ઑલિમ્પિક ટ્રેજેડી .
- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- લોસ એન્જેલીસમાં ઑલિમ્પિક સ્પર્ધા હતી ત્યારે એ જોવા માટે એની પાસે ટિકિટના પૈસા નહોતાં. એ ફેકટરીમાં ચોકીદાર અને મજૂર તરીકે કામ કરતો હતો...
વિ શ્વની સૌથી મોટી, સૌથી ભવ્ય અને સૌથી વધારે દેશો ભાગ લે છે, તેવી ઑલિમ્પિક સ્પર્ધાનો પ્રારંભ થયો છે, ત્યારે એક મહાસમર્થ અજોડ એથ્લેટની 'ઑલિમ્પિક ટ્રેજેડી' યાદ આવે છે. એનું નામ હતું જિમ ફ્રાન્સિસ થોર્પે. એનો અર્થ થાય છે 'બ્રાઈટ પાથ' પણ આ પહેલા નેટિવ અમેરિકન ખેલાડીનું જીવન પારાવાર વેદના અને કરૂણાથી ભરેલું છે. જેના પર એક સમયે ૧૯૧૫ થી ૧૯૨૮ સુધી આખુંય અમેરિકા વારી ગયું હતું. જિમ થોર્પે એ-બે નહીં, પણ અગિયાર જુદી જુદી રમતોમાં ચમ્પિયન હતો. બે-બે વખત એણે ઑલિમ્પિક સુવર્ણચંદ્રક હાંસલ કર્યો હતો. અગાઉ થયેલા અમેરિકન ફૂટબોલરોમાં એને સર્વશ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યો હતો અને આવા સમર્થ ખેલાડીની કારકિર્દીને એના અભૂતપૂર્વ સન્માન અને ખિતાબોને એક સામાન્ય કારણ બતાવીને ખૂંચવી લેવામાં આવ્યા હતા.
અમેરિકાના પેન્સિલવેનિયા શહેરના ઈસ્ટર્ન રેલ્વે સ્ટેશન પર લાફયેટ યુનિવર્સિટીની એથલેટ કમિટીના સભ્યો એકઠા થયા હતા. તેઓ કાર્લિસ્લેમાંથી આવતી ટીમને સત્કારવા માટે સ્ટેશન પર એકત્રિત થયા હતા. એમના આશ્ચર્ય વચ્ચે માત્ર બે જ નેટિવ અને અમેરિકન મહાનુભાવો ટ્રેનમાંથી ઉતર્યા. એક જરા શરીરે સ્થૂળ એવો કોલેજિયન ખેલાડી હતો અને બીજો જરા કઠોર ચહેરાવાળો કોચ હતો. સત્કારવા આવેલા લોકોએ પૂછયું, 'ક્યાં છે તમારી ટીમના અન્ય સભ્યો ?'
પેલા યુવાન ખેલાડીએ કહ્યું, 'આ જ છે અમારી ટીમ.'
'માત્ર બે જ ખેલાડીઓ? સ્વાગત માટે આવેલા કમિટીનાં સભ્યોએ આશ્ચર્યથી કહ્યું.'
નેટિવ અમેરિકન ખેલાડી જિમ થોર્પેએ જવાબ આપ્યો, 'બે નહીં, અમારા બેમાંથી એક ખેલાડી છે અને આ બીજા છે તે ટીમ મેનેજર ગ્લેન વાર્નર છે.'
અને થોડાં જ કલાકોમાં આઠ જેટલી જુદી જુદી રમતોમાં કાર્લિસ્લેની આ એક માણસની ટીમે અત્યંત જાણીતી અને બહુ ગજવેલી એવી આ સ્પર્ધામાં દોડમાં, કૂદકામાં અને થ્રોમાં વિરોધી ટીમનાં ખેલાડીઓને પરાજિત કર્યા. આ એક ખેલાડીએ આઠ સ્પર્ધામાં વિજય મેળવ્યો અને પછી વિજેતાની બ્લુ રિબિન પોતાના ખિસ્સામાં મૂકી, સહુનો આભાર માન્યો અને જિમ થોર્પે અને એનો કોચ વાર્નર ટ્રેન પકડીને કૉલેજમાં પાછા આવ્યા.
આ છે ૧૯૧૨ની ઑલિમ્પિક સ્પર્ધામાં પેન્ટાથ્લોન અને ડેકેથલોન ચેમ્પિયન જિમ ફ્રાન્સિસ થોર્પેની વાત. વળી આ જિમ થોર્પે અમેરિકન ફૂટબોલરનો સિતારો હતો. બેઝબોલની ટોપ લીગનો કામયાબ ખેલાડી હતો, સમગ્ર રાષ્ટ્રનો આદર્શ હતો અને સહુ કોઈ રમતનાં આટલા બધા ક્ષેત્રોમાં કામયાબી હાંસલ કરનાર જિમ થોર્પેને આશ્ચર્ય ભરી નજરે જોતા હતા. એણે ફૂટબોલની મેચમાં એક વાર હાર્વર્ડની ટીમને એકલે હાથે ૧૮-૧૫થી હરાવી હતી, તો એક વખત ન્યૂયૉર્ક જાયન્ટ્સની તરફથી એણે બેઝબોલનો એક દડો સામે આવેલી સ્ટ્રીટના મકાનને ઓળંગી જાય તેટલા જોરથી લગાવ્યો હતો.
અમેરિકન ફૂટબોલમાં એની સિદ્ધિઓએ સહુને સ્તબ્ધ કરી દીધા હતા, તો બીજી બાજુ દોડ, ઊંચો કૂદકો, વિઘ્ન દોડ, ગોળા ફેંક, વાંસ કૂદકો, સ્વિમિંગ, સ્કૂટિંગ, સ્કેટિંગ, ટેનિસ, હોકી તથા આપણી હોકીને મળતી અમેરિકાની લેક્રોસ રમતમાં એ વિજેતા બનતો હતો. હજી આમાં ઓછું હોય તેમ બાસ્કેટબોલ, બિલિયર્ડ અને રેસલિંગમાં પણ એ કામયાબી મેળવતો હતો. કાર્લિસ્લેના ખેલકૂદના મેદાનની સફાઈ કરનારા જિમ થોર્પેએ જોયું કે પાંચ ફૂટ અને આઠ ઈંચનો ઊંચો કૂદકો લગાવવામાં બીજા નિશાળીયાઓ નિષ્ફળ જતા હતા. આવે સમયે પોતાના સ્કૂલના પોશાકમાં અને ભારે બૂટ સાથે જિમ થોર્પેએ ઊંચો કૂદકો લગાવ્યો અને એને આસાનીથી પાર કરી ગયો.
થોર્પેની ખેલકૂદની કારકિર્દીનો આ પ્રારંભ હતો. પાંચ વર્ષ બાદ તો આ જ જિમ થોર્પે ઑલિમ્પિક સ્પર્ધામાં પેન્ટાથ્લોન અને ડેકેથ્લોન એવી બે સ્પર્ધાઓમાં વિજેતા બન્યો. પેન્ટાથ્લોનની આઠ સ્પર્ધામાં પ્રથમ સ્થાને, પાંચ સ્પર્ધામાં ત્રીજા સ્થાને એ બે સ્પર્ધાઓમાં ચોથા સ્થાને આવ્યો. આ ડેકેથ્લોન સ્પર્ધામાં કુલ દસ જુદી જુદી સ્પર્ધાઓ હોય છે. જેમાં એકસો મીટર દોડ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ચારસો મીટર દોડ, એકસો દસ મીટર વિધ્નદોડ, રકાબી ફેંક, વાંસ કૂદકો, ભાલા ફેંક અને પંદરસો મીટરની દોડ એમ જુદી જુદી દસ રમતો હોય છે. જ્યારે પેન્ટાથ્લોનમાં પાંચ સ્પર્ધાઓ હોય છે અને એમાં પણ જિમ થોર્પેએ પોતાના પ્રતિસ્પર્ધીઓને પાછા પાડી દીધા. એ સમયે સ્વીડનનાં રાજા કિંગ ગુસ્તાવે જિમ થોર્પેને એક કાંસ્ય પ્રતિમા, સુવર્ણનો મોટો ને કિંમતી હાર અને અન્ય ભેટ આપીને કહ્યું, 'સર, તમે વિશ્વનાં સૌથી મહાન એથ્લેટ છો.'
ન્યૂયોર્ક અને અન્ય શહેરોમાં એના વિજયની પરેડ નીકળી. તો ત્રણસો નેવું જેટલા રમતસમીક્ષકોએ થોર્પેને વીસમી સદીના સૌથી મહાન ખેલાડી તરીકે નવાજ્યો. વિખ્યાત અભિનેતા બર્ટ લેંગકેસ્ટરની ભૂમિકા ધરાવતી 'મેન ઑફ બ્રોન્ઝ' નામની થોર્પેની જીવનકથા રુપેરી પડદે રજૂ થઈ. આમ એક પછી એક સફળતા મેળવતો થોર્પે પોતાની રમતવીર તરીકેની કારકિર્દીની પરાકાષ્ઠાએ હતો, ત્યારે ૧૯૧૨ના વર્ષના પાછળના ભાગમાં થોર્પેનું એક કૌભાંડ બહાર આવ્યું. એ જમાનામાં એમેચ્યોર એથ્લેટીક યુનિયન ઑફ અમેરિકા ઘણું પ્રભાવશાળી હતું. બીજી બાજુ ઑલિમ્પિક સ્પર્ધામાં ધંધાદારી (પ્રોફેશનલ) નહીં બલ્કે એમેચ્યોર ખેલાડીઓને જ સ્થાન મળતું હતું, પરંતુ એવું જાહેર થયું કે થોર્પે બેઝબોલની પ્રોફેશનલ લીગમાં રમ્યો હતો અને જો એ ધંધાદારી ખેલાડી તરીકે રમ્યો હોત તો એ એમેચ્યોર માટેની ઑલિમ્પિકમાં સ્થાન ન લઈ શકે. મેડલ લેવાની વાત તો દૂર રહી.
વાત એવી હતી કે ૧૯૦૯ના ઉનાળુ વેકેશનમાં થોર્પે પોતાની રોકી માઉન્ટ ક્લબ તરફથી સેમિ-પ્રોફેશનલ એવી બેઝબોલ સ્પર્ધામાં રમ્યો હતો અને પોતાની ટીમને પચીસમાંથી ત્રેવીસ મેચમાં વિજય અપાવ્યો હતો. આમાં એને અઠવાડિયે માત્ર પંદર ડૉલર મળ્યા હતા, જે એનો રહેવાનો ખર્ચ હતો, પરંતુ અમેરિકાના એમેચ્યોર એથ્લેટીક યુનિયને જિમ થોર્પેએ 'ંમહાપાપ' કર્યું હોય તેમ એના તમામ વિજયો છીનવી લીધાં. મેડલો પાછા લઈ લીધા. એ સમયે કૉલેજનાં બીજા ખેલાડીઓ કોઈ જુદું નામ ધારણ કરીને ધંધાદારી મેચો ખેલતા હતા, જ્યારે થોર્પેએ નમ્રતાથી પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને એણે કહ્યું, 'હું કોઈ પૈસા ખાતર રમ્યો નહોતો, પરંતુ મને રમત પ્રત્યે ચાહના છે, માટે ખેલ્યો હતો. દુનિયાનાં લોકો બીજી રીતે ઠગતા હોય છે, પણ એવી ચતુરાઈ કરતા મને આવડતી નથી. એ સમયે હું માત્ર અમેરિકન ઈન્ડિયન સ્કૂલબૉય હતો અને હું ખોટું કરી રહ્યો છું એવી કોઈ સભાનતા પણ નહોતી', પરંતુ અમેરિકાની સંસ્થાએ તો એને ગુનેગાર જાહેર કર્યો અને એના પછી ઑલિમ્પિકમાં ડેકેથ્લોનમાં અને પેન્ટાથ્લોમાં જે રનરઅપ હતા એમને ગોલ્ડ મેડલ જાહેર થયો. જોકે એ રનરઅપ ખેલાડીઓએ વિશ્વનાં સૌથી મહાન ખેલાડીને પ્રાપ્ત થયેલો ગોલ્ડ મેડલ લેવાનો ઈન્કાર કર્યો.
એ પછી ઘણાં વિવાદો થયાં. નેટિવ અમેરિકન હોવાથી એને બહુ આંટીઘૂંટીનો ખ્યાલ આવતો નહીં. અંતે થોર્પે ખરેખર પ્રોફેશનલ ખેલાડી બની ગયો અને વીસ વર્ષ સુધી એ અમેરિકન ફૂટબોલ પર છવાયેલો રહ્યો. સમય જતાં એ અમેરિકન ફૂટબોલર એસોશિએશનનો પ્રમુખ પણ બન્યો, પણ ધીરે ધીરે એ ભુલાતો જતો હતો અને ગરીબાઈ એને ઘેરી વળી હતી.
લોસ એન્જેલીસમાં ઑલિમ્પિક સ્પર્ધા હતી ત્યારે એ જોવા માટે એની પાસે ટિકિટના પૈસા નહોતાં. એ ફેકટરીમાં ચોકીદાર અને મજૂર તરીકે કામ કરતો હતો. તેમજ મુવીને માટે એને રોજ પાંચ ડૉલર મળતા હતા. ૧૯૩૭માં ઘેરી નિરાશાથી ઘેરાયેલો આ નેટિવ અમેરિકન પોતાનાં નેટિવ અમેરિકનો તરફ પાછો ફર્યો. પ્રવચન પ્રવાસો કર્યાં, સૈન્યમાં રહી શકે તેમ નહોતો, તેથી એક વ્યાપારી અમેરિકન જહાજમાં એ કામે લાગ્યો. એના જીવન વિશે ૧૯૫૧માં એક ફિલ્મ 'રેડ સન્સ ઑફ કાર્લિસે' બનાવવાનું નક્કી કર્યું, પણ એ થઈ નહીં. એનું કૌટુંબિક જીવન પણ દુ:ખી હતું. એના પ્રથમ લગ્નથી થયેલી ત્રણ પુત્રીઓ હતી અને એનો એક પુત્ર માત્ર ચાર વર્ષની વયે પક્ષાઘાતને કારણે મૃત્યુ પામ્યો હતો. એના બીજા લગ્નથી એને ચાર સંતાનો હતાં, પણ એ લગ્ન પણ ઝાઝું ટક્યું નહીં અને એણે ત્રીજા લગ્ન કર્યા. અંતે ૧૯૫૩ના માર્ચમાં વિશ્વનો આ સર્વતોમુખી પ્રતિભા ધરાવતો મહાન એથ્લેટ કારમી ગરીબીમાં જીવતો હતો અને લોસ એન્જેલિસના એક પરગણામાં એના રૂમની અંદર હાર્ટ એટેકથી મૃત્યુ પામેલો એ મળી આવ્યો!
ઑલિમ્પિક એ સૌથી મહાન રમતોત્સવ અને જિમ થોર્પેનું જીવન એ આ રમતોત્સવમાં ભવ્ય કામયાબી મેળવનારનું અત્યંત ટ્રેજેડીથી ભરેલું દર્દનાક જીવન. આને ટ્રેજેડીની સૌથી મોટી ઑલિમ્પિક ઘટના ગણી શકાય ને ?
ક્ષણનો સાક્ષાત્કાર
'જાગો' આ બે અક્ષરના શબ્દમાં નિહિત વિસ્ફોટક પ્રભાવનો આપણે ખ્યાલ કરવો જોઈએ. સ્વામી વિવેકાનંદના મુખમાંથી 'જાગો' શબ્દ નીકળ્યો અને ભારતવાસીઓમાં નવી ચેતનાનો સંચાર થયો. મહાવીર અને બુદ્ધ જેવી વિભૂતિઓએ 'જાગો' શબ્દથી ભૌતિક્તા, વ્યર્થતા અને ભોગવિલાસમાં ડૂબેલી પ્રજાને કુંભકર્ણની નિદ્રામાંથી ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો. પ્રોફેટ જોએલે કહ્યું, 'હે બળવાન પુરુષ જાગ, હે મજબૂત નારી, જાગી જા.' સવાલ એ છે કે આ જીવનમાં તે વળી જગાડવાનું છે શું ?
જિંદગીની વર્તમાન પરિસ્થિતિમાં પરિવર્તન પામવા માટેનો આ શંખનાદ છે. અહીં જગાડવાનો છે ધ્યેય માટેના આપણા પુરુષાર્થને અહીં જગાડવાની છે આપણી ભીતરી શક્તિને, અહીં 'જાગો' કહેવાનું છે આપણી ઈશ્વરમાં રહેલી કે અંતરાત્મામાં વસેલી આત્મશક્તિને.
સ્થૂળ જીવનની સ્થૂળતાથી, ભૌતિક જીવનની ભૌતિકતાથી અને બાહ્યાના આકર્ષણને કારણે વ્યક્તિ પોતાના જીવનની અસીમ ભીતરી શક્યતાઓને પીંડલુ વાળીને બાજુએ મુકી દે છે, ત્યારે અહીં આપણી ભીતરમાં વસતાં સ્વપ્નોને જગાડવાની વાત છે. આ સ્વપ્નો ક્યારેક આપણા મનને એ સિધ્ધીની પ્રાપ્તિ માટે આતુર બનાવે છે, પણ આપણે જ એ આતુરતાને અંધારામાં હડસેલી દઈએ છીએ. પોતિકી શક્યતા, ક્ષમતા અને સામર્થ્ય પ્રત્યે આંખમીચામણા કરી બેસીએ છીએ. એને સિદ્ધ કરવા માટે તમે જાગો, એનો આ પોકાર છે, કારણ કે આ સ્વપ્ન તેમને ભવિષ્યમાં સર્જનનો આનંદ આપી શકે છે. આ ધ્યેય તમારા પુરુષાર્થને પડકાર બનીને સફળતાના માર્ગે લઈ જઈ શકે છે. 'જાગો' શબ્દ એ તમારી આંતરિક ચેતનાને થયેલો પ્રબળ પડકાર છે. જે એને ઝીલે છે, તે એના જીવનને ઊંચા મુકામ તરફ લઈ જાય છે.