સીરીયાથી જાન બચાવીને નાસી જઈને જર્મની પહોંચી અને બે ઓલિમ્પિકમાં રેફ્યુજી ટીમ તરફથી ભાગ લીધો
- યુસરા અને સારાહ : દરિયો પણ દંગ થઇ જાય તેવો જિંદગી માટેનો જંગ
- હોરાઈઝન-ભવેન કચ્છી
- 'ટાઈમ' સામયિકે 2023ના વિશ્વના 100 પ્રભાવી વ્યક્તિઓમાં બંને બહેનોને સ્થાન આપ્યું : 'ધ સ્વિમર્સ : નામની બાયોપિક ફિલ્મ પણ બની જે ટોરોન્ટો અને બ્રિટન ફિલ્મ ફેસ્ટીવલમાં રજુ થઇ
- વિશ્વમાં 12 કરોડ રેફ્યુજી છે અને ઓલિમ્પિકમાં આ વખતે 36 ખેલાડીઓ રેફ્યુજી ટીમ તરીકે ઉતરશે
પે રીસ ઓલિમ્પિકમાં વિશ્વના ૧૦,૫૦૦ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. પણ એક ટીમને વિશ્વભરના રમત જગત ચાહકોએ સૌથી વધુ તાળીઓથી બિરદાવી અને તે હતી ૩૬ ખેલાડીઓ ધરાવતી રેફ્યુજી (નિરાશ્રિતો)ની ટીમ. આ એવા ખેલાડીઓ છે જેઓના દેશમાં હિંસક વર્ગવિગ્રહ કે જાતીવાદી પરસ્પર યુદ્ધ ચાલે છે અને એક જૂથ બીજા જૂથના સભ્યોના ઘર લુંટે છે. ગોળીઓની રમઝટ બોલાવી એકસાથે સેંકડો લાશ ઢાળી દે છે અને મહિલાઓ પર બળાત્કાર કરે છે. આવા દેશના નાગરિકોના સમુદાયોને દેશ છોડી દેવા છેક સરહદ સુધી બંદુકની અણીએ દોડાવાય છે. આ માર્ગ ધૂળની ડમરી ઉડાડતો ધગધગતો રણ પ્રદેશ કે બર્ફીલા પર્વતોનો હોય છે. માયનસ ૧૫ ડીગ્રીમાં સરહદ પાર આ નિરાશ્રીતો પડાવ નાંખીને રહે છે અને યુનાઈટેડ નેશન્સ અને હ્યુમન રાઈટ સંસ્થાઓ તંબુ, ધાબળા, પાણી અને મુઠ્ઠીભર અનાજની વ્યવસ્થા કરી આપે છે.
નિરાશ્રિતોનો બહોળો વર્ગ એવો પણ છે જેઓને તેમનો દેશ છોડવાની ફરજ નથી પાડવામાં આવતી પણ તેમના દેશમાં જ એવી સ્થિતિ છે કે વિરોધી ધર્મ, સંપ્રદાય કે જાતિના સૈનિકો તેઓને ટાર્ગેટ કરીને મોતને ઘાટ ઉતારે છે અને વસ્તી પર બોમ્બ ઝીંકી સફાયો કરે છે.આવા નાગરિકો તેમના પરિવાર સાથે સરહદ પાર નાસી જઈને અન્ય દેશમાં આશ્રય મેળવવાની આશા સાથે નીકળી પડે છે.
વિશ્વમાં નિરાશ્રીતોની સંખ્યા ૧૨ કરોડથી વધુ છે. આમાંના ૪.૩૪ કરોડ અન્ય દેશમાં નિરાશ્રિત તરીકે રહેવામાં સફળ થયા છે અને ૭ કરોડથી વધુ સરહદ કે કોઈ પાડોશી દેશની સરહદ પર યુનો અને એન.જી.ઓ. દ્વારા પુરા પાડવામાં આવેલ કેમ્પમાં રહે છે. આ કેમ્પમાં દોઝખ જેવી જ દુનિયા હોય છે કેમ કે નિરાશ્રીતો પર માથાભારે તત્ત્વો બળાત્કાર કરે છે તેઓને માનવ તસ્કરીના એજન્ટોને હવાલે કમિશન લઈને કરી દે છે. ડ્રગના રવાડે ચઢાવી દેવાય છે અને તેની હેરાફેરી માટે અન્ય દેશ લઇ જવાય છે. જો રેફ્યુજીની કુલ સંખ્યા કોઈ દેશ હોય તો તે વસ્તીની રીતે વિશ્વનો ૧૪માં નંબરનો દેશ બને. રેફ્યુજીઓની સંખ્યા બ્રિટનની વસ્તી કરતા બમણી છે.
એક એક રેફ્યુજી તેમના દેશમાંથી કેવા સંજોગોમાં નાસી જવામાં સફળ થયા અને તે પછી તેઓનું જીવન, સંઘર્ષ અને યાત્રા કેવી રહી તે જાણીએ તો પ્રત્યેક રેફ્યુજી પરથી બાયોપિક બનાવી શકાય. ૨૦૧૬ની રિયોમાં રમાયેલી ઓલિમ્પિકથી સૌપ્રથમ વખત રેફ્યુજીની ટીમને ઓલિમ્પિકમાં ઉતારવાનું નક્કી થયેલું. ૨૦૧૬ની ઓલિમ્પિક આવી પહેલી જ ઓલિમ્પિક હોઈને ૧૦ જ ખેલાડીઓની રેફયુજીની ટીમ બની શકી હતી. રેફ્યુજી ખેલાડીઓ માટે ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવા માટે કોઈ રાહત નથી અપાતી હોતી. ૨૦૨૧ની ટોકિયો ઓલિમ્પિકમાં ૨૯ ખેલાડીઓ અને હવે પેરીસ ઓલિમ્પિકમાં ૩૬ ખેલાડીઓની ટીમ છે. તેઓ એથ્લેટિક, જુડો, સ્વીમીંગ, બેડમિન્ટન, બોક્સિંગ, કેનોઈંગ, સાયકલીંગ, કરાટે, શુટિંગ, કુસ્તી અને વેઇટલીફટીંગ જેવી રમતોમાં ભાગ લેતા હોય છે.
વિશ્વના જે ૧૨ કરોડ નિરાશ્રીતો છે તેમાંના મોટાભાગના અફઘાનિસ્તાન, સીરિયા, કોન્ગો, બર્મા, સાઉથ સુદાન, વેનેઝુએલા, ઈરાન, ઇથોપિયા, ક્યુબા જેવા દેશોના મુખ્ય છે. છેલ્લી બે ઓલિમ્પિકમાં રેફ્યુજી ટીમ તેઓ કોઈ દેશનું પ્રતિનિધિત્વ નહી કરતા હોઈ ઓલિમ્પિકના ફ્લેગ હેઠળ ભાગ લેતી હતી પણ પેરીસ ઓલિમ્પિકથી તેઓ હૃદયના સિમ્બોલ સાથેના ફ્લેગ સાથે ઉતરશે. આ ખેલાડીઓને વિશે સંવેદનશીલ બનીને વિચારીએ તો તેઓએ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવા માટે વિશ્વના અન્ય ખેલાડીઓ જેટલી તો તનતોડ મહેનત અને તાલીમ તો લીધી જ હોય છે પણ તે પહેલા તો તેના કરતા પણ જીવનમરણનો સંઘર્ષ તેમના દેશથી સરહદ સુધી પહોંચવામાં, ત્યાં નિરાશ્રિતોના કેમ્પમાં ઉછેર પામવાનો અને તે પછી તે કેમ્પથી કોઈને કોઈ રીતે સાહસ ખેડીને કોઈ દેશમાં ઘુસણખોર જે યાતના વેઠીને પ્રવાસ કરે તે કરવાનો રહે છે. જે તે દેશમાં પહોંચીને ત્યાં પણ તેઓ માટેની ઉભી કરાયેલી અલાયદી બસ્તીમાં જ રહેવાનું હોય છે. પેટ પુરતું જ ખાવાનું અને થોડું ભથ્થું અમુક કામ કરવા બદલ મળે છે. શોષણ અને અપમાનના ઘૂંટ તો હવે તેઓનું પીણું બની ચુક્યા છે. આ કોઠો વીંધવા સાથે ઓલિમ્પિકની તૈયારી કરવાની હોય છે. સહાનુભૂતિનો કોઈ અવકાશ નથી હોતો.
રેફ્યુજી ખેલાડીઓને માટે ગૌરવ થાય તેનું શ્રેય સીરિયાની બે બહેનો યુસરા મારદીની અને તેની બહેન સારાહ મારીદીનીને જાય છે. યુસરાને અમેરિકાના વિખ્યાત સામયિક 'ટાઈમ' દ્વારા વર્ષ ૨૦૨૩ની વિશ્વની સૌથી પ્રભાવી ૧૦૦ વ્યક્તિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. સીરીયાની આ બન્ને બહેનો ૧૫ વર્ષની વયની હતી ત્યારે ૨૦૧૫માં તેમના દેશમાં કત્લેઆમ, લુંટફાટ અને હિંસક હુમલા સાથે ગૃહયુદ્ધ બે સંપ્રદાયો વચ્ચે ફાટી નીકળ્યું ત્યારે તેના માતા પિતા અને વડીલોના દબાણથી દેશમાંથી ભાગી નીકળ્યા હતા. તેમના જેવા હજારો આ રીતે જીવ પડીકે બાંધીને સરહદ તરફ દોટ લગાવતા હતા. બંને બહેનોને પરિવારને છોડી દેવાનો આઘાત પણ લાગ્યો હતો. સરહદ પર કેટલાયે દિવસો સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી કાઢયા.નિરાશ્રીતોને યુનો દ્વારા અમુક અમુક દિવસોના અંતરે જૂથ પાડીને પહેલા લેબેનોન અને ત્યાંથી તુર્કી લઇ જવાયા હતા. તુર્કીમાં સરહદ પર હજારો નિરાશ્રીતો તંબુમાં જીવન વિતાવતા હતા ત્યાં કેટલાક મહિના યુસરા અને સારાહે જાણ્યું કે કેટલાક એજન્ટ દરિયાઈ માર્ગે જર્મની તરફ લઇ જાય છે.
દરિયાઈ સેનાની નજરે ન આવે એટલે છ કે આઠ વ્યક્તિ બેસી શકે તેવી ક્ષમતા ધરાવતી એન્જીન બોટમાં આ નિરાશ્રીતોએ બેસીને તેમના જાનના જોખમે મેડિટેરીયન સમુદ્ર પાર કરવાનો હોય છે અને તે પણ રાત્રીના સમયે. બંને બહેનોએ આ બોટ પર જીવનની અંતિમ પણ બની રહે તેવી બોટ યાત્રામાં સ્થાન લીધું. ખુલ્લું આકાશ, અંધારી રાત અને ઉછળતા મોજા અને ભારે પવન વચ્ચે બોટ અડધી મંઝીલે જ હાલક ડોલક થવા માંડી હતી કેમ કિનારેથી બોટ ચાલુ થઇ હતી તે સાથે એજન્ટે વધુ કમાણીની તક જોતા બીજા ૧૨ નિરાશ્રીતોને બોટમાં બેસાડી દીધા. એજન્ટે જુઠી ખાતરી આપી કે બોટ ભાર ઝીલવા સક્ષમ છે તે આટલા પ્રવાસીઓ અગાઉ બેસાડી ચુક્યો છે. બોટ મધદરિયે ડચકા ખાવા લાગી અને તેનું એન્જીન તો બંધ થઇ જ ગયું પણ તેમાં પાણી ભરાવા માંડયું. યુસરા અને સારાહ બંને સીરિયાની જુનિયર રાષ્ટ્રીય ટીમના સ્વીમર હતા. બોટમાં બીજા બે નિરાશ્રિત પણ તરવાનું જાણતા હતા. તેઓએ ઝડપથી બોટમાં આફત સમયે કામ લાગે તે માટેની રસ્સી કમર પર કસીને બાંધી દીધી અને તેનો બીજો છેડો બોટમાં આવા સંજોગોમાં જે હુક આપેલા હોય તેની જોડે મજબુત ગાંઠ બાંધી દીધી. ચારેય તરવૈયાઓ હવે મધદરિયે ધસમસતા પાણી સાથે હિલોળા લેતા હતા. તેઓએ તરતા રહેવાનું અને બોટ રસ્સી વડે ખેંચતા જવાની. જે પણ નજીકનો ટાપુ જોવા મળે તેની શોધ પણ આદરવાની હતી દિશા સૂચક યંત્ર એક નિરાશ્રિત પાસે હતું. જીજીવિષા કેવી ચીજ છે. આ ચાર સ્વીમરોએ આ રીતે સાડા ત્રણ કલાક સુધી ૧૪ વ્યક્તિઓ બોટમાં બેઠી હોય તે સાથે બોટને ખેંચી અને સાથે તર્યા. જરા થોડી કલ્પના કરો. કેવો જીવ સટોસટનો જંગ હશે. તેઓના સદનસીબે લેસ્બોસ નામના ટાપુ પર તેઓ પહોંચ્યા જે ગ્રીસ દેશમાં આવેલો છે. તેઓએ ત્યાં થોડા દિવસો વિરામ કર્યો. સ્થાનિક નાગરિકોએ ભોજન, પાણી અને તંબુની વ્યવસ્થા કરી પણ સરકારે તેઓને આશ્રય આપવામાં રસ ન બતાવ્યો. આમ પણ આ ૧૮ વ્યક્તિઓનું ધ્યેય જર્મની પહોંચવાનું હતું. કેમ કે ત્યાં નિરાશ્રીતો માટે આવકાર, લાંબા ગાળા માટે આશ્રય, ફંડ અને સહાય બધું જ પૂરું પડાતું હતું. લેસ્બોસથી જર્મની વચ્ચેનું અંતર ૧૬૪૧ કિલોમીટર છે. આ યુસરા અને સારાહ હવે આ ગ્રુપના લીડર હતા. તેઓને દરિયાઈ સફર પાછી આત્મવિશ્વાસનો સંચાર થઇ ચુક્યો હતો. જર્મની સુધી તેઓ ૫૦૦થી વધુ કિલોમીટર ચાલ્યા. ૭૦૦ કિલોમીટર રેલ મુસાફરી કરી અને ૨૦૦ કિલોમીટર રેલના પાટા પર ચાલતા ચાલત મુકામે પહોચ્યા. આ ૧૮ નિરાશ્રીતોની જર્ની મીડિયામાં ચમકી. જર્મનીના નિરાશ્રિતોના પ્રોગ્રામમાં તેઓ જોડાઈ ગયા. સારાહે અન્ય નિરાશ્રિતો માટેની એજન્સી ખોલીને યુનો જોડે સંકલન સાધતું મિશન હાથમાં લીધું. જયારે યુસરાનું સ્વપ્ન સીરિયા તરફથી ભવિષ્યમાં ઓલિમ્પિકમાં ભાગ લેવાનું હતું તે તેણે જર્મનીના સ્વયંસેવકોને જણાવ્યું. ૧૨ વર્ષથી નીચેના ગ્રુપમાં તે સ્વીમીંગમાં નેશનલ ચેમ્પિયન હતી તે પણ જણાવ્યું. તેની પ્રતિભાનો પુરાવો તો સમુદ્ર તરણ હતું જ. જર્મની સ્વીમીંગ ફેડરેશનને લાગ્યું કે યુસરામાં ઓલિમ્પિકમાં ભાગ લઇ શકે તેવી પ્રતિભા છે. યુસરાએ જર્મનીની સ્વીમીંગ ટીમ જોડે જ ૨૦૧૬ની ઓલિમ્પિકની તૈયારી કરી અને ૧૮ વર્ષની વયે ઓલિમ્પિકમાં ભાગ લીધો. તે પછી ૨૦૨૧ની ઓલિમ્પિક કે જે ટોકિયોમાં યોજાઈ તેમાં પણ તેણે ભાગ લીધો. બંને બહેનો કેવી મનોસ્થિતિ સાથે સીરીયાથી બહાર નીકળ્યા. કેવી રીતે દરિયો બોટ પર ૧૪ પ્રવાસીને ખેંચતા પાર પાડયો અને તે પછી તરત જ જર્મની પહોંચી ઓલિમ્પિકની તૈયારી કરીને તેમાં ભાગ લીધો તે અંગેની સ્ક્રીપ્ટ તૈયાર થઇ અને સાલી એલ હોસૈનીએ ''સ્વિમર્સ (૨૦૨૨)નામની બંને બહેનોની જર્ની પરની ફિલ્મનું નિર્દેશન કર્યું. ફિલ્મને બ્રિટીશ એકેડમી ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકેનું નોમીનેશન મળ્યું હતું. ૨૦૨૨ના ટોરંટો અને મોરોક્કો ફેસ્ટીવલમાં પણ તેનું સ્ક્રીનીંગ થયું હતું. યુસરા અને સારાહની બાયોપિક નેટફ્લીક્સ ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર પણ જોઈ શકાય છે.
રેફ્યુજીની ટીમ હોવી તે માનવજગત માટે કલંક સમાન ઘટના છે. યુસરાને ઓલિમ્પિકમાં ભાગ લીધો તેની ખુશી કરતા રંજ વધારે હતો કેમ કે તે તેના દેશનું પ્રતિનિધત્વ ન કરી શકી. તેનો દેશ હોવા છતાં તેની નાગરિક હોવા છતાં વિશ્વની નજરે તે અનાથ છે.