બગલો હંસ બને ને કાગડો કોયલ બને! .
- જાણ્યું છતાં અજાણ્યું- મુનીન્દ્ર
- 'ભગવાન ભાવમાં વસે છે. શબરીના એંઠા બોર રામ ભાવથી આરોગે છે, સુદામાનાં તાંદુલમાં શ્યામને અમૃતનો સ્વાદ આવે છે અને એ રીતે આપણે ભાવનો મહિમા સમજવો જોઈએ.
પ રીક્ષામાં બેસતા પૂર્વે વિદ્યાર્થી કેટલી બધી તૈયારી કરે છે, કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા જતા પૂર્વે ઈન્ટરવ્યુ આપનાર દિવસો સુધી સજ્જતા કેળવતા હોય છે. કોઈ પણ પદની પ્રાપ્તિ માટે કે પ્રમોશન માટે વ્યક્તિએ અગાઉ પુષ્કળ તૈયારી કરવી પડે છે. માત્ર અફસોસની વાત એ છે કે આપણે ત્યાં સત્સંગ માટે આવનારે કેવી સજ્જતા કેળવવી જોઈએ એનો વિચાર કરવામાં આવતો નથી. એને પરિણામે સંતનો ઉપદેશ સત્સંગીના હ્ય્દયમાં ઉતરતો નથી. એની ભાવનાઓનો એના અંતરને સ્પર્શ થતો નથી અને તેથી સત્સંગમાં જતા પૂર્વે ચાર બાબતની આવશ્યકતા છે એમ હું (કુમારપાળ દેસાઈ) માનું છું. આંખમાં શ્રદ્ધા, અંતરમાં આરત, ભીતરમાં પરિવર્તન અને જીવનમાં યોગ હોય તો જ સત્સંગમાં જવાની યોગ્યતા સાંપડે અને એ સત્સંગ શ્રોતાનાં જીવનમાં સંજીવનીરૂપ બને.
આંખમાં શ્રદ્ધા અને અંતરમાં આરત એ બે બાબત વિશે જોયા પછી આજે ત્રીજી બાબતનો વિચાર કરવાનો છે અને તે એ કે સત્સંગ શ્રવણ કરનારના હ્ય્દયમાં કેવો ભાવ ઉભરાતો હોવો જોઈએ. એ ભાવ સાચો હોય તો જ એને સત્સંગ ફળદાયી બને છે.
આ સંદર્ભમાં આપણે સામવેદનું સ્મરણ કરીએ. 'સામવેદ'માં કહ્યું છે, अब ब्रह्माद्विषो जहि । અર્થાત્ સદાચારી વિદ્વાનોનો દ્વેષ કરનારનો ત્યાગ કરવો જોઈએ. એવી જ રીતે 'સામવેદ'માં અન્યત્ર કહ્યું છે કે, 'જે સાધક અહંકારપૂર્વક અનુષ્ઠાન કરે છે, તેનો પણ ત્યાગ કરવો જોઈએ.'
આ જ વાતને એક જુદા સંદર્ભમાં જોઈએ તો 'હિતોપદેશ'નાં એ વચનો યાદ આવી જાય છે, 'બુદ્ધિશાળીઓને ગુણ મળવાથી એ ગુણ રહે છે, જ્યારે મૂર્ખોને મળવાથી એ ગુણ દોષ બની જાય છે. જેમ મીઠા જળવાળી નદી સમુદ્રમાં મળતાં ખારી થઈ જાય છે.'
આમ અનિષ્ટનો સંગ એ સૌથી વધુ ભયદાયક હોય છે અને એટલે જ જો સાધુનો સંગ મળ્યો તો લાભ થાય, પણ જો અસાધુનો સંગ મળી ગયો તો જીવનમાં પારાવાર હાનિ થાય. સાધુ આપણને સાચો માર્ગ બતાવે, જ્યારે અસાધુ આપણને કોઈ અવળા રસ્તે લઈ જાય અને એ અવળો રસ્તો એ જીવનભરની ઉપાધિ લાવનારો બને. આ વિશે આપણા રહસ્યવાદી સંત કબીરે માર્મિક રીતે કહ્યું છે,
कबिरा संगत साधु की हरै और की व्याधि ।
संगत बुरी असाधु की आढो पहर उपाधि ।।
આમ સંત કબીર અહીં માર્મિક રીતે સાધુની સંગતની વાત કરે છે. જો સાચો સાધુ મળી જાય તો જીવનમાં નવો પ્રકાશ મળે છે, જીવવાની નવી દિશા મળે છે અને ધર્મ માર્ગે આગળ વધવાનો ઉત્તમ માર્ગ સાંપડે છે.
સ્વામી વિવેકાનંદને શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ મળ્યા અને જીવન ધન્ય થઈ ગયું. છત્રપતિ શિવાજી મહારાજને સ્વામી રામદાસ મળ્યા અને ભવિષ્યનો આખો નકશો મળી ગયો. એથીયે પૂર્વે સમ્રાટ ચંદ્રગુપ્તને ચાણક્ય મળ્યા અને દેશનું સાચું દર્શન સાંપડયું, પણ ક્યારેક એવું બને છે કે સાચા સંત પાસે પણ કોઈ દલીલબાજ પોતાની દલીલની પટાબાજી ખેલતો હોય છે.
આવી જ એક ઘટના જોઈએ, એક વાર ધર્મગુરુને પડકાર ફેંકતો હોય તેમ નાસ્તિકે સવાલ કર્યો, 'તમે પાપ-પુણ્યની વાતો કરીને સમાજની બેહાલી સર્જી છે. પુણ્યની વાત કરીને સ્વર્ગની લાલચ આપી છે અને પાપને ફિટકાર આપવાની સાથે નર્કની યાતના બતાવી છે. તો મારો તમને પ્રશ્ન એ છે કે શું ખજૂર ખાવાથી પાપ લાગે છે ખરું ?'
ધર્મગુરુએ કહ્યું, 'સહેજે નહીં.'
'જો એ ખજૂરમાં હું પાણી નાખું અને એને ખાઉં, તો પાપ લાગે ખરું?'
ધર્મગુરુએ કહ્યું, 'ના. સહેજે નહીં.' 'જો હું એ ખજૂરની સાથે થોડો આથો ચડાવીને ખાઉં તો કોઈ ધાર્મિક આજ્ઞાાની અવજ્ઞાા થશે ખરી ?'
'ના. સહેજે નહીં.'
નાસ્તિક યુવકે પોતાનો તર્ક રજૂ કરતાં કહ્યું, 'જો આવું જ હોય તો, ધર્મમાં શા માટે શરાબ પીવાની બંધી ફરમાવી છે ? એને વ્યસન ગણાવ્યું છે અને પાપનું કારણ કહ્યું છે. આમાં પાપ શું ? આમાં તો ત્રણ ચીજ ભેગી થઈને બને છે.'
ધર્મગુરુએ નાસ્તિકના પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે વળતો પ્રશ્ન કર્યો, 'તું મારા એક પ્રશ્નનો જવાબ આપ. જો હું મારા હાથમાં ધૂળ લઈને તારા પર ફેંકું તો તને વાગશે ખરી.'
'ના.'
'જો હું એ ધૂળ સાથે થોડું પાણી મેળવું અને એવી ભીની ધૂળ તારા પર ફેંકું, તો તને વાગશે ખરું ?'
'ના. મને કંઈ વાગશે નહીં.'
'અને મિત્ર ! જો એ માટી અને પાણીમાં હું થોડા પથરા ભેગા કરીને તારા પર જોરથી ફેંકું, તો કશો ફરક પડશે ખરો ?'
નાસ્તિક યુવકે કહ્યું, 'તો-તો મારું માથું ફૂટી જાય. હું લોહીલુહાણ થઈ જાઉં.'
ધર્મગુરુએ શાંતિથી કહ્યું, 'મને હવે વિશ્વાસ છે કે તને તારા પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો છે.' અને એ નાસ્તિક જિંદગીની સાચી હકીકતનો પરિચય પામ્યો.
આ રીતે કોઈ સાચો સત્સંગ મળી જાય તો જીવન ધન્ય બની જાય છે. આવા સત્સંગથી શું થાય ? ભર્તૃહરિ કહે છે, 'સત્સંગતિ બુદ્ધિની જડતા નષ્ટ કરે છે, વાણીમાં સત્યનું સિંચન કરે છે, માન વધારે છે, પાપ મટાડે છે, ચિત્તને પ્રસન્નતા આપે છે, સંસારમાં યશ ફેલાવે છે, આમ સત્સંગતિ મનુષ્યને માટે શું નથી કરતી.'
અને હકીકતમાં આ સત્સંગતિ વિશે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે, 'ભગવાન ભાવમાં વસે છે. શબરીના એંઠા બોર રામ ભાવથી આરોગે છે, સુદામાનાં તાંદુલમાં શ્યામને અમૃતનો સ્વાદ આવે છે અને એ રીતે આપણે ભાવનો મહિમા સમજવો જોઈએ. જો સાચો ભાવ હોય તો જ સત્સંગ સફળ થાય.'
આવો સાચો ભાવ કઈ રીતે સાંપડે ? ગુરુ મચ્છેન્દ્રનાથની એ ઘટનાનું સ્મરણ કરીએ. 'ગુરુ મચ્છેન્દ્રનાથને સોનાની ઈંટ મળી. ઓહ ! સોનાની ઇંટ. ગુરુએ ઈંટને પોતાના થેલામાં સંતાડી દીધી. પોતાના શિષ્ય ગોરખનાથ સાથે પ્રવાસ કરતી વખતે એમને ચિંતા પેલી ઇંટની રહેતી હતી અને એને કારણે શિષ્યને વારંવાર પૂછતા, 'બેટા, ! યહાં કોઈ ભય તો નહીં હૈ ના ?'
આમ જેમ જેમ આગળ જાય, તેમ તેમ આવું સતત પૂછતા રહ્યા. ગોરખનાથને થયું કે ગુરુને થયું છે શું ? શાને કારણે એમને આવી ભીતિ લાગે છે. ગુરુ તો સંન્યાસી છે. વળી એ નિસ્પૃહ અને નિર્વિકાર છે, જે નિસ્પૃહ અને નિર્વિકાર હોય એની પાસે તો અભય વસતો હોય છે, ત્યારે મારા ગુરુ આટલા બધા ભયભીત શાને ?
એવામાં બન્યું એવું કે ગુરુ મચ્છેન્દ્રનાથ નદીમાં સ્નાન કરવા ગયા અને એ સમયે પોતાના શિષ્ય ગોરખનાથને આ થેલો આપતા ગયા.
શિષ્યએ થેલામાં સોનાની ઈંટ જોઈ અને તરત સમજાઈ ગયું કે ગુરુને શેનો ભય છે. ગોરખનાથે એ સોનાની ઈંટ નજીકના કૂવામાં ફેંકી દીધી. આવું સોનું ગુરુને ભયભીત કરે તે કેમ ચાલે ? સોનાનું વજન ગુરુ ભજનમાં અવરોધરૂપ ન બનવું જોઈએ. વળી ગુરુને આવું થાય તે ગોરખનાથ જેવો શિષ્ય કઈ રીતે સહન કરી શકે ?
ગુરુ સ્નાન કરીને પાછા આવ્યા. વળી શિષ્ય ગોરખનાથને એ જ પ્રશ્ન પૂછવા લાગ્યા, 'બેટા, યહાં કોઈ ભય તો નહીં હૈ ?'
ત્યારે શિષ્ય ગોરખનાથે હસીને કહ્યું, 'ગુરુદેવ, ભય કો તો મૈને કૂવે મેં ડાલ દિયા. અબ આપ બિલકુલ બેફિકર રહીએ.'
આ રીતે ક્યારેક શિષ્ય પણ ગુરુને માર્ગદર્શક બનતો હોય છે. એમ કહેવાયું છે કે બગલો હંસ અને અને કાગડો કોયલ બને. આનો અર્થ એ છે કે, 'બગલા જેવી દુષ્ટવૃત્તિ ધરાવનાર સત્સંગથી હંસ જેવી નિરક્ષિર વિવેક ધરાવતી વૃત્તિ પામે છે અને એ જ સત્સંગથી કાગડા જેવી કર્કશ વાણી બોલનાર કોયલની મીઠીવાણી બને છે અને આ રીતે સત્સંગથી સાધકની વૃત્તિ અને પ્રકૃતિમાં પરિવર્તન આવે છે અને એ જ સત્સંગનું ફળ છે.'