યુપીએસસી : સબસે ખતરનાક હોતા હૈ સપનોં કા મર જાના

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
યુપીએસસી : સબસે ખતરનાક હોતા હૈ સપનોં કા મર જાના 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- પ્રોબેશનરી આઈએએસના ફેક સર્ટિફિકેટનો વિવાદ થયો તે પછી સૌથી વિશ્વસનીય ગણાતી એજન્સી યુપીએસસી પર પહેલી વખત સવાલો ઉઠયા છે

સુ પ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ અને યુપીએસસી. આ ત્રણ સંસ્થાઓ ભારતની અન્ય અનેક સંસ્થાઓ જેવી હોવા છતાં જુદી છે. આ સિવાયની ઘણી સંસ્થાઓને સ્વતંત્રતા મળે છે, પણ આ ત્રણેય સંસ્થાઓ રાજકીય પ્રભાવથી મુક્ત રહે તે માટે બંધારણના ઘડવૈયાઓએ લાંબો વિચાર કર્યો છે ને વિશેષ જોગવાઈઓ કરીને એનું મૂળભૂત બંધારણ મજબૂત રાખ્યું છે. કેન્દ્ર સરકાર હસ્તક આવતી હોવા છતાં આ સંસ્થાઓની પોતાની સ્વતંત્ર ઓળખ છે. સ્વાયત શક્તિ છે.

એ પાછળનો હેતુ બહુ સ્પષ્ટ હતો - સુપ્રીમ કોર્ટ રાજકીય પ્રભાવથી મુક્ત હોય તો નિષ્પક્ષ ચુકાદા આપી શકે. ચૂંટણી પંચ સ્વાયત હોય તો ચૂંટણી પરિણામો સર્વમાન્ય અને પારદર્શક રહે. યુપીએસસી નિષ્પક્ષ હોય તો જેનો દેશના વહીવટી, વિદેશનીતિ, પોલિસી મેકિંગ અને સુરક્ષા તંત્ર પર ઊંડો પ્રભાવ પડવાનો છે તેવા ઉચ્ચ અધિકારીઓની પસંદગીમાં કોઈ કચાશ ન રહે. એકાદ યોગ્ય ઉમેદવાર રહી જાય એનો વાંધો નહીં, પણ એકેય નબળો કે ઓછો યોગ્ય ઉમેદવાર સિસ્ટમના છીંડા શોધીને ઘૂસી ન જાય એ માટે યુપીએસસીએ આકરી અને ઉદાહરણરૂપ પરીક્ષા પદ્ધતિ વિકસાવી છે.

સરકારી નોકરીઓ માટે કેન્દ્ર કે રાજ્ય સ્તરની બધી જ સંસ્થાઓ માટે યુપીએસસી પ્રેરક છે. એની પરીક્ષા પદ્ધતિના દાખલા અપાય છે. યુપીએસસીનું નામ આવે ત્યારે ગમે તેવા હોનહાર સ્ટૂડન્ટના કપાળમાં પણ એક વખત ચિંતાની લકીર તણાયા વગર ન રહે એવી અકળ જડબેસલાક ત્રિસ્તરીય પરીક્ષાના કારણે એ દેશની સૌથી વિશ્વસનીય એજન્સી છે.

વેલ, આ ત્રણમાંથી ચૂંટણી પંચ પર છેલ્લાં ઘણાં સમયથી સવાલો ઉઠી રહ્યા છે. ચૂંટણીની નિષ્પક્ષતા અને સરકારના પ્રભાવ મુદ્દે વિપક્ષો હોબાળો મચાવતા રહે છે. ખાસ તો ચૂંટણી ચાલતી હોય ત્યારે આચારસંહિતાના ભંગની ફરિયાદો પર ચૂંટણી પંચના વલણ અંગે કાયમ ચર્ચા થતી રહે છે. ચૂંટણી પંચ સિવાયની બંને સંસ્થાઓ - સુપ્રીમ કોર્ટ અને યુપીએસસી પર એવા ગંભીર સવાલો ઉઠતા નથી, પણ હવે યુપીએસસી ચૂંટણી પંચની જેમ પહેલી વખત સવાલોના ઘેરામાં છે.

બ્રિટિશ રાજ વખતે ૧લી ઓક્ટોબર ૧૯૨૬ના રોજ પબ્લિક સર્વિસ કમિશનના નામે સ્થપાયેલી આ સંસ્થા આઝાદી પછી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનથી રીનેમ થઈ. પબ્લિક સર્વિસ કમિશન બ્રિટનની ૧૮૫૮માં સ્થપાયેલી ઈમ્પિરિયલ સિવિલ સર્વિસ (આઈસીએસ)ની જ એક એજન્સી હતી. એ બધું મર્જ કરીને આજની સિવિલ સર્વિસને દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે શેપ આપ્યો હતો. ઓલ ઈન્ડિયા સર્વિસ અંતર્ગત ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઈન્ડિયન પોલીસ સર્વિસ અને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એમ ત્રણ વિભાગમાં જાહેર સેવાનું વર્ગીકરણ કરીને સરદાર પટેલે અખંડિતતા, નિષ્પક્ષતા અને યોગ્યતાના સિદ્ધાંતો ઘડયા હતા. 

કુશળ અધિકારીઓ મળે તે માટે તેમણે જે પદ્ધતિ ગોઠવી હતી એના આધારે જ અત્યાર સુધી ભારતની જાહેર સેવાને અધિકારીઓ મળી રહ્યા છે. સરદાર પટેલનું દીર્ઘદૃષ્ટિથી આપેલું એક સ્ટેટમેન્ટ પણ બહુ જાણીતું છે : 'જાહેર સેવાના અધિકારીઓ રાજકારણમાં સક્રિય ભાગ ન ભજવે, રાજકારણીઓના દબાણમાં કામ ન કરે અને રાજકારણીઓ માટે કામ ન કરે તે દેશના ભવિષ્ય માટે અનિવાર્ય છે.'

તેમના વિઝન પ્રમાણે ૧૯૫૧માં ઓલ ઈન્ડિયા સર્વિસ એક્ટ પસાર થયો હતો ને પછી યુનિયન એન્જિનિયરિંગ અને યુનિયન મેડિકલ-સાયન્સ સર્વિસનો પણ પ્રારંભ થયો હતો. આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દેશની ટોચની ૨૪ જાહેર સર્વિસ માટે એક્ઝામ કન્ડક્ટ કરે છે. દર વર્ષે ૧૦-૧૨ લાખ ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરે છે ને સાત-આઠ લાખ પરીક્ષા આપે છે. એમાંથી ૭૦૦-૮૦૦ સ્ટૂડન્ટ્સ એક્ઝામ ક્લિયર કરી શકે છે. સફળતાનો આંકડો જ પરીક્ષા કેટલી આકરી હશે એ કહેવા માટે પૂરતો છે. ઈન્ડિયન સિવિલ સર્વિસના ૬૫ લાખ જેટલાં અધિકારીઓ અત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. નિવૃત્ત આઈએએસ અને આઈપીએસની તો કોર્પોરેટ સેક્ટરમાં પણ ભારે ડિમાન્ડ છે. યુપીએસસી પાસ કરી હોય એની પ્રતિભા તરફ સૌને ઊંચો અભિપ્રાય હોય છે. તેમને એક આગવી રિસ્પેક્ટ મળે છે.

પણ આટલી ઉજળી શાખ ધરાવતી સંસ્થાના પાયા એક કિસ્સાથી હચમચી ગયા છે. પ્રોબેશનરી આઈએએસ પૂજા ખેડકરના નકલી સર્ટિફિકેટનો વિવાદ ચગ્યો પછી કેટલાય લોકોએ યુપીએસસીની સર્ટિફિકેટ ખરાઈ કરવાની પદ્ધતિ સામેય અણિયાળા સવાલો કર્યા છે. એક સાધારણ ક્લાર્કની પરીક્ષામાં એકાદ ડોક્યુમેન્ટ ન હોય કે પરીક્ષામાં બેસતી વખતે આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સના નામ અને એપ્લિકેશનના નામમાં સરનેમ આગળ-પાછળ હોય તોય પરીક્ષામાં ન બેસવા દેવાના બનાવો દરેક પરીક્ષા કેન્દ્રોમાં બનતા હોય છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે અમુક જેન્યુઈન કિસ્સામાં પણ એક દિવસનો સમય ન આપતું સરકારી તંત્ર કોઈ એકદ-દોકલ કિસ્સામાં બબ્બે વખત  સર્ટિફિકેટ સબમિટ કરાવવાની ઉદારતા કેવી રીતે બતાવી શકે? સિસ્ટમની બહાર જઈને પ્રાઈવેટ એક્ઝામિન થયેલું દિવ્યાંગ સર્ટિફિકેટ કેવી રીતે માન્ય રહી ગયું? પિતાની આઠ લાખ કરતાં વધુ આવક હોય તોય પૂજા ખેડકરને નોન ક્રિમિલેયરનું પ્રમાણપત્ર કેમ મળ્યું?

આવા તો અનેક સવાલો ઉઠયા છે, ઉઠવા જ જોઈએ. ટીકાના સંદર્ભમાં નહીં તોય એક પ્રતિષ્ઠિત સંસ્થા નબળી ન પડે એ માટેય યોગ્ય સમયે ચર્ચા થાય તે જરૂરી છે.

યુપીએસસીની પરીક્ષામાં પાસ થાય પછી ભવિષ્યના ઉચ્ચ અધિકારીઓની બે વર્ષ સુધી સઘન તાલીમ ચાલે છે. આઈએએસની તાલીમ મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન એકેડમીમાં થાય છે. આઈપીએસની તાલીમ હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાં થાય છે. આઈએફએસની ટ્રેનિંગ દિલ્હીની સુષ્મા સ્વરાજ ફોરેન સર્વિસ ઈન્સ્ટિટયૂટમાં થાય છે. આ રીતે જુદી જુદી સર્વિસ માટે જુદા જુદા સ્થળે તાલીમ પામ્યા બાદ પ્રોબેશન પર પોસ્ટિંગ મળે છે અને તે પછી કાયમી પોસ્ટિંગ.

આ લાંબી પ્રક્રિયાની આગવી શાખ છે. યુપીએસસીની પરીક્ષામાં પહેલાં જ લાખો ઉમેદવારોમાંથી સર્વાધિક ટેલેન્ટેડ ઉમેદવારોની પસંદગી થઈ હોય - અનામત કેટેગરીમાં પસંદગી પામેલા ઉમેદવારો પણ બેહદ ટેલેન્ટેડ હોય છે એમાં બે મત નથી, રહી સહી કસર તાલીમ દરમિયાન પૂરી થાય. તાલીમમાં ઉમેદવારોનો સર્વાંગી વિકાસ થાય છે. જે તે ક્ષેત્રને લગતા તમામ પાસાઓની તાલીમ મળે છે ને એ પછી જ પોસ્ટિંગ મળે છે.

આટલું થયા બાદ પણ એક પ્રોબેશનરી અધિકારીનું નકલી પ્રમાણપત્રનું પોટલું ખૂલે. દેશવાસીઓના ઉજ્જવળ ભવિષ્ય અને ડેવલપમેન્ટ માટે દિવસ-રાત દોડધામ કરવી પડશે એવા પાઠ ભણ્યા પછી લાલ બત્તી, અલાયદી ઓફિસ જેવી માગણીઓનું લિસ્ટ સામે આવ્યું પછી ઘણાં લોકોએ ત્યાં સુધી કહ્યું કે ઊંચો પગાર અને સ્પેશિયલ ટ્રિટમેન્ટના કારણે જ આવા કિસ્સા બને છે. એવો મત પણ આવ્યો કે પોઝિટિવ વ્યક્તિત્વ સર્જવામાં હજુય ક્યાંક સુધારાની જરૂર છે.

પૂજા ખેડકરના કિસ્સા બાદ ગુજરાતમાં પણ એકાદ કિસ્સાની ચર્ચા થઈ રહી છે. ગુજરાત કેડરના અધિકારીઓમાં ગણગણાટ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં કદાચ અન્ય રાજ્યોમાંથી આવા આરોપો સામે આવે તો નવાઈ નહીં. જો એવું થશે તો આ સંસ્થાને દુરુસ્ત કરવી પડશે. દેશભરમાં પેપર લિકના સંખ્યાબંધ બનાવો પછી ઉચ્ચ અધિકારીઓને પસંદ કરતી આ સંસ્થા પર દેશવાસીઓનો ભરોસો અકબંધ રહે એ ખૂબ જરૂરી છે. ઉમ્મિદ અકબંધ રહે એ અનિવાર્ય છે. લાખો વિદ્યાર્થીઓ રાત-દિવસ જેના સપના જોતાં હોય એ સપના તૂટે તે યોગ્ય નથી. પાશે સાચું જ કહ્યું છે : સબસે ખતરનાક હોતા હૈ હમારે સપનોં કા મર જાના...

યુપીએસસી કોચિંગનો 3000 કરોડનો બિઝનેસ

દેશમાં દર વર્ષે ઓછામાં ઓછા ૨૦ લાખ વિદ્યાર્થીઓ યુપીએસસીની તૈયારી કરે છે. દેશના તમામ મોટા શહેરોમાં યુપીએસસીના સંખ્યાબંધ ક્લાસ ચાલી રહ્યા છે. યુપીએસસી આધારિત મોટું અર્થતંત્ર ધમધમી રહ્યું છે. યુપીએસસીનો કોચિંગ બિઝનેસ જ દેશમાં ત્રણ હજાર કરોડથી વધુ છે. એમાં કોચિંગ અને પબ્લિશિંગનો સમાવેશ થાય છે. યુપીએસસીને લગતા પુસ્તકોનો ધંધો પણ એકાદ હજાર કરોડે પહોંચે છે. વિદ્યાર્થીઓના રહેવા-જમવાની સુવિધા ઉમેરાય તો આંકડો ઘણો મોટો થાય. એક અંદાજ તો એવોય છે કે દેશમાં છ-સાત કરોડ વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્યોની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસે છે. એમાંથી અડધા વિદ્યાર્થીઓ પણ જો કોચિંગ કરતા હોય તો સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગનો બિઝનેસ ધારણા કરતાં ખૂબ મોટો હશે. સ્પર્ધાત્મક પરીક્ષાના બિઝનેસમાં વર્ષે ૧૫ ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે.

દિવ્યાંગ કોટા અંગે પણ સવાલો ઉઠયા

તેલંગણા કેડરના ૨૦૦૦ની બેચના આઈએએસ છે સ્મિતા સભરવાલ. પૂજા ખેડકરના વિવાદ વચ્ચે તેમણે જે મુદ્દે ચર્ચા છેડી છે તેના પર ડિબેટ ચાલી છે. દિવ્યાંગો તરફ સંપૂર્ણ સંવેદના દાખવીને તેમણે સોશિયલ મિડીયા પોસ્ટમાં લખ્યું : 'આઈએએસ અને આઈપીએસ જેવી સિવિલ સર્વિસમાં અધિકારીઓની શારીરિક-માનસિક ફિટનેસ બહુ જ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. કારકિર્દી દરમિયાન તેમણે સતત દોડતાં રહેવું પડે છે. તેમનું દિવસનું ટાઈમટેબલ થકાવી દેનારું હોય છે. હું દિવ્યાંગોનું ખૂબ સન્માન કરું છું. તેમના તરફ પૂરી સંવેદના સાથે કહું છું કે શું કોઈ એરલાઈન્સ દિવ્યાંગ પાયલટને ફ્લાઈટ સોંપશે? કોઈ દર્દી સર્જરી કરાવવા માટે દિવ્યાંગ સર્જન પર કેટલો ભરોસો કરશે? ઈન્ડિયન સિવિલ સર્વિસ એક પ્રીમિયર સર્વિસ છે. એમાં સ્પેશિયલ કોટા બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ.' આઈએએસ સ્મિતા સભરવાલના આ નિવેદન પછી લોકોના તરફેણમાં અને વિરૂદ્ધમાં એમ બે ભાગ પડી ગયા. નેતાઓએ પણ વિવાદમાં ઝંપલાવ્યું. શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે જેમની પાસેથી સમાનતાની અપેક્ષા હોય એવા એક ઉચ્ચ અધિકારી સમાનતા સામે સવાલો ઉભા કરે તે ગંભીર બાબત છે તો ઘણાંએ કહ્યું કે આઈએએસની વાત વિચારવી જોઈએ. વિવાદ થયા બાદ આ આઈએએસ અધિકારી સામે ફરિયાદ દાખલ કરવાની પણ માગણી ઉઠી છે.


Google NewsGoogle News