે તેવા વિસ્તારમાંથી બીજ મેળવ્યાં. ઓડિશાના પોટ્ટાંગી, છત્તીસગઢના દાંતેવાડા, આંધ્રપ્રદેશના સીતમપેટા અને કેરળના વેલુરમાંથી ચોખાની અનેક જાતના બીજ મેળવ્યાં તે ઉપરાંત તેમણે આરોગ્યની દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતી જાતના બીજ મેળવ્યાં. આ બધા બીજને માટીના પોટમાં, બામ્બૂના ડબ્બામાં કે માટીમાં રાખવાની પદ્ધતિ અપનાવી. આમાં મહત્ત્વની પદ્ધતિ એવી છે કે ગાયના છાણની રાખમાં તેને રાખીને માટીના પોટમાં કે બામ્બૂના ડબ્બામાં રાખવા.
આજે રવિ દરલાપુડી એના ગામના અને એમની આસપાસનાં ગામોમાંથી આવતા ખેડૂતોને આ બધી જાણકારી આપે છે. તે ઉપરાંત મિલેટ બિસ્કિટ, ઉપમા, ઈડલી, રાગી લડ્ડુ, પાઇનેપલ કેન્ડી જેવાં ઉત્પાદનો 'ભાસ્કર' બ્રાન્ડ અંતર્ગત વેચે છે. બીજ સંરક્ષણ કરવાની પદ્ધતિ શીખવે છે. આજે દસ વર્ષની મહેનતને અંતે તેમણે બીજ બેંક બનાવી છે, જેમાં ત્રણ હજાર છસો જેટલા સ્વદેશી બીજ છે. તેમની આ બીજ બેંકમાં ચોખાના ચાળીસ પ્રકારના બીજ છે. આ ઉપરાંત લાલ ભીંડા, કાળા રીંગણા, પિંક બીન્સ, કાશી ટોમેટો, લાલ રાજગરો, હળદર, બ્લેક બેસિલ, સુગંધીદાર તુલસીના બીજ પણ છે. જો આપણે કુદરતી ખેતીની પદ્ધતિ અપનાવીએ અને દેશી બીજનું સંરક્ષણ કરીએ તો ઘણો ફાયદો થાય છે. સ્વદેશી બીજમાંથી થયેલો પાક કુદરતી પ્રતિકૂળતાઓ સામે ટકી શકે છે. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીના આસિસ્ટન્ટ જનરલ મેનેજરમાંથી ખેડૂત બનેલા રવિ દરલાપુડીએ અત્યાર સુધીમાં આશરે ત્રણસો ખેડૂતોને બીજ સંરક્ષણની પદ્ધતિ શીખવી છે અને તે સતત ચાલુ રાખીને ક્રાંતિ લાવવા માગે છે.