Get The App

21મી સદીના સિલ્વર જ્યુબિલિ વર્ષમાં પ્રવેશવાનો થનગનાટ

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
21મી સદીના સિલ્વર જ્યુબિલિ વર્ષમાં પ્રવેશવાનો થનગનાટ 1 - image


- વિજ્ઞાનીઓ, કોર્પોરેટ જગત અને એ.આઇ. નિષ્ણાતો માનવ જગતની સુખાકારીની ભાવના સાથે આગળ ધપી રહ્યાં છે..  અકળ કંઈ પણ થઈ શકે છે...કોરોનાની કલ્પના કોઇએ કરી હતી?

- હોરાઈઝન-ભવેન કચ્છી

- શોપિંગ, ટ્રાન્સપોર્ટ, ફૂડ અને મેડિસન તમામ સેક્ટરમાં બદલાવ આવી રહ્યો છે

વ ર્ષ ૨૦૨૪ના કેલેન્ડરનું સ્થાન લેવા માટે ૨૦૨૫નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ૨૦૨૫ના વર્ષ અંગે થોડું જુદી રીતે વિચારીએ તો ૨૧મી સદીના ચોથા ભાગ તરફ કે પછી સિલ્વર જ્યુબિલિ તરફ માનવ જગત આગળ ધપી રહ્યું છે.વર્ષો વીતતાં વાર નથી લાગતી. જાણે મિલેનિયમ પૂર્ણ થયે હજુ આઠ દસ વર્ષ થયાં હોય તેમ જ લાગે છે. પણ આજકાલ કરતા ૨૪ વર્ષ પૂરા થઈ ગયા.

'૯૦ના દાયકામાં એવું કહેતા બહુ રોમાંચ અનુભવતા કે ૨૧મી સદીમાં તો દુનિયા આવી હશે અને તેવી હશે. રોજે રોજ કે પ્રત્યેક ક્ષણે આપણે બદલાવની પ્રક્રિયામાં હોઈએ એટલે ખબર ન પડે. પણ કેટલું બધું પરિવર્તન થયું.. આઉટડેટેડ થઈ ગયું. 

માનવજગત ભાવિ વિશ્વ યુદ્ધ અને પરમાણુ યુદ્ધની ડરામણી કલ્પનાથી ડરતો રહ્યો પણ નોસ્ટ્રાડેમસે પણ આગાહીમાં થાપ ખાઈ ગયો તેવા  કોરોનાએ માનવ જગતને એક નવા જ મુકામ પર લાવી દીધું.

હવે ૨૧મી સદીના બીજા ૨૫ વર્ષમાં દુનિયા કેવી હશે? લિંકડઈન' દર વર્ષના અંત અગાઉ ૨૧મી સદીના આગામી વર્ષો અને દુનિયા કેવી બદલાયેલી હશે તે જાણવા વિશ્વના ટોચના જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતો, સી.ઇ.ઓ અને સંશોધકો પાસેથી મંતવ્યો મંગાવતું હોય છે. આ કોઈ જ્યોતિષીઓની આગાહી નથી હોતી પણ જે ગ્રાઉન્ડ લેવલ પર હાલ દિશા કે આકાર પામી રહેલું છે તેનો આધાર લઈને ભાવિ દુનિયા અને જનજીવન, જનમાનસ અંગેનું અનુમાન છે.

આવા નિરીક્ષણો પર નજર નાંખીએ(૧) ઓફિસમાં હાઈબ્રીડ કલ્ચર રહેશે. (૨) કંપનીઓ તેમની પ્રોપર્ટીની ખાસ જરૂર નહીં રહે તેથી વેચવા કાઢશે. (૩) જુદી જુદી સેવાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એ.આઇ.) હાજર રહેશે. (૪) સ્ટાર બેઝડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખતમ થઈ જશે.(૫) પડકારો છતાં અર્થતંત્ર ઝીંક ઝીલશે, અંધાધૂંધી નહીં ફેલાય.(૬) ઈ કોમર્સ ૨૫ ટકા રહેશે, શોપિંગ મોલ અને રિટેલ બીઝનેસ પણ ચાલશે. (૭) ઘરની કે સોસાયટી અને કોમ્યુનિટી ખેતીનો ખ્યાલ વિક્સશે. (૮)ક્રીપ્ટો કરન્સી પ્રચલિત બનશે (૯)હેલ્થ સ્ટાફની તીવ્ર અછત સર્જાશે.. રોબોટ વિકલ્પ બનશે (૧૦) શાળા કોલેજ વર્ગ ખંડની બહાર વૈશ્વિક અને વર્ચ્યુઅલ કે ઓનલાઇન વધુ વ્યાપક બનશે. 

(૧૧) વાહનોની ઇલેક્ટ્રિક બેટરીનું મટીરીયલ જ ખૂટી પડશે. નવી ધાતુ પેટાળમાંથી ખોજ કરાશે.

આગામી દાયકાઓમાં તમામ વાહનો ઇલેક્ટ્રિક બની જશે જે બેટરીથી ચાલતા હશે. પણ આવા અબજો વાહનો માટેની બેટરીઓ જેમાંથી બને છે તે કોબાલ્ટ, નિકલ અને મેન્ગેનેઝ જેવી ધાતુ જ ખૂટી પડશે આવે વખતે કટોકટી ન સર્જાય તે માટે અત્યારથી એવું સંશોધન થઈ ચુક્યું છે કે બેટરી પોલીમેટાલિક નોડયુલ નામની ધાતુમાંથી બની શકે. આ કુદરતી ધાતુ ક્યાંથી મળી શકે તેના સગડ પણ પ્રાપ્ત થઈ ગયા છે. હવાઈ અને મેક્સિકો વચ્ચેના પેસિફિક સમુદ્રમાં ૧૭ લાખ ચોરસ માઇલ વિસ્તાર કે જે ''કલેરીઓન - કલિપર્ટોન ઝોન'' તરીકે ઓળખાય છે તેના ત્રણ માઈલ ઊંડે જઈએ તો બટાટાના કદના ધાતુના ટુકડા લાખો વર્ષથી ધરબાયેલા છે. આવા સમુદ્ર પર કબજો જમાવવા ટ્રેડ વોર જામશે.

(૧૨) લેબોરેટરીમાં માંસાહાર અને બિયોન્ડ મીટ જેવા ખાદ્ય પદાર્થ બનશે: વિશ્વમાં પશુ પંખીને મારી નાંખી જે માંસાહાર થાય છે તેને લીધે વાયરલ તેમજ અન્ય બીમારી વધતી જશે અને નાગરિકોમાં જાગ્રતતા કેળવાશે. વેજ અને વેગન વ્યાપ વધશે. ફેશન અને ટ્રેન્ડ પણ બની જશે. જીવ દયાની રીતે તેમજ ચિકન, મટન અને માંસાહાર વાનગી કેવી ક્રૂર અને આરોગ્યને માટે જોખમકારક રીતે પ્રક્રિયામાંથી પસાર થઈને બને છે તે સોશિયલ મીડિયામાં રજૂ થતું રહેશે. આના વિકલ્પ તરીકે માંસાહારી નાગરિકો જ લેબોરેટરીમાં અદ્દલ સ્વાદ અને આરોગવાની રીતે  માંસાહારી જ લાગે તેવું લેબમાં બનેલું માંસ કે ચિકન પસંદ કરશે. એવા વનસ્પતિ, કંદ, મૂળ પણ એવા શોધાયા છે કે જે માંસાહારીને ભોજનનો સંતોષ આપે. લેબ મીટ, પ્લાન્ટ કે બીયોન્ડ મીટ અપનાવાશે.

(૧૩)સખાવત અને ચેરિટીનો અભિગમ વધશે: કોર્પોરેટ જગત તેની સામાજિક પ્રદાનની જવાબદારી વધુ સારી રીતે નિભાવશે. વ્યક્તિ, વ્યક્તિ સમૂહ, શ્રીમંતો,  સહકારી વિભાગ અને કોર્પોરેટ જગતની સમાજને, તેના દેશને, તેના વતનને પરત આપવાની(ગીવિંગ બેક ટુ સોસાયટી) ભાવના વધુ પ્રબળ બનશે. શ્રીમંત વ્યક્તિ કે કોર્પોરેટ જૂથ સમક્ષ કોઈ માનવીય અભિગમ સાથેનો પ્રોજેક્ટ મૂકશે તો તેઓને ડોનેશન મળશે. ક્રાઉડ ફંડિંગ પણ વધુને વધુ પ્રચલિત બનશે.

(૧૪) વ્યક્તિ એક કરતા વધુ નોકરી કરતી હશે: 

વ્યક્તિ અને પરિવારની જરૂરિયાતો વધશે. તેઓ ગુણવત્તાસભર જીવન પસંદ કરતા હશે. મનોરંજન, પ્રવાસ, શિક્ષણ, ફેશન, ગેજેટ્સ, શોપિંગ અને ભોજન માટે બજેટ વધતું રહેશે. તો બીજી તરફ મોંઘવારી પણ રહેવાની જ. વ્યક્તિ આ કારણે એક કરતા વધુ જોબ કરશે. નોકરી માટે આઠ કલાક ઓફિસ જવું પડે, ઓફિસના સ્થળે જવા આવવા એક બે કલાક આપવા પડે તેને પસંદ નહીં કરે. તેના કરતાં ઓનલાઈન, વર્ક ફ્રોમ હોમ અને અમુક કલાક ધંધા, તેના હુન્નર કે દુકાન માટે બહાર જવાનું પસંદ કરશે.

(૧૫) સેકન્ડ હેન્ડ બીઝનેસ ધુમ મચાવશે : વિશ્વમાં આર્થિક રીતે અસમાનતા વધતી જશે. ગરીબ દેશો, અને મધ્યમ વર્ગની વસ્તી વિશ્વની સિત્તેર ટકાથી વધુ હશે. કપડાં, ગેજેટ્સ, ફર્નિચર, વાહનો અને અન્ય જરૂરિયાતો નવી ખરીદવી તેઓને પરવડે નહીં. ઇ કોમર્સ અને ઓનલાઇન સેકન્ડ હેન્ડ ચીજવસ્તુ માટે બે પાર્ટીને ભેગી કરી આપતી એપ પણ મોટી સંખ્યામાં હશે. ઇટાલીની વ્યક્તિ તેની ચીજ ભારતમાં ઇટાનગર જેવા ગામની વ્યક્તિને વેચી શકશે. વાહનો અને ગેજેટ્સ, કપડાં કે ફર્નિચર એવા હશે કે તે ઘસારો નહીં પામતા હોય. તેઓની કાર્યક્ષમતા કે આવરદા કરતા ૨૫ ટકા માંડ ઉપયોગમાં લેવાયો હશે ત્યાં તેના સંપત્તિવાન માલિકો સસ્તામાં તે વેચવા કાઢશે અને તેઓ નવા મોડેલ ખરીદશે.

(૧૬) પ્રત્યેક શહેર કે ગામ પ્રવાસન કેન્દ્ર બનવાની યોજના ધરાવશે:  જે તે શહેર કે દેશ માત્ર પરંપરાગત વ્યાપાર, ધંધા કે ઉદ્યોગથી ટકી નહીં પણ શકે કેમ કે ઘણું બધું ઓનલાઇન, એ.આઈ. આધારિત કે ડિજિટલ થઈ ગયું હશે. બીજી તરફ  સ્થાનિક કે બહારના નાગરિકો એકના એક હરવા ફરવાના સ્થળોથી કંટાળીને નવા પ્રવાસન સ્થળો, સભ્યતા, સંસ્કૃતિ અને ફૂડ, ફેશનની શોધ માટે રસ બતાવશે. પ્રત્યેક ગામ, શહેર, રાજ્ય કે દેશના પ્રવાસન સ્થળો જ તેની કમાણીનું સ્ત્રોત્ર બનશે. આપણા તહેવારો, કળા, હુનર, વેશ પરિધાન, સંસ્કૃતિથી પ્રવાસીઓને આકર્ષવા પડશે.

જે પ્રવાસન સ્થળો છે તેનો સુવિધા વધારીને પ્રચાર કરવો પડશે.

ઉદાહરણ તરીકે આરબ દેશો તેલ થકી આગામી દાયકા પછી ટકી નહીં શકે તે જાણી ચુક્યા હોઇ અત્યારથી જ પ્રવાસન અને મનોરંજન તેમજ વૈશ્વિક રમતોના આયોજકો, સ્ટેડિયમ, ક્લબોના સોફ્ટ પાવરથી વિશ્વને આકર્ષવાની યોજના સાથે આગળ ધપી રહ્યા છે.

(૧૭) સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં નાગરિકો સ્માર્ટ બનશે :  સોશિયલ મીડિયાના એક બે હાલના મોટા પ્લેટફોર્મની જગ્યાએ નાના નાના કે અમુક કોમ્યુનીટી પૂરતા પ્લેટફોર્મ આવશે. નાગરિકો સામેથી જ એવા પ્લેટફોર્મમાં  જોડાશે જે દિવસમાં અમુક વખતથી વધુ ખૂલે નહીં કે પોસ્ટ ન કરવા દે. અમુકથી વધુ ફોટા ખેંચવા કે અપલોડ ન કરવા દે. કોઈ વ્યક્તિ, ગ્રુપ કે કંપની તેનું માર્કેટિંગ જ કરતી રહેતી હોય તો તેને નાગરિકો  સમજતા જશે. ટ્રોલથી પણ બચશે. સોશિયલ મીડિયાની યંત્રવતતા અને દેખાડા, દંભથી બધા કંટાળશે.

(૧૮) માત્ર સુપર રીચની આગવી દુનિયા અને બજાર બનશે : સુપર રીચની જેમ  મહત્તમ નાગરિકો મોંઘા ગેજેટ્સ, વાહનો, એપાર્ટમેન્ટ, બંગલા, પ્રવાસન સ્થળો, વિમાની પ્રવાસ, રેસ્ટોરાં,હોટેલ, લગ્ન જેવા પ્રસંગો અને શિક્ષણ  માણતા હશે. બેંક લોન, ક્રેેડિટ કાર્ડ અને જીવન જીવી  લેવાની વૃત્તિ આ માટે કારણભૂત હશે. આવી પરિસ્થિતિમાં સુપર રીચ વર્ગને તેમનો આગવો અહંકાર ઘવાતો લાગશે. તેઓ એવું ઈચ્છશે કે અમારા જૂજ સિવાય કોઈ અમારા જેવું ખરીદી ન શકે, ભોગવી ન શકે. શ્રીમંતોની પણ પહોંચ બહાર તે હોવું જોઈએ. આ કારણે તમામ ગેજેટ્સ, મોજ શોખ, જીવન શૈલી, વાહનોના મોડેલ અને પ્રસંગો, વિમાન સેવા, કપડાં, રહેવાની અલાયદી કોલોની સુપર રીચની પ્રીમિયમ રેન્જ પ્રચલિત બનશે.

(૧૯) કેન્સર, ઓટીસમ, સ્કીઝોફ્રેનીયા, અલ્ઝેઇમર જેવી બીમારી પર કાબૂ માટે ભગીરથ સંશોધન: ભવિષ્યમાં કોરોના જેવા વાયરસ કેવા હોઇ શકે તેના સંશોધનો અને વેક્સિન પર તો કામ થાય જ છે પણ કેન્સર અને મગજના જ્ઞાનતંતુ આધારિત જે પણ જટિલ બીમારી છે તેને જેનોમ થેરાપી અને ડીકોડિંગથી કાબૂમાં લેવા પર વિજ્ઞાન એડીચોટીનું જોર લગાવી સંશોધન કરી રહ્યું છે. રશિયાએ હજુ થોડા દિવસો પહેલા કેન્સરની અમુક બીમારી પર કારગત નીવડે તેવી રસીની શોધ કરી છે. વર્ષ ૨૦૨૨ના મેડીસીનના નોબેલ પ્રાઇઝ વિજેતા સ્વાન્તે પાબોએ ક્રાંતિકારી સંશોધન કરતા ૪૦,૦૦૦ વર્ષ અગાઉ લુપ્ત થઈ ગયેલા અને તે વખતે આધુનિક રોગમુક્ત  માનવીઓમાં હતા તેના જેવા જીન પેદા કરવામાં સફળતા મેળવી છે. એવા જીન બીમારી દર્દીમાં આરોપિત કરાશે. આ ઉપરાંત ઓછી સાઈડ ઈફેક્ટ ધરાવતી દવાઓ પર પણ વિજ્ઞાન ભાર મુકી રહ્યું છે.

(૨૦) રેન્સમ વોરનો નવો મોરચો : ઘણા દેશો અન્ય દેશની સંરક્ષણ વ્યૂહ રચના, ફાઈલ, ગુપ્ત ડેટાથી માંડી દેશની જાહેર સંસ્થાઓ, બેન્કો અને સંવેદનશીલ ઓફિસની વેબસાઈટમાં ઘૂસી જાય માહિતી, ડેટા ચોરી લીધે. વાયરસ ઘુસાડશે. હુમલાનો ભોગ બનેલ દેશ તેનો સાયબર મોરચો ઓનલાઇન વોરમાં ઉતારશે. આમ રેન્સમ વોરનો નવો મોરચો ખુલશે. સાયબર ક્રાઇમ માથાનો દુખાવો બનશે.

અને એબોવ ઓલ એ.આઇ. વિશ્વના ભાવિને કેવી દિશા આપે છે તે અંગે દ્વષ્ટાઓના મિશ્ર મંતવ્યો મળ્યા છે. માનવ જગતને મદદરૂપ થાય તેવી પણ પ્રબળ સંભાવના છે.

તો આ હતા આગામી દુનિયાના ટ્રેન્ડ્સ.. એક વાત નક્કી કે વિજ્ઞાન અને જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતો અને કોર્પોરેટ જગત માનવજગત બહેતર બનાવવા અને ગુણવત્તા સાથે સુખ આપવા ભણી જ પરિશ્રમ કરે છે અને તેવી ભાવના ધરાવે છે.


Google NewsGoogle News