અવકાશના આવારા લઘુગ્રહઃ આબાદ નહીં, તો બર્બાદ સહી

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
અવકાશના આવારા લઘુગ્રહઃ આબાદ નહીં, તો બર્બાદ સહી 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- બરાબર પાંચ વર્ષ પછી એક લઘુગ્રહ પૃથ્‍વીને જરાક માટે ટકરાતો રહીને નીકળી જશે. આ સંભ‌વિત ઘટના આજે ઇસરોને ‌ચિંતા કેમ કરાવે છે?

- પૃથ્‍વીની ભ્રમણકક્ષાને ગમે ત્‍યારે કાપે એવા હજારો લઘુગ્રહો અવકાશમાં ભમે છે. ‌‌ફિલ્‍મ ‘આવારા’ની આબાદ નહીં, બર્બાદ સહી પં‌ક્તિની યાદ અપાવતા એ રખડતા ‌પિંડ પોતે તો જીવન વડે આબાદ ન થયા, પણ પૃથ્‍વીના જીવનને બર્બાદ કરી શકે છે. 

‌પૃથ્‍વી પર આવી પડનારી દરેક આફતનું એપીસેન્‍ટર અમે‌રિકા હોય અને આફતમાંથી પૃથ્‍વીને ઉગારવાની જવાબદારી એકમાત્ર અમે‌રિકાની હોય એવી પટકથા પર હો‌લિવૂડમાં સેંકડો સાયન્‍સ ‌ફિક્શન ‌ફિલ્‍મ બની છે. વર્ષ ૧૯૯૮માં આવેલી Armageddon/ આર્મગેડન (અર્થાત્ મહાયુદ્ધ) તેમાંની એક હતી. ‌ફિલ્‍મની પ‌ટકથા મુજબ  અમે‌રિકાના ટેક્સાસ રાજ્યના કદ જેટલો એક એસ્‍ટેરોઇડ યાને લઘુગ્રહ પૃથ્‍વીનું અ‌સ્‍તિત્‍વ ભૂંસવા માટે અવકાશી માર્ગે આવી રહ્યો છે. ‌વિનાશક ટકરાવ થવો નક્કી છે એટલું જ ન‌હિ, ટકરાવ થવા આડે માંડ ૧૮ ‌દિવસ બાકી રહ્યા છે—અને ત્‍યારે નાસા સફાળું જાગે છે. બ્રહ્માંડના ‌વિશાળ ફલકને 24x7 ફંફોસ્‍યા કરતા નાસાના ‌વિજ્ઞાનીઓ ત્‍યાર પહેલાં શું કરતા હતા એ ન‌હિ પૂછવાનું! ‘આર્મગેડન’ના ‌નિર્માતાએ કોમન સેન્‍સ તેમજ લો‌જિકને અડખેપડખે કબરમાં દફનાવી દીધા હતા.

ખેર, પૃથ્‍વી પર સમગ્ર જીવસૃ‌ષ્‍ટિનું નામો‌નિશાન ‌મિટાવી શકતા હુમલાખોર લઘુગ્રહથી શી રીતે બચવું એની ગહન ચર્ચા થાય છે. ‌વિ‌વિધ ‌વિકલ્‍પો ‌વિચાર્યા બાદ આખરે નક્કી એવું થાય છે કે સાહ‌સિકોની ટીમને નાસાના સ્‍પેસ શટલમાં બેસાડીને લઘુગ્રહ સુધી મોકલવી. લઘુગ્રહની સપાટી પર તેઓ ઉતરાણ કરે, શારડી વડે ઊંડા ફાંકા રચે, દરેક ફાંકાની અંદર અણુબોમ્‍બ મૂકી ધડાકા માટે ટાઇમર સેટ કરે અને પૃથ્‍વીનો વળતો પ્રવાસ આરંભી દે. ચોક્કસ સમયે બધા અણુબોમ્‍બ સામટા ફાટે, એટલે લઘુગ્રહ બે ટુકડે વહેંચાય, એકમેકથી ‌વિરુદ્ધ ‌દિશામાં ફંટાઈ આખરે પૃથ્‍વીથી સલામત અંતર જાળવીને અવકાશમાં આગળ નીકળી જાય. 

પટકથાના શેખચલ્લી લેખકે અ‌તિશયો‌ક્તિની શાહીમાં કલમ ઝબોળી ઝબોળીને જે લખ્યું તેને ‌દિગ્‍દર્શકે ‌ફિલ્‍મી પડદે મૂર્ત કરી બતાવ્યું. ખરેખર તો લઘુગ્રહના ફુરચા કાઢવા જતાં ‌વિજ્ઞાનના ભૂકા બોલી ગયા હતા. આમ છતાં લગભગ ૧૪ કરોડ ડોલરના ખર્ચ સામે પ૬ કરોડ ડોલરનો વકરો કરનાર ‘આર્મગેડન’ બોક્સ ઓ‌ફિસ પર સુપર‌હિટ નીવડી. અમે‌રિકાના ‌વિખ્‍યાત ‌‌સિનેમા સમીક્ષક રોજર એબર્ટે લખ્યું, ‘આ ‌ફિલ્‍મ પ્રેક્ષકના આંખ, કાન, મગજ, કોમન સેન્‍સ અને મનોરંજન મેળવવાની અપેક્ષા પર સરાસર હુમલો છે.’ 

‌વિજ્ઞાનનું સામાન્‍ય જ્ઞાન ધરાવતા બીજા ‌વિવેચકે કોઈ ટી.વી. શોમાં કહ્યું, ‘આર્મગેડન ‌ફિલ્‍મે હો‌લિવૂડમાં નવો ‌વિક્રમ પ્રસ્‍થા‌પિત કર્યો છે : દર ‌મિ‌નિટે ભૌ‌તિકશાસ્‍ત્રના સૌથી વધુ વખત ‌નિયમભંગ કરવાનો!’

■■■

ખગોળ‌વિજ્ઞાનની ઐસીતૈસી કરી નાખનાર ‘આર્મગેડને’ જો કે, સાવ અજાણતાં જ એક કામ સારું કર્યું. જગતના ખગોળ‌વિદ્દોના મનમાં ‌વિચારબીજ રોપી દીધું કે ભ‌વિષ્‍યમાં રખે કોઈ લઘુગ્રહ સાચે જ પૃથ્‍વીને મહમદ અલી બ્રાન્‍ડ મુક્કો મારવા આવી ચડે તો શું કરવું? ‘નોક આઉટ’થી બચવા માટે કોઈ કારગત તકનીક ખરી? ‘આર્મગેડન’ ‌ફિલ્‍મમાં બતાવ્યું તેમ અણુધડાકા વડે લઘુગ્રહના છાલગોટલા કાઢી નાખવાનો તો સવાલ નહોતો. કારણ કે ૧૯૬૭માં થયેલી આંતરરાષ્‍ટ્રીય સં‌ધિ મુજબ અવકાશમાં અણુ‌વિસ્‍ફોટ કરવા પર કાનૂની પ્ર‌તિબંધ હતો.

‌વિરાટ લઘુગ્રહને અવકાશમાં જ તોડી પાડવાના અગર તો તેની ચાલ બદલી નાખવાના ‌ચિત્ર‌વિ‌ચિત્ર નુસખા ‌વિચારવામાં આવ્યા. પરંતુ કોઈ ઠોસ ઉપાય મળ્યો ન‌હિ. દરમ્‍યાન જૂન, ૨૦૦૪માં એક નવાજૂની બની. રોય ટકર, ડે‌વિડ થોલેન તથા ફેબ્રીઝો બેર્નાર્ડી નામના ખગોળ‌વિદ્દોએ દૂરના અવકાશમાં ૩પ૦ મીટર/ ૧,૧પ૦ ફીટ વ્‍યાસનો લઘુગ્રહ શોધી કાઢ્યો. બાર મજલાના બહુમાળી મકાન જેટલા કદના લઘુગ્રહને નામ આપ્યું Apophis/ અપોફસ! પ્રાચીન ઇ‌જિપ્‍તની દંતકથા મુજબ અપોફસ અંધકાર અને મૃત્‍યુનો દૈત્‍ય હતો. ખગોળ‌વિદ્દ ‌ત્રિપુટીએ તેમણે શોધી કાઢેલા લઘુગ્રહ માટે પસંદ કરેલું અપોફસ નામ યથાયોગ્‍ય હતું, કેમ કે પૃથ્‍વીને અંધકાર તેમજ મૃત્‍યુમાં ધકેલી દેવાની તેમાં ક્ષમતા હતી. કહેવાનો મતલબ એ કે પૃથ્‍વી તરફ ધસી રહેલો તે લઘુગ્રહ ઈ.સ. ૨૦૨૯માં માનવજાતનું ડેથ વોરન્‍ટ બજાવે તેમ હતો.

સમાચાર મોકાણના હતા, એટલે જગતભરમાં સ્‍વાભા‌વિક રીતે ખળભળાટ મચી ગયો. લોકોના અધ્‍ધર થયેલા શ્વાસને ફરી નોર્મલ કરતું ‌નિવેદન કેટલાક વખત પછી આવ્યું કે જ્યારે નાસાએ અવકાશમાં અપોફસની ચાલનો સંકીર્ણ અભ્‍યાસ કરીને જણાવ્યું કે પૃથ્‍વી સાથે તેની અથડામણ થવાનો ભય નથી. બલકે, એ‌પ્રિલ ૧૩, ૨૦૨૯ ના રોજ અપોફસ પૃથ્‍વીથી ‌નિકટતમ અંતરેથી પસાર થશે ત્‍યારે ફાસલો ૩૨,૦૦૦ ‌કિલોમીટરનો રહેશે. અંતરનો આંકડો મોટો હતો, એટલે લોકોને ત્‍યારે ધરપત વળી.

■■■

સામાન્‍ય ખ્‍યાલ મુજબ બત્રીસ હજાર ‌કિલોમીટર સલામત અંતર ગણાય, પરંતુ અવકાશી ફૂટપટ્ટીએ જોતાં તેને દોરાવાર ગણવો જોઈએ. અંત‌રિક્ષમાં આપણી પૃથ્‍વી કલાકના ૧,૦૭,૨૦૮ ‌કિલોમીટરની તેજરફતારે આગળ વધતી હોય ત્‍યારે ૩૨,૦૦૦ ‌કિલોમીટરનો ફાસલો નાબૂદ થતાં તો વળી કેટલી વાર લાગે?ધારો કે, સંજોગવશાત્ ખગોળ‌‌વિદ્દોએ માંડેલી Apophis/ અપોફસના વેગની ગણતરી ખોટી પડી અને ધાર્યા કરતાં તેનું આગમન જરાક વાર મોડું થયું, તો પૃથ્‍વીની અડફેટે ચડ્યો સમજો. ન કરે નારાયણ, પણ એવું થાય તો પૃથ્‍વી પર કેવું ભયંકર તાંડવ મચે તે આગામી ફકરાઓમાં વાંચો. ‌વિવરણ ભલે કાલ્‍પ‌નિક છે, પણ કલ્‍પનાનો ‌કિલ્‍લો કંઈ હવામાં બાંધ્યો નથી. બલકે, ‌વિજ્ઞાનના સો‌લિડ બેઝ પર તે ઊભો છે.

આપણી પૃથ્‍વી દરરોજ સેંકડો અવકાશી ઉલ્‍કાઓને પોતાના ગુરુત્‍વાકર્ષણ વડે ખેંચી લે છે. ઉપલા વાતાવરણમાં ઘટ્ટ હવાના ઘર્ષણમાં આવતાંવેંત ઘણી ખરી ઉલ્‍કા તપીને અગનગોળામાં ફેરવાય અને પછી અગ‌ણિત ટુકડાઓમાં ‌વિખેરાઈ પડે. ઉલ્‍કાનું કદ મોટું હોય તો ક્યારેક તેનો પુરાંત બાકી જેવો અવશેષ પૃથ્‍વીની સપાટી સુધી પહોંચી જાય, પણ એવા પ્રહારમાં જાન-માલનું નુકસાન થતું નથી. પરંતુ ઉલ્‍કાને બદલે Apophis/ અપોફસ જેવો લઘુગ્રહ ખાબકે ત્‍યારે સંજોગો બદલાય છે. પૃથ્‍વીના ઉપલા વાતાવરણમાં લઘુગ્રહ બળેઝળે ખરો, પણ ભાંગ્યા તૂટ્યા પછીયે કદ માતબર રહી જવા પામે.

પે‌રિસના એ‌ફિલ ટાવરની ઊંચાઈ કરતાં વધુ વ્‍યાસ ધરાવતો અપોફસ અવકાશ છોડીને આકાશમાં પ્રવેશે, એટલે તેની ગ‌તિ કલાકના ૭૦થી ૮૦ હજાર ‌કિલોમીટર સુધી પહોંચી જાય. લઘુગ્રહના અગ્રભાગે ઘર્ષણથી તપી નીકળતી હવા એવી તો ‌‌‌વિસ્‍તરે કે ધ્‍વ‌નિપટલને ચીરી નાખે. આના પગલે ઉદ‍‍્ભવતો કડાકો પૃથ્‍વીવાસીઓના કાનમાં ધાક બેસાડી દે એવો પ્રચંડ હોય. પૂરપાટ ધસી જતા લઘુગ્રહના તળિયા પાસેની હવા એટલું બધું દબાણ પામે કે તેનો જોશદાર પ્રવાહ ભૂસપાટી સુધી વહી નીકળે. જમીન સુધી તે પહોંચે કે તરત તાંડવ શરૂ! આઘાતનાં મોજાં વૃક્ષો તથા કાચાં મકાનોને જોતજોતામાં ધરાશાયી કરી નાખે.

ધ્‍યાન રહે કે લઘુગ્રહ હજી જમીન પર તો પટકાયો જ નથી. સાડા ત્રણસો મીટરનો તેનો વ્‍યાસ જોતાં ધરતી પર ખાબક્યા બાદ તે લગભગ પ,૦૦૦ મેગાટન જેટલી અધધ ઊર્જા મુક્ત કરે. એક સરખામણી : બીજા ‌વિશ્વયુદ્ધ દરમ્‍યાન જાપાનના ‌હિરો‌શિમા પર ઝીંકાયેલો ભસ્‍માસુર ‘ફક્ત’ ૦.૦૧પ મેગાટનનો હતો. છતાં આખા નગરને તેણે જોતજોતામાં તારાજ કરી દીધું હતું. શહેરનાં ૯૦ ટકા મકાનોનાં ભૂકા કાઢી નાખેલા. બળબળતી અગનજ્વાળાએ હજારો લોકોને રાખ બનાવી દીધેલા. આ ‌હિસાબે પ,૦૦૦ મેગાટન ઊર્જાનો ધડાકો કેવોક ‌વિનાશ સર્જે એની તો કલ્‍પના પણ કરવી અશક્ય છે. આથી કમ્‍પ્‍યૂટર ‌સિમ્‍યૂલેશન કહેવાતી પદ્ધ‌તિ વડે ‌વિજ્ઞાનીઓએ કાઢેલો ફલાદેશ તપાસવો રહ્યો.

માની લો કે સાડા ત્રણસો મીટર વ્‍યાસનો લઘુગ્રહ સમુદ્ર, રે‌ગિસ્‍તાન યા ધ્રુવપ્રદેશ જેવા ‌નિર્જન ‌વિસ્‍તારને બદલે ગીચ વસ્‍તીવાળા કોઈ મહાનગર પર ત્રાટકે છે. પછડાટ થતાંવેંત પહેલાં તો જમીનમાં ૭.૪ ‌કિલોમીટર વ્‍યાસનો તથા ૧,૭૦૦ ફીટ ઊંડો ગોબો પડે અને તે એ‌રિયામાં તમામ સ્‍થાપત્‍યો તેમજ સજીવો તત્‍કાળ નાશ પામે. કમ્‍પ્‍યૂટર ‌સિમ્‍યૂલેશને ગણી કાઢેલો પ્રાથ‌મિક મૃતાંક : આશરે ૪,૨૦૦!

પછડાટની ચંદ સેકન્‍ડો પશ્ચાત્  ૧૧ ‌કિલોમીટરના વ્‍યાપમાં ધગધગતી આગનો ગોળો ઊઠે. તાપમાન હજારો અંશ સે‌લ્‍શિઅસે પહોંચતા તેની અડફેટે ચડનારા ૯.૭૬ લાખ જણા પોતાનો જીવ તત્‍કાળ ગુમાવે. બીજા ૪.૮૩ લાખ લોકોને થર્ડ ‌ડિગ્રી દાહ લાગે, જેમાં પણ જાનનું જોખમ તો રહેલું જ છે. લઘુગ્રહના એપીસેન્‍ટરથી ૪૨ ‌કિલોમીટર વ્‍યાપમાં લોકોનાં વસ્‍ત્રો આગ પકડે, જ્યારે સોએક ‌કિલોમીટરના વ્‍યાપમાં આવેલાં તમામ વૃક્ષો મશાલ બની જાય. 

આ તાંડવની લગોલગ તબાહીનો વધુ એક ખેલ શરૂ થાય છે. ધરતી અને લઘુગ્રહના ટકરાવને કારણે જે હજારો મેગાટન ઊ‌ર્જાનો વિસ્‍ફોટ થાય તેના પગલે પેદા થતો ૨પ૦ ડે‌સિબલનો કર્ણભેદી અવાજ ૪૩ ‌કિલોમીટર સુધીના ‌વિસ્‍તારમાં તમામ રહીશોની શ્રવણશ‌ક્તિ કાયમ માટે હણી લે એટલો જોરદાર હોય. વધુ દૂરના લોકોનાં કાનના પડદા વધુઓછા અંશે નુકસાન પામે છે. આઘાતનાં મોજાં પાછાં માત્ર હવા સુધી સી‌મિત હોતાં નથી. જમીન પર ફેલાતાં ૭.૦ મે‌ગ્‍નિટ્યૂડ તીવ્રતાનાં ભૂકંપ શોકવેવ્‍ઝ મોજાં પણ એટલાં શ‌ક્તિશાળી હોય કે પોણોસો ‌કિલોમીટર વ્‍યાસમાં એકેય મકાન સલામત રહી શકતું નથી. વધુ ૨,૬૧પ લોકો ભૂકંપનો ‌શિકાર બને છે. ધડાકાના કેંદ્રસ્‍થાનેથી શરૂ કરીને બધી તરફ ૧૯૦ ‌કિલોમીટરના દાયરામાં આવનાર સૌ કોઈને ભૂકંપની અસર જણાયા ‌વિના રહેતી નથી.

ત્રણથી ચાર ‌મિ‌નિટ પછી પ્રલયનો ત્રીજો તબક્કો શરૂ થાય, જેમાં પતનસ્‍થળથી ગરમ હવાનું જબરજસ્‍ત વાવાઝોડું ઊઠે છે અને ચારેય બાજુ ફેલાય છે. કમ્‍પ્‍યૂટર ‌સિમ્‍યૂલેશને ગણી કાઢેલો વાવાઝોડાની ઝડપનો આંકડો કલાકના ૨,પ૦૦ ‌કિલોમીટર જેટલો છે. એક સરખામણી : આખી સૂર્યમાળામાં સૌથી વધુ ગ‌તિએ (કલાકના ૨,૦૦૦ ‌કિલોમીટર લેખે) પવન ક્યાંય ફૂંકાતો હોય તો એ નેપ્‍ચ્યૂન યાને વરુણનો ગ્રહ છે. આ રેકોર્ડને પૃથ્‍વી પર લઘુગ્રહની પછડાટ કેટલીક ‌મિ‌નિટો પૂરતો તોડી નાખે છે. અઢી હજાર ‌કિલોમીટરના બેસુમાર વેગે ફૂટી નીકળતા તીવ્ર તેમજ લાહ્ય બાળતી હવાના સપાટામાં આવતાં વૃક્ષો, મકાનો, ‌મિલોનાં ભૂંગળાં, મનુષ્‍યો, મનુષ્‍યેતર જીવો પૈકી કોઈ સલામત રહી શકે એ સંભવ જ નથી. કમ્‍પ્‍યૂટર ‌સિમ્‍યૂલેશને આપેલા તારણ મુજબ વાવાઝોડાના સપાટામાં ૬,૪૮,૦૦૦ જણાનું આવી બને.

■■■

આમાંનું કશું જ બનવાનું નથી, એટલે ‌નિ‌શ્ચિંત રહેજો. કારણ કે એ‌પ્રિલ ૧૩, ૨૦૨૯ ના રોજ Apophis/ અપોફસ લઘુગ્રહ પૃથ્‍વીથી ૩૨,૦૦૦ ‌કિલોમીટરની દૂરી રાખને લટકતી સલામ મારી જવાનો છે. આમ છતાં ૨૦૦૪ની સાલમાં શોધાયેલો એ લઘુગ્રહ આજકાલ ચર્ચામાં છે. ઇસરોના અધ્‍યક્ષ શ્રીધર સોમનાથે થોડા ‌દિવસ પહેલાં પોતાના વક્તવ્યમાં અપોફસને યાદ કર્યો. પૃથ્‍વીની અત્‍યંત ‌નિકટથી નીકળી જનાર અપોફસ જેવા લઘુગ્રહનો અવકાશમાં જ નાશ કેવી રીતે કરવો અગર તો તેનો ‌દિશામાર્ગ શી રીતે બદલી નાખવો તે માટેનું ‌રિસર્ચ અ‌ભિયાન ઇસરોમાં હાથ ધરવું જોઈએ એવું સૂચન તેમણે કર્યું છે.

અવકાશી માર્ગે આવી શકતી આવારા લઘુગ્રહરૂપી આફતને ટાળવા માટે હાલમાં કેટલાક નુસખા અમે‌રિકા-ર‌શિયાએ ‌વિચારી રાખ્યા છે. જેમ કે, શક્તિશાળી લેસર ‌કિરણોનો એકધારો મારો ચલાવીને લઘુગ્રહને અનેક નાના ટુકડાઓમાં વહેંચી શકાય. પૃથ્‍વી પરથી તો એ કામ સંભવ નથી, એટલે પાવરફુલ લેસર મશીનને ચંદ્રની સપાટીએ મૂકવું પડે. આમ કરવામાં ખર્ચનું જે તો‌તિંગ ‌બિલ આવે એ કોણ ભોગવે તે સવાલ છે. બીજો ‌વિકલ્‍પ અણુબોમ્‍બ ન‌હિ, પણ સામાન્‍ય હાઈ-એક્સ્પ્લો‌ઝિવ બારુદવાળા બોમ્‍બ ધરાવતા ‌મિસાઇલો દાગીને લઘુગ્રહનો ખાતમો બોલાવી દેવાનો છે. ત્રીજા નુસખા તરીકે સંખ્‍યાબંધ રોબો‌ટિક અવકાશયાન લઘુગ્રહ તરફ મોકલી તેમના સામૂ‌હિક થ્રસ્‍ટ વડે લઘુગ્રહનો ‌દિશામાર્ગ બદલી પૃથ્‍વી જોડેની અથડામણ ટાળી શકાય.

આ બધા અને બીજા ઘણા બધા ઉપાયો હજી કાગળ પર જ છે. કોઈની પ્રે‌ક્ટિકલ ચકાસણી કરવામાં આવી નથી. દરમ્‍યાન ૨૦૨૯માં પૃથ્‍વીનો આંટો મારી જનાર અપોફસે અમે‌રિકામાં નાસાને તથા ભારતમાં ઇસરોને લઘુગ્રહ સામે લડતની રણની‌તિ ‌વિચારતા કરી દીધા છે.■


Google NewsGoogle News