ગાયત્રી મંત્ર સંબંધિત ભ્રમણાઓ દૂર કરનાર સિદ્ધપુરુષ!

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
ગાયત્રી મંત્ર સંબંધિત ભ્રમણાઓ દૂર કરનાર સિદ્ધપુરુષ! 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- સિદ્ધ ગુરુપરંપરા અને હિમાલયમાં નિવાસ કરતી મહાન ચેતનાઓ દ્વારા મળેલી પ્રેરણાને આધારે એમણે વેદમાતા સવિતુર્ ગાયત્રીનું અનુષ્ઠાન કર્યું...

મ હાશક્તિશાળી ગાયત્રી મંત્રના સર્વશ્રેષ્ઠ ઉપાસકોમાંના એક પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ પોતાના ૮૦ વર્ષના જીવનકાળ દરમિયાન લખેલાં પુસ્તકો અને જીવનકથનીમાંથી પસાર થવાનો અવસર તાજેતરમાં મળ્યો. ગુવાહાટીમાં કામાખ્યા શક્તિપીઠથી નજીક આવેલાં ગાયત્રી પરિવાર સંસ્થાનના સંચાલક પાસેથી જાણવા મળ્યું કે પંડિત શ્રીરામ શર્મા આચાર્ય બ્રહ્મલીન થયા, એ પૂર્વે પોતાના શરીરના વજન કરતાં પણ વધુ દળદાર એવા ગ્રંથો વેદમાતા સવિતુર્ ગાયત્રીની કુંડલિની સાધના તથા મંત્ર અને તંત્રસાધના પર લખી ગયાં.

ક્રાંતિકારી તરીકે ભારતની આઝાદીની ચળવળનો પણ ભાગ રહી ચૂકેલાં આ મહાપુરુષે જિંદગીનાં ૨૪ વર્ર્ષ ગાયત્રી મંત્રની સાધના કરવામાં વિતાવ્યાં. એક વર્ષમાં એક મહાપુરુશ્ચરણ, એવી રીતે ૨૪ વર્ષમાં ૨૪ મહાપુરુશ્ચરણ થકી પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ ગાયત્રી મંત્રને જાગૃત કર્યા અને વેદમાતા ગાયત્રીના સાક્ષાત્કાર સહિત એમની અનુકંપાના અધિકારી બન્યાં. એક મંત્રમાં જેટલાં વર્ણ (અક્ષરો) એટલા લાખ જાપ કરવામાં આવે, ત્યારે એક મહાપુરુશ્ચરણ સંપન્ન થાય.

મૂળ ગાયત્રી (૨૪ વર્ણ) મંત્ર છે :

तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ।

સવિતુર્ ગાયત્રી મંત્ર (૩૨ વર્ણ) છે: 

ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ।

પંડિત શ્રીરામ શર્મા આચાર્યની સાધના વિશેષત: 'સવિતુર્ ગાયત્રી મંત્ર' પર રહી, જેમાં ૩૨ વર્ણ હોવાથી તેના ૩૨ લાખ જાપ (ન્યાસ, મુદ્રા, વિનિયોગ, યજ્ઞા સહિતના સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન) સાથે કરવાથી એક મહાપુરુશ્ચરણ સંપન્ન થયું કહેવાય. આવા ૨૪ મહાપુરુશ્ચરણ! ગૃહસ્થ હોવા છતાં પંડિતજીએ એમના અર્ધાંગિની (કે જેઓ સાક્ષાત્ દેવીસ્વરૂપા હતાં એ)ના સહકારને કારણે ૨૪ વર્ષનું આ મહાઅનુષ્ઠાન પૂર્ણ કરી શક્યા.

સાધનાનાં વર્ષો દરમિયાન જવનો રોટલો અને દૂધ જ એમનો ખોરાક! શરીરને ટકાવી રાખવા પૂરતું ભોજન ગ્રહણ કરીને તેઓ આખો દિવસ માત્ર સાધનામાં લીન રહેતા. સિદ્ધ ગુરુપરંપરા અને હિમાલયમાં નિવાસ કરતી મહાન ચેતનાઓ દ્વારા મળેલી પ્રેરણાને આધારે એમણે વેદમાતા સવિતુર્ ગાયત્રીનું અનુષ્ઠાન કર્યું. પ્રથમ પુરુશ્ચરણના આરંભ વેળાથી જ એમણે પોતાના પૂજાકક્ષમાં અખંડ દીવો સ્થાપિત કર્યો, જે છેક ૨૪મા પુરુશ્ચરણ સુધી પ્રજ્વલિત રહ્યો. એ અખંડ દીવો આજની તારીખે - આટલા દાયકા વીતી ગયા પછી - પણ શાંતિકુંજ (હરિદ્વાર) ખાતે પ્રજ્વલિત છે. ભારત દેશના ઘર-ઘર સુધી વેદમાતા ગાયત્રીની ઊર્જા વહેંચવાનું એમનું અભિયાન વર્ષ ૧૯૫૩માં આરંભાયું અને વર્ષ ૧૯૬૮ સુધીમાં ભારતભરમાં દસ હજાર ગાયત્રી સંસ્થાનનું નિર્માણ થઈ ચૂક્યું હતું.

સાધનાની પૂર્ણાહુતિ પર પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ વેદમાતા ગાયત્રી સમક્ષ પોતાના માટે કશી માંગણી નહોતી કરી. જે મનુષ્ય ગાયત્રી સાધના અથવા મંત્રોચ્ચારણ કરવા માગે, તેઓ કોઈ પ્રકારના ભેદભાવ વગર પૂજા-અર્ચના કરી શકે એ ઉદ્દેશ્યથી એમણે પોતાનું ૨૪ વર્ષનું તપ સમાજ તથા લોકકલ્યાણના કાર્યો માટે વિશ્વને અર્પણ કરી દીધું. સમાજમાં પ્રવર્તતી ભ્રાંતિઓ અને ભયને દૂર કરવા માટે એમણે મહિલાઓને પણ ગાયત્રી યજ્ઞા કરવાનો અધિકાર આપ્યો. આજની તારીખે દેશ-વિદેશોમાં અનેક મહિલા સાધિકાઓ ઘરે-ઘરે વેદમાતા ગાયત્રીના હવનકાર્ય કરાવી રહ્યાં છે. ગાયત્રી મંત્રનું મોટેથી ઊંચા સ્વરમાં ઉચ્ચારણ ન કરવું જોઈએ, દીક્ષા વગર તેનો જાપ ન કરી શકાય, બ્રાહ્મણો સિવાય ગાયત્રીનો જાપ કરવાનો અધિકાર અન્ય કોઈ પાસે નથી... આ પ્રકારની ગેરમાન્યતાઓને દૂર કરવા માટે એમણે મહાઅભિયાનનો છેડયું. માત્ર પોથીપંડિત બની બેઠેલાં લોકોને પુરાવા સાથે સાબિત કરી બતાવ્યું કે ગાયત્રી મંત્ર સમાજના પ્રત્યેક વર્ગના લોકો માટે છે! જાતપાત કે ગુરુદીક્ષા અને સ્ત્રી-પુરુષના ભેદભાવ વગર તેનું ઉચ્ચારણ સૌ કોઈ કરી શકે, એવો વિશ્વાસ એમણે લોકોને અપાવ્યો. ઘરે ઘરે ગાયત્રી યજ્ઞા થાય, એ માટે ગાયત્રી શક્તિપીઠોમાં નિત્યહવનની પ્રથા શરૂ કરાવી.

પંડિત શ્રીરામ શર્મા આચાર્યને પોતાના દેહાવસાનની તિથિ અંગે પૂર્ણ જાણકારી હતી. એમણે પોતાના શિષ્યો સમક્ષ ઘોષણા કરી હતી કે પંચમહાભૂતથી બનેલાં આ દેહનો ત્યાગ કર્યા પછી તેઓ સૂર્ય સાથે હંમેશા માટે એકરૂપ થઈ જશે. સવિતુર્ ગાયત્રી એ સૂર્ય ભગવાનની ગાયત્રી હોવાને કારણે એમણે આ ઘોષણા કરી હતી, જેની પાછળનું તાત્પર્ય એ હતું કે સદેહે તેઓ જેટલું કાર્ય કરી શકતાં હતાં એનાથી અનેકગણું વધારે કાર્ય તેઓ પોતાના સૂક્ષ્મ શરીરમાં રહીને કરી શકે એમ હતાં. આ કારણોસર, સૂર્ય સાથે એકરૂપ થઈ જવાને કારણે તેઓ ભૂલોક સુધી પહોંચનાર પ્રત્યેક સૂર્યકિરણોના માધ્યમથી જન-જન સુધી, દરેક માનસપટ સુધી ગાયત્રીની ઊર્જા વહેંચી શકશે એવા વચન સાથે એમણે દેહનો ત્યાગ કર્યો.

અને થયું પણ એવું જ! પંડિતજીના દેહાવસાન પશ્ચાત્ ગાયત્રી યજ્ઞા અને સાધના વિશ્વભરના જુદા જુદા દેશોમાં વ્યાપી ગઈ. ગાયત્રી મંત્ર અને તંત્રસાધના અંગે વધુ ચર્ચા આવતાં અઠવાડિયે કરીએ. 


Google NewsGoogle News