Get The App

અષાઢનો આનંદ .

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
અષાઢનો આનંદ                                                 . 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- મેઘનાં પદચિહ્નો ચમત્કાર લઈને આવે છે! મેઘની જાણ મેડકને કોણ કરતું હશે? ધરતીમાંથી મેઘની મ્હેંક કઈ રીતે આવતી હશે? પ્રેમની જ વાત છે. 

અ ષાઢમાં આકાશનાં વાદળો સાથે સંવાદ કરવા જેવો છે. સૌથી વધારે વાદળાં રૂપાંતરિત અષાઢમાં જ થતાં હોય છે. આકાશ પરિવર્તનનો સિદ્ધાંત ભણાવે છે કૌમાર્યમાં મ્હોરેલું, ઋતુકાળમાં આવેલું, હસતા રમતા બાળક જેવું, કૂદાકૂદ કરતા વાનર સમૂહ જેવું વાદળોને લઈને દોડતું આકાશ વૈવિધ્ય ધરાવે છે તે અપાર હોય છે ! ધરતીમાંથી ઊર્ધ્વતા પામે છે એને આકાશ આશરો આપે છે. આપણા શરીરમાંથી બહાર નીકળતા શ્વાસોચ્છવાસ, મંત્રો, વૈખરી વાણીનું પછી શું થાય છે ? જાણીએ તો માલુમ પડે કે તે બધાં આકાશમાં સ્થિર થાય છે. વૃક્ષ ઉપરથી ઉઠેલો ટૌકો અને કવિનો શબ્દ આકાશમાં નિવાસ કરે છે. આજે પણ ઋષિમુનિના અવાજો-મંત્રો સાંભળી શકાય છે એનો અર્થ જ એ કે તે ક્યાંક સંચિત થયા છે. આકાશ ધરતીની જેમ મોટા પેટ વાળું છે વાદળોમાં સંતાઈ રહેલા શક્તિશાળી મેઘને પણ આકાશનો આશરો છે ને સાવ હળવા શબ્દને પણ આકાશ સાચવે છે.

અષાઢના દિવસોમાં વરસાદ આવે છે એટલે શું થાય છે ? એવી કંઈ કૃત્રિમ સ્વીચ નથી કે વરસાદ વરસી પડે ! જોતજોતામાં પવન પડી જાય, દિશાઓ અંધ બની જાય, વીજળી વેગીલી બને, વાદળો તોફાન મચાવે, પવન તેની મસ્તીમાં હોય, મયૂરગણ આવકાર આપતો હોય, વૃક્ષોનો મૂક પોકાર હોય, ધરતી ઓવારણા લેવા અઘીરી થઈ ગઈ હોય પવન પોતાની પીઠ ઉપર મેઘને બેસાડીને લાવે. ધીમે પડતી સવારની જેમ, ક્યારેક ગજરાજ હાથીની જેમ, ક્યારેક તોફાની તરખાટ મચાવતી ઘોડીની જેમ મેઘ દોડતો દોડતો ધરતીને આશ્લેષમાં લેતો હોય છે. એ ધરાના આશ્લેક ઉદ્ગારો સાંભળ્યા છે ? ચાતકની આંખમાં, પ્રિયાના હૃદયમાં, વૃક્ષોની કાયામાં, ખેડુના ચહેરા ઉપર, ખેતરની ત્વચા ઉપર એનું ગજબનું વિસ્મય પથરાઈ જતું હોય છે.

અષાઢનો વરસાદ પ્રથમ ઘોડે ચઢેલા વરરાજા જેવો છે. એના આગમને રસ્તા સ્વસ્થ થઈ જાય છે એની પાછળ પાછળ પવન પોતાં મારે છે. ગામડાનાં પતરાંવાળા ઘર સાફ કરે - નળિયા સાફ કરે - ચોગાન ચોકખા કરે - માત્ર પતરાં જ ચકચકિત નથી થતા સૌ સજીવોના અંતરમાં રાજીપાનો ઝગમગાટ વરસાવે છે મેઘ !! પૃથ્વી ઉપર જાણે યજ્ઞા મંડાયો ! ઇશ્વર પણ યજ્ઞામાં હાજર હોય એવો આભાસ રચાય છે ! અષાઢનું આકાશ, અષાઢની ધરા, અષાઢનાં વાદળ, અષાઢનો પવન, અષાઢનાં ખેતરો એ સૌની સૂરત નોખી હોય છે !! માત્ર અષાઢના જળસ્પર્શમાં કેવો મોટો ચમત્કાર હોય છે ? વૃક્ષો નૂતન બને છે. રગેરગમાં નવ્યપણાનાં ગાણાં ગવાય છે. પર્ણો પ્રસન્નતાથી લ્હેરાય છે પ્રકૃતિ સોળ શણગાર સજીને બેસી જાય છે. મેઘ નૂતન જીવનના ગણેશ થઈને આવે છે, અને હળોતરાં, ગુરૂપૂર્ણિમાનું પર્વ લઈને પણ આવે છે.

અષાઢી રૂપેરી વાદળાં પૃથ્વીના ઢેફાનો, પર્વતનો ગર્વ ઓગાળી નાખે છે આદ્રતાના પાઠ ભણાવે છે. તદાકાર થવાની, ભળી જવાની કળા મેઘ નામના મંત્ર પાસે છે. મેઘ પાસે શું નથી ? ભલભલી સખ્તાઈને, કઠણાઈને ભેદવાની, ઓગાળવાની તાકાત છે. જળસ્થળ સ્થળજળ કરવાની ગુંજાઈશ છે. ધરતીનો, ધરતીપુત્રોનો ખરો આધાર મેઘ છે.

મેઘના જળમાં નાહેલાં વૃક્ષનાં પર્ણો જોયા છે ? મેઘમાં મલકતું વૃક્ષ જોયું છે? મેઘ પીધેલી લતાને નિહાળી છે? મેઘને આશ્લેષતી ધરતીના આનંદને ઉકેલ્યો છે ? ખેતર શેઠે જઈને મેઘને પીતા ખેતરને જોયું છે ? મેઘને સત્કારવા પવન પણ સલામો ભરે, સૂરજ પણ તહેનાતમાં હાજર હોય, રાત-દિવસ જે વખતે મેઘને વરસવું હોય ત્યારે વરસે છૂટ છે - બધી જ એને, કેટલાં માનપાન !! કોઈ પાબંધી નહિ, નરી સ્વતંત્રતા!!  આકાશમાંથી મેઘસવારી નીકળે છે - પવનનો સાથ છે. વૃક્ષોનો આવકાર છે, મેઘને આવકારવા મયૂરનો ટહુકાર છે પાંદડાં ગાણાં ગાય, લગનપડો કોણ લઈને નીચે આવે ? વીજળીનું શું કામ ? લગનપડો હરખપદુડો પવન લાવે છે પર્ણો, ડાળીઓ, દિશાઓ ગાણાં ગાય છે. પૃથ્વી ઉપરના પાથરણાંમાં સજનમાજન મલકાય છે. પ્રસન્નતાનો ગોળ વહેંચાય છે. લગનપડો ખુલે છે - વંચાય છે - મેઘનો સંદેશ છે - લગન રાખ્યાં છે - મેઘ પધારે છે - પૃથ્વી ઉપરના સૌ અભણ પદાર્થો એ લગનપડાની લિપિ ઉકેલી શકે છે. સૌની ત્વચા ઉપર, આંખોમાં અરે રોમેરોમમાં નૂતન પ્રકારનું વિસ્મય છલકાય છે. પવનના લગ્નપડામાં નિર્ધાર કર્યા મુજબ મેઘ સવારી લઈને આવી પ્હોંચે છે. ધરતી ઉપર લગ્ન લેવાય છે - આ લગ્નનો વિધિ લાંબો ચાલે છે. દૂરદૂર સુધી માટી સુગંધ વેરે છે - ફેલાવે છે. પ્રસન્નતાનો ગુલાલ પર્વતની ટોચ સુધી વેરાય છે. મેઘનાં પદચિહ્નો ચમત્કાર લઈને આવે છે! મેઘની જાણ મેડકને કોણ કરતું હશે ? ધરતીમાંથી મેઘની મ્હેંક કઈ રીતે આવતી હશે ? પ્રેમની જ વાત છે. કવિ કાલિદાસે વાદળોને દૂત તરીકે મોકલ્યા. મેઘદૂતનું કામ કરે છે. પણ અહીં અષાઢમાં તો મેઘ પોતે જ વરરાજા છે !!

મેઘ આવે છે ત્યારે ફૂલો, ફળો, પંખી, કીડી, મંકોડા, ભેંસ, ગાય, પતંગિયાં, કૂતરાં, બિલાડા, ભમરા, મધમાખી, મચ્છર, કળિ અને ડાળીનું શું શું થતું હશે ? મેઘના ભારથી એ ચગદાઈ જતાં હશે ? કીડીના દરમાં મેઘની સવારી જતી હશે તો કીડીને શું થતું હશે ? એ અંગે આપણે વિચાર્યું છે ખરું ? નવા વર્ષે ભણતરના પ્રવેશની ચિંતામાં આપણે અષાઢનો આનંદ વિસારે પાડી દઈએ છીએ.


Google NewsGoogle News