'જેત્સુન્મા'ની આધ્યાત્મિક આરત

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
'જેત્સુન્મા'ની આધ્યાત્મિક આરત 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- અભ્યાસની અસલી પરીક્ષા એકાંતવાસના સુરક્ષિત સ્થાન પર નહીં, પરંતુ રોજિંદા જીવનમાં પ્રત્યેક ક્ષણે થાય છે

ઘ ણા જ્ઞાાનપિપાસુઓ પોતાની આધ્યાત્મિક શાંતિની શોધમાં ભારત આવે છે. આવું જ એક નામ છે તેન્જિન પાલ્મો. તેન્જિન પાલ્મો એ તિબ્બતી બૌદ્ધ ધર્મના કાગ્યૂ સ્કૂલના દ્રુકપા વંશના એક બૌદ્ધ ભિક્ષુણી છે.

૧૯૪૩ની ૩૦મી જૂને ઇંગ્લૅન્ડના હર્ટફોર્ડશાયરના વૂલ્મર્સ પાર્કમાં તેમનો જન્મ થયો છે. તેમનું મૂળ નામ ડાયને પેરી છે. ડાયને માત્ર બે વર્ષની હતી અને એના પિતાનું અવસાન થયું. ડાયને અને તેના મોટાભાઈને ઉછેરવાની જવાબદારી માતા પર આવી પડી. તેમની માતા અધ્યાત્મવાદી હતી અને લંડનના પરિવારોમાં ગૂઢ વિદ્યા શીખવવા જતી હતી. અઢાર વર્ષની ડાયને પેરીને તે સમયે 'સત્યની ખોજ' માટે ઉત્સુકતા જાગી. એણે ખ્રિસ્તી, યહૂદી અને હિંદુ ધર્મનો અભ્યાસ કર્યો હતો. કુરાન પણ વાંચેલું, પરંતુ એક દિવસ ૧૯૬૧માં ઍરપોર્ટ પર આઠ કલાક રોકાવું પડયું, ત્યારે જૉન વોલ્ટર્સનું પુસ્તક 'માઇન્ડ અનશૅકન' વાંચતા એને એવી અનુભૂતિ થઈ કે એ પૂર્વજન્મમાં બૌદ્ધ હતી. તે બેચેન રહેવા લાગી. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેણે બે વર્ષ લાઇબ્રેરિયન તરીકે કામ કર્યું, જેથી તે બુદ્ધની પાવન ભૂમિ પર જઈ શકે. બે-અઢી વર્ષમાં જ તેનું સ્વપ્ન પૂરું થયું. અંગ્રેજ સ્ત્રી ફ્રેડા બેદી વિશે જે હિમાચલ પ્રદેશના ડેલહાઉસીમાં તિબેટીયન શરણાર્થીઓને અંગ્રેજી શીખવતી હતી તેના વિશે વાંચ્યું. ડાયનેએ તેને ભારત આવવા માટે કાગળ લખ્યો.

વીસ વર્ષની ઉંમરે તે ભારત આવી અને તેના એકવીસમા જન્મ દિવસે ગુરુની પ્રાપ્તિ થઈ. તે દિવસે આઠમા ખમત્રુલ રિનપોછે મળ્યા. ડાયનેને લાગ્યું કે તેને એના ગુરુ મળી ગયા છે. ભારત આવ્યાના ત્રણ મહિનામાં જ તે ડાયને પેરીમાંથી તેઓ તેન્જિન પાલ્મો બની ગયા.

વજયાન પરંપરામાં દીક્ષિત થનારા તેઓ દ્વિતીય પશ્ચિમી મહિલા હતા. પૂરી નિષ્ઠા સાથે ધાર્મિક નિયમોનું પાલન શરૂ કરી દીધું. ૧૯૬૭માં તેમને શ્રમણેરી દીક્ષા આપવામાં આવી, જે તે સમયે તિબ્બતી પરંપરામાં મહિલાઓ માટે ઉચ્ચતમ કક્ષાની ગણાતી હતી, કારણ કે ત્યાં ભિક્ષુણી સંઘની સ્થાપના થઈ નહોતી. ૧૯૭૩માં તેન્જિન પાલ્મોએ હોંગકોંગમાં પૂર્ણ ભિક્ષુણી દીક્ષા પ્રાપ્ત કરી, પરંતુ તેઓ જ્યારે પ્રથમ વાર ભારત આવ્યા, ત્યારે ખમત્રુલ રિનપોછેના મઠમાં એકસો ભિક્ષુઓના મઠમાં તેઓ એક માત્ર ભિક્ષુણીના રૂપમાં રહેતા હતા. તેઓ કહે છે કે ભિક્ષુઓ દયાળુ હતા. કોઈ મુશ્કેલી નહોતી, પરંતુ દુર્ભાગ્ય એ હતું કે તે મહિલા હતી તેથી મહિલા વિરોધી પૂર્વગ્રહોને કારણે મઠની ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકતા નહીં. તેઓ તેન્જિનો માટે પ્રાર્થના કરતા કે હવે પછીનો જન્મ પુરુષ રૂપે મળે. આવું છ વર્ષ ચાલ્યું. ત્યારબાદ તેમના ગુરુએ ગહન સાધના માટે હિમાલયની ઘાટી લાહૌલમાં એકાંતવાસમાં રહેવાની આજ્ઞાા કરી.

હિમાચલ પ્રદેશ અને તિબેટની સીમા પર લાહૌલ ક્ષેત્રમાં એક ગુફામાં ૧૯૭૬થી રહેવાનું શરૂ કર્યું. દસ ફૂટ પહોળી અને છ ફૂટ ઊંડી ગુફામાં બાર વર્ષ રહ્યા. એકાંતવાસ દરમિયાન બાજુમાં જ પોતાના ભોજન માટે શલગમ અને બટેટા ઊગાડી લેતા હતા અને શિયાળા માટે તેનો સંગ્રહ પણ કરી લેતા, કારણ કે ત્યારે સમગ્ર વિસ્તાર પર બરફ છવાઈ જતો. તેમની ગુફા પણ ઢંકાઈ જતી હતી. છેલ્લા ત્રણ વર્ષ તેઓ સંપૂર્ણ રીતે એકાંતવાસમાં રહ્યા. બૌદ્ધ પદ્ધતિથી ગહન ધ્યાનનો અભ્યાસ કર્યો. નિયમાનુસાર તેઓ ક્યારેય સૂતા નહીં, પરંતુ પરંપરાગત લાકડાના ધ્યાનબૉક્સમાં રાત્રે માત્ર ત્રણ કલાક ધ્યાનમુદ્રામાં જ ઊંઘ લેતા હતા. વર્ષના છથી આઠ મહિના માઈનસ ત્રીસથી પાંત્રીસ સેન્ટીગ્રેડ ટેમ્પરેચરમાં તેઓ રહ્યા.

૧૯૮૮માં તેઓ ગુફામાંથી બહાર નીકળ્યા અને વિઝાની સમસ્યાને કારણે ભારત છોડવું પડયું. તેઓ ઈટલી ગયા ત્યાં ઘણા લોકોએ તેમને ભણાવવા માટે કહ્યું અને તેમણે તે વાત સ્વીકારીને ભણાવવાનું શરૂ કર્યું, પરંતુ તેમના ગુરુએ ભિક્ષુણી વિહાર શરૂ કરવાની વાત કરી હતી, તે સતત મનમાં ઘોળાતી હતી. ૧૯૯૩માં તાશી જોંગ ખાંપગર મઠના લામાઓએ પણ તે અંગે અનુરોધ કર્યો હતો. આ કઠિન કાર્ય શરૂ કર્યું. દુનિયાભરમાં પ્રવાસ કરીને ફંડ એકત્રિત કર્યું. ૨૦૦૧માં ભિક્ષુણી વિહાર તૈયાર થયું અને તેને નામ આપ્યું ડોંગ્યૂ ગત્સલ લિંગ નનરી. અહીં એકસોથી વધારે ભિક્ષુણીઓને શિક્ષણ અને તાલીમ આપવામાં આવ્યા છે. ૨૦૦૮માં તેન્જિન પાલ્મોને તેમની આધ્યાત્મિક ઉપલબ્ધિઓ અને મહિલાઓની સ્થિતિને સુધારવા માટે 'જેત્સુન્મા'ની ઉપાધિ આપવામાં આવી. 'જેત્સુન્મા'નો અર્થ છે આદરણીય ગુરુ. તેમણે અસંખ્ય પ્રવચનો આપ્યા છે, પરંતુ ૨૦૨૨થી મોટેભાગે મૌનમાં રહે છે. તેમણે 'ધ હીરોઈક હાર્ટ : અવેકનિંગ અનબાઉન્ડ કમ્પેશન', 'ઈનટૂ ધ હાર્ટ ઑફ લાઇફ', 'રીફ્લેક્સન્સ ઑન એ માઉન્ટેન લૅક' જેવાં પુસ્તકો લખ્યાં છે. તેમના જીવન વિશે વિકી મકેંઝીએ 'કેવ ઈન ધ સ્નો' પુસ્તક લખ્યું છે. તેઓ કહે છે કે અભ્યાસની અસલી પરીક્ષા એકાંતવાસના સુરક્ષિત સ્થાન પર નહીં, પરંતુ રોજિંદા જીવનમાં પ્રત્યેક ક્ષણે થાય છે. એમના અભ્યાસનો ઉદ્દેશ કોઈ પ્રશ્નનો ઉત્તર આપવાનો નથી, પરંતુ તેનો ઉદ્દેશ ઉત્તરનો અનુભવ કરવાનો છે.

વૉટર હીરો રામબાબુ

રામબાબુ તિવારીએ સામૂહિક શ્રમ સાધના દ્વારા પંચોતેર જેટલા તળાવોનો પુનરુદ્ધાર કર્યો છે. ગામોમાં તળાવ સંસ્કૃતિ પાછી આવી છે. 

બું દેલખંડના બાંદા જિલ્લામાં જન્મેલ રામબાબુ તિવારી નાનપણથી જોતા હતા કે તેમની માતા બે કિલોમીટર સુધી ચાલીને પાણી લઈ આવે છે. પાણી લાવતી મહિલાઓ જે જોડકણાં ગાતી તે રામબાબુને આજે પણ યાદ છે, 'ધૌરા તેરા પાની ગજબ કરી જાએ, ગગરી ન ફૂટે ખસમ(પતિ) મર જાએ.' એ પતિ કરતાં પણ પાણીને વધુ મહત્ત્વ આપતી હતી. બાળપણને યાદ કરતાં તેઓ કહે છે કે એક વખત મિત્રો સાથે રમતા રમતા અકસ્માતે તેમનાથી પાણીનો ઘડો ફૂટી ગયો, ત્યારે બધા તેને ખૂબ વઢયા હતા અને સમજાવ્યું કે પાણીનું એક એક ટીંપુ એ સોના બરાબર છે. એક સમયે બુંદેલખંડમાં જંગલ હતું, પરંતુ છેલ્લા ત્રીસ વર્ષમાં ઘણા દુષ્કાળ પડયા. ૧૯૬૮થી ૧૯૯૨ દરમિયાન દર પાંચ વર્ષે દુષ્કાળ પડતો હતો.

૨૦૧૨માં અલ્હાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા. ત્યાં તેમણે હોસ્ટેલમાં પાણીનો દુર્વ્યય થતો જોયો. રામબાબુએ એક દિવસ શાવર નીચે નાહ્યા અને વિચારવા લાગ્યા કે એમણે કેટલું બધું પાણી વાપર્યું! તે સમય દરમિયાન તેના ભાભીના પિયરમાં કોઈ વ્યક્તિનું અવસાન થતાં મધ્યપ્રદેશ જવાનું બન્યું. ત્યાં પણ બે કિલોમીટર ચાલ્યા, ત્યારે નહાવાનું પાણી મળ્યું. આને કારણે તેમણે જલસંરક્ષણની દિશામાં કામ કરવાનું નક્કી કર્યું. અલ્હાબાદ આવીને વિદ્યાર્થીઓને પાણીની પરિસ્થિતિથી વાકેફ કર્યા. રામબાબુએ પાણીના નળ રીપેર કરાવવાની અને શાવરને બદલે બકેટમાં પાણી લઈને સ્નાન કરવાનું સૂચન કર્યું. સૌપ્રથમ દસ વિદ્યાર્થીઓ તૈયાર થયા. વિદ્યાર્થીઓ પર્યાવરણનો અભ્યાસ કરતા હતા, પરંતુ રામબાબુએ તેનો વ્યવહારમાં અમલ કરાવ્યો. ઘણા વિદ્યાર્થીઓએ વિરોધ કરતાં કહ્યું કે બુંદેલખંડમાં પાણીનો પ્રશ્ન હોય તો ત્યાં જઈને જે કરવું હોય તે કરો, પરંતુ રામબાબુ સતત પોતાની વાત સમજાવતાં અને એમણે દર્શાવ્યું કે શાવર કરતાં બકેટમાં પાણી લઈને નહાવાથી ચાળીસ ટકા પાણી ઓછું વપરાય છે. રામબાબુએ બુંદેલખંડમાં કામ કરવાનું નક્કી કર્યું.

તેમણે જોયું કે પોતાના ગામમાં વરસાદનું થોડું પાણી તળાવમાં ભરાતું અને  જાન્યુઆરી આવતા સુધીમાં તો પાણીની ખેંચ થવા લાગતી. ગામડાનાં મોટાં ભાગનાં તળાવો સાવ સૂકા થઈ ગયા હતા. કુટુંબીજનો અને મિત્રો માનતા કે ૪૫ ડિગ્રી ગરમીમાં તળાવ સૂકાઈ જ જાય, પરંતુ રામબાબુ પોતાની યોજના પ્રમાણે કામ કરવા લાગ્યા. તેઓ દર અઠવાડિયે અલ્હાબાદથી પોતાના ગામ આવતા અને તળાવમાં રહેલો કચરો અને કાદવ સાફ કરાવતા. એમણે જોયું કે જો કાદવ કાઢી નાખવામાં આવે તો પાણી સંગ્રહવાની તળાવની ક્ષમતા ઘણી છે. તેમણે સૌથી પ્રથમ બજરંગ સાગર તળાવ પર કામ શરૂ કર્યું, જે અગિયાર વીઘાનું હતું. રામબાબુ અને તેમના કેટલાક મિત્રોએ ગામલોકોને સમજાવ્યા કે જો આ તળાવ ચોખ્ખું થશે, તો તેમાં વધુ પાણીનો સંગ્રહ થશે. 

૨૦૧૫માં અધાવ ગામનું આ તળાવ તેની પૂરી ક્ષમતા સાથે ભરાઈ ગયું. પાણીની ગુણવત્તા એટલી સારી રહી કે ખેડૂતો તેના પાક માટે ઉપયોગમાં લઈ શકે અને ઘરમાં પણ તેનો વપરાશ થઈ શકે. પાણીની સમસ્યાને કારણે ચાર-પાંચ કુટુંબો દિલ્હી-પૂણે કામની શોધમાં ગયા હતા તે પાછા આવવાનું વિચારવા લાગ્યા. રામબાબુએ બુંદેલખંડના પ્રયાગરાજ, ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન જેવા અનેક જિલ્લાઓના ઘણા ગામોનાં તળાવનો પુનરુદ્ધાર કર્યો. તેમણે ગામ લોકોને સૂત્ર આપ્યું, 'ગાંવ કા પાની ગાંવ મેં, ખેત કા પાની ખેત મેં'. તેમણે 'જલમિત્ર' બનાવવાનું શરૂ કર્યું. તેઓ પોતાના ગામમાં વોટર બોડી અને તેની ક્ષમતા અંગે સંશોધન કરે. મેનેજમેન્ટ કમિટી જુએ કે તે તળાવમાં પાણીનો સંગ્રહ થઈ શકે તેમ છે કે નહીં. લોકોને તે કામ માટે જાગૃત કરે. રામબાબુએ બુંદેલખંડમાં આવા પાંચ હજાર જલમિત્ર બનાવ્યા છે. તેઓ રામબાબુના માર્ગદર્શન હેઠળ સતત કામ કરીને પાણીનો સંગ્રહ કરે તેવો તેમનો હેતુ છે.

ત્રીસ વર્ષના રામબાબુ કહે છે કે જ્યારે આવું કોઈ કામ કરો, ત્યારે તમારે ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે. સૌપ્રથમ તો તમારા વિચારની લોકો મશ્કરી કરે છે, ત્યારે તમે મક્કમ રહો તો બીજા તબક્કામાં તમારા મિત્રો અને પરિવારજનો જ વિરોધ કરે છે. પાણી મેળવવા માટે સંઘર્ષ કરતી માતાને પાણીના મહત્ત્વની જાણ હોવા છતાં રામબાબુએ તેમને સમજાવવું પડયું. ઘણા ગ્રામજનો એમ માનતા કે રામબાબુને સરપંચ થવું છે અથવા તો એન.જી.ઓ. પાસેથી પૈસા મળતા હશે. રામબાબુ માત્ર તેમને મદદ કરવા માગે છે, તેવું તેઓ સ્વીકારતા જ નહોતા. ત્રીજો તબક્કો છે એકતાનો, પરંતુ તેના માટે પ્રથમ બે તબક્કામાંથી સફળતાપૂર્વક પસાર થવું પડે છે. આજે રામબાબુ તિવારીએ સામૂહિક શ્રમ સાધના દ્વારા પંચોતેર જેટલા તળાવોનો પુનરુદ્ધાર કર્યો છે. ગામોમાં તળાવ સંસ્કૃતિ પાછી આવી છે. તળાવ મહોત્સવનંં આયોજન થાય છે. જલ સાક્ષરતા ઉપરાંત વૃક્ષારોપણ, મત્સ્યપાલન અને ખેતી થઈ રહી છે. પાણીના પ્રાકૃતિક સ્ત્રોતો પ્રત્યે લોકોને જાગૃત કરી ગામને પાણીદાર બનાવનાર રામબાબુ તિવારીને જલશક્તિ મંત્રાલય દ્વારા 'વૉટર હીરો'થી સન્માનિત કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News