Get The App

એકલવ્યની જેમ પ્રવીણને પણ તીરંદાજીની એકેડમીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લેવાયો અને...

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
એકલવ્યની જેમ પ્રવીણને પણ તીરંદાજીની એકેડમીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લેવાયો અને... 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- મહારાષ્ટ્રના નાનકડા ગામમાં જન્મેલો પ્રવીણ જાધવ હવે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ પર નિશાન તાકશે

હ જ્જારો માઈલની સફરની શરુઆત નાનકડું ડગલું ભરવાની સાથે થાય છે. અફાટ સાગરને પાર કરવાની ખ્વાઈશને પૂરી કરવા માટે પ્રત્યેક પળે દિશા અને પ્રવાહનું ધ્યાન રાખીને આગળ વધવું પડે છે. એક સાથે અનેક પગથિયાને ચઢી જવાની ઉછાળા મારતી મહત્વકાંક્ષા ક્યારેક અક્સ્માતનું પણ કારણ બની શકે, પણ એક વેળાએ એક ડગલું ભરવાની ધીરજ અને સતત આગળ વધતા રહેવાનું મનોબળ મંઝિલ સુધી પહોંચાડી શકે છે.

મહારાષ્ટ્રના સાવ નાનકડા ગામડાંમાં રહેતા અને અત્યંત સાધારણ પરિવારમાં જન્મેલા પ્રવીણ જાધવને તેની મહેનત છેક વિશ્વના શ્રેષ્ઠ રમતવીરો વચ્ચે યોજાતી ઓલિમ્પિકની સ્પર્ધા સુધી લઈ ગઈ છે. ટોકિયો ઓલિમ્પિક બાદ પ્રવીણ પેરિસ ઓલિમ્પિક માટેની ભારતીય ટીમમાં પણ સામેલ છે. તીરંદાજીના પરંપરાગત સ્વરુપ કે જેને આધુનિક તીરંદાજીમાં રેક્યુર્વે ઈવેન્ટ તરીકે ઓળખાય છે, તેમાં પ્રવીણે આગવી મહારત હાંસલ કરી છે. પ્રવીણ ભારતની રેક્યુર્વે તીરંદાજી ટીમમાં સામેલ અતાનુ દાસ અને તરુણદીપ રાઈની સાથે મળીને ૨૦૧૯માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીતી ચૂક્યો છે.

પેરિસ ઓલિમ્પિકના વર્ષમાં પ્રવીણ સહિતના ભારતના રેક્યુર્વે સ્પર્ધાના પુરુષ તીરંદાજોએ આગવી સિદ્ધિ હાંસલ કરતાં શાંઘાઈ વર્લ્ડ કપ સ્ટેજ વનમાં ધીરજ બોમ્માદેવારા અને તરુણદીપ રાઈ સાથે મળીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. ભારતે આ સાથે તીરંદાજીની રેક્યુર્વે સ્પર્ધામાં ૧૪ વર્ષના લાંબા વનવાસ બાદ પુરુષોની ટીમ સ્પર્ધામાં સ્વર્ણિમ સફળતા મેળવી હતી. તેમાંય સોનામાં સુગંધ ભળે તેવી બાબત એ હતી કે, ભારતે તીરંદાજીમાં સુપરપાવર તરીકેની ઓળખ ધરાવતા સાઉથ કોરિયાને હરાવીને આ સફળતા મેળવી હતી. યોગાનુંયોગ ભારતે તીરંદાજીના વર્લ્ડ કપમાં પુરુષોની રેક્યુર્વે ટીમ સ્પર્ધામાં છેલ્લે ૨૦૧૦માં ચંદ્રક જીત્યો તે સફળતા પણ શાંઘાઈમાં જ હાંસલ કરી હતી.

પ્રવીણ આ ઉપરાંત એશિયન ઈન્ડોર ચેમ્પિયનશિપ અને એશિયન ગ્રાં પ્રિમાં પણ અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો છે. ત્રણ વર્ષ પહેલા યોજાયેલા ટોકિયો ઓલિમ્પિકમાં પણ તેણે ભારતીય ટીમ સાથે અને દીપિકા કુમારી સાથે મિક્સ ટીમ ઈવેન્ટમાં ક્વાર્ટર ફાઈનલ સુધીની સફર ખેડી હતી, પણ તે થોડા માટે ચૂકી ગયો હતો. જોકે, કારકિર્દીના પહેલા ઓલિમ્પિકના અનુભવ બાદ હવે તે વધુ પરિપક્વતા સાથે રમતોના મહાકુંભમાં ઉતરશે, જેના કારણે ઓલિમ્પિકની તીરંદાજી સ્પર્ધામાં ભારતને સૌપ્રથમ ઐતિહાસિક ચંદ્રક મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

વિશ્વના ટોચના તીરંદાજોની હરોળમાં સ્થાન ધરાવતા પ્રવીણની જિંદગીની સફર ભારે ચડાવ-ઉતાર અને અણધાર્યા વળાંકોમાંથી પસાર થઈ ચૂકી છે. મહારાષ્ટ્રના સતારામાં આવેલા સરાડે નામના ગામડાંમાં છૂટક મજુરી કરીને જીવન નિર્વાહ કરતાં રમેશ જાધવના પરિવારમાં પ્રવીણનો જન્મ ૬ જુલાઈ ૧૯૯૬ના રોજ થયો હતો. ગામમાં સાવ છેવાડે નાનકડી ભાંગી-તૂટી ઝૂંપડીમાં રહેતા જાધવ પરિવારને બે ટંકનું ભોજન પણ માંડ મળી શકતું. ગામમાં માત્ર સાત ધોરણ સુધીની જ શાળા હતી, જ્યાં અભ્યાસ કરતાં આ ખંતીલા વિદ્યાર્થી પર પ્રાથમિક શાળાના શિક્ષક વિકાસ ભુજબળની નજર પડી.

વિકાસે આ નાનકડા છોકરામાં રસ લેવા માંડયો અને તેને શાળાની વિવિધ રમત સ્પર્ધામાં સામેલ કરવાનું શરુ કર્યું. તેમને લાગતુ હતુ કે, આ પ્રતિભાશાળી છોકરો જો રમતમા નામ કાઢે તો તેની અને પરિવારની ગરીબી દૂર થઈ શકે અને તેઓ પણ સન્માનજનક જીવન જીવી શકે. આ જ વિચાર સાથે તેમણેે પ્રવીણને પહેલા ૪૦૦ અને ૮૦૦ મીટરની દોડ સ્પર્ધાની તાલીમ આપવાની શરુ કરી, કારણ એથ્લેટિક્સની રમતમાં ખેલાડીએ કોઈ ખર્ચ કરવાનો હોતો નથી. જોકે બે ટંક ભોજન માટે પણ વલખા મારતા પરિવારના આ પુત્રનું વજન ૧૦ વર્ષની ઊંમરે માત્ર ૨૨ કિલો જેટલું જ હતુ અને કુપોષણને કારણે તે સમવયસ્કોની સાથેની સ્પર્ધામાં ટકી શકતો નહતો. વિકાસ ભુજબળે પોતાના ખર્ચે તેના ભોજનની અને અન્ય જરુરિયાતોનું ધ્યાન રાખવાનું શરુ કર્યું.

આખરે તેની પસંદગી મહારાષ્ટ્ર સરકારની ક્રિડા પ્રબોધિની સ્કીમમાં એથ્લીટ તરીકે થઈ ગઈ. શરુઆતમાં તો તેના પિતાએ પૂણેની બાલેવાડીમાં ચાલતી સ્પોર્ટ્સ હોસ્ટેલમાં તેને મૂકવાનો ઈનકાર કર્યો કારણ કે તેઓ ઈચ્છતા હતા કે, તે ગામની જ દુકાનમાં કામ કરે અને તેેનાથી પરિવારની આવકમાં વધારો થયો. જોકે વિકાસ ભુજબળ અને અન્યોની સમજાવટ બાદ તેઓ આ માટે સહમત થયા. પૂૂણેમાં એથ્લેટિક્સની તાલીમમાં ફરી પ્રવીણને તેનુ કુપોષણ નડયું અને આ દરમિયાન અમરાવતીમાં ચાલતા તીરંદાજીના કોચ પ્રફુલ ડાગેની નજર તેના પર પડી. આ છોકરાના હાથ લાંબા હતા અને તેની શારીરિક રચના પણ તીરંદાજી માટે તેમને યોગ્ય લાગી. જેના કારણે તેને અમરાવતીમાં તીરંદાજીની રમતમાં મોકલી આપવામાં આવ્યો.

શરુઆતમાં તે વાંસના બનેલા ધનુષ અને બાણનો ઉપયોગ કરીને તીરંદાજી શીખ્યો. જોકે એકાગ્રતા અને ધીરજની આ રમતમાં વાંસનું ધનુષ લાંબા સમય સુધી પકડી રાખવું તેના માટે મુશ્કેલ હતુ. નબળા બાંધાના કારણે તે લાંબા સમય સુધી હાથ સ્થિર રાખીને ધનુષ પકડી શકતો નહતો. આ કારણે તેને ક્રિડા પ્રબોધિની એકેડમીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો. આ બાબતની જાણ છતાં તેના શિક્ષક વિકાસ ભુજબળે તેમના ઓળખીતા એવા જિલ્લા શિક્ષણ વિભાગના ઓફિસરનો સંપર્ક કર્યો અને તેઓ ૮૦૦ કિમી કાર ચલાવીને અમરાવતી પહોંચ્યા.

અમરાવતી સ્પોર્ટ્સ હોસ્ટેલના સત્તાધીશો તો પ્રવીણને કાઢી મૂકવા મક્કમ હતા. જોકે, વિકાસના આગ્રહ અને સરકારી અધિકારીની હાજરીને કારણે તેમણે પ્રવીણને આખરી પરીક્ષારુપે પાંચ તીર તાકવાની તક આપી. જેના પર તેનું ભવિષ્ય ટકેલું હતુ. ભારે તનાવ વચ્ચે પ્રવીણેે તેની પ્રવીણતા બતાવી અને આખરે તેને એેકેડમીમાં જ રાખવાનો નિર્ણય લેવાયો અને તેની જિંદગીએ નાટકીય વળાંક લીધો. કુમળી વયે જ જિંદગીની અત્યંત કઠીન કસોટીઓમાંથી હેમખેમ પાર ઉતરેલા પ્રવીણે ત્યાર બાદ પાછું વળીને જોયું જ નથી.

માત્ર ૧૯ વર્ષની વયે વર્ષ ૨૦૧૬માં તેણે એશિયા કપ સ્ટેજ વનમાં ટીમ ઈવેન્ટમાં કાસ્યચંદ્રક જીત્યો અને ત્યારથી આંતરરાષ્ટ્રીય તીરંદાજીમાં તેની સફરની શરુઆત થઈ. આંતરરાષ્ટ્રીય ચંદ્રકને કારણે તેની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો અને તેને ભારતીય લશ્કરમાં નોકરી પણ મળી ગઈ. જેના પગલે તેના પરિવારની ગરીબી દૂર થઈ. આ પછી ૨૨ વર્ષની વયેે તેણે ૨૦૧૯માં નેધરલેન્ડમાં યોજાયેલી તીરંદાજીની વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમ સ્પર્ધામાં ઐતિહાસિક સિલ્વર મેડલ  જીત્યો. ત્યારે ભારત વર્ષ ૨૦૦૫ પછી એટલે કે ૧૪ વર્ષ પછી પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રેક્યુર્વે પુરુષ ટીમ ઈવેન્ટની ફાઈનલમાં પ્રવેશ્યું હતુ.

વર્લ્ડ ચેમ્પિયનશિપના ચંદ્રકની સાથે તેણે ટોકિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરી લીધી અને ઓલિમ્પિયન તરીકેનો દરજ્જો હાંસલ કર્યા બાદ તેને દેશભરમાં નામના મળી. આંતરરાષ્ટ્રીય તીરંદાજીમાં એક પછી એક મુકામ સર કરી રહેલા પ્રવીણની પાસે ભારતને હવે પેરિસ ઓલિમ્પિકમાં ચંદ્રકની આશા છે. ભારતની અતિ પ્રાચીન પરંપરાગત વિદ્યાઓમાં સામેલ ધનુર્વિદ્યામાં હજુુ એક પણ ભારતીય હજુ ઓલિમ્પિક ચંદ્રક જીતી શક્યો નથી. જોકે આ કલંકને પેરિસ ઓલિમ્પિકમાં પ્રવીણ અને તેની ટીમ મીટાવી શકે છે. 


Google NewsGoogle News