Get The App

રત્નો જડયા કાંચનમાં જ સોહે .

Updated: May 27th, 2023


Google NewsGoogle News
રત્નો જડયા કાંચનમાં જ સોહે                       . 1 - image


- સુભાષિત-સાર-ડૉ.કુલીનચંદ્ર પો. યાજ્ઞિક

- સુનંદાના શબ્દો મનમાં ઉતારીને ઈન્દુમતિએ અજને વરમાળા પહેરાવી. સમાજશાસ્ત્રીઓ તમામ સંબંધો સારા કે ખોટા સમાન કક્ષાના માણસો સાથે જ બાંધવા સૂચન કરે છે. 

(अनुष्टुभ्)

कुलेन कान्त्या वयसा नवेन

गुणैश्च तैस्तैर्विनयप्रधानैं ।

त्वमात्मनस्तुल्यममुं वृणीष्व

रत्नं समागच्छतु कागचनेन।।

- रघुवंश

કલમ : કવિવર કાલિદાસ કથા રઘુવંશની, શ્રીરામની બે પેઢી પહેલાંની; પ્રસંગ : ઈન્દુમતિનો સ્વયંવર.

સ્વયં એટલે પોતે અને વર એટલે ભાવિ પતિની વરણી; મતલબ કે કન્યા માટે વરની પસંદગી કોઈ વડીલો ન કરે પણ કન્યા પોતે જ સ્વતંત્ર રીતે જ વરની પસંદગી કરે તેવી પ્રથા. કેટલીક વાર સ્વયંવરમાં કોઈ શરત રખાતી : સીતાના સ્વયંવરમાં એ શરત હતી કે તેમના પિતા જનક પાસે શિવજીએ આપેલું એક દિવ્ય ધનુષ હતું. તેમાં કામઠા ઉપર જે ઉમેદવાર પણછ બરાબર ચઢાવે તે સફળ. દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્યવેધની શરત હતી.

સાદા સ્વયંવરમાં ઉમેદવારો એક સભામાં બેસતા. કન્યા દરેકની પાસે વારાફરતી જતી અને તેની દાસી જે તે ઉમેદવારનો પરિચય આપતી. અંતે, મળેલી માહિતી ઉપરથી કન્યા નિર્ણય જાહેર કરતી.

મધ્યપ્રદેશના કોઈ એક રાજાએ પોતાની કુમારી ઈન્દુમતિ માટે સ્વયંવર જાહેર કર્યો હતો. દેશદેશાવરથી ઘણા રાજાઓ, થોડા રાજકુમારો પણ આવ્યા હતા. (બે પેઢી પછી, રાવણ પોતે સીતાના સ્વયંવરમાં ઉમેદવાર તરીકે આવ્યો હતો અને ખાલી હાથે પાછો ફર્યો હતો !)

ઈન્દુમતિએ આવેલા બધા ઉમેદવારોનો પરિચય કર્યો પણ એને કોઈ પસંદ પડયા નહિ. છેક છેલ્લા ઉમેદવાર રઘુવંશના પ્રતિભાશાળી રાજકુમાર અજ તરફ એનું ધ્યાન ગયું. તેના તેજસ્વી વ્યક્તિત્વને તેને આકર્ષ્યો. દાસી સુનંદાએ અજનાં ઘણાં વખાણ કર્યાં. સુનંદાએ કહેલા પ્રશસ્તિના શ્લોકો પછી છેલ્લા શ્લોકમાં તો એણે અજને વરવાની ભલામણ કરી દીધી. આ સુંદર શ્લોક ઉપરના મથાળા સાથે આપ્યો છે. તેમાં સુનંદા કહે છે :

''સૌંદર્યથી તેમજ વયથી નવા નવા ગુણો- ખાસ કરીને સૌથી મોટા ગુણ વિનયથી - એ સોહે છે. તે બધાને લીધે તારી જાતને સમાન માનીને તેને તું પસંદ કર, જે કાંચનમાં રત્ન જડયાં બરાબર છે.''

સુનંદાના શબ્દો મનમાં ઉતારીને ઈન્દુમતિએ અજને વરમાળા પહેરાવી. સમાજશાસ્ત્રીઓ તમામ સંબંધો સારા કે ખોટા સમાન કક્ષાના માણસો સાથે જ બાંધવા સૂચન કરે છે. અને તે ઉપરથી કહેવત પડી ગઈ છે ''રત્નને સોનામાં જડવું'' અથવા ''રત્ન સોનામાં જડાય તો જ શોભે''.


Google NewsGoogle News