Get The App

ડાયાબિટીસની પગ પર અસર

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
ડાયાબિટીસની પગ પર અસર 1 - image


- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક

ડા યાબિટીસ શરીરના અલગ અલગ અવયવો પર અલગ અલગ અસર કરે છે, જેમ કે મગજની નસો પર અસર થાય તો પેરાલીસીસનો એટેક આવી શકે, હૃદય પર અસર થાય તો હૃદયરોગનો હુમલો થઈ શકે, કિડનીની નસો પર અસર થાય તો કિડની ડેમેજ થઈ શકે અને ધીમે ધીમે ફેલ પણ થઈ શકે, એમ જો પગની નસો ઉપર અસર થાય તો પગમાં વિવિધ જાતની તકલીફો ડાયાબિટીસના કારણે ઊભી થતી હોય છે.

ડાયાબિટીસથી પગની નસો પર અસર

ડાયાબિટીસના લીધે પગની ચેતાઓ પર અસર થઈ શકે જેને ડાયાબિટીસ ન્યુરોપથીના નામે ઓળખવામાં આવે છે. ડાયાબિટીસના લીધે અને ખાસ કરીને ડાયાબિટીસ કાબુમાં ન રહેતો હોય અથવા લાંબા સમયથી ડાયાબિટીસ હોય તો તેવી વ્યક્તિને શરીરની વિવિધ ચેતાઓ પર ડાયાબિટીસની અસર થતી હોય છે. સામાન્ય રીતે આ ન્યુરોપેથીની અસર પગની ચેતાઓ પર સૌથી વધારે થતી હોય છે. તદુપરાંત આંખની, હાથની, મગજની, હૃદયની, જઠર અને આંતરડાની, મૂત્રાશય અને જાતીય અવયવોની ચેતાઓ પર પણ ડાયાબિટીસ અસર કરે છે.

લક્ષણો ઓળખો

 પગના પંજામાં દુખાવો થાય, દિવસ કરતા રાત્રે દુખાવો વધારે થાય, પગમાં ઝણઝણાટી થાય અથવા પગ સુના પડી ગયા હોય તેવું લાગે. 

 પગમાં વાગે તો ખબર ન પડે, પગમાં ઠંડા ગરમની સંવેદના ખબર ન પડે,

 પગમાંથી અજાણતા ચંપલ નીકળી જાય,

 પગની ચામડી કોરી પડી જાય, તેમાં વાઢીયા પડે અથવા કણીઓ થાય,

 પગની આંગળીઓની વચ્ચે ફંગસ ઇન્ફેક્શન થાય,

 કેટલીક વાર પગે વાગે તો પણ ડાયાબિટીસના દર્દીને પાકી જાય નહીં ત્યાં સુધી ખબર પડતી નથી  અને જો સમયસર નિદાન ન થાય અને સારવાર ન કરવામાં આવે તો પગ કપાવવો પડે.

ડાયાબિટીસના દર્દીને પગમાં અન્ય તકલીફ 

ન્યુરોપથી ઉપરાંત જો પગની લોહી લઈ જનારી નસો પર અસર થાય તો પગમાં લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જતું હોય છે. જો ડાયાબિટીસ કાબુમાં ન રહેતો હોય, કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય, અને ખાસ કરીને ધુમ્રપાન અથવા તમાકુનું વ્યસન હોય તો તેવા દર્દીને આ તકલીફ થવાનું જોખમ ઘણું વધારે રહેલું છે. આવા સંજોગોમાં દર્દીના પગ થોડા ઠંડા પડી જાય છે. થોડુંક પણ ચાલે તો પગના સ્નાયુઓ ભરાઈ જાય અથવા પગની નસો ખેંચાય તેવું બનતું હોય છે. આવા સંજોગોમાં પગમાં નજીવી ઈજા થાય તો લોહી નહીં મળવાના કારણે ત્યાં રૂઝ આવતી નથી અને ગેંગરીન અને તેના કારણે પગ કપાવવો પડે તેવા કિસ્સા બનતા હોય છે. આ સ્થિતિને પેરીફેરલ આરટીરિયલ ડીસીઝ (PAD)ના નામે ઓળખવામાં આવે છે. જો ન્યુરોપથી અને પેરીફેરલ આરટીરિયલ ડીસીઝ ભેગા થાય તો એવી વ્યક્તિને પગમાં તકલીફ થવાની શક્યતા ઘણી જ વધી જતી હોય છે. તદુપરાંત પગના સ્નાયુઓ અથવા હાડકા પર પણ ડાયાબિટીસની અસર થતી હોય છે (Charcoat foot)  અને પગની ચામડી પણ ડાયાબિટીસના કારણે નબળી પડી જતી હોય છે.

આ કાળજી રાખો

દરરોજ બે વાર પગને પાણીની ચકલી નીચે હુંફાળા પાણીથી સાફ કરો ધ્યાન રાખો કે પાણી ગરમ ન હોય. પાણી વધારે ગરમ નથી એ હાથ વડે તપાસી લો કારણકે જો પગની સંવેદના ઓછી થઈ ગઈ હોય તો દર્દીને ખ્યાલ નહિ આવે કે પાણી કેટલું ગરમ છે. ત્યારબાદ પગને સાફ ટુવાલ વડે લૂછી લો. ધ્યાન રાખો કે પગની આંગળીઓ વચ્ચેનો ભાગ ભીનો ન રહે, પગની આંગળીઓ વચ્ચેનો ભાગ કોરો કર્યા બાદ ત્યાં કોઈ એન્ટીફંગલ પાવડર લગાવો, તે પછી પગના તળિયા પર કોઈ પણ સારું મોઈશ્ચરાઈઝર, ક્રીમ અથવા તેલ લગાવો. જો જરૂર હોય તો પગના નખ નાહ્યા પછી જ અને સીધા જ કાપો. નખ કાપતી વખતે ખૂણા કપાય નહીં અને ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. ઘરમાં પણ ખુલ્લા પગે ચાલવું નહીં અને પગે વાગે નહીં તેનું ખાસ ધ્યાન રાખો, પગમાં નજીવી ઈજા પણ થાય તો હંમેશા ડોક્ટરને બતાવીને તેની સારવાર કરો. હંમેશા તમારા માપના અથવા તેનાથી સહેજ મોટા બુટ ચંપલ કે સેન્ડલ ખરીદો. નવા બુટ કે ચંપલ શરૂઆતમાં બે કે ત્રણ કલાક માટે જ પહેરો જ્યાં સુધી તમારો પગ ટેવાઈ ન જાય.

રાત્રે સુતા પહેલા તમારા પગના તળિયા તપાસી લો જો તમે પગ જાતે ન જોઈ શકતા હો તો અરીસામાં અથવા સેલ્ફીસ્ટિક વડે તમારા મોબાઇલમાં પગ તપાસી શકાય. પગની તકલીફ થતી અટકાવવા માટે ડાયાબિટીસના દર્દીએ બ્લડ સુગરનો સારો કાબૂ કરવો જરૂરી છે.

ડાયાબિટીસના દર્દી માટે પગની સંભાળ મોઢાની સંભાળ કરતાં પણ વધુ જરૂરી છે. પગે નજીવી ઈજા કે ફોલ્લી થાય તો તેની સારવાર પણ તરત જ કરાવો

શું ડાયાબિટીસ ન્યુરોપેથીથી મટી શકે?

શરૂઆતના તબક્કામાં હોય તો ડાયાબિટીસના સારા કંટ્રોલથી અને કેટલીક વાર ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવાથી ડાયાબિટીક ન્યુરોપેથી મટી શકતી હોય છે. જો ચેતા ઉપર વધુ નુકસાન પહોંચેલું હોય તો તે સંપૂર્ણપણે મટી શકતી નથી પણ તેની તકલીફોથી ઘણાખરા અંશે રાહત મળી શકે છે.

ડાયાબિટીસના કારણે પગમાં બહુ દુખાવો રહેતો હોય તો કઈ દવાઓ લઈ શકાય?

બને ત્યાં સુધી પેનકિલર્સ લેવાનું ટાળો. જરૂર હોય તો ડોક્ટરની સલાહ મુજબ Duloxetine, Pregabalin, Gabapentin, Amitriptyline, Tramadol  વગેરે દવાઓ લઈ શકાય.


Google NewsGoogle News