Get The App

હ‌રિનો આ મારગ છે પ્રકૃ‌તિના ભોગે પ્રગ‌તિનો

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
હ‌રિનો આ મારગ છે પ્રકૃ‌તિના ભોગે પ્રગ‌તિનો 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- ઉત્તરાખંડના ચાર હ‌રિ ધામો સુધીના મહામાર્ગ પ્રોજેક્ટ પાછળનું પર્યાવરણ ‌વિજ્ઞાન, જેની ઉપેક્ષા ‌કુદરતને લાઠી ઉગામવા પ્રેેરી શકે છે.

‌- શિવા‌લિકમાં ‌બિરાજમાન હ‌રિ સુધી પહોંચવાના ચાર ધામ પ્રોજેક્ટમાં વૃક્ષ વિચ્‍છેદન, વન્‍ય જીવોના આવાસનું સંકોચન, જમીનનું ધોવાણ વગેરે બાબતે પર્યાવરણની ઐસી તૈસી થતી હતી. છતાં આખું કોળું શાકમાં જતું રહ્યું. 

‌જગતના સૌથી મહાન ‌શિક્ષક કુદરતની મૂક ‌શિક્ષણ પ્રણાલીની એક ખૂબી છે. મનુષ્‍ય જો કુદરતનો ‌શિસ્‍તબદ્ધ ‌વિદ્યાર્થી બનીને રહે તો તેને ડહાપણની દાઢ વહેલી ફૂટી જાય. પરંતુ ‌‌કુદરતની વારંવાર અવગણનાનો ‌શિસ્‍તભંગ કરે તો એ ‌શિક્ષક પોતાના વંઠેલ ‌વિદ્યાર્થીને દાઢમાં રાખ્યા ‌વિના ન રહે અને પછી તો એક તબક્કે એવી સણસણતી લાઠી વીંઝે કે ‌વિદ્યાર્થીની સાન પર પદાર્થપાઠની સોળ ઊપસી આવે.

વાતને ભલે આલંકા‌રિક ઢબે રજૂ કરી, પણ હકીકતમાં એવું બને છે. આ‌ર્થિક તેમજ ઔદ્યો‌ગિક ‌વિકાસ ખાતર માનવજાતે કુદરતની જ્યારે પણ ઘોર ઉપેક્ષા કરી છે ત્‍યારે લાઠીનો ફટકો પડ્યા ‌વિના રહ્યો નથી. આ હકીકતને પુ‌ષ્‍ટિ આપતાં ઉદાહરણોની તો ખોટ જ નથી, પણ અહીં લેખમાં ઉત્તરાખંડના ચાર પ‌વિત્ર હ‌રિ ધામોને (બદ્રીનાથ-કેદારનાથ-ગંગોત્રી-યમનોત્રીને) સાંકળતા રોડ પ્રોજેક્ટની વાત કરવાની હોવાથી ‌હિમાલય ક્ષેત્રને અનુલક્ષી અમુક દાખલા ટાંકીએ. પાછલાં દોઢ-બે દાયકાથી ‌હિમાલયમાં ચાલી રહેલાં અસાધારણ ‌વિકાસકાર્યોને લીધે કુદરતની જે રીતે ઉપેક્ષા થઈ છે તેનો કુદરતે કેવો પ્રત્‍યુત્તર દીધો તે જુઓ—

વર્ષ ૨૦૦૧થી ૨૦૦પ દરમ્‍યાન ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ, ઉત્તરકાશી, બદ્રીનાથ, જોશીમઠ તથા ગો‌વિંદઘાટના રસ્‍તે ઘણાં ભૂસ્‍ખલનો થયાં, જેમાં સેંકડો ‌નિર્દોષ લોકોનો ભોગ લેવાયો. વર્ષ ૨૦૧૩માં કેદારનાથ ધામના માથે આભ ફાટતાં ‌વિનાશક પુર આવ્યાં. અભૂતપૂર્વ જળરા‌શિ હેઠવાસમાં આવેલાં ગામોને તાણી ગઈ અને મૃતકોની અંદા‌જિત સંખ્‍યા ૬,૦૦૦ સુધી પહોંચી. ઓગસ્‍ટ, ૨૦૨૩માં ‌હિમાચલના મંડી, મનાલી, ‌શિમલા અને સોલન જેવાં નગરો પર ‌બિયાસનું ધસમસતું પાણી ફરી વળ્યું. આશરે પોણોસો લોકો માર્યા ગયા અને રાજ્યને લગભગ ૧.૨ અબજ ડોલર જેટલું આ‌‌‌ર્થિક નુકસાન થયું. આ ઘટનાના થોડા મ‌હિના પહેલાં જોશીમઠના પગ તળેથી જમીન ફસકી પડી. ગામનાં સેંકડો મકાનો ભાંગ્‍યા અને રહીશો બેઘર બન્‍યા.

આ બધી ઘટનાઓ પ્રથમદર્શી કુદરતી જણાય, પરંતુ ઊંડાણમાં જાવ તો સમજાય કે તેમના સર્જનમાં ‌નિ‌મિત્ત બનનાર કારણો માનવ સ‌ર્જિત હતાં. ‌હિમાલયના unstable/ અસંતુ‌લિત યા ડગુમગુ ભૂસ્‍તરીય બંધારણવાળા પહાડોની આરપાર બોગદાં રચવાં, રસ્‍તા માટે પહાડી ઢોળાવો કાપવા, શારકામમાં નીકળેલો muck/ ખડકો-ઢેફાંનો જથ્‍થો પરબારો ખીણોમાં પધરાવી દઈ નદીના વહેણમાં બાધા નાખવી, તદુપરાંત નદીના બેઉ કાંઠે અન‌ધિકૃત મકાનોના બાંધકામ વડે અ‌તિક્રમણ કરવું વગેરે જેવી પ્રવૃ‌ત્તિઓ કુદરતને અદૃશ્‍ય લાઠીનો ફટકો મારવા માટે મજબૂર કરતી હોય છે.

■■■

આશ્ચર્યની વાત કે ભૂતકાળમાં લાઠીના ઘણા બધા ફટકા ઝીલવા છતાં ‌‌હિમાલયમાં આજની તારીખે ‌વિકાસના નામે મેગાપ્રોજેક્ટસ હાથ ધરાઈ રહ્યા છે. આવા એક પ્રોજેક્ટનું નામ છે ચાર ધામ મહામાર્ગ ‌વિકાસ પ‌રિયોજના! દેવભૂ‌મિ ઉત્તરાખંડના ચારેય તીર્થધામને ૧૨ મીટર પહોળા બારમાસી રોડ વડે સાંકળી લેવાનો રૂ‌પિયા ૧૨,૦૦૦ કરોડનો એ પ્રોજેક્ટ હાથમાં લેવાયો ત્‍યારથી ‌‌વિકાસ કરતાં વધુ તો વિવાદ-વિરોધનો મુદ્દો બન્‍યો છે. આપણી ચર્ચામાં પહેલાં ‌વિકાસની વાત કરીએ અને પછી ‌વિરોધનાં કારણો તપાસીએ.

લદ્દાખ, ‌હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ‌સિ‌ક્કિમ, અરુણાચલ પ્રદેશની ‌વિ‌વિધ સરહદો પર પાછલાં કેટલાંક વર્ષથી ચીની ડ્રેગનના ધમપછાડા તેમજ ફૂંફાડા વધ્‍યા છે. આ તમામ સરહદે ચીને પાકી સડકો, સૈ‌નિક ચોકીઓ, લડાકુ ‌વિમાનોનાં એરબેઝ બનાવીને તથા તોપ-ટેન્‍ક જેવાં આયુધો ખડકીને પોતાની લશ્‍કરી તાકાતના ગોટલા ફુલાવ્યા છે. સરહદે તૈનાત ભારતીય સૈ‌નિકો જોડે વખતોવખત મૂઠભેડ કરવા માટે બાંયો પણ ચડાવી રાખી છે. 

આ ‌સ્‍થિ‌તિ જોતાં ભારતે પણ સરહદી પ્રદેશોમાં લશ્‍કરી તાકાત વધારવી પડી છે. શસ્‍ત્રસરંજામનું તથા સૈ‌નિકોનું ઝડપી વહન કરવા માટે નવી સડકો તૈયાર કરવાનું તેમજ પુરાણી સડકોને પહોળી કરવાનું અ‌ભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ રાજ્યને ચીનની (‌તિબેટની) ૩પ૦ ‌કિલોમીટર લાંબી સરહદ લાગુ પડતી હોવાથી ‌પિથોરાગઢ, ચમોલી અને ઉત્તરકાશી ‌જિલ્‍લામાં સરહદી સડક ‌નિર્માણનું કાર્ય હાથ પર લેવાયું છે. ચાર ધામ મહામાર્ગ ‌વિકાસ પ‌રિયોજના તે કાર્યનો એક ભાગ છે.

જો કે, સૂ‌ચિત માર્ગનો એકમાત્ર ઉદ્દેશ લશ્‍કરી અથવા વ્‍યૂહાત્‍મક નથી. ધા‌ર્મિક અને પર્યટન પણ તે પ્રોજેક્ટ જોડે સંકળાયેલાં પાસાં છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી એ ચારેય પાવન તીર્થધામનું ‌હિંદુઓમાં પુષ્‍કળ ધા‌ર્મિક માહાત્‍મ્‍ય છે. દર વર્ષે દેશ દેશાવરથી કરોડો ‌હિંદુઓ ચારેય ધામની યાત્રા અર્થે ઉત્તરાખંડ આવે છે, જેમના થકી રાજ્ય સરકારને પર્યટન ક્ષેત્રે માતબર આવક થાય છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી સુધીના રસ્‍તાની સરેરાશ પહોળાઈ સાડા પાંચ મીટર હતી. ટુ-વે ટ્રા‌ફિક માટે તે સડક ઘણી વાર ચક્કાજામ સર્જતી. વળી પહાડોના ઘુમાવદાર તેમજ તીવ્ર ચઢાણવાળા માર્ગે જે તે તીર્થધામ પહોંચતા સારો એવો સમય નીકળી જતો. આ સમસ્‍યાઓના ‌નિવારણ અર્થે ‌ડિસેમ્‍બર, ૨૦૧૬માં ચાર ધામ મહામાર્ગ ‌વિકાસ પ‌રિયોજના હાથ ધરવામાં આવી. કુલ ૯૦૦‌‌ ‌કિલોમીટર સુધી લંબાતા ૧૨ મીટર પહોળા રસ્‍તા,શોર્ટ-કટ જેવાં બોગદાં, પુલો, વાયડક્ટ, ગામો-નગરોનો બાયપાસ રૂટ વગેરે તે યોજનાના મુખ્‍ય ઉદ્દેશ હતા. તમામ હેતુ ‌નિ:સંદેહ ઉમદા હતો, પણ તેને બર લાવવા જતાં ‌હિમાલયના નાજુક પર્યાવરણનું કેટલી બૂરી રીતે આવી બન્‍યું તેના પર એક નજર કરવા જેવી છે.

■■■

ઉત્તરાખંડની ‌શિવા‌લિક ‌હિમાલય પર્વતમાળા ચીડ, દેવદાર, ‌ચિનાર (મેપલ), બાંઝ, ભોજપત્ર, બુરાંશ વગેરે જેવાં પોણા બસ્‍સો સ્‍પી‌સિસનાં વૃક્ષો-વનસ્‍પ‌તિથી આચ્‍છા‌દિત છે. ‌‌‌શિવા‌લિક પહાડોમાં ચાર ધામ મહામાર્ગ ‌વિકાસ પ‌રિયોજના હાથ ધરવા જતાં લગભગ ૬૯૦ હેક્ટરના વનપ્રદેશમાં પપ,૦૦૦ વૃક્ષોનું ‌વિચ્‍છેદન થવાપાત્ર હતું. ‌વિકાસ અર્થે વૃક્ષોનો ભોગ લેવાય તે આજના જમાનામાં કંઈ નવી વાત નથી. પરંતુ ‌શિવા‌લિકનો કેસ જુદો છે. અગાઉ જણાવ્યું તેમ અહીંના પહાડોનું ભૂસ્‍તરીય બંધારણ unstable/ અસંતુ‌લિત યા ડગુમગુ છે. નાના-મોટા ખડકોને પકડી રાખતી માટી વરસાદી પાણીમાં ઝડપથી ધોવાણ પામે એ પ્રકારની છે. માટીને ધોવાણની બચાવતું એકમાત્ર બો‌ન્‍ડિંગ એજન્‍ટ હોય તો ‌વિ‌વિધ વૃક્ષોનાં મૂ‌ળિયાં કે જે માટીને પોતાના ‘પંજા’માં જકડી રાખે છે. કુદરતે કરેલા આવા આયોજનને કારણે બને એવું કે વરસાદી મોસમમાં માટીનું નજીવું ધોવાણ થતાં ભૂસ્‍ખલનનું જોખમ ન રહે.

આજે કુદરતના આયોજનને મનુષ્‍યએ ખોરવી દીધું છે. રોડ-રસ્‍તા બનાવવા ખાતર પહાડી ઢોળાવો પર સંત્રી પેઠે ઊભેલાં વૃક્ષોનું ‌વિચ્‍છેદન કરવામાં આવી રહ્યું છે. વરસાદી પાણીમાં માટીનું ધોવાણ અટકાવતું મહત્ત્વપૂર્ણ પ‌રિબળ નાબૂદ થતાં છેવટે પહાડી ઢોળાવ ભૂસ્‍ખલન પાત્ર બને છે. આનું એક ઉદાહરણ ટનકપુર-‌પિથોરાગઢ હાઈવેના બાંધકામ વખતે જોવા મળ્યું. લગભગ ૧૬૦ ‌કિલોમીટરનો તે માર્ગ રચવા માટે ‌શિવા‌લિકમાં ૧૭૪ જગ્‍યાએ પર્વતીય ઢોળાવો કાપવાના થયા, જે પૈકી ૧૨પ ઢોળાવો (વૃક્ષોની નાબૂદી બાદ) ભૂસ્‍ખલન માટેના ‘ઉમેદવાર’ બન્‍યા. એ‌પ્રિલ, ૨૦૧૮થી એ‌પ્રિલ, ૨૦૨૦ના ફક્ત બે વર્ષ જેટલા નજીવા સમયગાળામાં જુદા જુદા ઠેકાણે થયેલા ભૂસ્‍ખલનનો સ્‍કોર ૩૪ સુધી પહોંચી ગયો.

બીજું ઉદાહરણ ધારસુથી ગંગોત્રીના ધોરીમાર્ગનું છે કે જ્યાં રસ્‍તાની ઇર્દ‌ગિર્દના ૩૭ પર્વતીય ઢોળાવોને જિઓગ્રા‌ફિકલ સર્વે ઓફ ઇ‌ન્‍ડિયાના ‌નિષ્‍ણાતોએ ભૂસ્‍ખલન પાત્ર જાહેર કર્યા છે.

‌શિવા‌લિક ‌હિમાલયના ડગુમગુ ભૂસ્‍તરનો ખ્‍યાલ આપતો ત્રીજો દાખલો પણ જાણો. ચાર ધામ મહામાર્ગ ‌વિકાસ પ‌રિયોજના અંતર્ગત ઉત્તરકાશી ‌જિલ્‍લામાં ‌યમનોત્રીના માર્ગે સિલ્‍ક્યારા અને બારકોટ વચ્‍ચે ૪.પ ‌કિલોમીટર લાંબી સુરંગનું ‌નિર્માણ હાથ ધરાયું છે. નવેમ્‍બર ૧૨, ૨૦૨૩ના રોજ સુરંગ (ખડક-માટી વચ્‍ચેના યોગ્‍ય ગઠબંધનના અભાવે) ધસી પડી. કુલ ૪૧ શ્ર‌મિકો માટે બહાર નીકળવાનો માર્ગ બંધ થયો. સોળ ‌દિવસ અને રાત ચાલેલા રેસ્‍ક્યુ અ‌ભિયાનના અંતે આખરે તેઓ ‌દિવસનું અજવાળું જોવા પામ્‍યા.

■■■

ચાર ધામ મહામાર્ગ ‌વિકાસ પ‌રિયોજનાની ‌વિરુદ્ધમાં જતી હજી એક બાબત તરફ પણ જરા ધ્‍યાન આપો. વન ‌વિસ્‍તારમાં કોઈ બાંધકામ યા ઔદ્યો‌ગિક પ્રોજેક્ટ હાથ ધરતા પહેલાં environment clearance/ પર્યાવરણ મંજૂરી અ‌નિવાર્ય હોય છે. આ કાયદો છે, જેનો અમલ થવો રહ્યો. વર્ષ ૨૦૧૩માં ભારતના પર્યાવરણ, વન અને જલવાયુ પ‌રિવર્તન ખાતાએ જારી કરેલા અ‌ધિ‌નિયમ અનુસાર નવી જમીનનું સંપાદન કરવું પડે તેવા ૧૦૦ ‌કિલોમીટરથી વધુ લંબાઈના હાઈવે પ્રોજેક્ટ માટે પર્યાવરણ મંજૂરી લેવી જરૂરી છે. સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પ‌રિવર્તન ખાતા તરફથી લીલી ઝંડી ન મળે ત્‍યાં સુધી બાંધકામ ન કરી શકાય.

ચાર ધામ મહામાર્ગ ‌વિકાસ પ‌રિયોજનાનો વ્‍યાપ ૯૦૦ ‌કિલોમીટર છે. સાડા પાંચ મીટરના રસ્‍તાની પહોળાઈ ૧૨ મીટર કરવા માટે જમીન સંપાદન કરવું જરૂરી હતું—અને તેમ કરવા જતાં વૃક્ષ ‌વિચ્‍છેદન થવાનું હતું. આમ છતાં ચાર ધામ મહામાર્ગ ‌વિકાસ પ‌રિયોજના માટે કેંદ્ર સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પ‌રિવર્તન ખાતાની મંજૂરી લેવામાં જ ન આવી. બલકે, એમ કહેવું જોઈએ કે મંજૂરી લેવી જ ન પડે એ રીતનું યુ‌ક્તિપૂર્વક આયોજન કરવામાં આવ્યું. નવસો ‌કિલોમીટર માર્ગના વન-પીસ પ્રોજેક્ટને નાના મોટા પ૩ ‌હિસ્સામાં વહેંચી દેવાયો અને એકેય ‌ટુકડામાં રોડની લંબાઈ ૧૦૦ ‌કિલોમીટરથી વધુ ન હોય તેનું ધ્‍યાન રખાયું. આમ કર્યા પછી પર્યાવરણ, વન અને જલવાયુ પ‌રિવર્તન ખાતાના પેલા (૨૦૧૩ના) અ‌ધિ‌નિયમનો ભંગ થવાનો સવાલ ક્યાં રહ્યો? એ વાત જુદી કે વૃક્ષ‌વિચ્‍છેદન, તેના કારણે વન્‍ય જીવોના આવાસનું સંકોચન, જમીનનું ધોવાણ વગેરે જેવી બાબતોમાં પર્યાવરણની ઐસી તૈસી થતી હતી. છતાં આખું કોળું શાકમાં જતું રહ્યું.

ભ‌વિષ્‍યમાં પર્યાવરણની હજી ઓર તારાજી થાય તેમ છે. પચાસ ‌કિલોમીટરની ‌ત્રિજ્યામાં આવેલા ચારેય ધામનાં દર્શનાર્થે ઊમટી પડનાર યાત્રાળુ માટે હજારો મોટર વાહનો ખેપ કરશે. એક્ઝોસ્‍ટ પાઇપ વાટે વાતાવરણમાં ૩૦ parts per million/ ppm કાર્બન ડાયોક્સાઇડ ઠલવાય તેવી સંભાવના છે. અર્થાત્ હવાના દર ૧૦ લાખ અણુએ કાર્બન ડાયોક્સાઇડની માત્રા ૩૦ અણુઓ જેટલી થશે. આ ‌ફિગર ‌ચિંતાકારક ગણવો જોઈએ, કારણ કે સમગ્ર પૃથ્‍વીના વૈ‌શ્વિક વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ફાળો લગભગ ૪૦૦ ppm જેટલો છે, જ્યારે અહીં તો માત્ર પ૦ ‌કિલોમીટરની ‌ત્રિજ્યાના સાવ નાનકડા ‌વિસ્‍તારમાં ૩૦ ppm કાર્બન પ્રદૂષણની વાત છે.

પહાડોમાં ચાર ધામ મહામાર્ગ બનાવવા જતાં આશરે ૨ કરોડ ઘન મીટર જેટલો muck/ માટી-ઢેફાં-ખડકોનો જથ્‍થો નીકળવા પાત્ર હોવાનો અંદાજ છે. આ માતબર જથ્‍થાને પરબારો ખીણમાં પધરાવી દેવાથી ત્‍યાં વહેતી નદીનું વહેણ કપાય, અ‌તિવૃ‌ષ્‍ટિ વખતે નદીની બેસુમાર જળરા‌શિને વહેવા માટે પૂરતી જગ્‍યા ન મળતાં છેવટે તે બેઉ કાંઠે ઊભરાય અને ત્‍યાં વસેલાં ગામોમાં તબાહી મચાવે એ સંભવ છે.

આ બધાં અને આવાં તો બીજાં ઘણાં બધાં મુદ્દા ચાર ધામ મહામાર્ગ ‌વિકાસ પ‌રિયોજનાની ‌વિરુદ્ધમાં જાય છે. સ્‍થા‌નિકો, સ્‍વયંસેવી સંસ્‍થાઓ તથા રાજ્યના જંગલ ખાતા તરફથી ઊઠેલા ‌વિવાદ, ‌વિરોધ તેમજ કોર્ટ કેસની કમી નથી. છતાં પ‌રિયોજના વણથંભી ચાલી રહી છે. બલકે, ભ‌વિષ્‍યમાં ચારેય ધામને રેલમાર્ગે સાંકળી લેવાનો પ્‍લાન છે. શિવા‌લિકની નાજુક ભૂસ્‍તરીય રચના આવી ખલેલ ક્યાં સુધી સહી શકશે એ તો કોણ જાણે, પણ હવે કુદરતની લાઠી ખાવા માટે તૈયારી રાખવી પડશે એ નક્કી.■


Google NewsGoogle News