શ્રીકૃષ્ણ ઉવાચ : પરોપકાર એ સત્પુરુષ સાતમું લક્ષણ
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- 'તારાં બચ્ચાંની જવાબદારી મારા માથે. તું શાંતિથી ઊડી જા. સાંજે હું પોતે તારાં બચ્ચાં લઈને, જાતે હિરણ્યવતીને કાંઠે આપવા આવીશ.'
અનોખી છે આ આપણી સત્સંગ સભા. શ્રીકૃષ્ણના સચિવ, સલાહકાર રહસ્યમંત્રી અને સંદેશવાહક એવા ઉદ્ધવજી સાંસારિક સંબંધે તો શ્રીકૃષ્ણના કાકાનાં પુત્ર હતા. તો વળી ઉદ્ધવજી એ ઋષિ બૃહસ્પતિના શિષ્ય હતા. તત્ત્વજ્ઞાની અને બ્રહ્મસંપન્ન હતા. એવા ઉદ્ધવજીએ પોતાની જિજ્ઞાસા શ્રીકૃષ્ણ સમક્ષ પ્રગટ કરી અને પછી શ્રીકૃષ્ણએ એના ઉત્તર આપતા સત્પુરુષોનાં લક્ષણોનું વર્ણન કર્યું.
અગાઉ કૃપાળુતા, અદ્રોહ, તિતિક્ષા, સત્ય, પવિત્રતા અને સમભાવ એ છ ગુણો વિશેનાં શ્રીકૃષ્ણના દર્શનને આપણે જોઈ ગયા. 'એકનાથી ભાગવત'માં શ્રીકૃષ્ણ સત્પુરુષના સાતમા ગુણ તરીકે પરોપકારને દર્શાવે છે અને કહે છે કે, 'દેહ, વચન અને મનથી જ ઉપકાર કરવા સાધુ-સંત જીવતા હોય છે, એમને કોઈ પોતાના કે પારકા હોતા નથી, કશાય ભેદભાવ વિના સર્વ પર એકસરખો ઉપકાર કરે છે અને પછી એનું ઉદાહરણ આપતા કહે છે કે જે રીતે વૃક્ષ સહુને પાંદડા, પુષ્પ, છાયા, ફળ અને કાષ્ઠ આપે છે, એ જ રીતે પરોપકારી વ્યક્તિ સહુના પર ઉપકાર કરતો હોય છે.'
શ્રીકૃષ્ણ જ્યારે પરોપકારની વાત કરે, ત્યારે મારા મનમાં કુરુક્ષેત્રના મેદાન પર સર્જાયેલી એક ઘટનાનું સ્મરણ થાય છે. કુરુક્ષેત્રના મેદાન પર કૌરવો અને પાંડવોની કુલ અઢાર અક્ષૌહિણી સેના ઊભી હતી. એમાં નાનામાં નાનો બાર વર્ષનો યોદ્ધો અભિમન્યુ પણ યુદ્ધ ખેલવા આવ્યો હતો અને એક્સો ને દસ વર્ષના વયોવૃદ્ધ ભીષ્મ પિતામહ પણ હતા.
ઉગમણા આભમાં કંકુની ટસરો ફૂટી રહી હતી, સૂર્યનારાયણ પધારવાની તૈયારી કરતા હતા અને દેવપંખીઓએ પોતાનાં ગાન છોડયાં હતાં. હમણાં રણશિંગા વાગશે, શંખ ફૂંકાશે, દુંદુભિ ગડગડશે અને કુરુક્ષેત્રના મેદાન પર મહાયુદ્ધ શરૂ થશે. હમણાં લોહીની નદીઓ વહેશે, માનવ અને પશુના મૃતદેહોથી રણમેદાન લોહી-માંસથી ઉભરાઈ જશે.
એક-એક પળ ગોઝારી વીતતી હતી અને એ સમયે હિરણ્યવતી નદીને કાઠેથી એક ટિંટોડી આવતી નજરે પડી. લગભગ નદીકિનારાનું એ પંખી ! એ આ ભયંકર રણમેદાનમાં દોડાદોડ શા માટે છે ? રણમેદાનમાં એ એક છેડેથી બીજે છેડે હાંફળીફાફળી કેમ ઊડે છે ? એનો ટિડહુક ટિડહુક કરુણ અવાજ ગમે તેવા ઝનૂની યોદ્ધાના દિલમાં પણ દયા જગાડે તેવો હતો. ઘડીમાં એ ઊંચે જતી, ઘડીમાં એ નીચે તરતી. થોડી વાર એ રેતીસરસી થઈ જતી ને વળી ટિડહુક કરી આભમાં ઊડતી. માણસમાત્રના હૃદયમાં પણ ચેન તો નહોતું. પણ વનવગડાની પંખિણીને હૃદયે પણ ચેન નહોતું. આભમાં ચકરાવા લેતી. લડાઈ પહેલાંની શાંતિમાં એનો અવાજ હૃદય વીંધનારો લાગતો હતો.
આ યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના રથનું સારથિપણું કરતા હતા. રથમાં વીર અર્જુન સાથે સારથિ શ્રીકૃષ્ણ બેઠા હતા. નાનપણમાં વૃંદાવન ગોકુળમાં ગોપબાળ સાથે જીવન ગાળેલું ને એ વખતથી પંખી, પાણી ને પશુ સાથેની દોસ્તી એમના દિલમાં વસી ગયેલી ! શ્રીકૃષ્ણનું એ પંખિણી તરફ લક્ષ ખેંચાયું. એમણે તરત જ એ પંખિણીને કહ્યું :
'રે ઘેલી ! આ રણ મેદાનમાં તું કેમ આવી ? આજ અહીં બત્રીસા વધેરાવાનાં છે. એમાં કોણ તારી સારસંભાળ લેશે ? જોતી નથી કે રથ, હાથી ઘોડા ને પાયદળ એ બધા લશ્કરો ધનુષ, કવચ, તોમર ને તલવાર સાથે સજ્જ ઊભાં છે. સૂરજ ઊગ્યો ને શંખ ફૂંકાયો તેટલી વાર છે ! પછી તો કાપાકાપી ! માટે ઝટ ભાગી જા !'
આવા ગંભીર સમયે પંખી સાથે વાત કરવાનું પણ કોને ગમે ? એ તો શ્રીકૃષ્ણ જ એક એવા હતા કે ગમે તેવા પ્રસંગે સ્વસ્થતાથી વાત કરે છે.
પંખિણી બોલી : 'મહારાજ ! કઈ રીતે ભાગી જાઉં ? માતૃત્વ પણ કંઈ ચીજ છે કે નહિ ? બાળબચ્ચાં પણ કંઈ વસ્તુ છે કે નહિ ? પણ અરેરે ! તમારી માનવજાતમાં તો મને માતા પણ લાગતી નથી. બાળબચ્ચાંના સંબંધ પણ લાગતા નથી. નહિ તો માતા શા માટે પોતાનાં બાળકોને આ રીતે યુદ્ધમાં લડવા માટે જવા દે ? બાળકો પણ શા માટે પોતાનાં મા-બાપને લડવા દે ? શું એકને મારીને બીજો અમર રહેવાનો છે ? વખત આવ્યે અમારે કે તમારે સહુને મકાન-માળા મૂકીને વહી જવાનું છે. મહારાજ ! આ ભૂમિનાં અમે પંખી છીએ. રૂપાળી આ ધરતી છે. પણ કેટલાક વખતથી અહીંની હવા ભારે ભારે લાગે છે. દિવસે શિયાળો રૂએ છે. રાતે શ્વાન રડે છે. સૂવર ને બિલાડાં જ્યાં ત્યાં ઝઘડતાં જોવાય છે.'
શ્રીકૃષ્ણને આ પંખિણીના બોલમાં રસ પડયો, એ બોલ્યા :
'પંખીરાણી ! તારી વાત સાચી છે. તમે પંખી જેટલાં સંપથી રહો છો, એટલા માણસ રહેતા નથી. માનવજાત માથે અહંકારનો પહાડ ખડો થયો છે. લડાઈ શરૂ થાય તે પહેલાં નાસી છૂટ ! નહિ તો શેરડી ભેગી એરડી પણ વઢાઈ જશે.'
ટિંટોડી બોલી : 'નાસી તે કેવી રીતે છૂટું ! પ્રેમે મારા પગ બાંધ્યા છે. મારાં પોતાનાં બચ્ચાં આ રણમેદાન પર છે. અમે માણસ જાતને શાણી માનનારા છીએ. એમના ડહાપણ પર અમને પૂરો વિશ્વાસ હતો.'
'પંખીરાણી ! આ યુદ્ધમાં તો ભાઈની સામે ભાઈ લડી રહ્યો છે. કાકાની સામે ભત્રીજો વેર વાળવા તલસે છે. એમ લાગે કે ધન અને ભૂમિ પાસે જાણે કોઈ કોઈનું સગુ નથી. ભાન ભૂલેલા માનવીનું તો જે થાય તે ખરું, પણ તું શા માટે પાપડી ભેગી ઈયળની જેમ બફાઈ મરે છે.'
'હું તો નાસી છૂટું. મારા માટે નાસવું સહેલું છે. પણ પછી મારાં બચ્ચાંનું શું ? એ નિરાધારનો કોણ આધાર ? સંસારમાં કોઈ પિતા પોતાનાં બચ્ચાંને છોડીને ચાલ્યો ગયો, એ સાંભળ્યું હશે, પણ માતા જાતે ઊઠીને બાળકને છોડીને ક્યાંય ગયેલી નહિ સાંભળી હોય !'
'તારાં બચ્ચાંની જવાબદારી મારા માથે. તું શાંતિથી ઊડી જા. સાંજે હું પોતે તારાં બચ્ચાં લઈને, જાતે હિરણ્યવતીને કાંઠે આપવા આવીશ.'
શ્રીકૃષ્ણે હાથીની ડોકમાંથી ઘંટ કાઢી ટિંટોડીનાં બચ્ચાં પર ઢાંકી દીધો. શંખ ફૂંકાયા. આકાશ ઉજળું થયું અને આથમ્યું લોહીની નદીઓ વચ્ચે, કુરુક્ષેત્રનું મહાભયંકર યુદ્ધ એ દિવસે ખેલાયું. સાંજે સૂરજ આથમ્યો એટલે યુદ્ધ થંભ્યું.
ટિંટોડીએ રણક્ષેત્રમાથી આવતા શ્રીકૃષ્ણને દૂરથી જોયા અને સંગીતના સૂરો છેડતી આકાશમાં થનગની રહી, 'એ આવ્યા મારા હરિ ! જોને એના હાથમાં મારા બે બચ્ચાં છે ! કેવા જતનથી - સંભાળથી - લાવે છે !'
ચારેકોર ઘવાયેલા યોદ્ધાઓ કણસતા પડયા હતા. સ્નેહી સ્વજનોની અમારી પહેલી ખબર લો ! અમને પહેલી મદદ દો ! 'એવી બૂમો ચારે તરફથી ઊઠતી હતી. પણ જાણે બચ્ચાંની હિફાજત સિવાય બીજો કોઈ ધર્મ ન જાણતો હોય તેમ શ્રીકૃષ્ણ ચાલ્યા આવતા હતા. મદદના પોકારો, લોહીની નદીઓ ને માંસના કીચડ ઓળંગતા શ્રીકૃષ્ણ આગળ ને આગળ વધતા હતા. જાણે સહુને કહેતા હતા કે વધુ નિર્બળ જીવને વધુ દયા પામવાનો સહુથી પહેલો અધિકાર છે. બાકી તમારી મદદે અબઘડી આવ્યો સમજો !
ટિંટોડીકુળે સ્વાગત-ગીત આરંભ્યા. ટિંટોડી કૂદીને ભગવાન શ્રીકૃષ્ણના હાથ પર બેસી ગીતના ગુંજન કરવા લાગી ! મહાભારતના મહાન નેતા શ્રીકૃષ્ણ ટિંટોડીના બચ્ચાં ટિંટોડીને સોંપી ઉતાવળા ઉતાવળા પાછા ફર્યા. એ રાતે પંખીકુળમાં દિવાળીનો ઉત્સવ ઉજવાયો.
સ્વયં શ્રીકૃષ્ણના જીવનમાંથી પરોપકારની કેવી ઉમદા ઘટના જોવા મળે છે. આવી પરોપકારની વાત થાય છે, ત્યારે માનવજાતને કાજે જીવન-સમર્પણ કરનારા સંતોથી માંડીને સૈનિકો સુધી, શ્રેષ્ઠિઓથી માંડીને સજ્જનો સુધી સહુ કોઈનું સ્મરણ થાય. કેટલાંક વૈજ્ઞાનિકો તો માનવસેવાને જ જીવનમાં પ્રાધાન્ય આપતા હોય છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક લુઈ પાશ્ચરનું સ્મરણ થાય છે. એમણે ઘણાં સંશોધનો કરીને માનવજાતને આશીર્વાદ સમાન કાર્ય કર્યું હતું. માનવી અને પ્રાણીઓને થતા હડકવા ઉપર સંશોધન કરીને હડકવાના રોગના પ્રતિકાર માટે રસી શોધી હતી અને એ રીતે અનેક માનવીઓને આ ભીષણ રોગથી બચાવ્યા હતા.
પરોપકારની ભાવના એ ભારતીય સંસ્કૃતિનું તો એક ઉજળું અંગ છે. આજે તો એટલું જ કહીએ કે શ્રીકૃષ્ણે એને સંત કહ્યા છે કે જે મન, વચન અને કર્મથી સતત સર્વ પર ઉપકાર કરવાની ભાવના રાખે છે.