Get The App

લામા યોગીએ કરાવેલું પૂર્વજન્મોનું દર્શન

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
લામા યોગીએ કરાવેલું પૂર્વજન્મોનું દર્શન 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- સિદ્ધ પુરૂષો વીતી ગયેલા ભૂતકાળ, આવનારા ભવિષ્યકાળ અને ચાલી રહેલા વર્તમાનકાળને જોઈ શકે છે. આખા વિશ્વમાં ક્યાંય કશું બનતું હોય તેને પોતાની આંખો સામે જોઈ શકે છે

‘ To see a world in a Grain of Sand,

And a Heaven in a Wild Flower,

Hold infinity in the plam of your hand

And Eternity in an hour

- Willam Blake (Auguries of Innocence) 

રેતીના કણમાં વિશ્વના દર્શન કરવા, વનના પુષ્પમાં સ્વર્ગના દર્શન કરવા, હાથની હથેળીમાં અનંતતા ધારણ કરવી અને થોડી ક્ષણોમાં શાશ્વતતા ધારણ કરી રાખવી.'

યોગસિદ્ધિ પ્રાપ્ત કરનારા આ પ્રકારની દૈવી ક્ષમતા ધારણ કરતા જોવા મળે છે. સિદ્ધ પુરૂષો વીતી ગયેલા ભૂતકાળ, આવનારા ભવિષ્યકાળ અને ચાલી રહેલા વર્તમાનકાળને જોઈ શકે છે. આખા વિશ્વમાં ક્યાંય કશું બનતું હોય તેને પોતાની આંખો સામે જોઈ શકે છે. અરબસ્તાનના તત્વચિંક અને યોગી સુગ્ર અલ જહીરે મોંગોલિયાના બૌદ્ધયોગીઓ પાસે રહીને અનેક યોગસિદ્ધિઓ પ્રત્યક્ષ નિહાળી હતી. 'મંગોલિયા મઠભૂમિની આધ્યાત્મિક યાત્રા' નામના તેમના પુસ્તકમાં તેમણે તેનું રોચક વર્ણન કર્યું છે. તેમણે ચૈત્તસિક શક્તિથી પળભરમાં મોંગોલિયથી અફગાનિસ્તાન, ઈરાન, ઈરાક, જોર્ડન વ. થઈ અરબસ્તાન પહોંચવાની એસ્ટ્રલ ટ્રાવેલ કરી દીધી હતી.

અલ જહીરને પહેલેથી યોગ તરફ આકર્ષણ હતું. તે ગૃહસ્થ જીવન જીવતા હતા ત્યારે તેમને આત્મ સાક્ષાત્કાર કરવાની તીવ્ર ઈચ્છા થઈ. એટલે તેમણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી એક લામા યોગીને પોતાના ગુરૂ બનાવી યોગની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવા એમની સાથે રહીને સાધના કરવાની શરૂઆત કરી દીધી. એક દિવસ જહીર એમના લામા ગુરૂ અને અન્ય લામા યોગીઓ સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. જહીરના મનમાં આત્માના અસ્તિત્વ વિશે, એણે ધારણ કરેલા જુદા જુદા શરીરો, એના પૂર્વજન્મો, પુનર્જન્મો વિશે પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા. જહીરના ગુરૂ લામા યોગીએ તેમની યોગસિદ્ધિથી એમના વિચારો જાણી લીધા અને તે તેમને પૂછે તે પહેલાં જ તેના જવાબ આપવા તૈયાર થઈ ગયા. તેમણે એક વિશાળ શિલાખંડ પર બેસીને તેમને કહ્યું - તમે બધા થાકી ગયા હશો. ત્યાં જુઓ, તમને પાણીનો કુંડ દેખાશે. ત્યાંથી પાણી પી આવો. અહીં આપણે થોડીવાર માટે વિશ્રામ કરીશું. જહીર, તારા પ્રશ્નોનો જવાબ આપું અને તારી જિજ્ઞાસા સંતોષાય પછી અહીંથી આગળ જઈશું.' તે બધા પાણી પીવા ગયા એ અરસામાં એમના ગુરૂએ આરસપ્હાણના પથ્થર જેવો એક સફેદ પથ્થરનો સાધારણ ચળકતો ટુકડો ક્યાંકથી શોધી કાઢ્યો. એ બધા પાણી પીને પાછા આવ્યા એટલે લામા ગુરૂએ અલ-જહીરને કહ્યું - દરેકનો આત્મા પરમાત્માનો અંશ જ છે. એટલે તેની અંદર પણ દૈવી શક્તિ રહેલી હોય છે. કોઈમાં તે પ્રગટ હોય છે તો કોઈમાં તે અપ્રગટ. તેની અંદર તો તે છુપાયેલી પડી જ હોય છે. પરમાત્મા આખા બ્રહ્માંડમાં વ્યાપેલા છે. તે જગતના કણેકણમાં પણ સદ્ સત્તા રૂપે કે પ્રાણીઓમાં સદ્-ચિદ્ સત્તા રૂપે રહેલા છે. વ્યક્તિ એના આત્મા અને મન દ્વારા તેના અંશ રૂપ આત્માનું દર્શન કરી શકે છે. તમે તેને ગમે ત્યારે, ગમે ત્યાંથી જોઈ-જાણી-અનુભવી શકો છે. એ આત્માએ ધારણ કરેલા પહેલાંના શરીરો કે આ જન્મ પછી ધારણ કરાનારા શરીરોને પણ જોઈ શકો છો.

યોગ જિજ્ઞાસુ અલ જહીરે એમના લામા ગુરૂને પૂછયું - 'એ કેવી રીતે થઈ શકે ? અને જો એ થઈ શકે એમ હોય તો મારે એની અનુભૂતિ કરવી છે.' લામા યોગીએ તેમને પેલો થોડીવાર પહેલા શોધેલો સફેદ પથ્થર આપતાં કહ્યું - 'તમે આ સફેદ પથ્થરની ચળકતી સપાટી પર તમારું ધ્યાન કેન્દ્રિત કરી દો. પછી હું તમને આત્માના આવાગમન અને પૂર્વજન્મોનું દર્શન કરાવી દઉં.' જહીરે પથ્થરની સપાટી પર એકાગ્ર દ્રષ્ટિથી જોવા માંડયું. તેમને એમ લાગવા માંડયું કે એમની ચેતના ધીમે ધીમે જ્ઞાનશૂન્ય થવા લાગી છે. એમનું મન ગાઢ નિદ્રામાં સરવા લાગ્યું છે. સંમોહન જેવી સ્થિતિ અનુભવતા હતા તે વખતે એમને એક દિવ્ય આત્માના દર્શન થયા એ એનો અવાજ સંભળાયો - હવે તમે તૈયાર થઈ જાઓ. હું તમને ગહન ઊંડાણમાં લઈ જઉં છું. અલ જહીર લખે છે - 'મારી આંખો આગળ છવાયેલો અંધકાર દૂર થઈ ગયો. ભૂતકાળના પ્રવાહમાં ગતિ કરતી મારી ચેતના સમક્ષ મારા પૂર્વજન્મના જીવનની ઘટનાઓ દ્રશ્યમાન થવા લાગી. સૌથી પ્રથમ મેં મારી જાતને આકાશમાં ઊડતા પક્ષીના રૂપે જોઈ. એ પછી મેં મારૃં સ્વરૂપ બદલાઈ ગયેલું જોયું. મેં મારી જાતને જંગલમાં ભટકતાં પશુના રૂપે જોઈ. એ પછી મને મારો મનુષ્ય જન્મ દેખાયો. હું મોટાભાગના લોકોના જેવું સાધારણ જીવન જીવતો હતો. એ પછી મેં મારા અત્યારના જન્મના ચાર જન્મ પહેલાંનું જીવન જોયું. એ વખતે મેં મારી જાતને એક યોગીના રૂપમાં જોઈ. મારી ઉંમર ૬૨ વર્ષની હતી તે વખતની ઘટનાઓ દેખાવા લાગી. મારો મઠ અહીં મોંગોલિયામાં જ હતો. એટલું જ નહીં, એ જંગલમાં જ્યાં હું વિહાર કરી રહ્યો હતો ત્યાં જ મારો એ જન્મનો મઠ/આશ્રમ હતો. મારી સાધના ચાલી રહી હતી ત્યાં એક સુંદર યુવતી આવી. એના અપ્રિતમ સૌંદર્યથી હું એના તરફ આકર્ષિત થયો. એ અવારનવાર મારી પાસે આવતી. એના રૂપની જેમ એની વાણી પણ સંમોહક હતી. હું એના મોહપાશમાં ફસાતો ગયો. આત્મ-સાક્ષાત્કારની દિશામાં હું ઘણો આગળ વધી ગયો હતો પણ તે યુવતીના સંબંધ પછી હું યોગના ઊર્ધ્વગામી પગથિયાં ચડવાને બદલે કામ વાસનાન । નિમ્નગામી પગથિયાં પરથી નીચે પડવા લાગ્યો. મારું અધ:પતન થયું. મારો એ જન્મ અને એ વખતની સાધના નકામા ગયા. હું યોગભ્રષ્ટ થયો પણ મારી સાધના જે અધૂરી રહી હતી તે હવે આ જન્મમાં આગળ વધશે એવું લાગે છે એ સાથે મેં થોડી મિનિટોમાં મારા અનેક જન્મોની ઝલક જોઈ. છેલ્લે મેં મારો અત્યારનો જન્મ, મારૃં અરબસ્તાનનું ઘર, બાળપણ અને યુવાનીની દશા જોઈ. હું સૂક્ષ્મ દેહે જાણે મારા ઘરમાં હતો. પછી સ્થૂળ દેહે પણ ઘરમાં આંટા મારી આવ્યો. મેં મારા ઘરના બધાને જોયા. તેમણે મને પણ જોયો. મને ઘરમાં જોઈ તે બધા વિસ્મિત અવાચક બની ગયા હતા. ફાસ્ટ ફોરવર્ડ અને ફાસ્ટ રિવર્સ થતા વિડિયો કેસેટના ચલચિત્રની જેમ મારા પાછલા જન્મોની અને આ જન્મની ઘટનાઓ નિહાળી.

થોડીવાર પછી જાણે મીઠી નિંદરમાંથી બહાર આવું એ રીતે હું જાગૃત થયો. મેં આંખો ઉઘાડીને જોયું તો હું મોંગોલિયાના મઠભૂમિમાં વનમાં પથ્થરની શિલા પર બેઠો છું મારા હાથમાં હજુ પેલો સફેદ પથ્થર છે. મારા ગુરૂ મારી તરફ સ્મિત કરી રહ્યા છે અને કહી રહ્યા છે - જોઈ લીધી અનેક જન્મોની ઘટમાળ ! આત્માએ ધારણ કરેલા અનેક જન્મો વખતના સ્વરૂપો અને એ જીવનની ઘટનાઓ ?' અલ જહીરે કહ્યું - હા, ખરેખર આ મેં પોતે અનુભવ્યું છે એટલે તે માનવું પડે એમ જ છે. આત્માનું અનેક યોનિમાં થતું આવાગમન, એણે ધારણ કરેલા શરીરોથી જીવાનું વિવિધ પ્રકારનું જીવન, એના વારંવાર થતા પુનર્જન્મ એ એક હકીકત છે. મારા લામા ગુરૂએ એ મને અનુભવ કરાવ્યું.


Google NewsGoogle News