Get The App

રામરાજ્ય તો આવશે જો રામહૃદય હશે !

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
રામરાજ્ય તો આવશે જો રામહૃદય હશે ! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- દેશની કમનસીબી એ છે કે સહજ આસ્થા સમજી ના શકે એ બુદ્ધિજીવી કહેવાય છે. પણ એમનું દિલ ખુલ્લું રાખે તો ખ્યાલ આવે કે આપણો વારસો એટલો આધુનિક છે કે બંધારણ લોકો જાતે પાળી શકે !

राम राम तो कह लोगे पर

राम सा दुख भी सहना होगा 

पहली चुनौती ये होगी के 

मर्यादा में रहना होगा

और मर्यादा में रहना मतलब कुछ खास नहीं कर जाना है..

बस.. 

बस त्याग को गले लगाना है और

अहंकार जलाना है

अब अपने रामलला के खातिर इतना ना कर पाओगे

अरे शबरी का जूठा खाओगे तो पुरुषोत्तम कहलाओगे

काम क्रोध के भीतर रहकर तुमको शीतल बनाना होगा

बुद्ध भी जिसकी छांव में बैठे वैसा पीपल बनाना होगा

बनना होगा ये सब कुछ और वो भी शून्य में रहकर प्यारे

तब ही तुमको पता चलेगा..

थे कितने अद्भुत राम हमारे

सोच रहे हो कौन हूं मै,?

चलो.. बता ही देता हूं

तुमने ही तो नाम दिया था

मैं.. 

पागल कहलाता हूं

नया नया हूं यहां पे तो ना पहले किसी को देखा है 

वैसे तो हूं त्रेता से.. मुझे कृ..

किसने कलयुग भेजा है

भई बात वहां तक फैल गई है

की यहां कुछ तो मंगल होने को है

के भरत से भारत हुए राज में 

सुना है राम जी आने को हैं

बड़े भाग्यशाली हो तुम सब

नहीं, वहां पे सब यहीं कहते है

के हम तो रामराज में रहते थे..

पर इन सब में राम रहते है

यानी.. 

तुम सब में राम का अंश छुपा है.?

नहीं मतलब वो.. 

तुम में आते है रहने?

सच है या फिर गलत खबर?

गर सच ही है तो क्या कहने

तो सब को राम पता ही होगा

घर के बड़ों ने बताया होगा..

तो बताओ..

बताओ फिर कि क्या है राम

बताओ फिर कि क्या है राम..

बताओ...

अरे पता है तुमको क्या है राम..?

या बस हाथ धनुष तर्कश में बाण..

या बन में जिन्होंने किया गुजारा

या फिर कैसे रावण मारा

लक्ष्मण जिनको कहते भैया

जिनकी पत्नी सीता मैया

फिर ये तो हो गई वो ही कहानी 

एक था राजा एक थी रानी

क्या सच में तुमको राम पता है

या वो भी आकर हम बताएं?

बड़े दिनों से हूं यहां पर..

सबकुछ देख रहा हूं कबसे

प्रभु से मिलने आया था मै..

उन्हें छोड़ कर मिला हूं सब से

एक बात कहूं गर बुरा ना मानो 

नहीं तुम तुरंत ही क्रोधित हो जाते हो

पूरी बात तो सुनते भी नहीं..

सीधे घर पर आ जाते हो

ये तुम लोगों के.. 

नाम जपो में..

पहले सा आराम नहीं

ये तुम लोगों के.. नाम जपो में..पहले सा आराम नहीं

इस जबरदस्ती के जय श्री राम में सब कुछ है..

बस राम नहीं!

ये राजनीति का दाया बायां जितना मर्ज़ी खेलो तुम

( दाया बायां.. अरे दाया बायां..?

ये तुम्हारी वर्तमान प्रादेशिक भाषा में क्या कहते है उसे..?

हां..

वो.. 

लेफ्ट एंड राइट)

ये राजनीति का दाया बायां जितना मर्ज़ी खेलो तुम

चेतावनी को लेकिन मेरी अपने जहन में डालो तुम

निजी स्वार्थ के खातिर गर कोई राम नाम को गाता हो

तो खबरदार गर जुर्रत की.. 

और मेरे राम को बांटा तो

भारत भू का कवि हूं मैं..

तभी निडर हो कहता हूं

राम है मेरी हर रचना में

मै बजरंग में रहता हूं

भारत की नीव है कविताएं

और सत्य हमारी बातों में 

तभी कलम हमारी तीखी और..

साहित्य..

हमारे हाथों में!

तो सोच समझ कर राम कहो तुम

ये बस आतिश का नारा नहीं 

जब तक राम हृदय में नहीं..

तुम ने राम पुकारा नहीं

राम- कृष्ण की प्रतिभा पर पहले भी खड़े सवाल हुए

ये लंका और ये कुरुक्षेत्र..

यूं ही नहीं थे लाल हुए

अरे प्रसन्न हंसना भी है और पल पल रोना भी है राम

सब कुछ पाना भी है और सब पा कर खोना भी है राम

ब्रम्हा जी के कुल से होकर जो जंगल में सोए हो 

जो अपनी जीत का हर्ष छोड़ रावण की मौत पे रोए हो

शिव जी जिनकी सेवा खातिर मारूत रूप में आ जाए

शेषनाग खुद लक्ष्मण बनकर जिनके रक्षक हो जाए

और तुम लोभ क्रोध अहंकार छल कपट

सीने से लगा कर सो जाओगे?

तो कैसे भक्त बनोगे उनके?

कैसे राम समझ पाओगे?

अघोर क्या है पता नहीं और शिव जी का वरदान चाहिए

ब्रम्हचर्य का इल्म नहीं.. इन्हे भक्त स्वरूप हनुमान चाहिए

भगवा क्या है क्या ही पता लहराना सब को होता है 

पर भगवा क्या है वो जाने 

जो भगवा ओढ़ के सोता है

राम से मिलना..

राम से मिलना..

राम से मिलना है ना तुमको..?

निश्चित मंदिर जाना होगा!

पर उस से पहले भीतर जा संग अपने राम को लाना होगा

जय सिया राम

और हां..

अवधपुरी का उत्सव है

कोई कसर नहीं..

सब खूब मनाना

मेरे प्रभु है आने वाले

रथ को उनके 

खूब सजाना

वो..

द्वापर में कोई राह तके है

मुझे उनको लेने जाना है

चलिए तो फिर मिलते है,

हमें भी अयोध्या आना है.

આ હજુ પણ લાંબી છતાં અહીં મુકેલા અંશોમાં ય સચોટ કવિતા અભિજિત બાલકૃષ્ણ મુંડે નામના યુવાકવિની છે, જે સાયકો શાયર નામથી સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવે છે. એન્જીનિયર થઈને સાહિત્યમાં છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજીની જીવનકથા મરાઠીમાં લખી છે. પણ આ કવિતા લેખના અંતે યાદ કરીશું. એ પહેલા થોડીક અગત્યની વાત.

મોડર્ન લિબરલ થોટ્સ હોય એટલે ભક્તિ અને સંસ્કૃતિનો સમજ્યા વગર વિરોધ જ કરવાનો હોય એવું માનનારા વામપંથી વિષાણુથી ગ્રસ્ત હોય છે. ખ્રિસ્તી દેશોની ક્રાંતિના સેક્યુલારિઝમનો ઉધાર વિચાર ઓલરેડી ઉદાર હિન્દુ વારસો ધરાવતા ભારત માથે એમને ધરાર ઠોકી દેવો હોય છે. જાવેદ અખ્તર નાસ્તિક છે, ધાર્મિક કાર્યક્રમોમાં જતા નથી સન્માન મળતું હોય તો પણ. ને એમના તીખા અને કડવા એવા સાચા બયાનોથી હિંદુ મુસ્લિમ બંને ફેનેટિકસમાં અળખામણા પણ થયા છે. છતાં એમણે ઉઘાડેછોગ કહેલું કે 'રામ, સીતા (કૃષ્ણ, શિવ, માતાજી વગેરે) મારા જીવનના અભિન્ન હિસ્સા છે. હું ભારતમાં મોટો થયો છું અને ઉદાર તથા રંગબેરંગી એવી હિન્દુ સંસ્કૃતિનો સ્પર્શ મને મળ્યો છે, એ મારો અણમોલ મૂડી છે. મને ભારતના વારસા માટે ગૌરવ છે, અને અહીં પેદા થયાનો આનંદ છે. હું સીતા ને રામને જુદા ગણતો નથી એટલે જાહેરમાં કહું છું કે (પ્રિય મોરારિબાપુ અડધી સદીથી કહે છે એમ) જય સિયારામ.' એવી જ રીતે હિંદુ હોવું એટલે શું એ બાબતે અદ્ભુત સ્કોલરી કિતાબ લખનાર અંગ્રેજીમાં અંગ્રેજોને ધૂળચાટતા કરે એવા આધુનિક મિજાજના કોંગ્રેસી આગેવાન શશી થરૂરે તો પ્રાણપ્રતિષ્ઠા સમયે ૨૨ જાન્યુઆરીના રોજ તસ્વીર સાથે પોસ્ટ મૂકી : સિયાવર રામચંદ્ર કી જય. રામમંદિરે આમંત્રણ છતાં ના જાય ને બીજે ધરાર મંદિરમાં ઘુસવા જાય એવા નેતાઓ હજુ કેમ રાજકારણની પરીક્ષામાં ફેઈલ થવાના છે અહીં, એનો ડેમો પણ મળી ગયો.

નોબેલ પ્રાઈઝ વિનર અને ભારતીય મૂળના એવા આમ એકદમ મોડર્ન લાઈફ જીવનારા સાહિત્યકાર હતા વિદ્યાધર નાઇપોલ. વી.એસ.નાઈપોલે એક બૂક ભારતમાં સ્યુડોસેક્યુલર કીડા સીસ્ટમ પર ફેણ ચડાવી બેઠા હતા ત્યારે લખી હતી : ઇન્ડિયા - એ વુન્ડેડ સિવિલાઈઝેશન. ભારત - એક ઘાયલ સભ્યતા. જેમાં એમણે શરમ ભર્યા વિના રોકડું લખેલુ કે ભારતની વધુ પડતી મર્યાદા (વાંચો એકધારા એક સમયના સરકારી લઘુમતી તુષ્ટિકરણના લીધે ઘર કરી ગયેલી બહુમતી પ્રજાની બીક, જેને સૌજન્યનું રૂડું ઓઠું આપી દેવાય છે) વાળી ભણતરની ચોપડીઓમાં એવું લખવામાં આવે છે કે મુસ્લિમો, યાને અફઘાનો, તુર્કો, ઈરાનીઓ, આરબો વગેરે ભારતમાં 'આવ્યા'. જાણે એ ટુરિસ્ટ બસમાં બેસી ફોટા પડાવવા ને ભારત જોઈ ધન્ય થવા આવ્યા હોય ! પણ ધાડેધાડા ધર્મઝનૂન અને લૂંટ ચલાવવા વિભાજીત અને બેદરકાર, નવા જ્ઞાનવિજ્ઞાન બાબતે પછાત અને ધાર્મિકતાના જ્ઞાતિવાદી અતિરેકમાં સંકુચિત બનેલા ભારતમાં ત્રાટક્યા હતા. અભણ પ્રજાના અધ્યાત્મ તો ટકી રહ્યું આસ્થાને લીધે. પણ છતાં ઇતિહાસમાં એક કલંકકાળ રહ્યો. હા, અકબર કે દારા કે બાજબહાદૂર કે વાજીદ અલી શાહ જેવા ઘણા મુસ્લિમોએ ભારતની સનાતન સમન્વયની ધારામાં રંગાઈને અહીની ભૂમિ અને સંસ્કૃતિમાં રસ લીધો એ પણ ઐતિહાસિક સત્ય છે (ભલે વોટ્સએપ વિષવિદ્યાલયના ફોલ્ડરિયા ના સ્વીકારે, અસત્ય અને દ્વેષ એ મૂળ સનાતન મૂલ્ય નથી એટલે કહીશું જ).

ભારતની આ ઘાયલ સંસ્કૃતિ પર મલમ કરતા જખમ જ વધુ થયા. ગાંધીજી સનાતની હિંદુ. રામ, કૃષ્ણ વિના તો એમની સવાર ના પડે. ગાય ને ગંગાની પૂજા કરે એવા. પણ સમયની જરૂરિયાત હિંદુ મુસ્લિમ એકતાની હતી. ૧૮૫૮માં સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયા પછી રામચરણદાસ અને અમીર અલીને અંગ્રેજોએ ફાંસી આપી દીધી. બાકી રામજન્મભૂમિ પર બનીને મસ્જીદ એ જન્મસ્થાન તરીકે જ ઓળખાતી બાબરીનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે એ બંનેએ લાવી જ દીધેલો. આ કોઈ આજકાલનો મુદો નથી અને એકમાત્ર મુદ્દો નથી મહાકાલેશ્વર જાવ કે કાશીવિશ્વનાથ, મથુરા જાવ કે ધાર બધે હિંદુ આસ્થાના પ્રાચીન પવિત્ર કેન્દ્રોની બાજુમાં કોઈ મુસ્લિમ મસ્જીદ ઉભી હોય. જેનો ઉકેલ આઝાદી પછી તરત જ લાવી દેવાનો હતો, પણ ઉલટું સાવ ઉંધો જ ખેલ શરુ થયો જેણે નરેન્દ્ર મોદીની પ્રચંડ બહુમતી કાયમી કરવાની જગ્યા બનાવી દીધી. સૌહાર્દવાળી જગ્યાઓ જુદી ગિરનાર ને દાતાર જેવી, ગેબનશા પીર જેવી. ને આ ખાસ ઈરાદાપૂર્વક કરેલી વાયડાઈ અલગ. એમાં મુસ્લિમો ઉદાર થાય તો એમને કશું ગુમાવવાનું નથી ઉલટો ભાગલા વખતનો જે જતો રહ્યો છે એ હિન્દુઓનો વિશ્વાસ મેળવવાનો છે.

ઉદારમતવાદી અને વૈજ્ઞાનિક સાહિત્યિક અભિગમ ધરાવતા વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ હિંદુઓમાં ધાર્મિક અભિગમમાંથી આધુનિક સુધારા તરફ લઇ જતું હિંદુ કોડ બિલ બાબાસાહેબ આંબેડકરના પ્રયાસોને લીધે અપાવ્યું. પણ એ જ સમયે શીખ, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી, પારસી વગેરે તમામ લઘુમતીઓમાં આવી જ રીતે નૂતન જમાનાનો પ્રકાશ પથરાય ને રૂઢિચુસ્ત પરમ્પરાની બેડીઓ તૂટે એવા કોડ બિલ કે યુનિફોર્મ સિવિલ કોડ ના લઇ આવ્યા. એને લીધે સંસ્કૃતિક વારસાની વાત પણ અંધશ્રધ્ધા કહેવાય ને સામે અન્ય લઘુમતીઓ દાદાગીરીની હદે પોતાનું ધાર્મિક પ્રદર્શન સુધારાવાદી ન્યાયના વલણને ઠોકરે મારી ચલાવે, એ કાળમુખો કાળ લાંબા સમય સુધી ચાલ્યો. આ પોલાણને લીધે જ સંઘ અને ભાજપ વિરાટ થાય એની જગ્યા મળી. ચૂંટણીના લાભની હવે વાતો કરનારા પોતે કેમ રામમંદિર બનાવી ના બેઠા ?

સરકારે ધાર્મિક આયોજનમાં જોડાવાનું ના હોય એવું બંધારણનું આમુખ શેર કરી સુસ્મિતા સેન જેવા ચાંપલા ચિબવલાઓ ૨૨ જાન્યુઆરીએ બળતરા કાઢી. હવે એ બંધારણમાં સેક્યુલર ને સોશ્યલિસ્ટ શબ્દ જ ઇન્દિરા ગાંધીએ પાછળથી ઉમેરેલો છે. બાકી એ ઘડાયું એ સમયના તમામ આગેવાનો અને કવિઓ પણ હિંદુ સંસ્કૃતિના પરમ જ્ઞાતાઓ હતા. જય સોમનાથ લખનારા હતા. એટલે ડગલે ને પગલે એ ઓરિજીનલ ઇન્ડિયન કલ્ચર એમણે બંધારણની હસ્તલિખિત પ્રતમાં, શસ્ત્રો કે સંસ્થાઓના તત્કાલીન નામોમાં, સંગીતના રાગોના બહુમાનમાં, રૂપિયાની નોટોથી લઇ વિવિધ સ્લોગનમાં પણ ઉપસાવ્યું હતું. ભારત સર્વધર્મપ્રેમી બની શકે, પણ અગાઉ અહીં અઢળક વખત કહેવાયું એમ ધર્મમુક્ત કે ધર્મનિરપેક્ષ ના બની શકે.

ભારતના કરોડો ગરીબો પાસે કોઈ સુખસુવિધા નથી, છતાં એ લોકો હિંસક કે ચોર નથી. એનું કારણ ધર્મ છે. ભારતના લોહીમાં, ગળથૂથીમાં શ્રદ્ધા છે. ઈકોનોમી કે પોલિટિક્સ બાબતે અભણ માણસ પણ અહીં આસ્થાના જોરે મોત પણ સ્વીકારી શકે છે. આમાં, તમે ગમે એટલા આધુનિક વૈજ્ઞાનિક શિક્ષિત હો, આ દેશ સાથે કામ પડવું હોય તો ધર્મને સાથે રાખવો જ પડશે. અને સદનસીબે ભારતનો સનાતન ધર્મ પણ સંકુચિત કે જડસુ નથી. સહજ રીતે એને સાયન્સ કે મોડર્ન લાઈફ સાથે ઢાળી શકાય ને ના ગમતું હોય એ છોડી શકાય એવો છે. એકબીજાથી સામસામેના અંતિમે ઉભેલા ગાંધીજી કે ઓશો, ટાગોર કે રાજ કપૂર ભારતમાં સૂક્ષ્મરૂપે વ્હેતી આ ઋષિઓની આધ્યાત્મિકતા સમજી ગયેલા. 

અને સમય અત્યારે ફરી ગયો છે. નરેન્દ્ર મોદીની મજબૂત મક્કમતાને લીધે શેરી ગલીના રમખાણો તો ઓલમોસ્ટ ભૂતકાળ થઇ ગયા છે. રામમંદિર બન્યા પછી પણ કેટલીક મંથરાડોશીના વંશજો સિવાય કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી કે યહૂદી દેશ ભારતની વિરુદ્ધમાં બોલ્યો નથી. ઉલટા યુએઈને ફ્રાન્સના વડા તો આવી ગયા ભારત. વિવિધ ક્ષેત્રના કલાકારો ને ક્રિકેટરોએ તો અભિનંદન પાઠવ્યા. અરે ઇમામોના વડા આવી રંજીશ ભૂલી અંખડ ભારતની વાત કરવા લાગ્યા ! અનુ મલિક જેવા મુસ્લિમો સેલ્ફી પડાવવા લાગ્યા. બધાને ધાસ્તી હતી એવી કોઈ કોમવાદી નફરત થઇ નથી. ધરપત રાખો, ભારતના હિંદુઓના ડીએનએમાં કટ્ટરતા નથી. થોડોક જેન્યુઈન સ્નેહ ને આદર બતાવો તો તો એ ઉલટા વધુ ઝૂકીને વળતો પ્રેમ આપે એમ છે.

રામ આયેંગેની મજાક ઉડાવે છે અમુક ગમારગડબા પણ એ ગીત તો શબરીના ભાવનું છે. રામ તો સર્વવ્યાપી છે. ને અયોધ્યામાં હતા જ. પણ એમનું ઘર નહોતું સરખું. સદીઓની પ્રતીક્ષા બાદ અંતે એ ઘડી આવી કે એમને શોભે એમ એમનું સ્થાપન થયું એટલે રામઆગમન થયું. એ પણ એમને ગમે એવી રીતે. નામ મુજબ જ્યાં યુદ્ધ નહિ પણ શાંતિ હોય એવી અયોધ્યામાં રાજવી ઠાઠમાઠ છતાં સાત્વિક શાંતિ ને સ્મિત સાથે. ઘર્ષણ વિના, આકર્ષણ નવી પેઢીમાં પણ એઆઇના ચિત્રો કે ગીતોથી ઉભું કરીને.

અંતે રામજન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામમંદિર હોય જેમાં રામલલ્લા (આમ તો પાંચ વર્ષના બાળ રાઘવ છે પણ લોકજીભે તો રામલલ્લા ચડી ગયું છે.)ની ભવ્ય અને દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા થઇ. અખબારી અહેવાલોમાં વાંચ્યુ જ હશે એ નમણી મૂર્તિના શિલ્પવિધાન અંગે, એના કિમતી ગ્રેનાઈટના ટકાઉ શ્યામ પથ્થર વિશે, એમાં ચડાવેલા વિવિધ પ્રકારના બહુમૂલ્ય આભુષણો વિશે. પણ એ જોયું કે વડાપ્રધાનનું પ્રવચન કેટલું પ્રગલ્લભ હતું. એમણે ભારપૂર્વક વિજય સાથે વિનયની વાત કરી. પરંપરાની પવિત્રતા સાથે આધુનિકતાની અનંતતાના સંગમની રજૂઆત કરી. દેવ સે દેશ અને રામ સે રાષ્ટ્રની વાત કરી. આખું ઈમોશનલ સંબોધન અતીતમુક્ત હતું. માત્ર રામ માટેનો ભક્તિભાવ અને બલિદાનો પછી આવેલી સોનેરી સવારની ધન્યતા. બીજી ભૂતકાળની દ્વેષ, હિંસા, નફરત ભડકાવે એવી એક પણ વાત નથી. ઉલટું, સહિયારા ઉજ્જવળ ભવિષ્યની વાત. આગને બદલે ઉર્જાની વકીલાત.

હજુ પણ અમુક ઘનચક્કર ઘેલચંદ્રો એ પુંછડું પકડીને બેઠા છે કે આ તો ઉપજાવેલો ઉત્સાહ હતો ને અગાઉ ગુજરાત કે દક્ષિણ ભારતમાં રામ આટલા પૂજાતા નહોતા.  અરે ચક્કરબત્તીઓ, રામના નામે લખાયેલા દક્ષિણના મંદિરોનો પ્રવાસ પીએમએ કર્યો. હિન્દી કે સાઉથની ફિલ્મોના સંવાદો, સીન્સ, ગીતો કે ટાઈટલ પણ જોશો તો રામ દટાઈ ને દફન થઇ જાવ કબરમાં એટલી વાર ભૂતકાળમાં દેખાશે. રામ, કૃષ્ણ, મહાદેવ અને માતાજી જ ભારતની ચાર દિશાઓ છે. બીજા હનુમાન કે ગણેશ વગેરે પણ એમની જ પ્રશાખાઓ છે. જૈન કે બૌદ્ધ ધર્મો માટે આદર છતાં એમના આ દેવી દેવતાઓ બાબતેના અલાયદા વર્ઝન્સ જનસમુદાયે સ્વીકાર્યા નથી. હા, એમાં ક્યાંય બહુ પૌરાણિક બંધનો આજની પેઢી ખાસ અપનાવતી નથી. પણ રામ કે હનુમાનના મંદિરો કે સ્તુતિઓ, ગીતો આ ભૂમિમાં કંઈ આજકાલના નથી. આખો રઘુવંશી સમાજ છે ગુજરાતમાં. આ મોરારિબાપુની આટલા વર્ષોથી ચાલતી રામકથામાં આવતી ભીડ શું એલિયન્સની છે ?

રીડરબિરાદર કેતન લાખાણીએ સાચું જ કહ્યું : 'ચાલો માન્યું કે લોકો ભાવનાઓમાં વહી ગયા. તો રામના દેશમાં હિન્દુ લોકો ભાવનાઓમાં ના વહે તો ક્યાં વહે?  પહેલી વાત તો એ કે પ્યોર ભક્તિની આશા આજના સમયમાં રાખવાની જ ના હોય. રામનવમી અને જન્માષ્ટમી એ લોકો ઉપવાસ રહે કે હજ કરવા મક્કા જાય. પ્યોર ભક્તિ ઓછી અને પરંપરા વધુ છે. તાજિયામાં લોહીલુહાણ થતા શરીરો શું પ્યોર ભક્તિ છે? અરે જે પાર્ટી મંદિર જેવા મુદ્દે ચૂંટણી લડી ને જીતતી હોય એના માટે પ્રાણપ્રતિષ્ઠાનું માર્કેટિંગ કરવું એ ક્યાં કોઈ મોટી વાત છે. એમાં કોઈ આશ્ચર્ય હોવું જ ના જોઈએ. એ એમનો હક છે.

દુનિયાના કોઈ પણ ધર્મમાં શુદ્ધ સાત્વિક ભક્તિની આશા રાખવાની જ ના હોય. એક સામાન્ય માણસ જો આત્મા અને પરમાત્માના ગૂઢ કનેક્શન સમજતો હોત તો કબીર કે ઓશો હોત જ નહિ. એમની જરૂર જ ક્યાં હતી. નિર્ગુણ રામની ઉપાસના અઘરી છે માટે જ લોકો સગુણ રામ એટલે કે એક મૂર્તિમાં પોતાના રામને શોધે છે. અને એ રામની જયારે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા થાય ત્યારે કેટલાયની આંખો ભીની થઇ હશે.'

યસ, કરોડો ભણેલા, ડોક્ટરથી એક્ટર સુધીના લોકો હજમાં જાય ત્યાં નુક્તેચીની નથી સુઝતી ને અયોધ્યામાં આટલી સુંદર રામની મૂર્તિનું પૂજન થાય ત્યાં ક્રિટીસિઝ્મના કાંટા ફૂટે છે. ભારતનો માણસ ભારતની પાવક ક્ષણે જ ભાવુક થાય ને. આપણને ક્રિકેટ વર્લ્ડ કપમાં રસ હોય છે કે અમેરિકન સુપરબોલમાં ? શાહરૂખ ખાન કહી શકે કે રામાયણ એનો પ્રિય ગ્રંથ છે ને રામલીલા એને હજુ ગમે છે, પણ દોઢડો હિંદુ બુદ્ધિજીવી બુધ્ધુ આટલુ બોલવામાં ક્યારેક ઝંખવાઈ જશે ! મહેશ ભટ્ટની દીકરીએ રામકથાના ચિત્રોવાળી સાડી પહેરી લીધી. હવે શું છે પણ આટલો બધો વાંઝિયો કકળાટ.

તો, જે કહેવાનું છે એ રામમય થયેલા વાતાવરણમાં એટલું જ છે, કે હવે આટલો ઉભરો છે તો એને ચૈતન્યમાં ફેરવો. શ્રવણની જેમ સેવા કરો ઘરડા અશક્ત પ્રેમાળ માતા-પિતાની. રામ-સીતાની જેમ પ્રેમવાળું દાંપત્ય કસોટીની કટોકટીએ ચડે તો પણ કમિટમેન્ટ નિભાવો. ભાઈઓ બહેનો સાથે ઘરના ભાગ બાબતે તકરાર હોય, કોર્ટકેસ હોય તો સમાધાન કરો. વિશ્વામિત્ર ધનુર્ધર યુવા રાજકુમારોને નીતિ સાથે તારુણ્ય ધ્યાનમાં રાખી યૌવનસહજ કળાઓની પણ વાત કરે છે. એટલી મોડર્ન મેચ્યોરિટી આકર્ષણ બાબતે રાખો. બેઉ પક્ષે પ્રેમ હોય ને લાયકાત હોય એવા લગ્નોનો વિરોધ ના કરો. સ્ત્રીને સ્વયંવરની ચોઈસ પુખ્ત ઉંમરે યોગ્ય શિક્ષણ અને સમજણ પછી આપો. સામાન્ય માણસનું અપમાન ના કરો. કોઈ શબરીનું એઠું ખાઈ જાવ. કોઈ અભિમાન વિના વનવાસીઓને પણ ગળે લગાડો એટલા સહજ ને સૌમ્ય થાવ. નમ્રતાથી કેવટને પ્રેમ કરો. રાવણ સાથે લડતા લડતા ખુદ રાવણ ના થઇ જાવ એનું ધ્યાન રાખો. શક્તિ બતાવો સત્ય અને ન્યાય માટે. કોઈનું પડાવી લેવા નહિ. થોડુંક જતું કરવાથી પરિવાર કે સંબંધ બચે તો બચાવો. જ્ઞાની અને સર્જક માણસોને હેરાન કરતા અસુરો સામે લડો. માયાવી સુવર્ણમૃગની પાછળ જીવન બરબાદ ના કરો. જોગીના વેશમાં ઢોંગી પણ હોય એ ચેતવણી કેળવો. જો હોદ્દા પર હો તો અંગત જીવનનો ભોગ આપી સમાજના કામ કરવા પડશે. સ્વાર્થ વિના પરમાર્થ ખાત્ર દુ:ખી થવું પડશે. સામાન્ય માણસની ફરિયાદ સાંભળો. હનુમાન જેવા ધીરવીર મિત્રો રાખો. ઉર્મિલા જેવો ત્યાગ અને સીતા જેવો સંકલ્પ રાખો. કોઈ મંથરાની ચડામણીમાં ખેંચાઈને સંસાર વીંખો નહિ. લક્ષ્મણની જેમ પ્રસિદ્ધિના મોહ વિના પડછાયો બનો. વિભીષણની માફક પોતાના ખોટું કરે તો ત્યાં સાચું સ્ટેન્ડ લો. જટાયુની જેમ જીતી ના શકો તો પણ કોઈ સાથે બળાત્કાર, અપહરણ, હિંસા, અન્યાય, શોષણ થતું હોય ત્યાં લડો. કોઈના આનંદમાં, શૃંગાર કે પ્રેમમાં દખલગીરી કરતા રાક્ષસ ના બનો. સત્ય અને નિષ્ઠાને વળગી ભૂલ હોય ત્યાં કબૂલ કરો. કોઈના માટે ઈર્ષા કે દ્વેષ રાખી ખુદનું જીવન બરબાદ ના કરો.

બોલો, આ રામરાજ્ય હૃદયમાં લાવવા માટે કોઈ સરકારી કાયદાની જરૂર નથી ! જય સિયારામ. 

ફાસ્ટ ફોરવર્ડ 

जिन्ह के कपढ दंभ नही माया ।

तिन्ह के हृदय बसहू रघुराय ।।

- मानस


Google NewsGoogle News