અંધકાર પછી જ ઉજાસ પ્રગટે છે .
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
અબ ગમ આયે, ખુશિયાં આયે, મૌત આયે યા તુ આયે
મૈને તો બસ આહટ પાઈ ઔર દરવાજા ખોલ દિયા
- રાહત ઇન્દોરી
જીવન બે વિકલ્પો આપે છે; ક્યાં તો ડેલી ખોલી પ્રતિક્ષા કરો અથવા તો ડેલી - ડેલી ખખડાવો.... જીવન તો વિસ્મય છે, સંભાવનાઓનું વન છે. ક્યાંથી ક્યાં નીકળાશે અને શેમાંથી શું નીકળશે તે રહસ્ય જ છે. પણ હા પડકારો થકી જીવન રસપ્રદ બને છે અને તેની સાથે લડવાથી જીવન અર્થપૂર્ણ બને છે. ખલીલ જિબ્રાન કહે છે, 'આપણે ગઈકાલના દેણા ચુકવવા માટે ઘણીવાર આવતીકાલ પાસેથી ઉછીનું લઈએ છીએ.' ગઈકાલના કે વિતેલ વરસના સ્મરણો જમા કરાવીએ તો અને ત્યારે આપણને આવતીકાલની શક્યતાઓ જડી આવે છે. આપણને ખબર છે કે પ્રસવની પીડા પછી બાળક અવતરે છે, અંધકાર વેઠીએ પછી ઉજાસ પ્રગટે છે, વરસાદી વાવાઝોડા વચ્ચે મેઘધનુષ્ય રચાવાની સંભાવના હોય છે. એકલતા અને વેદનામાંથી તો વાનગોગના અમર ચિત્રો અવતરે છે. અસામાન્ય પીડા અને અનન્ય સર્જનને ઊંડો નાતો છે. ઈ.સ. ૨૦૨૪ના સ્મરણોની ભૂમિમાંથી ઈ.સ. ૨૦૨૫ના વૃક્ષો - ફૂલો અને આનંદ પ્રગટશે. વેદના થકી આપણે આરંભમાં પરિપક્વ અને ત્યારબાદ પરિશુધ્ધ થતા હોઈએ છીએ. તેરમી સદીના અનન્ય રહસ્યવાદી સૂફી કવિ રૂમીનું એક કાવ્ય છે, કથા છે. આવો, તેને પામીએ...
એક સહજ-સરળ ફકિર હતો નિરંતર ઝિક્ર કરતો હતો- નામ સ્મરણ કરતો રહેતો. એક સંદેહવાદીએ તેને ઠપકો આપતા કહ્યું 'તું નિરંતર અલ્લાહનું સ્મરણ કર્યા કરે છે પણ ક્યારેય તને તેમનો જવાબ આવ્યો?, હોંકારો આવ્યો ?' પેલા ફકિરની શ્રદ્ધા હચમચી ગઈ. તે રાત્રે તેના સ્વપ્નમાં ખિજ્ર (આત્માના ચિરંજીવ માર્ગદર્શક) આવ્યા અને ફકિરને પૂછયું, 'તમે ઝિક્ર કેમ બંધ કરી દીધું ?' તો ફકિર કહે 'મેં ક્યારેય અલ્લાહનો જવાબ નથી સાંભળ્યો.' ત્યારે ખિજ્ર કહે, 'તેમના જવાબની ખેવના, ઝંખના, ઝૂરાપો જ તેમનો જવાબ છે, તેમ નથી સમજતો ?'
આપણે સૌએ જીવંત રહેવા માટે; સ્વયં બચવા અને સ્વયંનું બચાવી લેવાનો પ્રયાસ છોડી દેવાનો હોય છે. ભય સાથે ભાઈબંધી કરવાની હોય છે. અશક્યને આલિંગન આપવાનું અને અજ્ઞાતને આવકારવાનું હોય છે. ભૂલો કરવાની, રસ્તો બદલાવવાની અને પાછા ફરી જવાની તૈયારી પણ રાખવાની હોય છે.
આપણે જ્યારે પણ; વિખેરાઈ રહ્યા હોઈએ ત્યારે ઘડાતા હોઈએ છીએ, તૂટતા હોઈએ છીએ ત્યારે તરાશાતા હોઈએ છીએ, ખોવાઈએ ત્યારે જડી આવતા હોઈએ છીએ. ઈ.સ. ૨૦૨૫ના પ્રવેશે ખપમાં આવે તેવું, ઇરીસ હેસ્સલડનનું એક કાવ્ય છે; જીવન એક સાહસ છે - સહેલગાહ છે નૌકાના બધા સઢ ખોલી આપણે અંધારે નીકળી પડયા છીએ....
જળ ક્યાંક છીંછરા અને હુંફાળા,
ક્યાંક ઉછળતા અને કોરડો વિંઝતા..
સઢમાં ભરાયેલ પવન દૂર ઢસડી જશે...
પણ
તમારા હોકાયંત્રને વળગી રહેજો,
ધ્રુવતારાને અનુસરજો .....