Get The App

વર્ચસ્વએ સ્વમાનીને 'ડાયવોર્સ' આપવાનું માંડી વાળ્યું

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
વર્ચસ્વએ સ્વમાનીને 'ડાયવોર્સ' આપવાનું માંડી વાળ્યું 1 - image


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- 'મમ્મી, ઘણા પથ્થર એટલા બધા કઠોર હોય છે કે શિલ્પીની છીણી અને ટાંકણું પણ તૂટી જાય તોય પથ્થર ના જ ઘડાય... દામ્પત્ય એ સ્નાગાર નથી પણ સ્નેહાગાર છે.'

ર વિવારનો દિવસ હતો. સ્વમાનીના પપ્પાજી સૌભાગ્યચંદ્ર પ્રાત:કાલીન છાપુ વાંચવામાં મશગૂલ હતા. એમને એ વાતનો પણ ખ્યાલ નહોતો કે એમના ક્રોધિત જમાઈરાજ વર્ચસ્વકુમાર એમની સમક્ષ ઉભા છે અને એમની પાછળ એમની લાડકી પુત્રી સ્વમાની.

'અરે, વર્ચસ્વકુમાર તમે? આવો બેસો, ચા-નાસ્તો તૈયાર થઈ જ રહ્યો છે. બેટા, સ્વમાની જા તારી ભાભીને નાસ્તો તૈયાર કરવામાં મદદ કર.' સૌભાગ્યચંદ્રએ કહ્યું

'રહેવાદો, રહેવા દો. હવે આ બધું તમારી દીકરી હરામ હાડકાની છે.  લગ્ન પહેલાં તો તમે એનાં વખાણ કરતાં થાકતા નહોતા.' મારી દીકરી તો હીરો છે. હીરો. એને તમારે કશું કહેવું નહીં પડે. પણ કશું કહેવા જેવું એણે બાકી જ નથી રાખ્યું. એને તો એ વાતની ખબર નથી કે એનો પતિ દસ વાગે લંચ બોક્સ લઈને ઓફિસ જવા નીકળી જાય છે. તમે મને પત્ની નથી આપી. તમારા શો કેસની મોંઘીદાટ પૂતળી આપી છે. મારા સરકારી કવાર્ટરમાં તમારી રાજકુંવરીને ગોઠતું નથી. એટલે તમારી થાપણ તમને પાછી આપવા આવ્યો છું. મારા સાસુને કહેજો કે એને નારીના પાયાનું કર્તવ્ય શીખવી મારી સાથે છૂટાછેડા બાદ બીજે વળાવે.. આવજો. જમાઈરાજ વર્ચસ્વએ રૌદ્ર રૂપ દેખાડયું અને પગ પછાડીને ચાલતા થયા.

સ્વમાની પહેર્યે કપડે આવી હતી. એને પરાણે જગાડીને વર્ચસ્વએ મોટરબાઈકની પાછળ બેસાડી દીધી હતી. વર્ચસ્વની મમ્મીએ એને રોકવાની કોશિશ કરતાં કહ્યું હતું. 'બેટા, તું ધીરજ રાખ. હું સ્વમાનીને ધીરે-ધીરે ઘડીશ.' પણ વર્ચસ્વએ તરત જ કહી દીધું હતું 'મમ્મી, ઘણા પથ્થર એટલા બધા કઠોર હોય છે કે શિલ્પીની છીણી અને ટાંકણુ પણ તૂટી જાય, પણ પથ્થર ન જ ઘડાય. 

સ્વમાનીનો ભાઈ અહમ્ તો બહેન કરતાં ચાર ચંદરવા ચઢે એવો હતો. સૌભાગ્યચંદ્ર સ્વભાવે ઓછા બોલા અને સહિષ્ણુ હતા. સંતાનો પ્રત્યે એમને પ્રેમ હતો, પણ એમનાં પત્ની યાત્રદેવી તો સંતાનઘેલાં હતાં. એમની અતિશય ઉદારતા અને એમના અતિશય લાડને કારણે સ્વમાની અને અહમ્ના પ્રમાદીપણાને છૂટો દોર મળ્યો હતો. ક્યારેક સૌભાગ્યચંદ્ર યાત્રાદેવીને કહેતા : 'સંતાનોને દરેક મા-બાપ લાડ કરતાં હોય છે. પણ આખરે એમણે' જીવન માટે તૈયાર થવાનું છે. આપણે અમરપટો લઈને નથી આવ્યાં. વહેલાં મોડાં પણ એમણે પોતાના જીવનની જવાબદારીઓ સંભળાવી જ પડશે.  તેમને સ્વાવલંબી જીવનની તાલીમ આપવાનો સમય પાડી ગયો છે.

યાત્રાદેવી સૌભાગ્યચંદ્ર સામે જોરદાર દલીલ શરૂ કરી દેતાં. 'આપણે જેવી કઠોર જિંદગી જીવ્યાં એવી જિંદગી મારે મારાં સંતાનોને જીવવાની ફરજ નથી પાડવી. તમારી પત્ની બનીને આવી ત્યારે મારી દશા કેવી કરુણ હતી ? એક દસકો આકરી કસોટીમાં પસાર કર્યો. આપણે જેવા અભાવોમાં જીવ્યાં તેવું મારા સંતાનોના જીવનમાં નહીં થવા દઉં. મેં અહમ્ અને સ્વમાનીને ખૂબ લાડકોડથી ઉછેર્યા છે. મેં માન્યુ હતું કે અહમ્ને કોઈ વાતની ખોટ નથી એટલે અમીર ઘરની દીકરી વહુ બનીને આવશે. સ્વમાનીને અમીર ઘરનો વર મળશે એટલે મહારાણી જેવી જિંદગી જીવવાની તક મળશે પણ તમે ઉતાવળ કરીને એક મધ્યમ કક્ષાના સરકારી નોકરિયાત સાથે સ્વમાનીને પરણાવી દીધી. અને મેં તમને પૂછ્યા વગર અહમ્ના અમીર ખાનદાનની એકની એક દીકરી ઇવા સાથે લગ્ન નક્કી કરી નાખ્યાં.'

'બસ, યાત્રા મને બધું જ યાદ છે. તમે સંતાનો માટે શું-શું કહ્યું છે. તે સમય તમને બતાવશે. કે તમે સંતાનોનું કેટલું ભલું કર્યું છે.'

આજે સ્વમાનીને સાસરેથી પાછી આવેલી જોઈને સૌભાગ્યચંદ્ર તો દુ:ખી ગયા, પણ યાત્રાદેવી ખુશ થયાં. 'હાશ, સ્વમાની, સારું થયું આપણા ઘરે આવી ગઈ. લાડકોડમાં ઉછરેલી મારી સ્વમાની નાનકડા કર્વાટરમાં કેવી રીતે રહેતી હશે? એવી ચિંતા મને થતી હતી. બેટા, તારા રૂમમાં જઈને આરામ કર. હું કીચનમાં જઈને જોવું જરા, તારી ભાભી ઇવા શું કરે છે?'

સ્વમાનીને આવેલી જોઈને ઇવા દોડતી આવી અને સ્વમાનીને ભેટી પડી. 'દીદી, સારું થયું તમે આવ્યા. મને બહુ જ આનંદ થયો. ત્યાં જ યાત્રાદેવી તાડૂક્યાં' ઇવા, તારા બનાવટી પ્રેમનું નાટક બંધ કર હવે. સ્વમાની માટે ચા બનાવવી છે પણ તને તો સારી ચા બનાવતાં પણ આવડતું નથી. બસ ગપ્પાં મારવામાં હોશિંયાર છે. કોઈ કામમાં તારો ડાંડિયો નમતો નથી. તારી મમ્મીએ લાડ લડાવીને એવી બગાડી મૂકી છે કે તને સુધારવાનું મારે માટે શક્ય નથી. તારી જેવી છોકરીઓએ તો બાપને ઘેર જ પડયા રહેવું જોઈએ.

મમ્મી યાત્રાદેવી ભાભી ઇવાને ઠપકો આપતાં હતાં, એ સાંભળીને સ્વમાનીને ખૂબ આશ્ચર્ય થયું. એણે કહ્યું : 'મમ્મી સોરી, મને પણ કોઈ કામ આવડતું નથી. જેમ ભાભી તારી દૃષ્ટિએ ઠપકાપાત્ર છે તેમ હું પણ ઠપકાપાત્ર છું.'

'સ્વમાની, તું ચૂપ રહીશ ? તું આ ઘરની દીકરી છે અને ઇવા આ ઘરની વહુ. સ્વમાનીની મમ્મી યાત્રાદેવી એ કહ્યું.' 'પણ મમ્મી, આખરે તો તમે મને કોઈકના ઘરતી વહુ તરીકે જ વિદાય કરી હતી ને ? મારા સાસુમાએ તો મને કયારેય કામ માટે ઠપકો નથી આપ્યો. હંમેશાં પ્રેમથી વાત કરી છે. વર્ચસ્વ મારી પર ગુસ્સો કરે તો મારા સાસુમા તેને પણ રોકે છે. અને મમ્મી તમે તો...'

સ્વમાનીને આગળ બોલતી અટકાવી યાત્રાદેવી તાડૂકી ઉડયાં. બેસ બેસ છાની- માની સ્વમાની, તું અમારી સાસુ-વહુની બાબતમાં વચ્ચે ન પડ. રહેવા આવી છે તો શાંતિથી રહે. સ્વમાની પોતાના રૂમમાં ચાલી ગઈ. અને આરામ-ખુરશીમાં બેસીને વિચારવા લાગી. મમ્મી દીકરી અને વહુ વચ્ચે ભેદભાવ કરે છે તે એને જરાપણ પસંદ ન આવ્યું. એને પોતાના ઉછેરમાં રહી ગયેલી ખામીનો ખ્યાલ આવી ગયો. એણે જાતે પોતાની જાતને ઘડવાનું શરૂ કર્યું.

સવારે યાત્રાદેવી ઉઠે એ પહેલાં સ્વમાની ઉઠી જતી. ઘરનું કામકાજ શરૂ કરી દેતી. કલાક પછી ભાભી ઇવાને પણ જગાડતી. ઘરનાં નાના-મોટાં કામ બન્નેએ સાથે રહીને શીખવા માંડયા. શાકભાજી, અનાજ, દૂધ-ઘી વગેરેના ભાવતાલની સ્વમાની કે ઇવાને લેશમાત્ર ખબર નહોતી. એટલે સ્વમાની અને ઇવાએ ઘરની જરૂરીયાતની તમામ ખરીદી જાતે કરવાનું શરૂ કર્યું. સ્વમાની એ ધીરે-ધીરે ભાઈ અહમ્ને પણ કામમાં જોતરવાનું શરૂ કર્યું. પપ્પાજીની સાથે એને પેઢી પર જતો કર્યો. પેઢીના હિસાબ કિતાબ કોમ્પ્યુટર પર કેવી રીતે રાખવા તેની તાલીમ આપવાની શરૂ કરી. અહમ્ અને સ્વમાનીને બધું આવડતું હતું પણ મમ્મીના અતિશય લાડને કારણે પ્રમાદી થઈ ગયા હતા. અહમ્ પપ્પા સૌભાગ્યચંદ્ર સાથે પેઢી પર જવા તૈયાર થઈ જતો તે જોઈને તેઓ ખૂબ ખુશ થઈ ગયા હતા અને અહમ્ને પણ કામ કરવામાં ખૂબ આનંદ આવતો હતો.

સ્વમાની અને ઇવાને પણ જાતજાતના કામ શીખવા અને કરવામાં આનંદ આવતો હતો. ઘરમાં થતાં પરિવર્તનને કારણે યાત્રાદેવી મનોમન ખુશ થતાં હતાં. પરંતુ ખુશી બતાવતા નહોતા. આખો દિવસ મોં ચઢાવીને ફરતાં હતાં.

વર્ચસ્વએ માન્યું હતું કે સ્વમાનીના પપ્પા થોડાક સમય પછી સ્વમાનીને પાછી મૂકવા આવશે, માફી માગશે અને તેને મનાવી લેશે. પણ ના સૌભાગ્ય ચંદ્રનો ફોન આવ્યો કે ના સ્વમાનીનો ફોન આવ્યો. એટલે વર્ચસ્વ રોષે ભરાયો અને છૂટાછેડા માટે વકીલ દ્વારા સ્વમાનીને નોટિસ ફટકારવાનું શરૂ કરી દીધું. છૂટાછેડાની નોટિસ મળતાં સ્વમાનીએ પોતાના ભાઈ અહમને વર્ચસ્વને મળવા મોકલ્યો. અને વર્ચસ્વ અહમ પર તૂટી પડયો. : તમારી બહેને મારી જિંદગી ધૂળધાણી કરી નાખી. લગ્ન પહેલા આખી ઓફિસમાં મારું કામ વખણાતું હતું. આજે ઓફિસમાં મારું મન કામમાં ચોટતું નથી. મને ઓફિસમાં સાહેબ રોજ મેમો આપે છે. આ બધા માટે કોણ જવાબદાર ? ઘરે મારા મમ્મી, સ્વમાનીની વકીલાત કરે છે તેને પાછી તેડી લાવવા મારી પર દબાણ કરે છે. હું શું કરું મને સમજાતું નથી. પ્લીઝ મને છૂટાછેડા અપાવી મુક્ત કરો. તમારી બેને દામ્પત્યજીવનનો અર્થ જ ખબર નથી. સારા પતિ-પત્ની બનવા ફેમિલી એજ્યુકેશન જોઈએ. તમારી મમ્મીએ સ્વમાનીને આત્મકેન્દ્રી અને પ્રમાદી બનાવી દીધી છે. લગ્ન એ સ્નાનાગાર નથી કે મન ફાવે ત્યારે તેમાં કૂદી પડાય. લગ્ન 'સ્નેહાગાર' છે. એમાં ડૂબે તે જ તરી શકે. સોરી, હું શા માટે તમને સમજાવું છું. આખરે તો તમે એના જ ભાઈને. ચાલો, આવજો. નમસ્તે.

અહમે ઘરે આવીને વર્ચસ્વએ તેની સમક્ષ કાઢેલા બળાપા વિષે વાત કરી. ત્યારે સ્વમાનીએ કહ્યું : 'મમ્મી, તારા લાડે મારા ઘડતરમાં અધૂરપ રાખી હતી તે મેં મારી જાતે દૂર કરી. એક ગૃહિણી તરીકે સજ્જતા કેળવી લીધી છે. દરેક મા-બાપે પોતાનાં સંતાનોને વધુ પડતું અમૃત પિવડાવવાને બદલે ઝેરના ઘૂંટડા પચાવવાની પણ તાલીમ આપવી જોઈએ. દીકરી અને પત્ની બન્નેની ભૂમિકા અલગ અલગ છે. એવી સમજણ ન ધરાવનાર યુવતીએ સંસાર માંડવાની ઉતાવળ ન કરવી જોઈએ. મમ્મી, આજે સાંજે જ હું મારા ઘરે જઇશ. વર્ચસ્વ ઓફિસેથી આવે તે પહેલાં સાસુમા પાસે પહોંચી જઈશ. ઘરની રસોઈ પણ હું જ બનાવીશ અને વર્ચસ્વના સ્વાગત માટે હું એની ઓફિસે પહોંચી જઇશ. મમ્મી, મને એક લેખકનું એક વાક્ય ખૂબ જ પસંદ છે. પ્રેમના પ્રાંગણમાં કોઈ અપરાધી નથી હોતું' હું દિલથી વર્ચસ્વને મનાવી લઈશ. મમ્મી યાત્રાદેવીએ ના છૂટકે તેને સાસરે જવાની મંજૂર આપી. સ્વમાનીએ સાસુમાનાં પગપકડી માફી માગી અને કહ્યું : આજથી મને તમે દીકરી માનજો. વર્ચસ્વનું મન સ્વચ્છ કરવામાં મદદ કરજો. મારી મમ્મીના કુશિક્ષણ મને જિદ્દી હઠીલી અને ઉદ્ધત બનાવી દીધી હતી. હવે હું જાગૃત થઈ છું અને અધિકારને બદલે કર્તવ્યને જ જીવન માનનારી થઈ ગઇ છું.

ઓફિસ છૂટવાને સમય સ્વમાની વર્ચસ્વની ઓફિસે પહોંચી. ખબર પડી કે વર્ચસ્વ અડધી રજા પર છે.

ઉદાસ થયેલી સ્વમાની પિયર ગઈ ત્યાં વર્ચસ્વ હાજર હતો. તેણે કહ્યું : સાસુમા તમારા ઉછેર બાદ સ્વમાનીએ પોતાના ઘડતરમાં જાતે રસ લીધો છે. મને સંપૂર્ણ સમાચાર મળ્યા છે કે એક આદર્શ ગૃહિણી બનીને સ્વમાની હવે જીવવા ઇચ્છે છે. હું સ્વમાનીના ગુનાઓને માફી આપનાર કોણ? એ અભિમાનના શેતાનના પંજામાંથી મુક્ત થઈ છે અને ઇન્સાનિયતના દેવતાના શરણે થઈ છે. હું સ્વમાનીના નવા અવતારને વંદન કરું છું- કહી વર્ચસ્વ સ્વમાનીના પગમાં પડયો. સ્વમાનીએ કહ્યું અરે ! આ શું કરો છો ?

વર્ચસ્વએ કહ્યું : મેં કરેલા પાપનું પ્રાયશ્ચિત. તું બેગ લાવી જ નથી એટલે બેગ ભરવાનો પ્રશ્ન જ નથી. તું એક દેવતા જેવા પિતાની પુત્રી છે. એમના આશીર્વાદ લઈ ચાલુ આપણે આપણું દામ્પત્ય 'રિન્યૂ' કરાવીએ. સૌભાગ્ય ચંદ્ર સ્વમાની અને વર્ચસ્વને અશ્રુભીની આંખે ભેટયા હતા. હવામાં શબ્દો પડછાતા હતા. પ્રેમના પ્રાંગણમાં કોઈ અપરાધી નથી હોતું.


Google NewsGoogle News