Get The App

ખાલી શબ્દનો અર્થ વ્યાપ્ત .

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
ખાલી શબ્દનો અર્થ વ્યાપ્ત                                     . 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- દીકરાના ચાલ્યા જવાથી માતા, પત્નીના ચાલ્યા જવાથી પતિ, પતિના ચાલ્યા જવાથી પત્ની 'ખાલીપો' અનુભવે છે

સંસ્કૃત 'રિક્ત' શબ્દમાં જે અર્થ વૈભવ છે તેની તુલનામાં 'ખાલી' તદ્ભવ શબ્દમાં જે અર્થવિસ્તાર થાય છે તે પણ જાણવા જેવો છે! ખાલી એટલે શૂન્ય. 'શૂન્યમાં શબ્દરૂપે' નરસિંહ મહેતા જોઈ શકે છે. આપણે વ્યવહારમાં 'ખાલી' શબ્દનો અર્થ જ્યાં કશું નજરે પડે નહિ એ ખાલી 'ખાલી જગ્યા પૂરો'માં જ્યાં શબ્દ નથી ત્યાં યોગ્ય શબ્દ મૂકવાનો છે. પથારી ખાલી, બેઠક ખાલી, ડબ્બો ખાલી, બસ ખાલી, ટ્રેઇન ખાલી જેવા શબ્દોનો અર્થ એમાં અપૂર્ણતા છે. વધારે સમાવવાને અવકાશ છે પણ દીકરી વળાવ્યા પછી 'ઘર ખાલી થઈ ગયું' એવી ઉક્તિમાં અર્થનો વિસ્તાર છે. આ દુનિયામાં દરેક માણસ 'ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે' એ સુક્તિમાં ફિલસૂફી છે. જે માણસ પાસે બધું જ ભૌતિક સુખ હોય, પણ પરમતત્ત્વને પામ્યો ન હોય તો તે પણ 'ખાલી ફેરો ફરી રહ્યો છે' તેવું કહેવા પાછળ પરમતત્ત્વનો મહિમા કરવાનો સંકેત છે. આમ જોવા જઇએ તો જિંદગીભર માણસ ખાલી પેટ ભરવાના જ ઉધામા કરે છે. અહીં 'ખાલી' શબ્દ કેવળ ખાવા માટે જ પ્રયાસો કરે છે એવો અર્થ અભિપ્રેત છે.

બૃહદારણ્યક ઉપનિષદના બ્રાહ્મણ-૨માં એક સંવાદ આવે છે તેમાં જનકરાજા યાજ્ઞાવલ્ક્ય પાસેથી આ મુજબ જ્ઞાન મેળવે છે. 'જમણી આંખમાં જે ચેતન છે તે ઇન્દ્ર છે. ડાબીઆંખમાં જે છે તે તેની પત્ની વિરાજ છે અને હૃદયની ખાલી જગ્યા છે તેમાં એ બંનેને સાથે હળી મળી રહેવાની જગ્યા છે ત્યાં તેમને ખાવાનું, પીવાનું, ફરવાનું, ઓઢવાનું બધું જ મળી રહે છે. અહીં હૃદયની ખાલી જગ્યાની વ્યંજના સ્નેહાવાસનો અર્થ કરે છે. 'ખૂણો ખાલી છે, 'ગામ ખાલી છે''દેશ ખાલી છે' આવા પ્રયોગો પણ ખાલી શબ્દનો વિશેષ અર્થ કરે છે. આપણા અનિલ જોશી જેવા પ્રસિદ્ધ કવિ દ્વારા રચાયેલું ગીત 'ખાલી' શબ્દનો ગજબનો વ્યંજના વિસ્તાર કરે છે! હર્યું ભર્યું લાગતું ઘર, હળેલો મળેલો પરિવાર, કિલકિલાટ કરતુ ઘર જ્યારે ખાલી થઇ જાય છે ત્યારે ભયંકર લાગે છે. સન્નાટો છવાઈ જાય છે. ભર્યા પછીનું ખાલીપણું દુષ્કર જણાય છે જેવું ઘરનું છે તેવું ગામનું છે તેવું જ જીવનનું છે, જીવન પણ હર્યું ભર્યું હોય અને ખાલી થઇ જાય તો સન્નાટો છવાઈ જાય. ખાલીપણું મર્દ માણસને પણ મારી નાખે. 

રાજસ્થાનના ડુગારી ગામમાં મેળો ભરાયેલો ખેતીવાડી ખાતા તરફથી એક પ્રદર્શન ગોઠવાયેલું. ત્યાં ઘઉંના સુધારેલા બિયારણનો ખાલી નમૂનો રાખેલો. તેની ઉપર રામનારાયણ નામના એક ખેડૂતની નજર પડી તેને દાણા લેવાનું મન થયું, પણ ખાતાના અધિકારીને કહ્યું તે વેચવા માટે નથી ખાલી નિદર્શન માટે છે. હતાશ થઇને રામનારાયણ પાછો ગયો. બીજે દિવસો એ ફરી ત્યાં જઇને ઊભો રહ્યો, થોડી રકઝક કરી, પછી અધિકારીએ તેને એ ઊંચી જાતના ઘઉંનો નમૂનો આપ્યો - પણ ખાલી એક જ દાણો આપ્યો.

એક દાણો મોંઘામૂલા રતનની જેમ જાળવીને રામનારાયણ પોતાના ઘરે લઇ ગયો. પોતાના ખેતરની સારામાં સારી ખાલી જગ્યા પસંદ કરીને ત્યાં ખાતર પાણી નાંખીને દાણો જતનથી વાવ્યો. રોજ તેની કાળજી લીધી. થોડા દિવસે એમાંથી અંકુર ફૂટયો પછી ડૂંડી ફૂટી ને પાક થયો. તેમાંથી એક રતલ ઘઉં નિકળ્યા! પછી રામનારાયણ હરખાઈ ગયો એ પોટલી તેણે સાચવીને બીજા માટે પટારામાં મુકી દીધી. પછી દર વર્ષે તેની જ ખેતી કરવા લાગ્યો. મોહન પ્રભાકરની આ વાર્તા પાછળ ખાલી નમૂનાનો દાણો પણ કેવું મોટું આશ્ચર્યજનક પરિણામ લાવે છે તેની પ્રતીતિ કરાવે છે! એવી જ રીતે કોઈ એક ખાલી જગામા સાધુ ધૂણો ધખાવે ત્યારે એ જગ્યા જીવંત બની જાય છે. એના પણ ઘણાં દ્રષ્ટાંતો છે.

કેટલીક વાર આપણને જિંદગીની કોઈ પળો ખાલીખાલી લાગે છે. 'ખાલી'માંથી શું ખાલીપો શબ્દ આવ્યો હશે? 'ખાલીપો' એટલે એકલતા. 'ખાલી' શબ્દનો પર્યાય 'ઠાલુ' છે પણ 'ઠાલું' શબ્દનો પર્યાય ખાલી નથી. 'ખાલીપો' પણ એકાંતનો નહિ, એકલતાનો અર્થ આપે છે. જ્યાં બધું હોવા છતાં કશુંક ખૂટતું લાગે. સ્વજનો મિત્રોની વચ્ચે પણ ખાલીપાનો અનુભવ થતો હોય છે. દીકરાના ચાલ્યા જવાથી માતા, પત્નીના ચાલ્યા જવાથી પતિ, પતિના ચાલ્યા જવાથી પત્ની 'ખાલીપો' અનુભવે છે. ખાલીપો એ વ્યક્તિનો જ નહિ, ભાવ-લાગણીનો દ્યોતક છે. ખાલીપો એ આંખોને નહિ, હૃદયને થતો અનુભવ છે. ઘરમાં જ 'ખાલીપો' અનુભવતાં ઘણાં પાત્રો સાહિત્યમાં અભિવ્યક્ત થયાં છે. અલી ડોસો એ ધૂમકેતુ દ્વારા દર્શાવાયેલો એક ખાલીપો છે. ગાંધીજીના મૃત્યુ પછી દેશમાં ખાલીપો વ્યાપી ગયેલો. કેટલીયે વિધવા સ્ત્રીઓ આપણા દેશમા ખાલીપો અનુભવી રહી છે. અમેરિકામાં પુત્રો સાથે ચાલ્યાં ગયેલાં મા-બાપ, એમાંથી જો કોઈ એક ગુજરી જાય તો જે ખાલીપો અનુભવે છે તે દયનીય હોય છે. 'ખાલીપો' માનવેતર સૃષ્ટિમાં પણ એવો તીવ્રતર જ હોય છે. વાનરનું બચ્ચુ મૃત્યુ પામે ત્યારે, પંખીનું બચ્ચુ મૃત્યુ પામે ત્યારે, સાથે રહેતો બળદ એક બળદને છોડીને વેચી માર્યો હોય ત્યારે ખાલીપાનો જ અનુભવ પશુ પંખી સૃષ્ટિમાં એટલો જ તીવ્રપણે થતો જોવા મળ્યો છે. 'ખાલી' શબ્દમાં જે ભાવદ્રવ્ય રહેલું છે એનો વિસ્તાર 'ખાલીપા' શબ્દમાં અનેકગણો જોઈ શકીએ છીએ. આપણું ખોળિયું ખાલી થઇ જાય છે ત્યારે ખોળિયામાંથી ચાલ્યા જનારા તત્ત્વને આપણે રોકી રાખી શક્તા નથી અને ખાલી જગ્યાની સમય સિવાય કોઈ પૂર્તિ શક્ય નથી. આવો, આપણે ખાલી થઇને પૂર્ણ થઇએ... બધા જ દૂષણો દૂર કરીને પૂર્ણતા તરફ આગળ વધીએ, ખાલી જગ્યા કરી, ખાલી જગ્યા ભરીએ.


Google NewsGoogle News