ત્રિશોક! : પુરુષોત્તમ ઉપાધ્યાય ઝાકિર હુસેન અને શ્યામ બેનેગલ કેમ વારંવાર નથી જડતા?
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- પુરુષોત્તમ ઉપાધ્યાય, ઝાકિર હુસેન, શ્યામ બેનેગલ -ત્રણેયમાં એક કોમન ફેક્ટર હતું કે ત્રણે ખૂબ ફરેલા આધુનિક મિજાજ અને ખુલ્લા મનના ને ખાસ તો વિવિધ સાહિત્યનું વાચન રાખતા વિશ્વમાનવો હતા
વ ર્ષો પહેલા અંકલેશ્વરમાં એક કાર્યક્રમ. એમાં જેમના માટે આશિત દેસાઈ બંગાળના રવિન્દ્રનાથ ટાગોરની ધૂનોના એક પ્રકાર રવિન્દ્રસંગીત પરથી ગુજરાતમાં 'પુરુષોત્તમસંગીત'ની વાત કરે છે, એવા પુરુષોત્તમ ઉપાધ્યાય હાજર. અને એમણે ઉપાડયું મધરાતે વેણીભાઈ પુરોહિતે લખેલું અદ્ભુત ગીત : માઝમ રાતે નીતરતી નભની ચાંદની અંગે અંગ ધરણી ભીંજાય માઝમ રાતે / સૂનો રે મારગ ને ધીમો ધીમો વાયરો... એના જોબનિયાં ઘેલા ઘેલા થાય... ખાલી એક માઝમ રાતે શબ્દોને એમણે એવા તો બહેલાવ્યા કે રાત આખી ધરતી પણ એનો કિનખાબી ખોળો પાથરીને પિયુના હુલામણા નામે પ્રસિદ્ધ એવા નામ જેવા ગુણ ધરાવતા પુરુષોત્તમ ઉપાધ્યાયને અપલક નેત્રે યાને મટકું પણ માર્યા વિના સાંભળવા સ્થિર થઇ ગઈ હોય એવું લાગે ! ગાતી વખતે પિયુની ઉંમર તો અમૃત પર્વ ક્રોસ કરીને આયખાના આઠમા દાયકાના અંતે આવેલી. પણ એ હલક હજુ ભૂલાઈ નથી. તમને આ ગીત આ રીતે ગવાયેલું કોઈ કેસેટમાં નહિ મળે, ભલે લતા મંગેશકરે પણ ગાયું હોય. લાઈવની મજા હતી પિયુ પાસે. જીવંત સંગીતના માણસ નહિ, સંગીતને જીવંત કરી દેતા જીવ. એટલે એ જીવતા ના હોય એમાં એમના પરિવાર જેટલી ખોટ ગુજરાતને છે!
ગુજરાતી સુગમ સંગીતમાં દરેક અર્થમાં અવિનાશ વ્યાસના વારસદાર. પણ જેમ ચંગીઝ ખાનનું સામ્રાજ્ય એના વારસ હલાકૂએ વધુ મજબૂત બનાવી વિસ્તાર્યું, એવું જ સુગમ સંગીત સાથે કર્યું. મહારથીઓ તો આ ક્ષેત્રે દિલીપ ધોળકિયા, ક્ષેમુ દિવેટિયા, રાસબિહારી દેસાઈ, અમર ભટ્ટ વગેરે ઘણા. પણ પુરુષોત્તમભાઈએ તો આખી ધારા ઉભી કરી. કેટલાય ગીત, કવિતા કે ગઝલ વાંચતી વખતે એની ધૂન કાનમાં ગૂંજે તો એમાં ગજફાળો પિયુનો ! ગુજરાતી સંગીતનો મુંબઈમાં રહીને અનેક દિગ્ગજોને પરિચય એમના કંઠ થકી થયો. કેળવાયેલો અવાજ. ગીત ને ગઝલ તો ઠીક ફોક કહેવાતા લોકસંગીતમાં ગાય તો નડિયાદ પાસે નહિ પણ કાઠિયાવાડનાં પાળિયાદ પાસે જન્મ લીધો હોય એવું લાગે !
પિયુ ને તાજેતરમાં અંજલિ આપતા પ્રિય મોરારિ બાપુએ અખંડ ગાયક કહ્યા. કદી જેમનો સૂર ખંડિત ના થાય એવા ખમતીધર કલાધર. કુદરતની બક્ષિસ જેવી સ્વરપેટીને મહેનતથી એવી કસેલી કે એક વાર રાજકોટના લાઇવ કાર્યક્રમમાં યુવા પેઢીને સડસડાટ વેસ્ટર્ન મ્યુઝિક પર અંગ્રેજી ગીત ગાઈ સંભળાવેલું ! ને પછી કહેલું કે આ ય આવડે છે, પણ મને મારી ભાષામાં રમવાની મજા પડે છે. પિયુ પૃથ્વીની કોઈ પણ ભાષામાં ગાતા હોત, તો પણ પ્રખ્યાત જ થયા હોત ! સ્વ. સુરેશ દલાલે એટલે એમને ગુજરાતી ગાંધર્વ ગણાવીને કહ્યું હતું, 'વિધાતા જ્યારે પુરુષોત્તમના લેખ લખવા આવી હશે ત્યારે તેના ઝાંઝરની એક ઘૂઘરી તેના ગળામાં મૂકતી ગઈ હશે. એ વિના આવો દૈવી સ્વર કોઈને મળે નહીં.'
સ્વભાવે રમૂજી અને વાચાળ. સાહિત્યપ્રીતિ સંગીત સમકક્ષ. પહેલી વાત એમનો ઇન્ટરવ્યૂ ટીવી માટે કરેલો ત્યારે આ જુનિયરનું હોમવર્ક એમને અસર કરી ગયેલું. એવા ખીલ્યા કે બે ભાગમાં એપિસોડ કરવો પડયો ને હજુ એમની યાત્રા બાળપણથી યુવાની સુધી જ પહોંચેલી. ગીતો ગાતા ગાતા વચ્ચે સમજાવે. શબ્દો પકડીને અને સમજીને ધુન બનાવે કે ગાય. ક્યાં કેટલું વજન મૂકવું એની એમને સહજ સમજ. ક્યારેક રોકવા અઘરા પડે એટલું એમને ઠલવાઈ જવું હોય ! ફિલ્મોમાં કેમ આટલી ઓળખાણ છતાં બહુ સંગીત ના આપ્યું એવું પૂછયું તો મસ્તી કરતા કહે કે 'આપ્યું ત્યારે થિયેટર આસપાસ ચાની દુકાનનો વકરો વધી ગયેલો. લોકો ગીતો આવે ત્યારે ચા પીવા બહાર જતા !'
પણ કંઇકને ચા જેવી તાજગી એમના સ્વરબદ્ધ ગીતો સાંભળીને મળતી. સંગીત મરતું નથી. એટલે પિયુ તો અમર થઈ ગયા. એમની ખાસિયત વિશે મેહુલ સુરતી જેવા ઘરખમ સંગીતકાર કાયમ કહે કે 'પુરુષોત્તમ ઉપાધ્યાય જે શબ્દોમાં વ્યક્ત ના થાય એવો ભાવ ગાયકીમાં ઉમેરી દેતા !' ગુજરાતી સુગમ સંગીત ( એ જ ઓળખ છે, કાવ્યસંગીત ને એવા શબ્દો તો ફ્લોપ છે )ના ગઢની દીવાલો તો સમય સાથે બદલાવના અભાવે અને દિગ્ગજોની વિદાય કે વધતી ઉંમર સાથે ઢળવા લાગી છે. પણ હવે તો એનું મુખ્ય પ્રવેશદ્વાર પણ ગયું.
પણ જે સમૃદ્ધ વારસો ઓફ લેટ રેકોર્ડિંગની સુવિધાથી સચવાયો, જેમાં કેટલાક યાદગાર કાર્યક્રમ સ્ટેજ પરથી પોકારતા નામ દઈને આ લખવૈયાને એવા ગુજરાત સમાચારના 'સમન્વય'માં એમાંથી કોઈ પણ ભાવિ સંગીતરસિક પસાર થશે, ત્યારે એને ખ્યાલ આવશે કે સર્વોત્તમ ગાયક થવા માટે ગીત, ગઝલ વગેરે રચનાના શબ્દો તો દેહ છે, અને ધુન એની ત્વચા છે. પણ કાયાને રોજ નવા નવા વસ્ત્રો અને આભૂષણોથી શણગારી શકાય ને રૂપ બદલાયા કરે એમ પિયુ જેવા સમર્થ મહારથીઓ એક જ રચનાને અલગ અલગ પલટા સાથે શણગારી શકે છે ! પાન લીલું જોયા વગર પણ તમેં યાદ આવશો અને પડઘાષો પિયુ સાહેબ !
***
ઝાકિર હુસેન કદાચ ચહેરાથી સૌથી વધુ પ્રસિદ્ધ એવા શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદ હતા. કારણ એમની તાજમહાલ ચાની દૂરદર્શનની આરંભે આવતી જાહેરાત. માસૂમ લાગતો ગોળ યુવા ચહેરો, પુરુષોને જલન થાય એવા તબલાની થાપ સાથે ઝટકાભેર લહેરાતા લહેરાતા ઝુલ્ફાં અને વાહ ઉસ્તાદ નહિ, વાહ તાજ બોલિયે વાળું ચેપી સ્મિત. પચાસ વર્ષમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનું એક પણ વિરાટ યોગદાન કરનારું સમર્થ નામ નહિ હોય જેની સાથે ઝાકિર હુસેને સંગત ના કરી હોય ! અને યુવાઓ સાથે પણ એટલી જ લિજ્જતથી વગાડે. સ્વભાવે સાવ સરળ ને નમ્ર. પ્રિય મોરારિબાપુની સંગીતપ્રીતિને લીધે એમને નજીકથી જોવા સાંભળવાનો લ્હાવો એકાધિક ( મોર ધેન વન્સ ) મળ્યો હતો. એક નિરીક્ષણ એમને પડદા પાછળ જોનાર તમામે કર્યું હશે. પોતાના તબલાની જોડ જાતે જ ઊંચકવામાં કોઈ જ ક્ષોભ કે અહં નહિ. એલીગન્સ શબ્દની હાલતી ચાલતી વ્યાખ્યા એટલે ઝાકીર હુસેન.
આ વર્ષે તો હજુ એમને ત્રણ ઇન્ટરનેશનલ ગ્રેમી એવોર્ડ્સ મળેલા. સર્વોચ્ચ પુરસ્કાર છે એ વિશ્વમાં મ્યુઝિકનો. અને પ્રતિષ્ઠિત સન્માન એમને કંઈ પહેલી વાર નહોતું મળ્યું. અગાઉ પણ બે વખત જીતી ચૂકેલા ! પાછળથી અમેરિકા જ રહેતા. પણ ભારત આવતાજતા. ભાઈઓ ફઝલ અને તૌફિક કુરેશી પણ મોટું નામ અહીં પિતા ઉસ્તાદ અલ્લારખ્ખા ખાનના પગલે તબલાવાદનમાં. આંતરરાષ્ટ્રીય સંગીતજગતમાં એમની આંગળી પકડીને ઝાકીર નાની ઉંમરે આવી ગયેલા. એમની બુલંદી પર પહોંચેલી ઊંચાઈઓનુ એક રહસ્ય હતું એમના ફ્યુઝન આલ્બમ્સ. જેઝ મ્યુઝિકના ખેરખાં હોય કે ભારતીય બાંસુરીવાદન. આફ્રિકન ડ્રમ હોય કે કાશ્મીરી સંતૂર, પંડિત રવિશંકરથી નિલાદ્રી કુમારની સિતાર હોય કે જ્યોર્જ હેરિસન, જોન મેક્લોગીન કે ચાર્લ્સ લોઈડ હોય. કોક સ્ટુડિયોના જન્મ પહેલા છેક ૧૯૭૦ના દાયકાથી વેસ્ટર્ન મ્યુઝિકના જાણીતા નામો સાથે પણ એમણે સફળ સંગત જ નહિ, રીતસર ક્રેડિટ સાથે આલ્બમની ભાગીદારી કરેલી. હજુ આ વર્ષે જ એ રોલિંગ સ્ટોન મેગેઝીનના કવર પર ચમકેલા અને લખાયેલું હતું એમની તસ્વીર નીચે 'લીજેન્ડ'!
માણસ મરે છે, દંતકથાઓ કદી મરતી નથી. ઝાકિર હુસેનની સકસેસનું કોર એલીમેન્ટ શું એવું પૂછો તો તરત કોઈ પણ કહેશે કે અમીર ખુશરોએ શોધેલા મનાતા આપણા તબલા. જવાબ સાચો પણ અધૂરો છે. એ હતો એમનો ફ્યુઝન નેચર. તબલા સંગતનું સંગીત છે. મોટે ભાગે કોઈ કથ્થક કે એવું નૃત્ય કરી એની જોડે હોય કે અન્ય કોઈ ગાય કે બીજા વળ્યો વગાડે એની સાથે હોય. એ સોલો ઈન્સ્ટ્મેન્ટ નથી. રાધર નહોતું, પણ ઝાકિર હુસેન એમાં જ વર્લ્ડ્સ બિગેસ્ટ સોલો બ્રાન્ડ બની ગયા ! કારણ કે એ એકમેવ હતા પણ એકલપેટા નહોતા. ઉસ્તાદી હોવા છતાં એમના હાથ તબલા પર અને પગ જમીન પર રહેતા. લોકને શ્લોકના નામે અર્થાત પોતાની ભદ્રતા આગળ કરીને તુચ્છ માનનારા લોકોના દિલમાં બેસતા નથી. પણ જોયું હોય તો રતન તાતાની જેમ ઝાકિર હુસેનને અમેરિકાવાસી હોવા છતાં ભારતના તમામ વર્ગ, તમામ ખૂણેથી અફલાતૂન અંજલિ મળી ! એવોર્ડ હજુ ખરીદી શકાય છે, પણ આ સલામી મેનિપ્યુલેટ થઇ શકતી નથી !
મૂળભૂત રીતે એમનો નેચર (સ્વભાવ) જ નેચર (પ્રકૃતિ) જેવો હતો. બધાનો સહર્ષ સ્વીકાર. પોતે શાસ્ત્રીય સંગીતના ધુરંધર. પણ ફિલ્મોની ચીડ નહિ. એક્ટિંગ પણ કરે ને મ્યુઝિક પણ આપે. નવી પેઢી સાથે કનેક્ટ થાય. એમના ખૂબ સારા મિત્ર પંડિત શિવકુમાર શર્માના નિધન બાદ એમના પુત્ર રાહુલ શર્મા સાથે પણ વગાડી ચૂકેલા હજુ હમણાં ! ફ્યુઝન એમની લાઈફમાં હતું. મૂળ ઇટાલીની અને અમેરિકા આવેલી એન્ટોનિયા મિનેકોલા સાથે ત્યાં ભણતા ભણતા પ્રેમમાં પડયા અને છેલ્લા શ્વાસ સુધી સમૃદ્ધ લગ્નજીવન રહ્યું ! (ઇટાલીની સ્વરૂપવાન કન્યાઓ અનલાઈક અમેરિકન ગર્લ્સ, હોમમેકર ગણાય છે. પરણ્યા પછી ઘર સરસ સંભાળે એનો ભારતને અનુભવ રાજકીય ક્ષેત્રે પણ છે જ.) અને બે દીકરીઓ ઈઝાબેલા અને અનિસા લાઈમલાઈટથી દૂર મોટી થઇ. માતાની મરજી નહોતી છતાં પણ ઝાકિરે ક્રોસ કલ્ચરલ લવ મેરેજ કરેલા.
ક્રોસ કલ્ચરલ જ સોલ હતા આ ઉસ્તાદ. ભારતીય તહેવારો ઉજવે. હોંશથી રાખડી બંધાવે. શિવની કથા રજુ કરતા તબલાંથી ડમરું વગાડી બતાવે. શંખનો સાઉન્ડ પણ કાઢે. ભારતના વારસા માટે એમને અનહદ પ્રેમ હતો. એકવાર પોઈન્ટ બ્લેન્ક એમને છેલ્લા દસકામાં મુસ્લિમો અને ઇનટોલરન્સ બાબતે પરદેશમાં પૂછાયું ત્યારે એમણે ખોંખારો ખાઈને કહેલું કે 'મને તો આવો કોઈ અનુભવ નથી. હું મારી જાતને ભારતીય હિન્દુથી અલગ માનતો જ નથી ને મને આવો કોઈ કડવો અનુભવ થયો નથી. ઉલટો રહેમાન હોય કે અમજદ અલી ખાન, શાહરૂખ હોય કે શમી એ બધાની જેમ મને અનહદ પ્રેમ મળ્યો છે. સંગીતને ધર્મ કે સરહદ ના હોય. પણ ભારતની સંસ્કૃતિમાં જ મારા મૂળિયાં છે. એના આધ્યાત્મિક અસ્તિત્વ બદલ હું ગૌરવ અનુભવું છું.' વાહ ઉસ્તાદ બોલિયે !
રાજકીય વિવાદો વિના ઉસ્તાદજી રાષ્ટ્રીય એકતાનો તાલ બની રહ્યા જે વિશ્વમાં ગૂંજતો. એમણે યુવા પેઢીને ત્રણ મૂલ્યવાન શિખામણો આપેલી: 'એક, તમે જે કરતા હો એને કેવળ પૈસા કમાવાનું કામ ના ગણો. એમાં આનંદ અનુભવો ને ખાસ તો ગર્વ અનુભવો કે આ કામ તમે કરો છો, એ પ્રાઈડ / પ્રતિષ્ઠા તમારું ચાલકબળ હોવું જોઈએ. બીજું, બધું જ સાંભળો. કાન ખુલ્લા રાખો (કોઈ બીજા ફિલ્ડમાં હો તો મન ખુલ્લું રાખો.) નવું નવું માણતા ને જાણતા રહો. ત્રીજું, તબલાના ઠેકાની જેમ જ સતત બદલાતા સમયની સાથે રહો. ખૂદને અપગ્રેડ કરતા જાવ. કોઈ શો કેસમાં મુકાયેલી પ્રાચીન કૃતિ નથી આપણે. માણસ છીએ. સમય સાથે બદલાતા આવડવું જોઈએ.'
આહ ઉસ્તાદ. આવા વ્યક્તિત્વો તો સવાસો વર્ષ સક્રિય રહે એમાં માનવજાતનું ઘડતર થાય ! પણ ઓલિયાઓ ગ્રહના નહિ, બ્રહ્માંડના હોય છે ! સલામ-એ-ઈશ્ક, ઉસ્તાદજી.
***
આ લેખની થોડી વાતો ટૂંકાવવી પડે એવા સમાચાર હજુ અખબારોમાં ગુડબાયની પૂર્તિઓ સેટ થતી હોય ત્યાં અપસેટ કરે એવા મહાન ફિલ્મસર્જક શ્યામ બેનેગલના અવસાનના
આવ્યા. ૯૦ વર્ષ એ તો ભરપૂર જીવ્યા કહેવાય. અને એટલો જ સમૃદ્ધ એમનો ફિલ્મદસ્તો રહ્યો. ગુલદસ્તો તો કરમાઈ જાય. પણ આ તો સદાકાળ મહેકતો રહેશે. શ્યામ બેનેગલને અંજલિ આપતા બધાએ અનોખા પ્રયોગ તરીકે એક એક ખેડૂતે બે બે રૂપિયા કાઢી ભેગા કરેલી બનાવેલી અમૂલની સફળતા પરની સ્મિતા પાટીલ અભિનીત ફિલ્મ 'મંથન' અચૂક યાદ કરી. ( મારે ગાંવ કાઠા પારે વાળું પ્રીતિ સાગરનું ગીત ગૂંજી ઉઠે હજુ પણ જો સાંભળ્યું હોય તો ). અમુકને હજુ પણ ગુજરાતમાં બધાને નિ:શુલ્ક જોવા મળેલી એ પાંડુરંગદાદાના સ્વાધ્યાયકાર્ય પરની ફિલ્મ 'અંતરનાદ' યાદ આવી. પણ જૂજ લોકોને ખ્યાલ હશે કે ૧૯૬૨માં શ્યામ બેનેગલે માસ કમ્યુનિકેશનના વિદ્યાર્થી તરીકે પહેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવેલી એનું નામ 'ઘેર બેઠા ગંગા' હતું જે ગુજરાતીમાં હતી ! એના એક દસકા પછી 'અંકુર' ફૂટયો હિન્દીમાં સમાંતર સિનેમાની નોંધપાત્ર ફિલ્મ તરીકે. જો કે , ગુજરાતી વનરાજ ભાટિયા એમના કાયમી સંગીતકાર રહ્યા મોટે ભાગે.
શ્યામ બેનેગલ આમ તો ગુરુ દત્તના સગા થાય. ગુરુદત્તના નાની અને શ્યામ બેનેગલના દાદી બંને બહેનો. દીકરી પિયા ને ભત્રીજા દેવ સહિત બધા ફિલ્મોમાં. પણ શ્યામ બેનેગલની ફિલ્મોની રેંજ ગજબનાક. સાહિત્યકૃતિઓ પરથી 'સૂરજ કા સાંતવા ઘોડા' (ધર્મવીર ભારતી) કે 'જૂનૂન' (રસ્કિન બોન્ડ) જેવી ફિલ્મો બનાવે, તો ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ અને સુભાષબાબુના જીવન પરથી બે અલગ વિચારધારાનો ઉછેર દેખાડતી 'ધ મેકિંગ ઓફ મહાત્મા' અને 'બોઝ: ધ ફરગોટન હીરા' બનાવે ! મહાભારત પરથી બેનમૂન ફિલ્મ કલયુગ બનાવે અને મુસ્લિમ સોશ્યલ કહેવાય એવી 'મમ્મો', 'ઝુબેદા' અને 'સરદારી બેગમ' પણ બનાવે ! અત્યારે તો બાંગ્લાદેશના વર્તમાન શાસકોએ ખાસ જોવી જોઈએ એ 'મુજીબ' એમની છેલ્લી ફિલ્મ પણ અગાઉ 'વેલકમ ટુ સજ્જનપુર' થકી કોમેડી પણ આબાદ બનાવેલી. સમાજ અને સરકારની ખિલાફ સ્ટેટમેન્ટ કરતી નિશાંત કે મંડી જેવી ફિલ્મો બનાવે ને સરકારી રેલ્વે માટે યાત્રા જેવી સીરીયલ કે સંવિધાન સિરીઝ પણ બનાવે ! હંસા વાડકરની બાયોગ્રાફી 'ભૂમિકા' પણ એમની અને વિદેશી વાર્તાઓ પરની સિરિયલ કથા સાગરમાં આરંભે એ જ હતા દિગ્દર્શક !
શ્યામ બેનેગલે નસીરુદ્દીન શાહથી ગોવિંદ નિહલાની જેવી ડઝનબંધ પ્રતિભાઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપી. એથી વિશેષ જે કોઈ પ્રતિભાઓ હતી એમને મઠારી. શ્યામ બેનેગલ પાસે કોઈ લેખક હોય એ અભિનેતા અભિનેત્રી બધા મંજાઈ જાય. ઉમદા અભિનય જ કરે. બેલેન્સ એવું જાળવ્યું સીધી લીટીના સમજદાર માણસ તરીકે કે કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની એમનું સન્માન પણ થાય ને એમને માન મળે એવા હોદ્દા પણ મળે. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કમિશનના પણ એ ૧૯૮૦થી ૧૯૮૬ ડાયરેક્ટર રહ્યા ને હજુ જેનો અમલ નથી થયો એવા જુનવાણી સેન્સરશિપના કાયદા ફગાવી દેતી સમિતિ અરુણ જેટલીએ રચી એના અધ્યક્ષ પણ એ હતા. અને આધુનિક મોકળાશ આપતા સુધારા સુચવેલા એટલે જ હજુ એનો અમલ સતત ભૂતકાળમાં જીવતી પ્રજાના દેશમાં નથી થયો.
સિમ્પલ માણસ. ફિલ્મોમાં પણ બધું ધ્યાન સ્ટોરીટેલિંગમાં રાખે. ટેકનિક સાદી. બહુ કલાત્મક ડાયરેક્ટર તરીકે ના થાય. પણ નવીન વાતો લઇ આવે. ચરણદાસ ચોરમાં છત્તીસગઢ જીવંત કરે અને ત્રિકાલમાં ગોવા. ભારત આખું એમને ઓળખે એથી વધુ એ આખા ભારતને ઓળખે ! અને એટલે જ વિશ્વ ટેલીવિઝન પરની લાજવાબ કહેવાય એવી સિરીયલ 'ભારત એક ખોજ' એ બનાવી શક્યા. જવાહરલાલ નેહરુની ઉત્તમ કિતાબ પરથી ગ્વેદના નાસદીય સૂક્ત અને શમા જૈદી સાથે ટીમની ચુસ્ત પટકથા. એકના એક અભિનેતાઓ અલગ અલગ પાત્રો ભજવે ! હજુ આરણ્યક તરીકે મહાભારતને વનવાસી સેટ અપમાં બતાવેલું એમાં સલીમ ઘાઉસે ભજવેલ કૃષ્ણ યાદ છે અને નસીર શિવાજી બનેલા એ પણ. ઓટીટીના મેકર્સ ને રીલના યુઝર્સને કોર્સમાં રાખી બતાવવી જોઈએ એવું મહામૂલું સર્જન હતું એ !
પુરુષોત્તમ ઉપાધ્યાય, ઝાકિર હુસેન, શ્યામ બેનેગલ પણ આવા જ સર્જન હતા પરમના ! ત્રણેત્રણમાં એક કોમન ફેક્ટર હતું કે ત્રણે ખૂબ ફરેલા આધુનિક મિજાજ અને ખુલ્લા મનના ને ખાસ તો વિવિધ સાહિત્યનું વાચન રાખતા વિશ્વમાનવો હતા. ચેતનાઓ વિદાય લઇ ગઈ પક્વ થઈને એનું દુ:ખ થાય એથી વધુ વિષાદ તો એ વાતનો છે કે આવા સમર્થ કલારત્નો હવે પેદા નથી થતા ને જે હતા એ પણ જતા જાય છે !
ફાસ્ટ ફોરવર્ડ
મુજે તુજ સે બિછડના હી પડેગા
મૈં તુમ્હેં યાદ આના ચાહતા હૂં
( ફહમી બદાયૂંની )