ઓલિમ્પિકમાં સૌથી વધુ રમાતી ગેઈમ સ્ટેડિયમને બદલે બેડરૂમની હોય છે!

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
ઓલિમ્પિકમાં સૌથી વધુ રમાતી ગેઈમ સ્ટેડિયમને બદલે બેડરૂમની હોય છે! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- ફન, ફિટનેસ, ફાઈનાન્સ અને કોઈ રોકટોક વિનાની ફ્રીડમ સાથે ફેસ્ટિવલનો રોમાંચક ઉમંગ ભળે, દેહમાં તાકાત ઉછાળા મારતી હોય ને દુનિયામાં સ્પેશ્યલ સ્ટાર જેવું ફિલ થતું હોય ત્યારે સાયન્ટીફિકલી ગોલ્ડન સેક્સોત્સવ ના થાય તો જ નવાઈ!

પે રિસ ઓલિમ્પિક શરુ થઇ એ માટે ૧૦૦ વર્ષ પહેલા વપરાયેલો સ્વિમિંગ પૂલ આજે પણ ઉપયોગમાં ફરી લેવાયો કે એથ્લીટસ પાછળ તગડો ખર્ચ કરતી ભારત સરકારે ૧૧૭ ખેલાડીઓ સાથે ૧૪૦ને સપોર્ટ સ્ટાફમાં મોકલ્યા. એવા બધા સમાચારો બહુ વાંચ્યા હશે. પણ વાઈરલ થયો એ શરુ થાય એ પહેલા બે ફિમેલ ઓસ્ટ્રેલિયન ટેનિસ પ્લેયર્સ ડારિયા સેવિલ અને એલેન પેરેઝનો ઈન્સ્ટાગ્રામ પર મુકેલો વિડિયો ! જેમાં બંને સુંદરીઓ ગમ્મત ખાતર એમને આપવામાં આવેલા બેડ યાને પલંગપથારીએ જાતભાતના ઠેકડા મારીને એની મજબૂતાઈ ચકાસીને એ માન્યતા વધુ એક વાર ખોટી પુરવાર કરે છે કે આ બેડ એન્ટીસેક્સ બેડ છે !

મૂળ આ અફવા ચાલુ થયેલી જાપાનમાં યોજાયેલી છેલ્લી ટોકિયો ઓલિમ્પિકથી. ત્યારે હજુ કાળમુખો કોવિડ ત્રાસ વર્તાવતો હતો. ખેલાડીઓને સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવાનું કહેવામાં આવતું હતું. એ વખતે જાપાનીઝ કંપની એરવિવે બેડ બનાવેલા જે દેખાવે નાના લાગે. અને એ રિસાયકલ્ડ કાર્ડબોર્ડના બનેલા. એટલે અફવા એવી ચાલી કે જાપાને એન્ટીસેક્સ બેડ બનાવ્યા છે. જાપાન તો વળી આ મામલે ખાસ્સું લિબરલ છે. ટોકિયોની મધ્યમાં જ આખું સેક્સ ડિસ્ટ્રીકટ છે. એડલ્ટ કન્ટેન્ટમાં જગતમાં શિરમોર છે. તરત જ કંપનીના માલિક મોટોકુની ટાકાઓકાએ ચોખવટ કરી કે બેડ દરેક સાઈઝના એથ્લેટને માફક આવે એવા છે. અને લાકડા કે લોખંડથી વધુ મજબૂત છે. જેમાં એક સાથે એકથી વધુ વ્યક્તિઓ સૂવે કે ઠેકડા મારે, એ તૂટે એમ નથી. અને એ સાચું પણ પુરવાર થયું. પેરિસમાં સેમ બેડ રિપીટ થયા એનું કારણ પણ પર્યાવરણ છે. આ બેડ વધુ ઇકો ફ્રેન્ડલી ગણાય છે. 

ઓલિમ્પિક વિલેજ તરીકે ઓળખાતા ઓલિમ્પિક પ્લેયર્સને વસાવવા ખાસ ઉભા કરતા ગામમાં એવરેજ ૧૧,૦૦૦ ખેલાડીઓ ૨૦૬ જેટલા દેશોના આવે. (કેટલીક રમતોમાં આખી ટીમ હોય દરેક દેશોની) ત્યારે સસ્ટેઈનેબલ બેડ્સને લીધે ખાસ્સી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે એ જ હેતુ છે. પેરિસ તો વળી ફ્રેન્ચ સિટી. લિબર્ટીની પોતાની સ્વાતંત્ર્યદેવીને પણ નગ્ન દર્શાવવામાં કોઈ સંકોચ નહિ, એવું બોલ્ડ સિટી ઓફ લવ એન્ડ આર્ટ. ઓલિમ્પિકના આયોજકોએ પણ ખાસ પોસ્ટ મુકેલી કે એન્ટી સેક્સ બેડ જેવું કશું નથી. ૩,૦૦,૦૦૦ કોન્ડોમ્સનું વિતરણ કરેલું છે, ઓલિમ્પિક વિલેજમાં અને સેફ સેક્સ માટે એ ઉપરાંત સેક્સ એજ્યુકેશન કેમ્પેઈન પણ નવી રીતે સેક્સ ઈઝ ફોર પ્લેઝરનું કેમ્પેઈન ચાલુ છે. નો પ્રોબ્લેમ વિથ ઇન્ટીમસી, જસ્ટ કન્સેન્ટ (સહમતી) હોય અને એ ક્રીડાશૈલ (કાલિદાસનો શબ્દ છે !)માં કોઈ દર્દ નહિ, પણ આનંદ એ હેતુ હોય. બસ.

આટલું વાંચીને જો ટિપિકલ ભવાં ને ટેરવાં ઊંચા ચડાવી ચોંકી ગયા હો તો જસ્ટ રિમાઇન્ડર કે આ કોઈ નવીનવાઈની વાત નથી. ૨૦૦૮ની બીજિંગ ઓલિમ્પિક વખતે પણ લખેલું એમ 'વોટ હેપન ઇન વિલેજ વિલ સ્ટે ઇન વિલેજ' જેવા લાસ વેગાસછાપ બિન્દાસ પાર્ટીનો જ માહોલ ઓલિમ્પિક વિલેજમાં હોય છે. સત્તાવાર રીતે કોન્ડોમ વહેંચવાના અત્યાધુનિક એવા સાઉથ કોરિયામાં ૧૯૮૮માં થયેલી સિઓલ ઓલિમ્પિકથી શરુ થયેલા. ૨૦૦૦ની સાલમાં સિડની ઓલિમ્પિકમાં સત્તાવાર અપાયેલો ૫૦,૦૦૦નો સ્ટોક ખૂટી જતા ૨૦,૦૦૦ તાબડતોબ મંગાવાયેલા. રેકોર્ડ બ્રેક ૪,૫૦,૦૦૦ (માથાદીઠ ૪૦થી પણ વધુ !) તો ૨૦૧૬ની રિઓ ઓલિમ્પિકમાં અપાયા હતા. કોરોના છતાં જાપાનમાં પણ ૧,૬૦,૦૦૦ અપાયા હતા !

ટોકિયો ઓલિમ્પિકની એક ચેમ્પિયને કહેલું કે સ્પર્ધા પહેલા સ્ટ્રેસ હોય એ ક્વિક રિલીઝ કરવા ક્વિક સેક્સ ઈઝ લાઈક મેડિસીન. અને સ્પર્ધા બાદ તો રીતસર અર્જ (અરજ પરથી આવ્યો હશે આ શબ્દ?) ઉઠે ભીતરથી ફોર સેલિબ્રેશન. કોવિડને લીધે બહાર જઈને ધમાકેદાર પાર્ટીઝ કરવાનું શકાય ના હોય એટલે ખેલાડીઓ ફોન પર ડેટિંગ કરતા મેટિંગ માટે વધુ વપરાતી એપ ટિન્ડર ડાઉનલોડ કરીને લોકેશન ઓલિમ્પિક વિલેજના વિસ્તાર જેટલું રાખતા. એટલે આસપાસથી લાઇક માઈન્ડેડ મેચ બોડી હીટ ને કૂલ ડાઉન કરતા શોધી શકાય. ત્યાં રેસ્ટોરાં વગેરેમાં સર્વ કરતા સ્ટાફથી લઈને અન્ય ખેલાડી પણ. બહુ સિરિયસ નહિ થવાનું. જસ્ટ તો રિલીઝ ધ એનર્જી ! હાય હાય છી છી એવું લાગતું હોય તો જરા આગળ વાંચો.

૨૦૨૦ને બદલે ૨૦૨૧માં યોજાયેલી છેલ્લી ટોકિયો ઓલિમ્પિકમાં અંતે મૅડલ ટેલીમાં વિજેતા ટૉપ ડઝન દેશો આ મુજબ હતા : અમેરિકા, ચીન, જાપાન, બ્રિટન, રશિયા, ઑસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ, ફ્રાંસ, જર્મની, ઇટાલી, કેનેડા અને બ્રાઝિલ.

ફરી એક વાર વાંચી જાવ અને વિચારો આ બાર દેશો અત્યારે પૃથ્વી પર એવા છે જેમની પાસે ફિટેસ્ટ સ્પૉર્ટ્સ પર્સન્સ છે. નૉર્મલ નર-નારી કરતાં વધુ ચુસ્તી તંદુરસ્તી ધરાવતાં છરહરાં બદન છલકાય છે. જે લોકો મેદાનમાં બીજાઓ કરતાં વધુ તાકાત, વધુ સ્ફૂર્તિ ધરાવે છે. ચૅમ્પિયન બને છે. ઇટ્સ ઑફિશિયલ. ઇટ ઇઝ પ્રૂવન.

અને આ બારેય દેશો એવા છે કે જ્યાં સેક્સની બાબતે કોઈ ખાસ છોછ નથી, આભડછેટ નથી! ત્યાં નારીઓને બુરખામાં સંતાડી રાખવાનું કલ્ચર નથી. ત્યાં 'વીર્યનું એક ટીપું બરાબર લોહીનાં સો ટીપાં' એવાં ગપ્પાં ઉપર તાળીઓ મેળવતા બ્રહ્મચર્યના ગુણગાન ગાતા ધાર્મિક (?) બાબાઓ નથી. ચીન અને જાપાન (થાઈલેન્ડની જેમ દક્ષિણ કોરિયા પણ)  એશિયન દેશો હોવા છતાં સેક્સની બાબતે મુક્ત અભિગમ અને મોકળું મન રાખનાર એશિયાઈ દેશોમાં આવે છે. ચીનમાં રાજકીય સેન્સરશિપ ખરી એન્ટરટેઈનમેન્ટ બાબતે ન્યુડિટીનો પરહેજ નહિ.  ઇન્ડિયા એમાં આગળ નથી હોતું. ઈરાન તો એથીયે પાછળ છે - અને ભારત કે ઈરાન કે ફોર ધેટ મેટર બધા ઇસ્લામિક દેશો પણ પોતાની મહાન ધાર્મિક-સાંસ્કૃતિક મર્યાદા અને શીલના વારસાનાં બણગાં ફૂંકતાં ધરાતાં નથી! પણ ટચુકડા અને સેક્સ બાબતે મુક્ત આફ્રિકન કે સ્કેન્ડેવિયન દેશો જેટલા મેડલ જીતતા નથી સંયમની બધી ગુલબાંગો છતાં !

બેક ટુ ધ ટ્રેક. અમેરિકા, બ્રાઝિલ, આર્જેન્ટીના, દ. કોરિયા, જાપાન કે રશિયા તો પૉર્નોગ્રાફી હબ ગણાય છે. જ્યાં ફ્રાન્સની જેમ સ્કૂલોમાં ટીનેજર્સને સેક્સ એજ્યુકેશન (ઍન્ડ ફ્રી કૉન્ડોમ્સ!) અપાય છે! ઑસ્ટ્રેલિયન ક્રિકેટ મૅચોમાં બિકિની પહેરીને પ્રેક્ષક તરીકે બેઠેલી સ્ત્રીઓના પ્રેક્ષક બનવા દોઢ દાયકા પહેલાંના 'તરસ્યા' ભારતીયો સવારમાં ચાર વાગ્યે ઊઠીને મૅચ જોતા! અમેરિકા સહિતના આ બધા યુરોપિયન દેશો તો કહેવાતા પરંપરાપૂજકોની નજરે પાપી છે. જ્યાં ઉઘાડેછોગ અંગપ્રદર્શન થાય છે. ચુંબનો થાય છે. ટીવી-ફિલ્મો-અખબારોમાં ન્યૂડિટી પર સેન્સરશિપ નથી. ફ્રાન્સ કે ઇટાલી તો 'સેક્સપ્રેશન્સ' અને 'સેક્સાઈટમેન્ટ' (ખરેખર એક્સપ્રેશન અને એક્સાઈટમેન્ટ શબ્દોનો આ સાચો અર્થ ન કહેવાય?)નાં પિયર ગણાય એવા મહારોમૅન્ટિક દેશો છે!

વેલ, માત્ર સેક્સનિષેધક બ્રહ્મચર્યને બાહુબલી જેવી તાકાતનો સોર્સ માનીને અખાડામાં કૂદી પડતા કેટલાક બોલબચ્ચન યોગીઓને ભારતનું આટલું જ લાગી આવતું હોય તો જગતમાં સૌથી વધુ મહાન વિજેતા ઑલિમ્પિયન્સની ભારતીય ફોજ કેમ એ લોકો તૈયાર નથી કરતા?  રોમ, ગ્રીસના જૂના જમાનાથી આજના જમાના સુધી એક સીધોસાદો સંબંધ રહ્યો છે. યુદ્ધ અને રમતગમતમાં એ પ્રજા જ આગળ રહી છે - જેનો ''લિબિડો' યાને કામુકતા ઉચ્ચ રહી હોય! જ્યાં સ્ત્રી-પુરુષોને દેહપ્રદર્શન અને દેહમર્દન એ શરમને બદલે શાનનો 'વિષય' (શ્લેષ અભિપ્રેત જ હોય ને!) રહ્યો હોય! કદાચ સેક્સ્યુઅલી સેટિસ્ફાઈડ વ્યક્તિઓ કળા, વિજ્ઞાાન, રમતગમત કે લડાઈઓના એજેન્ડા પર વધુ ફોક્સ્ડ ઍન્ડ રિલેક્સ્ડ રહીને કામ કરી શકતી હશે!

ફિરકી લઈને વીંટવાનું મન થાય એવી ફેંકોલૉજી લાગે છે, આ?  વેલ, 'ઑલિમ્પિક વિલેજ'માં રમતવીરો અને વીરાંગનાઓ માટે ફાઇવસ્ટાર સગવડો હોય છે. સિક્યૉરિટીને લીધે પૂરતી પ્રાઈવસી પણ હોય છે અને સ્પાર્ટ્સ સેલિબ્રિટી ધારે તે બહારના માણસને અન્ટ્રી પણ મળે જ. સેક્સ એક્સપર્ટ ટેમી નેલ્સન કહે છે એમ 'કોઈ ટેન્શન કે બળજબરી વિના બેઉ પક્ષે ખુશીથી સેક્સ માનવામાં આવે એ ફન તો છે જ પણ હોર્મોન્સ એન્ડ હેલ્થ માટે વરદાન છે. પ્રસન્નતા અને શાંતિ, આનંદ અને આરામ, ઉર્જા અને શક્તિનો અનુભવ કરાવતા ડોપામાઈન, એડ્રીનાલિન, સેરેટોનિન જેવા બ્રેઈન કેમિકલ્સ સેક્સ સાથે ભરપૂર સંકળાયેલા છે. નિયમિત રીતે એ માણે નહિ, એ બીમાર થાય એવા ચાન્સ વધુ છે. ને સુખેથી ભોગવે એના નેગેટીવ થોટ્સ કે ગિલ્ટ ઘટે. એ ચેલેન્જ માટે પોઝીટિવ બને.

ઑલિમ્પિયનમાંથી હવે સ્પાર્ટ્સ રાઇટર કૉમેન્ટેટર બની ગયેલા ઇગ્લન્ડના ટેબલટેનિસ પ્લેયર મેથ્યુ સઈદે તો જાહેરમાં વટથી વટાણા વેરી નાખ્યા હતા. મેથ્યુ સ્પેનના બાર્સિલોના ઑલિમ્પિક (૧૯૯૨)માં પ્રથમ વખત ઑલિમ્પિક વિલેજનો મોંઘેરો મહેમાન બનેલો. એની કબૂલાત મુજબ એ વખતે ૨૧ વર્ષનો હતો, એ ૨૧ વર્ષમાં જેટલી વખત સહશયન ન કર્યું હોય, એટલું અઢી અઢવાડિયાંમાં ત્યારે ભોગવેલું! સ્પેન તો આમ પણ 'કાછડીછૂટો' રંગીલો દેશ. એ વખતે સ્પૉર્ટ્સ કરતાં સેક્સનોફૅસ્ટિવલ વધુ હોય એવો રોમાંચ બહારના 'વર્જિન ટીન' ઑલિમ્પિયન્સને હતો. ડ્રોપ ડેડ ગોર્જિયસ ગણાય એવી સ્પનિશ સુંદરીઓ ત્યાં હાસ્ટેસ તરીકે ખેલાડીઓની તહેનાતમાં રહેતી. ચળકતા પીળા શર્ટ, ટૂંકા કાળા સ્કર્ટ અને મખમલી ત્વચા! અને પ્રેક્ષક તરીકે આવતી હિસ્પેનિક યુવતીઓની નેચરલ જેનેટિક સેક્સ અપીલ તો છોગામાં!

વાત સ્પેનની જોકે નથી થતી. વાત ઑલિમ્પિકની થાય છે. ૧૯૮૮ના દક્ષિણ કોરિયામાં થયેલા સિઓલ ઑલિમ્પિકમાં આજથી ૨૦ વર્ષ પહેલાં બ્રિટનની સ્વિમિંગ ટીમ જ્યાં રોકાઈ હતી, એ બ્લૉકની આખી અગાસી વપરાયેલાં કૉન્ડોમ્સથી છવાઈ ગઈ હતી! અને બ્રિટિશ ઑલિમ્પિક અસોસિયેશને આ બનાવની ઠઠ્ઠામશ્કરી પછી આઉટડોર સેક્સ (ધ્યાનથી વાંચવું, સેક્સ પર નહીં 'આઉટડોર' સેક્સ) પર બાન મૂક્યો હતો! સિડની ઑલિમ્પિક (૨૦૦૦)માં એવો જ ચકચારી કિસ્સો ટ્રિપલ જમ્પર અને પાક્કા ખ્રિસ્તી જોનાથન એડવર્ડસની ફરિયાદનો બનેલો જેમાં ઉપરના વૂડન ફલોર પર આખી રાત ચાલતી 'ધીંગામસ્તી'ના અવાજોને લીધે પોતાની ઊંઘ બગડતી હોવાની એણે ફરિયાદ કરી હતી! એડવર્ડસ 'ભાઈ'ની નીંદર અવાજોથી હરામ થઈ જતી, કે ઈર્ષાથી કે પછી અફસોસથી? - એ એમણે કહ્યું નહોતું!

આમ કેમ? એવું પૂછનારાઓને 'સૌદાગર' ફિલ્મના મન્ધારી (અનુપમ ખેર)ની અદાઓમાં કહેવું પડે. 'યે તો...યે તો.. યે તો... હોનાઆઆઆ હી થા!' જસ્ટ થિંક. જગત આખાની અલગ- અલગ નસ્લ અને ઓલાદોનાં ફિટેસ્ટ બૉડી જ્યાં તમાશબીન હોય ત્યાં સ્પૉર્ટ્સ સ્પિરિટની સાથે સેક્સ સ્પિરિટનો અન્ડરકરન્ટ પણ વહેતો હોય ને! એક મિલિગ્રામ ચરબી વિનાના ગઠીલા, ચળકતા, મજબૂત બદન પરસેવાની આદિમ 'બૂ'ને મહેકાવતા શ્રેષ્ઠત્તમ તાકાત અને ચપળતાનું પ્રદર્શન કરતા હોય એ દ્રશ્યોને નજીકથી નિહાળતાં જ તન- મનના કિંગ કોબ્રાઝ ફેણ ચડાવીને ફૂંફાડો ન મારે તો નવાઈ! પુરુષોના કાંડાથી ખભા સુધીની નસો કસાયેલા દેહ પર વીંટળાયેલી વેલની જેમ દેખાતી હોય. ઊંચાઈ-મજબૂતાઈ અને શક્તિનો એમનામાં ત્રિવેણીસંગમ થયો હોય અને સેંકડો સ્ત્રી ઍથ્લીટ્સ... ટૂંકા, શરીરને ચપોચપ એવા લાયક્રા મટીરિયલ્સનાં વસ્ત્રોમાં ઘાટીલા વળાંકો ઉછાળતા અને દેખાડતા દોડતા, કૂદતા હોય... વેલ ટોન્ડ 'એક્ઝોટિક ફલેશ એક્ઝિબિશન' ટ્વેન્ટી ફૉર બાય સેવન, યાને સતત નજરે ચડતું રહે! શરીરના સ્નાયુઓને ઇચ્છે તેમ વાળી શકે તેવા અને લાંબો સમય સુધી સ્ટેમિના ટકાવી શકવા માટે તાલીમબદ્ધ યુવા નરનારીઓ દિવસ-રાત પરિવારની નજર બહાર એકબીજાના સંગાથમાં રહે - ત્યાં 'સેક્સપ્લૉઝન' ન થાય તો એ 'સૃષ્ટિ વિરુદ્ધ'નો ક્રમ કહેવાય!

વાંચતાં વાંચતાં ડ્રીમવર્લ્ડમાં ખોવાઈ જતાં પહેલાં વિચારજો કે આ સેક્સ્યુઆલિટી ઓલિમ્પિકની સ્પિરિટની છે. 

કૉમ્પિટિશન તો ચંદ મિનિટ્સ ચાલતી હોય છે. પછી તો પતલી કમર હૈ, તિરછી નજર હૈ. ડાયનેમાઈટ સ્માઇલ્સ, નોટી ગ્લાન્સીઝ... જસ્ટ થિંક જમૈકાનો જવાન નોર્વેની હસીના સાથે કૉફીની ચૂસકી લેતો હોય... આખી દુનિયાનો યૂથ ફૅસ્ટિવલ હોય અને રોકવા-ટોકવાની કોઈ જરૂરત કરી શકે તેમ ન હોય! ફ્રીડમ મીટસ ફન્ટેસી ઇઝ ઇકવલ ટુ ફૅસ્ટિવલ ઑફ ફન!

સિનિયર ઑલિમ્યિયન્સ (નેચરલી) નામ ન આપવાની શરતે કહે છે કે બધા જ ખેલાડીઓ પોતાની સ્પર્ધા માટે કૉન્સન્ટ્રેટેડ હોય છે. સખત પ્રેશરમાં હોય છે. આમે સતત ટ્રેનિંગમાં કોઈને શાંતિથી મળીને રોમાન્સ કરવાના મોકા મહિનાઓ સુધી મળે નહિ ! પણ એક વાર સ્પર્ધા પૂરી થઈ કે તબેલામાંથી ઘોડા છૂટયા! બધા જ ક્રેઝી બનીને પ્રેશર રિલીઝ કરવા કે સેલિબ્રેટ કરવા તૂટી પડે છે. પૂનમની રાતે પાગલો વાડ ઠેકીને આપઘાત કરવા ધસમસે એવાં જ કંઈક દ્રશ્યો ખાનગીમાં રચાય છે. અરે, વિલેજમાં જાહેર લોનમાં પણ રચાય છે. મોટા ભાગના ખેલાડીઓ સ્વિમર્સની અદેખાઈ કરે છે, કારણ કે મોટા ભાગે સ્વિમિંગ કૉમ્પિટિશન પહેલાં હોય છે. એટલે જળપરીઓ જળસમ્રાટો વહેલા ધરતી પર આસમાની આનંદનું સ્વર્ગ રચી શકે છે! સો ક્વેશ્ચન ઇઝ? શું ખરેખર આવું થાય છે? હમમ... એક રિપોર્ટ કહે છે - ના, બધા તો એવું નથી કરતા... પણ ૯૯ ટકા જરૂર કરે છે! સ્માર્ટ કટ! આપણો જ સોનેમઢયો જુવાન બબનેલો અભિનવ ચહેરા પરથી કેવો સૌમ્ય, શાંત, ધીરગંભીર, ડાહ્યોડમરો લાગે છે? પણ આ અભિનવ બિન્દ્રાએ જીતતા પહેલા એના બ્લૉગમાં એની શૂટિંગ ચૅમ્પિયનશિપના એક દિવસ અગાઉ લખ્યું હતું કે, 'હવે હું સ્પર્ધાના વિચાર કરીને નર્વસ થવા નથી માગતો. આજે આખો દિવસ આલિમ્પિક વિલેજમાં લટાર મારીને દુનિયાભરની ખૂબસૂરત યુવતીઓ જોઈને ફ્રેશ થવા માગુ છું!'

ઓકે, ઓકે... બી સિરિયસ. ઑલિમ્પિકનું સેક્સોલિમ્પિક થવા પાછળનું એક કારણ સાઇકાલાજિક્લ છે. ગોલ્ડ કે સિલ્વર મડલ વિનર સ્પૉર્ટર્સન સાથે આપોઆપ એક વિશ્વવિજેતાની આભા જોડાઈ જતી હોય છે. ઐતિહાસિક સિદ્ધિનું સેલિબ્રિટી સ્ટેટ્સ તો ખરું જ. ઉપરાંત, રાતોરાત પૈસા અને પ્રસિદ્ધિનો બેફામ વરસાદ! (પછી પ્રમદાઓ પાછળ રહે કંઈ?) ફેમ, ફૉર્ચ્યુન ઍન્ડ ફલર્ટિંગ! ઔર જીને કો ક્યા ચાહિયે?

જોકે ઘણી વખત ચૅમ્પિયન બનેલી સુપરવુમન ખેલાડીઓ સાથે આમ જ બનતું નથી. સ્ટ્રાઁગ સક્સેસથી સુપરવુમન બનતી મહિલાઓ એવા જ પુરુષો જેટલી 'ઑબ્જેક્ટસ ઑફ ડિઝાયર' ગણાતી નથી! પુરુષો ઘણી વખત પહેલા રાઉન્ડમાં ફેંકાઈ ગયેલી ખેલાડી પર વધુ લટ્ટુ થઈ જતા હોય છે. કદાચ સ્પૉર્ટ્સમાં બહુ આગળ નીકળેલી નારી દેખાવે અને સ્વભાવે એટલી 'ફેમિનાઈન' લાગતી નથી. એ સ્ત્રી કરતાં પુરુષ વધુ લાગે છે! સ્નાયુબદ્ધ, આક્રમક, પાતળી! પણ આવો આંતરરાષ્ટ્રીય મેળાવડો હોય ત્યાં કીડીને કણ હાથીને મણ મળી જ રહે છે!

મોટે ભાગે ઑલિમ્પિકમાં સ્પાઉઝ યાને જીવનસાથીને લઈ આવવાની છૂટ હોતી નથી. ઘણા ખેલાડીઓ તો લગ્નવય કરતાં કાચી ઉંમરના હૉર્મોન્સથી ઠાંસોઠાંસ તરુણ હોય છે. વળી, હૉસ્ટને બાદ કરતાં બાકીના માટે તો પોતાની જાણીતી દુનિયાથી દૂરની આ એક એડ્વેન્ચર ટ્રિપ હોય છે. માટે ચસચસાવીને જલસાની પિકનિક કરવાનું જાણે એમને લાયસન્સ મળી જાય છે! ખ્યાતનામ ખેલાડીઓને નિયમોના નામે રોકે પણ કોણ? અને આમાં બધા સરખા જ હોય સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડને લીધે. એક પિકનિક જેવો માહોલ હોય ને બ્લેકમેઈલિંગ કે ક્રાઈમની બીક ના હોય અન્ય ચેમ્પિયન તરફથી. 

બીજું કારણ સોશિયોમેન્ટલ છે. ઓલિમ્પિકની પૂર્વતૈયારીના ભાગરૂપે મહિનાઓથી તનતોડ પ્રેક્ટિસ ચાલતી હોય છે. અપ્રાકૃતિક કહી શકાય એવી લાઈફસ્ટાઈલમાં ઘડિયાળના કાંટે જોરદાર માનસિક તણાવમાં જીવવાનું હોય છે. કડક સેલ્ફ ડિસિપ્લિનથી ફોકસ્ડ રહેવું પડે છે. માટે જીતો કે હારો સ્પર્ધા પૂરી થયા પછી જાણે ઉપવાસ પછીની મિજબાનીનો માહોલ થઈ જાય છે! બહુ થયું, લાઇફ ઇઝ પાર્ટીનો પોકાર અંદરથી ઊઠવા લાગે છે. કેટલાકને તો ભાગ લેતા પહેલા આ રસ્તે તણાવમુક્ત થવું હોય છે. ફ્રસ્ટ્રેશન હોય કે સેલિબ્રેશન બંનેને વ્યક્ત કરવા માટે જાણે કોઈના આગોશમાં ભીંસાઈ જવાની, કોઈને બાહોમાં કચડી નાખવાની તલપ જાગે છે!

ત્રીજું કારણ એટલે જ બાયૉલૉજિકલ છે. જે વ્યક્તિ રમતગમતમાં ઍક્ટિવ હોય એ સરેરાશથી વધુ ઍનર્જેટિક હોય. ને વધુ કિલિંગ ઇન્સ્ટિક્ટ ધરાવતું એગ્રેશન પણ એનામાં હોય. મતલબ એસ્ટ્રોજન નીતરતી સ્ત્રીઓ અને ટેસ્ટોસ્ટિરોન નીતરતા પુરુષો! ઍક્ચ્યુઅલી માત્ર પુરુષો જ નહીં. કૉમ્પિટિશન અને ઍગ્રેસિવનેસનો મેલ હૉર્મોન ગણાતો ટેસ્ટોસ્ટિરોન 'સ્પૉર્ટિંગ ડ્રાઇવ ઊભી કરવામાં ચાવીરૂપ છે. ૧૯૮૦ના દાયકાની મધ્યમાં પૂર્વ જર્મની (તત્કાલીન)માં સામ્યવાદી શાસને પોતાની મહિલા ઍથ્લીટ્સને 'ડોપિંગ' કરાવી, પર્ફોર્મન્સ સુધારવા એન્ડ્રોજેનિક સ્ટિરોઈડસ આપેલા. નૉર્મલ ગર્લ દિવસમાં અડધો મિલિગ્રામ ટેસ્ટોસ્ટિરોન હાર્મોન પેદા કરે પણ આ ડ્રગ્સ પછી જર્મન ખેલાડીઓમાં ૩૦ મિલિગ્રામ ટેસ્ટોસ્ટિરોન દિવસમાં પેદા થવા લાગ્યો અને રિપૉર્ટ્સ મુજબ સ્વિમિંગ ઍથ્લેટિક્સ સિવાય એમની દેહભૂખ પણ આઉટ ઑફ કંટ્રોલ થઈ ગઈ!

ઑલિમ્પિકમાં અગાઉ જ લખ્યું તેમ ચાર્લ્સ ડાર્વિનનો 'સર્વાઇવલ આફ ધ ફિટેસ્ટ'નો પ્રિન્સિપલ લાગુ પડે છે. ઉત્ક્રાંતિના ભાગરૂપે બેસ્ટ ઍન્ડ ફિટેસ્ટ બૉડી તરફ આકર્ષણ સ્વાભાવિક છે. બેટર જિન્સ ફોરવર્ડ કરવાની એ નેચરલ 'ગેઈમ' છે! એક લેટેસ્ટ સર્વે મુજબ જે ઘરની બહાર રહેતા હોય એવા પુરુષોના સ્પર્મ કાઉન્ટ (શુક્રાણુઓની સંખ્યા) ઇજેક્યુલેશન દીઠ ૩૮૯ને બદલે ૭૧૨ મિલિયન યાને ડબલ થઈ જાય છે!

વેલ, થોડા દિવસો માટે મોજમજાના 'વન નાઈટ સ્ટૅન્ડ' (ઓકે ટ્વેલ્વ નાઇટ, બસ!)ની સેક્સ્યુઅલ કૉકટેઈલ થતા ઓલિમ્પિકમાં રોમૅન્ટિક ટ્વિસ્ટ પણ આવે છે! આસ્ક ટેનિસટેટર રોજર ફેડરર. ૨૦૦૦ની સિડની આલિમ્પિકમાં ફેડરર સ્લોવાકિયાની મિરોસ્લાવાને મળ્યો, હળ્યો અને ૧ વર્ષ પછી મિરોસ્લાવાએ ઈજાને લીધે નિવૃત્તિ લઈ, ફેડરરનો સધિયારો બનવાનું નક્કી કર્યું! અમેરિકાનો શૂટિંગસ્ટાર મેટ્ટ એમોન્સ ચેકોસ્લોવાકિયાની કેટરીનાને એથેન્સ આલિમ્પિકમાં મળ્યો. એના પરાજય માટે કૈટરીનાએ આશ્વાસન આપ્યું અને ૨૦૦૭માં બેઉ પરણી ગયાં! બાર્સિલના ઓલિમ્પિકમાં મળેલા સ્વિમર શેરોન ડેવિસ અને ઍથ્લેટ ડેરેડ રેડમેન્ડ પરણીને બે સંતાનો પછી છૂટાં પણ થઈ ગયાં છે!

ઘરમાં પડયા પડયા આવું વાંચવાની લિજ્જત પડે છે નહીં? મોટા ભાગના ગુજરાતીઓને ક્યાં ગ્રાઉન્ડમાં જવાનું છે? સેક્સ કરે એ બધા ભોગી તો રોગી જ હોય એવી ગેરમાન્યતા તોડતો આ સૌથી મોટો પુરાવો છે. ગ્રીસના પ્રાચીનકાળથી ચાલ્યું આવે છે. બેશક ફોકસ એન્ડ ડિસિપ્લીન ઈઝ મસ્ટ. રમતા હો ત્યારે અર્જુનની જેમ લક્ષ્ય પર ધ્યાન હોવું જોઈએ. પછી ફુરસદે ભલે દ્રૌપદી ઉપરાંત, સુભદ્રા, ઉલૂપી, ચિત્રાંગદા બધા સાથે એમને છેતર્યા કે પરેશાન કર્યા વિના સહજ પ્રણયફાગ હોય, ને છતાં ગીતા સાંભળવાના અધિકારી અને પરાક્રમી વિજેતા થઇ જ શકાય. બાકી રસિકરંગીન જ વધુ સ્ટ્રોંગ એન્ડ ક્રિએટીવ બની શકે. કોઈ શક ? તો જોઈ લો ઓલમોસ્ટ બાઈડન જેટલી ઉંમર છતાં સર્ટિફાઈડ છેલછબીલા એવા ડોનાલ્ડ ટ્રમ્પની ફિટનેસ !

ફાસ્ટ ફોરવર્ડ 

સેક્સ એક જ એવી રમત છે, જે રેઇન કે બેડ લાઈટને લીધે બંધ રહેતી નથી!


Google NewsGoogle News