આપણે મૂર્તિના સર્જન અને વિસર્જનમાં વ્યસ્ત છીએ
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- બહાર દેખાતી પ્રતિમાની સમાંતરે આપણી અંદર પણ એક અખંડ અને અવિચળ પ્રતિમા જરૂરી છે. અંદરની કે બહારની દરેક પ્રતિમાનું મૌન સૌથી વધારે મુખર હોય છે
મ હાન માણસની પ્રતિમા એ પથ્થરોની જ બનેલી હોય છે જે તેના જીવનકાળ દરમ્યાન તેના પર ફેંકાયેલા હોય છે.
- જ્યો કોકટય
ગત મહિને એક જાજરમાન પ્રતિભાની એક પ્રતિમા સાથે આપણને વિચારતા કરી દે તેવી ઘટના ઘટી. રશેલ લુકર નામના એક પત્રકારે તેની નોંધ લીધી છે. વોશિંગ્ટનની ગેરીસન પ્રાથમિક શાળાની બહાર આવેલી અબ્રાહમ લિંકનની સાન્ડી વિલિઅમ્સ નામના આર્ટિસ્ટે રચેલ એક છ ફિટ ઊંચી મીણની પ્રતિમા ઓગળી ગઈ. વોશિંગ્ટનનું તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ થયું અને તે વેક્સ-ઇફીજી ઓગળી ગઈ. અને તેને મીણબત્તી સ્વરૂપે જ રચવામાં આવી આવેલી ત્યાં વિનંતિ પણ લખાયેલી 'મહેરબાની કરીને તમારી મીણબત્તી એક-બે મિનીટ માં ઓલવી નાખો.' આ રિપોર્ટર રાશેલ લુકર લખે, છે 'અમેરિકન સિવિલ વોર દરમ્યાન જે સ્વસ્થ અને શાંત રહ્યા તે હીટવેવમાં ઓગળી ગયા' સ્વ.અબ્રાહમ લિંકન અમેરિકાના સોળમા રાષ્ટ્રપ્રમુખ હતા. જેમને તા ૧૪.૪.૧૮૬૫ ને દિવસે ફોર્ડ થીએટરમાં જ્હોન વિલ્કીસ બુથે ગોળી મારી હત્યા કરેલી
માનવ જાતના પ્રારંભથી આપણે મૂર્તિના સર્જન અને વિસર્જનમાં વ્યસ્ત છીએ. તથાગત બુદ્ધે સ્વયંની મૂર્તિ ઘડવાની ના પાડેલી પણ કદાચ આજે પૃથ્વી પર તેની સૌથી વધારે મૂતઓ હશે. આપણે સત્ય કે સત્તા, અનન્યતા કે અહંકાર, માનવતા કે મહત્તા, અહોભાવ કે ઓળખના આધારે આપણી અંદર અને બહાર પ્રતિમાઓ રચીએ છીએ. વિશ્વની અંદર કે બહાર રચાતી દરેક પ્રતિમાને વંદન. પણ એ ભૂલવા જેવું નથી કે સ્થૂળ પ્રતિમા એ કોઈ જસ્ટિફિકેશન કે રેશનાલાઈઝેશન નથી. આમ તો તે કોઈ પ્રચંડ વ્યક્તિનું ચિંતન, દર્શન અને જીવનનો સરવાળો છે. આપણે આત્મ નિરીક્ષણ અને આત્મ પરિક્ષણ કરવાનું છે કે પ્રતિમાને હાર પહેરાવીને પૂજા કરીને આપણે તેણે શીખવેલ મૂલ્ય જીવવામાંથી બચી તો નથી જવું ને? એમ તો નથી ને કે જ્યારે જ્યારે સૂક્ષ્મ પકડાતું નથી ત્યારે ત્યારે આપણે સ્થૂળને વધાવીએ અને વળગીએ છીએ, પકડીએ અને પૂજીએ છીએ. બહાર દેખાતી પ્રતિમાની સમાંતરે આપણી અંદર પણ એક અખંડ અને અવિચળ પ્રતિમા જરૂરી છે. અંદરની કે બહારની દરેક પ્રતિમાનું મૌન સૌથી વધારે મુખર હોય છે.
આપણે વિચારને ભોગે વિચારકને મોટો કરીએ છીએ અને પછી વિચારને મારવા વિચારકને હણીએ છીએ. આપણા યુગમાં આજે જ્યારે રાજકિય અને ધાર્મિક, સામાજિક સાંસ્કૃતિક તાપમાન ખૂબ વધ્યું છે ત્યારે મીણની તો શું, ધાતુની પ્રતિમા પણ ઓગળી જાય તેમ છે. મીણની પ્રતિમા ઓગળે ત્યાં સુધી તો ઠીક છે ભલભલા મૂલ્યો પણ ઓગળી રહ્યા છે, તે પીડાદાયક છે. માનવીની વિચિત્રતા વિશે વોલ્ટર સ્ટોક એક આત્મવાન ફરિયાદ કરે છે; આપણે બરફની પ્રતિમાઓ બનાવીએ છીએ અને તેને ઓગળતી જોઈ ને રડીએ છીએ !