મહાવતાર બાબાની યોગ સિદ્ધિ ચમત્કારો .

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
મહાવતાર બાબાની યોગ સિદ્ધિ ચમત્કારો                       . 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- તે સાહસપૂર્વક એક કઠિન પરીક્ષા ઉત્તીર્ણ કરી. હવે તને મૃત્યુ ક્યારેય સ્પર્શ નહીં કરી શકે. હું તને મારો શિષ્ય બનાવું છું. તું અમારી અમર મંડળીનો એક સદસ્ય બની ગયો છે

અ જરામર મનાતા યોગીરાજ મહાવતાર બાબાજીને જગતને ક્રિયાયોગની મહત્તા સમજાવી. અનેક પ્રકારની યોગ સિદ્ધિઓના સ્વામી એવા મહાવતાર બાબાજીને ૧૮૬૧માં શ્યામાચરણ લાહિડીને પોતાના શિષ્ય બનાવ્યા હતા. સેંકડો વર્ષોથી લુપ્ત થઇ ગયેલો ક્રિયાયોગ તેમને શીખવ્યો હતો. શ્યામાચરણ લાહિડીએ મુક્તેશ્વર ગિરિને તે શીખવ્યો અને તેમણે તેમના શિષ્ય પરમહંસ યોગાનંદને તેનું જ્ઞાાન આપ્યું હતું. પરમહંસ યોગાનંદે તેમના દર્શન કર્યા અને તેમની સાથે વાતચીત કરી ત્યારે તેમને મહાવતાર બાબા ૧૯ વર્ષની ઉંમરના હોય એવા યુવાન લાવ્યા હતા. યોગાનંદે એક કુશળ ચિત્રકારની મદદથી મહાવતાર બાબાનું ચિત્ર પણ દોરાવ્યું હતું. તે ચિત્ર જ બધી જગ્યાએ પ્રચલિત છે. પરમહંસ યોગાનંદને મહાવતાર બાબાએ ૨૫ જુલાઇ ૧૯૨૦ના રોજ દર્શન આપ્યા હતા એટલે એ દિવસને દર વર્ષે બાબાજીના 'સ્મૃતિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

પરમહંસ યોગાનંદે એમના પુસ્તક ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી  (Autobiography of a yogi)માં મહાવતાર બાબા ગુરુ શ્યામાચરણ લાહિડીના પણ ગુરુ એવા મહાવતાર બાબાજી વિશે લખે છે. 

કાશીમાં આદિ શંકારાચાર્યજીને તેમણે જ ક્રિયાયોગની દીક્ષા આપી હતી. તેવી રીતે સંત કબીરને પણ તેમણે દીક્ષા આપી હતી. એવું કહેવાય છે કે કૌરવો - પાણ્ડવોના મહાભારતના યુદ્ધમાં પણ તે સામેલ હતા. તેમના શરીર પર કેટલીય જગ્યાએ મહાભારતના યુદ્ધમાં વાગેલાં તીરના નિશાન પણ મોજુદ હતા. મહાવતાર બાબાજીએ શ્યામાચરણને કહ્યું હતું - 'આ ઓગણીસમી સદીમાં જે ક્રિયાયોગ હું તને આપી રહ્યો છું તે એ જ વિજ્ઞાાનનું પુનજીર્વન છે જે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપ્યું હતું. ગીતાના ચોથા અધ્યાય કર્મ બ્રહ્માર્પણ યોગના પ્રથમ ત્રણ શ્લોકોમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે - 'આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે મનુને કહ્યો હતો અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો. 

થોડો સમય હૈડાખાન નામના ગામમાં રહ્યા હતાં. હૈડાખાનનું મૂળનામ હૈડિયાખંડ - એનો અર્થ થાય - યજ્ઞા ભૂમિ. આ સ્થળનું વર્ણન શિવ-પુરાણમાં પણ થયેલું છે. ત્યાં નદીની એક બાજુએ આવેલા પહાડની ગુફામાં બાબાજી રહ્યા હતા. ગુફાની બરાબર સામે તેમણે અષ્ટકોણ મંદિર બનાવ્યું હતું અને તેમાં શિવલિંગની સ્થાપના કરી હતી. બાબાજી વારંવાર જગદંબા - યજ્ઞા, ચંડીયાગ કરતા. દરરોજ ત્યાં હોમ-હવન તો કરતા જ હતા. યજ્ઞા યાગ અને હોમ હવનમાં તે ધીના બદલે નદીમાંથી લીધેલા પાણીની આહુતિ આપતા. નદીમાંથી ઘડા ભરીને મંગાવેલું પાણી અગ્નિમાં રેડતા. તેનાથી આગ બૂઝાતી નહોતી. ઊલટું તે ઘી હોય તે રીતે વધારે પ્રજવલિત થતી. એ અગ્નિની જવાળાઓ ચાર ગજ સુધી વધારે ઊંચે જતી. ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના કુકુછીનાથી ૧૩ કિલોમીટર દૂર દૂનાગિરિની પાંડુખોલીમાં આવેલી મહાવતાર બાબાની ગુફા અત્યારે અનેક સાધુ-સંતો અને યોગીપુરુષોનું ધ્યાન અને સાધના સ્થળ બનેલું છે.

'ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી'ના તેત્રીસમાં પ્રકરણમાં મહાવતાર બાબાની દિવ્ય યોગસિદ્ધિના ચમત્કારની બે અદ્ભૂત ઘટનાઓ નિરૂચિત થઇ છે. એકવાર તેમના શિષ્યો પવિત્ર અગ્નિની ચારે બાજુ વર્તુળાકારે બેઠા હતા. વૈદિક અનુષ્ઠાન, યજ્ઞા-યાગ કરવા માટે અગ્નિ પ્રજ્વલિત કરાયો હતો. બાબાજીએ અચાનક યજ્ઞાકુંડમાંથી એક સળગતું લાકડું ઉઠાવ્યું અને યજ્ઞા કરવા બેઠેલા એક શિષ્યના ખુલ્લા ખભા પર તે ચાંપી દીધું. તે એકદમ મોટી ચીસ પાડી ઉઠયો. બાજુમાં બેઠેલા બાબાજીના શિષ્ય લાહિડી મહાશય બોલી ઉઠયા - અરે ! ગુરુજી, આના તરફ આવી નિર્દયતા કેમ બતાવી ! 'બાબાજીએ તેમને જવાબ આપતાં કહ્યું' - આ તમારી આંખો સામે બળીને રાખ જઇ જાય એ સારૃં કે ખભા પર સહેજ દાઝે એ સારૃં ! તે એના પૂર્વ કર્મ જનિત ભાગ્યમાં લખાયા પ્રમાણે તેનું અત્યારે સળગીને મરણ પામવાનું હતું તેને મે ઘટાડી દીધું. શૂળીનો ઘા સોયથી ટળી જાય તેમ કર્યું. આટલી અલ્પ પીડા ભોગવાવી મેં તેનું મોટું કર્મફળ એકદમ ઘટાડી દીધું. તે પછી બાબાજીએ તેમો દૈવી ઉપચાર કરનારો હાથ તેમના તે શિષ્યના દાઝી ગયેલા ખભા પર મૂક્યો અને થોડી પળોમાં જ તેનો ઘા રૃંઝાઇ ગયો. તેની બળેલી ચામડીની જગ્યાએ તાજી નવી ચામડી આવી ગઇ.

આ પ્રકારની એક બીજી ઘટનાનો ઉલ્લેખ કરતાં પરમહંસ યોગાનંદજી લખે છે - 'એકવાર મહાવતાર બાબાજી પાસે એક વ્યક્તિ આવી અને તે બાબાજી પાસેથી દીક્ષા ગ્રહણ કરવા જીદ કરવા લાગ્યો. તેણે બાબાજીને કહ્યું - જો મને તમારી પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત ન થાય તો મારા જીવવાનો શો અર્થ છે ? 'તમે મને દીક્ષા આપી શિષ્ય નહીં બનાવો અને તમારી મંડળીમાં સામેલ નહીં કરો તો હું અત્યારે જ આ પર્વત પરથી ખાઇમાં કૂદી પડીશ.' બાબાએ ભાવહીન સ્વરમાં કહ્યું - 'તો કૂદી જા. તારી વર્તમાન અવસ્થામાં હું તને મારો શિષ્ય બનાવી શકું એમ નથી.' તે વ્યક્તિ તે જ ક્ષણે ખાઇમાં કૂદી પડયો. બાબાજીએ હતપ્રભ શિષ્યોને તે અજાણ્યા વ્યક્તિનું મૃત શરીર નીચેથી ઉઠાવીને તેમની પાસે લઇ આવવા જણાવ્યું. તે તેનું ક્ષત-વિક્ષત શરીર ઉઠાવીને તેમની પાસે લઇ આવ્યા. પછી બાબાજીએ તેમનો દિવ્ય હસ્ત તે મૃત માનવીના શરીર પર મૂકી રાખ્યો. થોડી પળોમાં આશ્ચર્યકારક ઘટના બની. તે વ્યક્તિ જીવતો થઇ ગયો એટલું જ નહીં. તેના શરીર પર ક્યાંય સહેજ પણ ઇજા થવાનું ચિહ્ન નહોતું. મહાવતાર બાબાજીએ તેને કહ્યું - તે સાહસપૂર્વક એક કઠિન પરીક્ષા ઉત્તીર્ણ કરી. હવે તને મૃત્યુ ક્યારેય સ્પર્શ નહીં કરી શકે. હું તને મારો શિષ્ય બનાવું છું. તું અમારી અમર મંડળીનો એક સદસ્ય બની ગયો છે. પછી તેમણે શિષ્ય સમુુદાયને કહ્યું - ડેરા ડંડા ઉઠાઓ.' બીજી જ પળે તેમની મંડળી પર્વત પરથી રહસ્યમય તરીકે અદ્રશ્ય થઇ ગઇ.


Google NewsGoogle News