Get The App

ચેસની ચતુરાઇમાં ભારતને સર્વોપરી બનવાની સુવર્ણ તક

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
ચેસની ચતુરાઇમાં ભારતને સર્વોપરી બનવાની સુવર્ણ તક 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ચેસ એ માણસની બુદ્ધિ અને એની વ્યૂહબાજીની કુનેહની કસોટી છે. મગજનું દહીં થઈ જાય એટલી હદે બુદ્ધિ કસવી પડે 

મા ત્ર ૧૮ વર્ષની ઉંમરે યંગેસ્ટ ચેસની સ્પર્ધામાં વર્લ્ડ ચેમ્પિયન બનેલા ગુકેશ દોમ્મારાજુની સિદ્ધિ પર દેશવાસીઓ આફરીન પોકારી ઉઠયા છે. ચીનના ખેલાડી ડિન્ગ લિરેનને હરાવીને ગુકેશે સિંગાપુરમાં બાજી મારી લીધી ત્યારથી આખા વિશ્વમાં નવા,  એકદમ યંગ ગુકેશનું નામ ગુંજી રહ્યું છે. સાથે સાથે વિશ્વનાથ આનંદ પછી બીજા ધરખમ ચેસ ચેમ્પિયન આપવા બદલ ભારતનું નામ પણ રોશન થયું છે. દરેક ભારતીય માટે આ એક મોટો ગૌરવનો પ્રસંગ છે.

બે દાયકા પૂર્વે વિશ્વનાથન આનંદે પોતાનું અને પોતાના દેશનુ સ્વપ્ન સિદ્ધ કર્યું હતું.  આનંદ સ્પેનના યુવા ખેલાડી એલેક્સી શિરોવને શિકસ્ત આપીને ભારતનો પ્રથમ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો હતો. દરેક ભારતીય માટે આ એક મોટા ગૌરવનો પ્રસંગ હતો. હાલમાં ગુકેશનું વિશ્વવિજેતાપદ  દેશના કરોડો રમતગમતપ્રેમીઓને ક્રિકેટ સિવાયની બીજી રમતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરશે એવી આશા અસ્થાને નથી, ૧૯૮૩માં કપિલ દેવની ટીમે આપને ઇંગ્લેન્ડમાં ક્રિકેટના વિશ્વવિજેતા બનાવ્યા ત્યારથી દેશવાસીઓને આ રમત પ્રત્યેની ચાહનામાં અનોખો જુવાળ આવ્યો હતો. એકત્રીસ વર્ષનો આનંદ વર્લ્ડ ચેમ્પિયન બન્યો ત્યારે ભારતીયોમાં ચેસની ગેમ પરત્વે પણ અદમ્ય આકર્ષણ ઊભું થયું હતું. આ બાબતમાં કેન્દ્ર સરકાર અને એનું ખેલકૂદ મંત્રાલય ઘણું બધું યોગદાન આપી શકે છે. ગુકેશ સ્વભાવે એકદમ શાંત અને ધીરગંભીર યુવાન છે.  કેટલાક વિશ્લેષકો એમ પણ કહેતા કે ગુકેશમાં કિલર ઇન્સ્ટિક્ટ નથી એટલે જ તે વર્લ્ડ ચેમ્પિયન નહીં બની શકે, પરંતુ આ વાત ખોટી પડી છે. હકીકત તો એ છે કે એ માત્ર આઠ વર્ષનો હતો ત્યારથી ચેસ ચેમ્પિયન બનવાના સપના જોતો હતો.  તેણે  આ વાત વિશ્વનાથ આનંદને મળીને કહી હતી.  

વિશ્વનાથ આનંદ પછી ગુકેશ ડી.નો ભવ્યવિજય ચેસની રમતને ભારતમાં લોકપ્રિય બનાવવા માટેની આ એક સુવર્ણ તક છે. દેશના દરેક શહેરમાં ગુકેશનું જાહેરમાં અભિવાદન ગોઠવવું જોઇએ અને દરેક રાજ્ય સરકારે ચેસની તાલીમ માટે અત્યાધુનિક એકેડેમી સ્થાપવી જોઇએ. ગુકેશ દરેક ભારતીય યુવાન માટે એક આદર્શ બની રહેવો ઘટે. 

અત્રે એક ખાસ નોંધ લેવી જોઈએ અર્જુન એરીગાઇસીની. માત્ર સાત વર્ષની વયે ચેસની રમતમાં નામના કાઢનારો અર્જુન વિશ્વના ઘણા દેશોમાં ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યો છે. ૧૪ વર્ષની વયે તો એ ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો અને હાલ ૨૧ની વયે વિશ્વનાથ આનંદ પછી ફિડો ઇલોના ૨૮૦૦ રેટિંગ મેળવનાર બીજા નંબરનો ભારતીય ખેલાડી છે. ગુકેશથી પણ આગળ! આ દેશમાં ૧૯૮૩ બાદ ક્રિકેટનો જે અતિરેક થયો છે એવો એક વેસ્ટ ઇન્ડીઝને બાદ કરતાં બીજે ક્યાંય નથી થયો. એડ એજન્સીઓથી માંડીને કોર્પોરેટ કંપનીઓ સુધીના બધા ક્રિકેટ પાછળ જ ઘેલા છે. આવા પાગલપણાનો કેટલાક ક્રિકેટરોએ ભરપૂર લાભ ઉઠાવી પોતાના ગુંજામાં અબજો રૂપિયા ભરી લીધા છે. મેચ ફિક્સિંગનું કૌભાંડ ફરી ન થાય એ માટે લોકોએ પોતાના રમતગમતમાંના રસનું વિકેન્દ્રીકરણ કરવું જરૂરી છે. ચેસ માટે તો આપણને વિશેષ ભાવ હોવો ઘટે, કારણ કે આ રમતનાં મૂળ ભારતમાં છે. સદીઓથી શતરંજના સ્વરૂપમાં ચેસ ભારતના ગામડે ગામડે રમાતી આવી છે. ગુજરાતીમાં આપણે શતરંજને ચોપાટરૂપે ઓળખીએ છીએ. એક જમાનામાં ગુજરાતી ગૃહિણીઓ પણ ચોપાટ રમીને દિવાસામાં જાગરણ કરતી. 

આપણા દેશમાં તો કેરળ-તામિલનાડુની સરહદે આવેલા એક ગામમાં તમામ રહેવાસીઓ ચેસ પ્રેમી છે. કેરળના થિસુર જિલ્લામાં મરો નિચલ નામનું ગામ છે. ત્યાં બે દાયકા પૂર્વે ઉન્નિ કૃષ્ણન નામના ચેસ શોખીને ૬૪  ચોકઠાંની રમત ચેસનો જ્વર ચડયો અને એણે આખા ગામને ચેસ રમતું કરી દીધું. 

આજે  નાની-મોટી  રોડસાઈડ  દુકાન  હોય કે બસ સ્ટેન્ડ,  આ ગામના  નાગરિકો  ફાજલ સમય  મળતાવેંત  ચેસના  ચકરાવે  ચડી  જાય છે.  આ ગરીબ પ્રજાને ચેસને  રવાડે ચડાવનાર  છે ઉન્નિકૃષ્ણન. ગામવાસીઓને ચેસની  રમત શીખવવા બસ દ્વારા પંદર કિ.મી. પ્રવાસ ખેડતો  અને  પાછો ફરતો. એ વખતે બોબી ફિશરના ક્લાસિક  વ્યૂહ અને બોરિસ  સ્પાસ્કીના  આટાપાટા  અખબારોમાં  ચર્ચાતા.  આ સમયગાળામાં  મરોનિચલ  ગામના  રહેવાસીઓને  ચેસનો ચસકો લાગ્યો  જે  આજ  સુધી  ઓસર્યો  નથી.  આ  ગામના  પ્રત્યેક  ઘરમાં ચેસનો જાણકાર  ખેલાડી   છે.  આખા  દેશમાં  'ચેસ  લિટરેટ'  નાગરિકોનો  રેકોર્ડ  આ ગામના નામે  બોલે  છે. ઉપરાંત,  દોઢ કિ.મી.ના પટ્ટા પર  એક સાથે ૧૫૦૦ ચેસ ખેલાડીઓએ  એક સાથે ચેસ રમી એશિયામાં એક કીર્તિમાન  બનાવ્યું. આજ સુધી આ રેકર્ડ  કાયમ  છે. આજે  એ ગામ ચેસ વિલેજ તરીકે ખ્યાતનામ બન્યું છે. જેના પ્રત્યેક નાગરિક ચેસ પ્રેમી છે. 

મરો નિચલમાં જ્યાં જુઓ ત્યાં ફ્રેન્ડ્સ  ક્લબ, આર્ટ  ક્લબ, સ્પોર્ટ્સ  ક્લબ કે પછી લાઈબ્રેરી, જ્યાં જુઓ ત્યાં ચેસનાં બોર્ડ  પથરાયેલા  જોવા મળે.  માનવામાં  આવે એવું નથી પણ  ૧૯૯૦ પછી  સ્થાનિકોએ  આલ્કોહોલનું સેવન સદંતર બંધ કરી દીધું અને ચેસના  બંધાણી થઈ ગયા. શરાબની  દેશી ભઠ્ઠીઓ  તો ઠીક  લાઈસન્સધારી દારૂની દુકાનોને  દરવાજે  તાળા લાગી ગયા.  ૨૦૧૩માં  બનેલી  'ઓગસ્ટ  ક્લબ' નામની તમિલ ફિલ્મમાં  આ  ગામ પાત્ર તરીકે ફિલ્મ પડદે સાકાર થયું. આ આખા ગામના ઘણા રહેવાસીઓએ  આ  ફિલ્મમાં  નાની-મોટી  ભૂમિકા  ભજવી.  ઓગસ્ટ  ક્લબનો પ્લોટ  આ ગામની ચેસ ક્લબમાં પાંગરેલા પ્રેમની  હરતેફરતે  રચાયો હતો. 

ચેસ એ માણસની બુદ્ધિ અને એની વ્યૂહબાજીની કુનેહની કસોટી છે. મગજનું દહીં થઈ જાય એટલી હદે બુદ્ધિ કસવી પડે અને એક ચિત્તે રમવું પડે એવી ચેસની રમત ઈ.સ. ૫૦૦ની આસપાસ એટલે પંદરસો વરસ અગાઉ ઉત્તર ભારતમાં શોેધાઈ હોવાનું મનાય છે. જો કે અંગ્રેજ પુરાતત્વવિદ સર વિલિયમ જોન્સના મત મુજબ ચેસની રમત લંકાના રાજા રાવણની  પત્ની મંદોદરીએ શોધી કાઢી હતી. રાજા રાવણ રાજકાર્ય સિવાયના સમયમાં ભગવાન શંકરની આરાધના અથવા દેવો સામે બાખડવામાં રચ્યા-પચ્યા રહેતા તેથી નાથ વગરની એકલવાયી મંદોદરી માટે રાણીવાસમાં સમય પસાર કરવાની સમસ્યા થઈ પડેલી. પતિના વિયોગમાં રાણી  મંદોદરીએ છેવટે કુકરીની મદદથી રમી શકાય એવી રમત શોધી કાઢી. જેનાથી સામાને ઉથલાવી  પાડવાની રાવણની મારફાડવૃત્તિ સંતોષાય અને તેની કુશાગ્ર બુદ્ધિ પણ કસોટીના એરણ પર ચડે.

મહાભારતમાં પણ આજની ચેસને મળતી આવતી શતરંજ, ચોપાટ જેવી રમતનો ઉલ્લેખ છે. જો કે વૈજ્ઞાનિક પુરાવાને જ સાચા ગણવામાં આવે તો ચેસની ગેમ ૧૫૦૦ વર્ષથી વધુ જૂની હોવાનું માની શકાય નહીં. કારણ કે વિશ્વના અનેક સ્થળોએથી મળી આવેલા અવશેષોમાં ક્યાંય ચેસ રમવા વપરાયેલું લાકડું કે ચામડું કે ધાતુના બનેલાં બોર્ડ તથા મહોરાં ૧૫૦૦ કરતાં  વધુ વર્ષ જૂના લાગ્યા હોવાનું જાણમાં નથી. આ રમતનું મૂળ સંસ્કૃત નામ હતું 'ચતુરંગ'.

પહેલાં આનંદ અને હવે ગુકેશે જગતને બતાવી આપ્યું છે કે બુદ્ધિથી ભારતીયો દુનિયાની કોઇ પ્રજાથી નીચા નથી, બુદ્ધિબળની કસોટીમાં ભારતીય યુવાની ભલભલા ચમરબંધીઓને ભૂ પાઇ શકે છે. એક તરફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી)માં આપણા યુવાનો આખા જગતમાં નામના મેળવી રહ્યા છે, બીજી તરફ ગુકેશે  સિંગાપુરની નૌકઆઉટ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. ભારતીય બુદ્ધિમતાની સુવર્ણ યુગ હવે બહુ નજીક હોય એમ લાગે છે. કેટલાક વાંકદેખાઓ એમ કહે છે કે ગુકેશ ખરો વિશ્વવિજેતા નથી,   વિમ્બલ્ડન જેવી પ્રતિષ્ઠિત ટેનિસ સ્પર્ધામાં છેક આઠ દાયકા પૂર્વેથી નૌકઆઉટ ફોરમેટ અપનાવી 

લેવાયું છે. 

બન્યું એવું કે રશિયન ચેસ ફેડરેશનના પ્રમુખ અને ઇન્ટરનેશનલના માનદ સભ્ય એન્દ્રેઇ ફિલાતોવે ગુકેશ બાબત એવો વિવાદ ખડો કર્યો છે કે મેચની નિર્ણાયક ક્ષણોનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે. ફિલાતોવની દલીલ એવી છે કે બન્ને ખેલાડીઓ વચ્ચેની લાસ્ટ ગેમના પરિણામને લીધે પ્રોફેશનલ્સ તથા ચેસના રસિયાઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. નિર્ણાયક તબક્કે ચીની ચેસ ખેલાડી ડિન્ગ લિરેને શંકાસ્પદ વર્તન કર્યું હતું. તેણે જાણે એકાએક ગેમમાંથી રસ ઊડી ગયો હોય તેવું વર્તન દાખવી સાવ બાલિશ દેખાવ કર્યો હતો.

 આપણા દેશમાં ક્રિકેટની રમત એટલી હદે લોકપ્રિય બની ગઈ છે કે તેની ઘેલછાને લીધે બીજી બધી જ રમતોને ગ્રહણ લાગી જાય. ચેસ સ્પર્ધામાં એશિયન ક્વિન બનેલા અનુપમા અભ્યંકરને પદ્મશ્રીનો ખિતાબ મળ્યો ત્યારે તેના પિતાએ આગ્રહ સેવ્યો હતો કે ખિતાબ આપવા કરતા અનુપમાની રમત માટે તમામ સુવિધા પૂરી પાડવાની જવાબદારી સરકારે લેવી જોઈએ.

વિશ્વનાથન આનંદ ભારતનો પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યો ત્યારે સરકારી સ્તરે તેની થોડી વાહ વાહ થઈ પરંતુ રશિયામાં આવી સિદ્ધિ એટલે થી જ અટકતી નથી. ત્યાંની સરકાર તો રુસી બાળકો ૧૦ વર્ષે જ ગ્રાન્ડ માસ્ટર બની જાય તેવી તૈયારી કરી રહી છે. કોઈ મહોલ્લાનું જ બાળક ચેસની રમતમાં ઝળકી ઊઠે કે તરત સ્થાનિક ચેસ માસ્ટરના હાથ નીચે તાલીમ આપી તેને રમતમાં પારંગત બનાવી દે છે. આવા વ્યવસાયી ચેસ માસ્ટરને પણ સરકાર મોટો પગાર આપે છે.

ગ્રાન્ડ માસ્ટર બનેલા ખેલાડીને  સરકાર તરફથી સારા પગાર ઉપરાંત સારો ફ્લેટ, મોટર અને વિદેશયાત્રાની સવલતો સુધ્ધાં મળે, એટલું જ નહીં, એક રશિયન ડોક્ટર કે એન્જિનિયર કરતાં ગ્રાન્ડ માસ્ટર  ત્રણ ગણી વધુ આવક ધરાવે છે. અમેરિકા ફૂટબોલ પ્લેયરને હથેળીમાં રાખે છે તેમ રશિયામાં ચેસ ચેમ્પિયનો દેશના હીરલા ગણાય છે. વિશ્વના ૧૫૦ થી વધુ ગ્રાન્ડ માસ્ટરોમાં ૮૦ ગ્રાન્ડ માસ્ટર એકલા રશિયાના જ છે.

એક વાત નોંધવા જેવી છે કે યુવતીઓને ચેસ રમવાની છૂટ મળ્યાના સો વર્ષ પછી પણ ચેસ રમવામાં પુરુષો જેટલી ઉસ્તાદ સ્ત્રી ખેલાડી બહુ ઓછી નીવડી.  સ્ત્રીઓમાંઆ રમત એટલી પ્રચલિત પણ થઈ નથી.

માનસશાસ્ત્રીના કહેવા પ્રમાણે સ્ત્રી લાગણીપ્રધાન હોવાથી જલદી ભૂલ કરી બેસે છે તેથી ચેસ રમવામાં પુરુષો કરતાં એ ઓછી સમર્થ ગણાય!

ખરેખર તો શતરંજ નથી મર્દોની રમત કે નથી મહિલાની એ તો છે માત્ર દિમાગ લડાવવાનો ખેલ. કુશાગ્ર બુદ્ધિ ધરાવતી કોઈપણ વ્યક્તિ આ રમતમાં પારંગત થઈ શકે છે. રશિયન યુવતી માયા ચિબુર દાની  જ સૌથી નાની વયની મહિલા ઈન્ટર નેશનલ માસ્ટર' બની ત્યારે એ માત્ર ૧૩ વર્ષની હતી! આ ખિતાબ મેળવ્યા પછી ચાર વર્ષમાં જ મહિલા શતરંજની વિશ્વ ચેમ્પિયન બની. ભારતની રોહિણી ખાડિલકર, અનુપમા અભ્યંકર, ભાગ્યશ્રી વગેરે પણ દેશની ટોચની ચેસ પ્લેયર્સ ગણાય છે.

 સુપરસ્ટાર તિક રોશને થોડા સમય પૂર્વે એક અખબારી ઇન્ટરવ્યુમાં બહુ સરસ વાત કરી હતી કે માનવી પાસે એકલી પ્રતિભા હોય એ પૂરતું નથી, એની કને પોતાની પ્રતિભા સાથે તાલ મિલાવી શકે એવી પ્રરિશ્રમ કરવાની ખેવના પણ હોવી જોઇએ.  ગુકેશ પાસે એવી ખેવના છે, એટલે જ એ આજે સિદ્ધિના સર્વોચ્ચ શિખર પર પહોંચ્યો છે. એની પાસે પ્રતિભા ઉપરાંત સખત પરિશ્રમ, કૃતનિશ્ચયતા અને પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ હાંસલ કરવા માટેની ચાહ-બધા જ ગુણો સવિશેષપણે હાજર છે. બીજું, એણે પોતાની નમ્રતા અને ખેલદિલીને કદી કોરાણે નથી મૂકી.

આમ પણ ચેસની રમતમાં ચતુર બનવું હોય, સારા ખિલાડી તરીકે પંકાવું હોય તો માનસિક સ્વસ્થતા જ જરૂરી છે શાંત, સ્વભાવ, ધીરજ, સામે બેઠેલાં હરીફની દરેક ચાલ ઉપર બારીક નજર રાખવાની ટેવ, મનની એકાગ્રતા, શાંત ચિત્તે નિર્ણય લેવાની આવડત અને હરીફની ભાવિ ચાલને અગાઉથી વિચારી લઈ તેને નિષ્ફળ બનાવવાની કુનેહ આટલા ગુણ ચેસ ખેલાડીમાં હોવા જરૂરી છે.


Google NewsGoogle News