થર્મલ કેમેરા ''રૂડોલ્ફ, ધ રેડ નોઝડ રેન્ડીયર''નું રહસ્ય ઉકેલે છે!
- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
જો તમે એવા માહોલમાં ઉછર્યા હો કે જ્યાં આજુબાજુ નાતાલ એટલે કે ક્રિસ્મસ ધુમધામથી ઉજવવામાં આવતી હોય તો, તમારામાંથી ઘણા લોકોએ 'રૂડોલ્ફ, ધ રેડ નોઝડ રેંડીયર' ગીત સાંભળ્યું હશે. આજે અમેરિકા અને યુરોપમાં સાન્તાક્લોઝ અને રૂડોલ્ફ-રેંડીયર, ક્રિસમસ ઉજવણીની પરંપરાનો એક ભાગ બની ગયા છે. જો કે છેલ્લી સદીમાં જ નાતાલના ગીતોમાં રૂડોલ્ફની પધરામણી થઈ છે. સાન્તાક્લોઝની સ્લેજ ખેંચવા માટે રેંડીયરને સ્થાન મળ્યું છે, એ પણ એક દંતકથાની પ્રેરણાના કારણે શક્ય બન્યું હતું. યુનાઈટેડ સ્ટેટ્સમાં સાન્ટા ક્લોઝ નાતાલની પૂર્વ સાંજે, લોકોના મકાન અને ઘરની છતો ઉપરથી, સ્લેજ ગાડી લઈને આકાશમાં ઉડે છે સાન્તાક્લોઝ એક ઘરથી બીજા ઘર તરફ જઈને બાળકોને, રમકડાં નાતાલની ભેટ સ્વરૂપે આપે છે. આ આકાશી સફરમાં સાન્તાક્લોઝની સાથે જાદુઈ સ્લેઇજમાં એમના સાથી બને છે: રેંડીયર. નાતાલની ઉજવણી થઈ ચૂકી છે! સાથે સાથે નવા વર્ષની શરૂઆત થાય તે પહેલા, નાતાલની દંતકથામાં રહેલ, સત્ય અને વિજ્ઞાનને ઓળખવાની કોશિશ કરીએ? શું ખરેખર રેંડીયરનું નાક લાલ હોય છે? વિજ્ઞાન તેના વિશે શું વિચારે છે?
રૂડોલ્ફ રેન્ડીયર : કેટલાક ઐતિહાસિક તથ્ય
સાન્ટા ક્લોઝ સાથે પહેલી વાર ક્યારે અને કેવી રીતે રેંડીયરનું સૌપ્રથમ જોડાણ થયું? આ પ્રશ્નનો જવાબ નાતાલની લોકપ્રિય પરંપરાઓમાં છુપાયેલો છે. સાન્તાક્લોઝના રથ ખેંચનાર પ્રાણી તરીકેનો આદિ પ્રેરણા સ્ત્રોત, નોર્સ અને જર્મનિક પૌરાણિક કથાઓમાં રહેલો છે. આ દંતકથાઓમાં ''થોર'' એક દેવ છે, જેને વાવાઝોડા અને વીજળીના દેવતા તરીકે પુજવામાં આવે છે. ''થોર'' દેવનો રથ આકાશમાં ઉડતી બે જાદુઈ બકરીઓ ખેંચે છે. જેના ઉપરથી પ્રેરણા લઈને, અમેરિકામાં સાન્તાક્લોઝની સ્લેજ ખેંચનાર પ્રાણી તરીકે, રેંડીયરનું રૂપકડું સ્વરૂપ વિકસાવાનું સરળ બની ગયું હતું. ૧૮૧૨માં વોશિંગ્ટન ઈર્વિંગે સાન્ટા ક્લોઝને 'ઝાડના શિખરો ઉપર રથમાં સવાર વ્યક્તિ' તરીકે ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેમાં રથ ખેંચનાર કોઈ રેંડીયરના નિર્દેશ મળતા નથી. આ દર્શાવે છે કે રેંડીયર અને સાન્ટા વચ્ચેનો સંબંધ, ૧૮૧૨ બાદ શરૂ થયો હતો. નવ વર્ષ પછી, ૧૮૨૧માં, પ્રથમ વખત સાન્ટા ક્લોઝ અને રેંડીયર વચ્ચેનો સંબંધ, એક અનામી કવિની કવિતામાં જોવા મળે છે. જેનું શીર્ષક હતું 'એ ન્યૂ યર્સ પ્રેઝન્ટ'. ૧૮૨૩માં પ્રોફેસર ક્લેમેન્ટ ક્લાર્ક મૂરે એક કવિતા 'ધ નાઇટ બીફોર ક્રિસમસ' લખી. જેમાં પ્રથમ વખત સાન્ટા ક્લોઝની સ્લેજ સાથે આઠ રેંડીયર જોડેલા છે. તેઓ ઉલ્લેખ મળે છે. અહીંથી સાન્ટા ક્લોઝ અને રેનડીયરના સંબંધની ઓફિશિયલ શરૂઆત થઈ હતી . આજે ૨૦૦ વર્ષથી, મૂરના આઠ રેંડીયર સાન્ટા ક્લોઝની ટીમના સ્વીકૃત સભ્ય બની રહ્યા છે. આ કથાનાં આઠ રેંડીયરના નામોમાંથી, કેટલાક નામ જર્મન ભાષામાંથી આવેલા છે. સાન્ટા ક્લોઝના પ્રખ્યાત આઠ રેંડીયરના નામ અનુક્રમે ડેશર (Dasher), ડાન્સર (Dancer), પ્રાન્સર (Prancer), વિક્સન (Vixen), કોમેટ (Comet), ક્યુપિડ (Cupid), ડોનર (Donner), બ્લિટઝન (Blitzen) છે. જેમાં રુડોલ્ફ ધ રેડ-નોઝ્ડ રેંડીયર ન હતું. સાન્ટા ક્લોઝની ટીમમાં રુડોલ્ફ ધ રેડ-નોઝ્ડ રેંડીયરનો સમાવેશ, માત્ર છેલ્લી એક સદીમાં થયો છે. તો પછી સાન્ટા ક્લોઝ અને રુડોલ્ફ ધ રેડ-નોઝ્ડ રેંડીયર આટલા લોકપ્રિય કેવી રીતે બન્યા?
વાત જરા એમ છે કે....
રુડોલ્ફનો જન્મ કોકાકોલાના જાહેરાત અભિયાનમાંથી થયો હતો. ૧૯૪૦ના દાયકામાં કોકાકોલાએ ક્રિસમસ સમય ગાળામાં સાન્ટાને પોતાની સોડા સાથે બતાવતી જાહેરાતો રજૂ કરીને સફળતા મેળવી. આ જાહેરાત અભિયાન જોઈને મોન્ટગોમરી વોર્ડને એક નવો આઈડિયા આવ્યો. મોન્ટગોમરી વોર્ડ નામનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર અનેક શહેરોમાં પોતાની શાખા ધરાવતો હતો. જે નાતાલમાં બાળકો માટે તે અન્ય પ્રકાશકોની કલર બુક ખરીદીને બાળકોને વેચતા હતા. બાળકો પુસ્તકમાં રહેલ ચિત્રમાં રંગ ભરીને મજા માણતા હતા. મોન્ટગોમરી વોર્ડના સંચાલકોને લાગ્યું કે ''સ્ટોરની પોતાની કલર બુક હોય અને પોતાનું ડિઝાઇન કરેલ કેરેક્ટર હોય તો, તેની એક આગવી ઓળખ બને. આ ઉપરાંત તેઓએ પોતાનું પુસ્તક બનાવવાથી પૈસા બચાવી શકાશે.''
આ કામ માટે ૧૯૩૯માં ખાસ કેરેક્ટરની રચના કરવા અને ખાસ પ્રકારની કાવ્ય રચના કરવાનું કામ રોબર્ટ એલ. મે નામના નામના કોપીરાઇટર કમ કલાકારને સોંપવામાં આવ્યું. 'ટ્વઝ ધ નાઇટ બીફોર ક્રિસમસ' કાવ્યમાં રહેલા શબ્દો જેવા જ સમાન ઉચ્ચારો વાળા શબ્દો લઈને તેમણે એક કવિતા વાર્તા લખી. જેમાં એક નાનું રેંડીયર પાત્ર તરીકે આવ્યું. જેનું નામ થ 'રુડોલ્ફ ધ રેડ-નોઝ્ડ રેંડીયર' રાખવામાં આવ્યું અને આ નામે જ એક નાની પુસ્તિકા, મોન્ટગોમરી વોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી. શરૂઆતમાં રેનડીયરનું નામ, રોલો અથવા રિગિનાલ્ડ રાખવાનો પ્રસ્તાવ હતો. છેવટે રૂડોલ્ફ નામ નક્કી કરવામાં આવ્યું.પોતાની કાવ્ય કહાનીમાં રોબર્ટ એલ. મેએ પ્રાણી તરીકે રેંડીયરની પસંદગી કરી, કારણ કે તેમની દીકરીને લિનકન પાર્ક ઝૂ, શિકાગો માં રાખવામાં આવેલા રેંડીયર ખૂબ પ્રિય હતા.
રુડોલ્ફનું ચમકતું લાલ નાક કથાઓ પૂરતું જ યોગ્ય છે?
જો તમને આ સવાલ થયો હોય તો, શક્ય છે કે આવો જ સવાલ તમારા પહેલા, પ્રાણી જગતના સંશોધક અને વિજ્ઞાનીઓને પણ થયો હોવો જોઈએ. કેટલાક વિજ્ઞાનીઓએ રુડોલ્ફના ચમકતા લાલ નાક સંબંધી સંશોધન કાર્ય કર્યા છે. જેમાં એરાસમસ મેડિકલ સેન્ટર (રોટરડેમ, નેધરલેન્ડ્સ), યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર (ન્યૂયોર્ક) અને સ્વીડનની લુન્ડ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. વિજ્ઞાનીઓએ કરેલા સંશોધનનો સાર એ છેકે 'રુડોલ્ફ રેંડીયરનું નાક ખરેખર લાલ અને ચમકતું છે. પરંતુ તેનું આ સ્વરૂપ જોવા માટે તમારે થર્મલ કેમેરા વાપરવા પડે તેમ છે.'
કવિતા ''ધ નાઇટ બીફોર ક્રિસમસ''માં સાન્ટા ક્લોઝના સ્લેઇજને ખેંચતા આઠ રેંડીયરનો ઉલ્લેખ છે. કવિતામાં રહેલાં રેંડીયરને 'પુરુષ' ગણાવવામાં આવ્યા છે. પરંતુ આ વાત જીવવિજ્ઞાન નકારી કાઢે છે. જીવવિજ્ઞાન કહે છે કે 'સાન્ટા ક્લોઝના સ્લેઇજને ખેંચતા આઠ રેંડીયર, નર નહીં પરંતુ માદા હોવા જોઈએ. કારણ કે રેંડીયરની સમાગમ મૌસમ બાદ તુર્તજ શિયાળો શરૂ થાય છે. શિયાળાની શરૂઆત થતા જ નર રેંડીયરના શિંગડા ખરી પડે છે. નર રેંડીયરનું શરીર મોટાભાગનું વજન પણ પણ ગુમાવે છે. જયારે શિયાળામાં માદા રેંડીયરના શિંગડા અકબંધ રહે છે. શિયાળામાં માદા રેંડીયરની શરીર રચનામાં ખાસ નોંધપાત્ર ફેરફાર થતા નથી. આમ સાન્ટાના સ્લેઇજને ખેંચવા માટે માદા રેંડીયર પૂરતી શક્તિ અને સ્ટેમિના ધરાવે છે. જીવવિજ્ઞાન સાબિત કરે છેકે 'શિયાળાના દિવસોમાં સાન્ટાના મદદગાર રેંડીયર, વાસ્તવમાં માદા રેંડીયર હોવા જોઈએ.'
જીવવિજ્ઞાન બતાવે છે કે... સામાન્ય રીતે ફેફસાવાળા પ્રાણી કે મનુષ્ય શ્વાસ લે છે, ત્યારે હુંફાળી હવા ફેફસામાં જાય છે. આ હુંફાળી હવામાં પાણીની વરાળ વધારે સમાયેલી હોય છે. જ્યારે ફેફસાવાળા પ્રાણી શ્વાસ બહાર ફેંકે છે, ત્યારે તેમાં રહેલ ગરમી અને ભેજ બહાર આવતા જ નાશ પામે છે. ઠંડીના દિવસોમાં તમે તમારા નાકમાંથી વરાળ નીકળતી જોઈ હશે જ. બસ આવું જ પ્રાણીઓમાં પણ બને છે. અત્યંત ઠંડા વાતાવરણમાં નાકમાંથી બહાર આવતી હવા, ઝડપથી ઠંડી બને છે. સાથેસાથે એક પ્રકારનાં ધુમ્મસની રચના કરે છે.
પ્રકૃતિ રેન્ડીયરનું નાક ગરમ રાખવા માંગે છે!
પ્રકૃતિ એટલે કે કુદરત શા માટે રેંડીયરનું નાક ગરમ રાખવા માંગે છે? આ સવાલનો જવાબ આપતા સ્વીડનના લુન્ડ યુનિવર્સિટીના ઝૂઓલોજિસ્ટ પ્રો. રોનાલ્ડ ક્રોગર, કહે છે કે ''જ્યારે રેંડીયરો બરફ હેઠળ ખાવા માટે ખોરાક શોધી રહ્યા હોય છે, ત્યારે તેમનાં નાકનો ભાગ અને અંદરની સ્લેષ્મ ત્વચા ખુબ જ નીચા તાપમાનના સંસર્ગમાં આવે છે. આવા સમયે રેંડીયરને નાકનું તાપમાન અને સંવેદનશીલતા ઉંચી રહે તે ખુબ જ જરૂરી છે. જેથી તેઓ જાણી શકે કે તેઓ ખરેખર શું ખાઈ રહ્યાં છે. આ કામ કુશળતાથી થાય તે માટે રેંડીયર, નાકમાં ગરમ લોહી પંપ કરવાનું શરૂ કરે છે. જેનાં કારણે તે થોડું લાલ દેખાય છે. થર્મોગ્રાફિક કેમેરામાં આ શક્તિશાળી લોહીનો પ્રવાહ વધારે ગરમી દર્શાવે છે.
આર્કટિક પ્રદેશમાં રહેનાર રેંડીયરના શરીર ઉપર પુષ્કળ રુછાવાળી ચામડી હોય છે. તેનું નાક પણ વાળથી ઢંકાયેલું હોય છે. શરીરના બીજા ભાગ કરતાં, તેના પગ અને કાન વધારે ઠંડા રહે છે. પરંતુ જ્યારે રેંડીયર દોડતા હોય છે ત્યારે, તેમના શરીરમાં વધુ ગરમી પેદા થાય છે. આ સમયે તેઓ નાક દ્વારા વધારે ગરમ હવા બહાર ફેંકે છે. જેને થર્મલ કેમેરામાં જોતા રેંડીયરનું નાક લાલ અને ચમકતું લાગે છે. બીજી મહત્વની વાત એ છે કે મનુષ્યની તુલનામાં, રેંડીયરના નાકમાં ૨૫% વધારે રક્તવાહિનીઓ આવેલી હોય છે, જેમાં ઓક્સિજનથી ભરપૂર રક્ત એટલે કે લાલ રંગ ભરપૂર પ્રમાણમાં વહેતો હોય છે. આ રક્તવાહિનીઓ નાકની સપાટી અને શરીરનું તાપમાન ઉંચુ રાખવામાં મદદ કરે છે. નાકની રક્તવાહિનીઓમાં ગરમ લોહી વહે છે. જ્યારે ઠંડીમાં રેંડીયર શ્વાસ લે છે ત્યારે, બહારની ઠંડી હવા ગરમ થઈને તેના ફેફસામાં પહોંચે છે. જેથી શરીરનું આંતરિક તાપમાન નિયંત્રણમાં રહે છે. શરીરમાં પાણી જળવાઈ રહે તે માટે, કેટલાક રેંડીયરની આંખમાંથી આંસુ પણ બહાર પડતાં નથી. સરળ ભાષામાં કહીએ તો, લાલ નાક ધરાવતાં રેંડીયરની નાતાલ કથા નવા, સંશોધન પ્રમાણે રુડોલ્ફ વૈજ્ઞાનિક સત્ય પર આધારિત છે.