Get The App

આર. અશ્વિન એટલે સાવ અચાનક! .

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
આર. અશ્વિન એટલે સાવ અચાનક!                            . 1 - image


- પારિજાતનો પરિસંવાદ -ડૉ. કુમારપાળ દેસાઈ

- અશ્વિન ચેન્નાઈની ગરમીમાં શેરી-ક્રિકેટ ખેલવા લાગ્યો. આર્થિક સ્થિતિ એટલી સામાન્ય કે ક્રિકેટની સાધનસામગ્રી મેળવવાની પણ મુશ્કેલી છતાં ટેનિસ છોડીને ક્રિકેટમાં ઝંપલાવ્યું

ક્રિકેટજગતમાં વિશિષ્ટ સિદ્ધિ અને સમૃદ્ધ આર્થિક સ્થિતિ ધરાવનાર રવિચંદ્રન અશ્વિને ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની અધવચ્ચે માત્ર થોડા જ શબ્દોમાં ટેસ્ટ, વન-ડે અને ટી-ટ્વેન્ટીને એક સાથે અલવિદા કહી દીધા! આમ જુઓ તો આર. અશ્વિનનું જીવન જ અકલ્પ્ય અને અણધારી ઘટનાઓની રોમાંચક કહાની સમું છે. બાળપણમાં ટી.બી.નો શિકાર બન્યો. થોડુંક વધારે દોડે તો ગળફામાંથી કફ નીકળતો અને કફમાં લોહી આવે, ક્યારેક એકાએક વોમિટ થતી અને શ્વાસ ચઢી આવતો અને આવી બીમારીમાંથી બહાર નીકળીને અશ્વિન ચેન્નાઈની ગરમીમાં શેરી-ક્રિકેટ ખેલવા લાગ્યો. આર્થિક સ્થિતિ એટલી સામાન્ય કે ક્રિકેટની સાધનસામગ્રી મેળવવાની પણ મુશ્કેલી છતાં ટેનિસ છોડીને ક્રિકેટમાં ઝંપલાવ્યું. એના પિતા રવિચંદ્રન ક્રિકેટર હોવા છતાં એ સતત કહેતાં કે, 'ક્રિકેટ તારી થાળીમાં ભોજન મૂકી શકે તેમ નથી.' 

આ ખેલાડીના જીવનમાં બીજી એક ઘટના અચાનક બની એક સવારે એ પથારીમાંથી ઊઠી શકતો નહોતો. એના થાપાના સાંધાના ખસી ગયેલા જોઇન્ટને બે ઓપરેશન દ્વારા સ્ક્રૂ લગાવીને બરાબર કરવા પડશે એવો ડૉક્ટરી અભિપ્રાય આવ્યો. એક તો સર્જરીનો મોટો ખર્ચ હતો અને વળી સત્તર-અઢાર વર્ષની ઉંમરે બે બે ઓપરેશન કરાવવા પડે એ ગંભીર બાબત હતી. પણ એવામાં અચાનક બીજા ડૉક્ટરની સલાહ લીધી અને એણે કહ્યું કે, 'માત્ર છ મહિનાના આરામથી એ સાજો થઈ જશે.' 

આશ્ચર્યની વાત એ છે કે કર્ણાટકમાં હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ, બેંગાલુરુ વચ્ચેની મેચો ખેલાતી. આ સમયે ચેન્નાઈની સ્કૂલ ટીમમાં અશ્વિન પસંદ થતો, પણ એ માત્ર એની ફિલ્ડીંગને કારણે. ક્લબના માલિક ટી.એસ. રામસ્વામી સદી કરનાર બેટર કે પાંચ વિકેટ લેનાર ગોલંદાજને પાંચસો રૂપિયાનું ઈનામ આપતા હતા. અશ્વિનને ભાગ્યે જ બેટિંગની તક મળતી, પરંતુ શોર્ટ મિડવિકેટના સ્થાને બેટ્સમેને જોરથી લગાવેલા દડાને એ આબાદ અટકાવતો હતો, તેથી રામસ્વામીએ એને એની ફિલ્ડીંગની કામયાબી માટે પાંચસો રૂપિયા આપ્યા હતા. વિશ્વના અગ્રણી ગોલંદાજને એના જીવનમાં ગોલંદાજીને બદલે ફિલ્ડીંગ માટે પ્રાઈઝ મળ્યું.

ચેન્નાઈના રાધાકૃષ્ણપુરમની પહેલી સ્ટ્રીટમાં ગલીક્રિકેટ ખેલતા અશ્વિને આગવા નિયમો બનાવ્યા હતા. એ સમયે સૌથી વધુ ઝગડો અને વિવાદ એલ.બી.ડબલ્યુ અંગે થતો હતો, તેથી એવું નક્કી કર્યું કે જો દડો ત્રણ વખત બેટરના પગે વાગે તો તેને એલ.બી.ડબલ્યુ જાહેર કરવો. આ ગલીક્રિકેટે અશ્વિનને અણધારી રીતે ટેસ્ટમાં બેટિંગ કરવાની બે પદ્ધતિ આપી દીધી. એક તો એ કે જો શોર્ટ દડો હોય તો એને પુલ ક૨વો અને જો સીધેસીધો આવતો હોય તો સહેજ પાછળ જઈને ખેલવું જેથી દડો પગે વાગે નહીં. આ ગલીક્રિકેટને કારણે પડોશીઓની બારીઓનાં કાચ તૂટી જતા. છોકરાઓ નાસી જતા અને અશ્વિનનો ઠપકો એના પિતાને સાંભળવો પડતો. એ સમયે મેચ જોવા જતી વખતે અશ્વિન નાસ્તો અને પેપ્સીની મોટી બોટલ લઈ જતો. કારણ એટલું જ કે એ સમયે વિજ્ઞાપનમાં સચિન તેંડૂલકર પેપ્સી પીએ છે, એવી વિજ્ઞાપન એ સમયે એના મન પર જડાઈ ગઈ હતી. 

અશ્વિનના પિતા રવિચંદ્રન લોઅર ડિવિઝનલીગમાં ઝડપી ગોલંદાજ તરીકે ખેલતા હતા અને ટેનિસ બોલ ક્રિકેટર તરીકે એમની ઘણી નામના હતી. આથી એના પિતાની ઇચ્છા તો અશ્વિન ઝડપી ગોલંદાજ બને તેવી હતી, પણ તે સફળ થઈ નહીં. એના પિતાની સિફારસથી અશ્વિનને સિનિયરની ટીમમાં ખેલવા મળ્યું. કોંક્રિટ ૫૨ મેટિંગ બિછાવેલી હતી, સામે સાઈડ સ્ક્રીન નહોતો અને મજબૂત ઝડપી ગોલંદાજનો પહેલો જ દડો અશ્વિનની છાતીમાં વાગ્યો અને એ ઢળી પડયો. એને ઊંચકીને મેદાનની બહાર લઈ જવો પડયો. છ અઠવાડિયાના આરામને કારણે પરેશાન થઈ ગયેલા અશ્વિનનું સ્વાસ્થ્ય હોમિયોપેથી અને સેલ્ફ મેડિટેશનથી સારું થયું, પણ અચાનક એનું વજન ચાલીસ કિલોથી પાંસઠ થઈ ગયું. વળી વજન ઉતારવાની સમસ્યા આવી.

નિશાળીયા તરીકે બ્લેકબોર્ડ પર અશ્વિને તેલ ચોપડી દીધું હતું અને એ ત્રણ દિવસ સુધી ઉપયોગમાં લેવાયું નહીં. ચાલીસ વિદ્યાર્થીઓમાંથી કોણે આ કારસ્તાન કર્યું હતું એની જાણ થતાં અશ્વિનને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો તેને કારણે દિવસ આખો લાઇબ્રેરીમાં પસાર કરવો પડયો. એક વાર ટયુબલાઈટ તોડી નાખી અને સ્કૂલમાંથી એને વર્ગમાંથી કાઢી મુકવામાં આવ્યો. નિશાળમાં જ અણધારી રીતે પ્રિથી નામની છોકરીની મુલાકાત થઈ, જે હિન્દી ક્લાસમાં આઠમા ધોરણમાં ભણતી હતી. પહેલા તો એની સાથે વાત કરવાની અશ્વિનને હિંમત થઈ નહીં. બંનેની ઊંચાઈ ઘણી હોવાથી બંને પાછળની પાટલીએ બેસતા હતા. વળી પ્રિથીના આકર્ષક વ્યક્તિત્વને કારણે એ સહુમાં પ્રિય હતી. એની આસપાસ એની સખીઓ, એના મિત્રો ટોળે વળેલા રહેતા. આઠમા ધોરણમાં અશ્વિનની પ્રિથી સાથે પહેલી મુલાકાત થઈ. મનમાં પ્રેમ જાગ્યો, પણ પ્રગટ કરવાની હિંમત ન ચાલી. 

બીજી બાજુ સાથી વિદ્યાર્થીઓને અશ્વિનના આકર્ષણની ખબર પડી એટલે પ્રિથી તરફ સહુનું ધ્યાન ખેંચાવા લાગ્યું. જોકે એ કારણે પ્રિથી અશ્વિનને ધિક્કારતી હતી. આ સમયે અશ્વિને ચોરી-છૂપીથી પ્રિથીની હિન્દી નોટબુક પર પોતાનું નામ લખ્યું હતું અને એના ઘેર બ્લેન્ક કોલ કરતો હતો, પરંતુ એ પછી ધીરે ધીરે બંને વચ્ચે બે વર્ષ સુધી ફોન પર વાત ચાલી, પરંતુ વર્ગમાં તેઓ ભાગ્યે જ વાત કરતા હતા. ત્યારબાદ તો ક્રિકેટને કારણે અશ્વિન કેટલાય દિવસ સુધી ગેરહાજર રહ્યો અને બીજી સ્કૂલમાં દાખલ થયો અને ફોન પરની વાતચીત પણ બંધ થઈ. 

વળી એક અણધારી ઘટના બની ! ઈજાને કારણે અશ્વિનને બોલિંગ કરવાની મનાઈ હતી, ત્યારે અચાનક એક દિવસ એની માતા ચિત્રાએ કહ્યું કે, 'તું ગોલંદાજી પર હાથ અજમાવ ને ! લેગસ્પીન ગોલંદાજી કર ને !', ત્યારે એના ક્રિકેટના ૨મતના જાણકાર પિતાએ કહ્યું કે લેગસ્પીન ગોલંદાજી કરવી મુશ્કેલ છે. એમાં કાંડાનો વધુ ઉપયોગ કરવો પડે અને એના પર કાબુ કે કામયાબી મેળવવી અઘરી છે. બહુ ઓછા લેગસ્પીનરો ટેસ્ટમાં સફળ થયા છે, તો એની માતાએ કહ્યું કે, 'ઑફસ્પીન ગોલંદાજી કર. એમાં મુખ્યત્વે દડાને આંગળીઓથી સ્પીન કરવાનો હોય છે અને તેથી જ્યારે દડો નાખવામાં આવે છે, ત્યારે એના પર સારો એવો કાબૂ ૨હે છે.' વળી ઑફસ્પીનરની તાકાત એની એક્યુરસી છે. એ રીતે સાવ અચાનક અને અણધારી રીતે બેટર અશ્વિન ઑફ સ્પીનર બની ગયો.

૨૦૦૦ની ચેમ્પિયન ટ્રોફીમાં યુવરાજ સિંહે ભવ્ય કામયાબી મેળવી અને એણે ઇન્ટરવ્યુમાં કહ્યું કે, 'એ પુષ્કળ પ્રમાણમાં દૂધ પીએ છે.' એથી અશ્વિને પણ પુષ્કળ પ્રમાણમાં દૂધ પીવા માંડયું. જોકે એનાથી એનું શરીર ચરબીયુક્ત હોવાનો અનુભવ થયો અને સમય જતા એને ખ્યાલ આવ્યો કે એ લેક્ટો ઇન્ટોલરન્સ (દૂધ પચાવી શકવાની અશક્તિ) છે. સમય જતાં અશ્વિન પાંસઠ દડામાં એંસી રન કરવા લાગ્યો અને એંસી દડામાં સદી ક૨વા લાગ્યો અને સહુએ કહ્યું કે, 'આ તો ભારતીય ખેલાડી બનશે.' એ દૃષ્ટિએ એણે ખાનગી હિન્દી ક્લાસિસમાં જોડાઈને હિન્દી ભાષા શીખવાનું શરૂ કર્યું.

ક્યારેક એ હ૨ભજનસિંઘને હીરો માને અને એની એક્શન પ્રમાણે ગોલંદાજી કરે, તો ક્યારેક ૨મેશ પોવા૨ની માફક ગોલંદાજી કરે. એક જ એક્શન સાથે એ લેગસ્પિન અને ઑફસ્પીન ગોલંદાજી કરવા લાગ્યો અને એને કારણે એને વિકેટ મળવા લાગી. કૉલેજકાળમાં અશ્વિનને પરીક્ષા પૂર્વેની રજાઓ બહુ ગમતી, કારણ કે એ દિવસોમાં એને નિરાંતે ચારથી છ કલાક ક્રિકેટ ખેલવા મળતું. 

પોતાનો ઉછેર થયો છે એવા ચેન્નાઈ માટે અશ્વિનને ગર્વ છે, તો પોતાની તમિળ ભાષા માટે એને ગૌરવ છે. ભારતની સૌથી પ્રાચીન બોલાતી અને જીવંત ભાષા તરીકે એ તમિળને ગણાવે છે. સામાન્ય રીતે એ પાર્ટીથી દૂર રહે છે, પણ અમદાવાદમાં આઈ.પી.એલ. મેચ વખતે ક્રિકેટરોને બહાર જવા પર પ્રતિબંધ હતો, ત્યારે એ પ્રતિબંધ તોડવા માટે સુકાની ધોની અને કોચ ફ્લેમિંગે એને ટીમમાંથી કે એક મેચમાંથી બહાર કાઢી મુકવાને બદલે એને ઘેર પાછા જવાનું કહ્યું હતું. ૨૦૦૯માં અણધારી રીતે અશ્વિનને આઠમા ધોરણના હિન્દી ક્લાસમાં ભણનારી પ્રિથીનો મેળાપ થાય છે. એ સમયે એ હિંમત કરીને એની સાથે વાત કરે છે અને એ દિવસે કહે છે કે, 'સ્કૂલમાં મારી હિંમત નહોતી ચાલતી, પણ હવે મારા દિલની વાત કહું છું.' એ પછી અશ્વિનના જીવનમાં અનેક ઘટનાઓ બને છે. 

એ પછી પ્રિથી નારાયણન સાથે એના લગ્ન થયા. પ્રિથી નારાયણન અશ્વિનને મેદાન પર ૨મતો જોવાને બદલે રૂમમાં બેસીને વોટ્સઅપ પર સ્કોર જાણવાનું ટેન્શનને કારણે વધુ પસંદ કરે છે. ૨૦૨૦-૨૧માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન અશ્વિન ઊભો રહી શકતો નહોતો, ત્યારે એણે ગોલંદાજ તરીકે મેળવેલી સિદ્ધિને પ્રિથી યાદ કરે છે. અખિલા અને આરાઘ્ય નામની એની બે પુત્રીઓ પણ ક્રિકેટમાં રસ ધરાવે છે. આજે પ્રિથી નારાયણ અશ્વિનની ક્રિકેટ એકેડેમી અને મીડિયા કંપની સંભાળે છે. ૧૬ લાખ યૂટયૂબ સબસ્ક્રાઈબર ધરાવનારા અશ્વિનની ૧૩૨ કરોડની સંપત્તિની સંભાળ રાખે છે. ખેર ! ગમે તે હોય, પણ અશ્વિનના જીવનમાં ઘણું બધું અચાનક બન્યું છે અને નિવૃત્તિ સમયે પણ એ જ અચાનક, અણધાર્યું અને એકાએકનો અનુભવ થયો.

ક્ષણનો સાક્ષાત્કાર

જાણ્યે-અજાણ્યે પણ આપણે બાળકને અત્યંત સાવચેતીથી ચારેબાજુથી બાંધી દઈએ છીએ અને એનામાં નકારાત્મકતાનાં બીજ રોપી દઈએ છીએ. 'આવું ન કરાય' એવો વર્તમાનકાળ અને 'આવું કરવાથી કેવું ગંભીર પરિણામ આવશે' એવો ભવિષ્યકાળ બંનેનો ભય એને એકસાથે બતાવીએ છીએ. ક્યાં તો બાળપણમાં જ એને નિયમો, વ્રતો કે બાધાઓથી બાંધી દઈએ છીએ અને પરિણામે બાળક નાની વયથી જ એક પ્રકારના નકારાત્મક ભાવો વચ્ચે વિચારો સાથે ઉછરે છે અને પછી એના જીવનમાં આ નકારાત્મકતા વધુને વધુ વિકસતી જાય છે. જરા જીવનકિતાબ ખોલીને જોશો તો તમને ખ્યાલ આવશે કે એકસો વ્યક્તિમાંથી માંડ એકાદ વ્યક્તિએ તમને દગો કર્યો હોય છે, તમારી વિનાકારણે નિંદા કરી હોય છે અથવા તો મોટી છેતરપીંડી કરી હોય છે, આમ છતાં જગત વિશે જ્યારે કહીએ છીએ, ત્યારે એમ કહીએ કે આખું જગત એ આવા દુષ્ટ લોકોથી ખીચોખીચ ભરાયેલું છે. એનું કારણ એ કે આપણી પ્રકૃતિ જ પોઝિટીવ કરતા નેગેટીવને વધુ મહત્ત્વ આપે છે. જીવનની સારી અને ઉમદા ઘટનાઓને બદલે દગો, છેતરપીંડી જેવી નકારાત્મક ઘટનાઓ મન પર છવાયેલી રહે છે. વ્યક્તિએ પોતાના જીવનને અને જગતને સકારાત્મકતાથી જોવું જોઈએ. જો એ રીતે વિચારશે તો એને પોતાના ભાવિ જીવનમાં અંધકાર નહીં દેખાય, પણ પ્રકાશની પગદંડી નજરે પડશે. વિષાદ અને હતાશાને બદલે આનંદ અને ઉત્સાહ સાથે આગળ ધપશે.


Google NewsGoogle News