Get The App

આજ અમારી વચ્ચે એવા સાવજ-શૂરા જાગે! .

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
આજ અમારી વચ્ચે એવા સાવજ-શૂરા જાગે!             . 1 - image


- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

ટા ટા પરિવાર અને ટાટા ઉદ્યોગ વિશેના ગિરિશ કુબેર લિખિત મરાઠી પુસ્તકનો અંગ્રેજી અનુવાદ વિક્રાંત પાંડેએ કર્યો છે. તેમાંથી રતન ટાટાના ચારિત્ર્યની ઝાંખી કરવી તમને ગમશે:-

જે આર ડી ટાટાએ મોડે મોડે ઉત્તરાધિકારી તરીકે રતન ટાટાની પસંદગી કરી. આ નિર્ણયથી ટાટા ગુ્રપના ઘણા વરિષ્ઠ ડાયરેક્ટરોની મહત્ત્વાકાંક્ષા પર પાણી ફરી વળ્યું. તેમાંના એક હતા ટાટા સ્ટીલના અધ્યક્ષ રૂસી મોદી. અસલ પારસી રમૂજથી રૂસી કહેતા કે ઈંગ્લેન્ડની મારી કોલેજમાં ત્રણ જ મહાન વિભૂતિ ભણી હતી : ચર્ચિલ, નહેરુ અને ત્રીજો હું! તેમણે 'હિંદુ' અખબારને આપેલી મુલાકાતમાં દાવો કર્યો કે રતન ટાટાની નીતિઓને કારણે ટાટા ગુ્રપને ઘસારો પહોંચે છે. આનું પરિણામ આવ્યું કે રતન ટાટાએ નિવૃત્તિની વય નિશ્ચિત કરી જેને પરિણામે રૂસી મોદી, દરબારી સેઠ, ટોબેકોવાલા વિ. વરિષ્ઠ ડાયરેક્ટરોએ કમને વિદાય લેવી પડી.

રતન દસના હતા ત્યારે તેમનાં માતાપિતાના છૂટાછેડા થયા. તેમનો ઉછેર થયો દાદી લેડી નવાજબાઈ પાસે, જે શિસ્તના આગ્રહી હતા. રતન મિજાજ ગુમાવતા નહિ અને આપેલાં વચન નિભાવતા;જે સંસ્કારો નવાજબાઈએ આપેલા. ૧૯૮૨માં રતન ન્યૂ યોર્ક ગયા અને તેમની માતાએ કેન્સરથી પ્રાણ મૂક્યા તે ઘડી સુધી સાથે રહ્યા. એકાંતની આ પળોમાં તેમણે ટાટા ગુ્રપના ભવિષ્ય માટે યોજના ઘડી. તેમના મતે ટાટાના ડાયરેક્ટરોમાં દીર્ઘદ્રષ્ટિ અને તરવરાટનો અભાવ હતો. છે તેનાથી જ તેઓ સંતોષ માની લેતા હતા. રતન તે વેળા વરિષ્ઠપદે નહોતા- તેમની લાંબા ગાળાની યોજનાઓ સ્વીકારાઈ નહોતી. તેઓ વારંવાર કહેતા કે દેશ માટે કંઈ કરી છૂટવું એ જ મારી મહત્ત્વાકાંક્ષા છે.

રતન ૧૯૮૮માં ટેલ્કો (આજની ટાટા મોટર્સ)ના અધ્યક્ષ થયા ત્યારે તે કંપની ધોળો હાથી હતી. નફો સાવ ઓછો. જંગી સંખ્યામાં પગારદારો. ટ્રેડ યુનિયનના નેતા રાજન નાયરે એક સુરક્ષાકર્મીની હત્યા કરવાની ધમકી આપી. જ્યારે તેણે માફી ન માગી ત્યારે નાયરને છૂટો કરાયો. થોડા સમય પછી તેણે આમરણ ઉપવાસ શરૂ કર્યા. દત્તા સામંત અને કેટલાક રાજકીય નેતાઓએ તેને સમર્થન આપ્યું. શરદ પવારે તેને અને રતનને મંત્રણા માટે બોલાવ્યા. રતન અને પવાર કલાક સુધી રાહ જોતા બેઠા, નાયર આવ્યો જ નહિ. આખરે સરકારે શાંતિ જોખમાવવા બદલ તેની ધરપકડ કરી. રતને આવા ઘણા પડકારોને પહોંચી વળવાનું હતું.

તે દિવસોમાં સ્વરાજ પોલનો એસ્કોર્ટ કંપની કબજે કરવાનો પ્રયાસ સફળ થતા માંડ રહી ગયો હતો. રતન ટાટા નહોતા ઇચ્છતા કે ટાટાની કોઈ કંપની હાથમાંથી સરકી જાય. ટાટા મોટર્સમાં ટાટા જૂથના શેર માત્ર ત્રણ ટકા હતા. ટાટા સ્ટીલમાં અઢી ટકા. રતનના પ્રયાસોથી ટાટા જૂથે હજારો કરોડોનું રોકાણ કરીને પોતાની ટકાવારી વધારી દીધી. તેમણે ગુ્રપ કંપનીઓ પાસેથી 'ટાટા' નામ વાપરવા માટે રોયલ્ટી વસૂલવા માંડી. આ સમયે ટાટા ગુ્રપની ઇન્ડિયન હોટેલ્સ લિમિટેડ (તાજ હોટેલો)ના અધ્યક્ષ હતા અજિત કેરકર. રતનના ધ્યાનમાં આવ્યું કે કેરકરે અમુક ટ્રાવેલ એજન્સી સાથે કરાર કર્યા છે કે વિશ્વભરના બુકિંગ તેની મારફતે જ થઈ શકે. ટ્રાવેલ એજન્સીની માલિકી પરોક્ષ રીતે કેરકરની પોતાની હતી. રતને કેરકરને અધ્યક્ષપદેથી દૂર કર્યા. ૨૦૦૧માં નવો આંચકો આવ્યો. ટાટા ફાઇનાન્સના મેનેજિંગ ડાયરેક્ટર હતા દિલિપ પેંડસે. તેમણે ચાર લાખ રોકાણકારો પાસેથી નિષ્કલ્પ નામની કંપનીમાં પબ્લિક ડિપોઝિટ લીધી હતી. આ રકમ ટાટા ફાઇનાન્સના ધંધા માટે વાપરવાને બદલે શેરબજારમાં રોકી હતી. 'ડોટ કોમ બબલ'માં રોકાણની કિંમત શૂન્ય થઈ ગઈ. ટાટા ફાઇનાન્સ દેવાળું કાઢે તો અન્ય ટાટા કંપનીઓએ તે રકમ ભરપાઈ કરવાની ન હોય. પરંતુ 'ટાટા' નામની પ્રતિષ્ઠા જાળવવા રતને જાહેર કરાવ્યું કે જનતાને પાઈએ પાઈ પાછી મળશે. પોતાની સામે ટાટા ગુ્રપે કરેલી અદાલતની કારવાઈથી થાકીને પેંડસેએ ૨૦૧૭માં આત્મહત્યા કરી લીધી.

ગિરિશ કુબેર લોકસત્તા (મરાઠી) ના તંત્રી છે, અને ઔદ્યોગિક- રાજકીય ઘટનાઓના અભ્યાસ પછી તેમણે આ પુસ્તક લખ્યું છે. જર્મની પાસે મર્સીડીસ, જાપાન પાસે ટોયોટા, ઇંગ્લેંડ પાસે રોલ્સ રોયસ, અમેરિકા પાસે ફોર્ડ, પણ ભારત પાસે કઈ ગાડી? રતનને ખેવના હતી કે સંપૂર્ણ સ્વદેશી ગાડી બનાવવી, અને ૧૯૯૮માં તેમણે ટાટા ઇન્ડિકા આપી, જેને સવા લાખ લોકોનું બુકિંગ મળ્યું. આ ગાડીમાં ક્ષતિઓ હતી, જેનો કંપનીએ ખેલદિલિથી સ્વીકાર કર્યો, અને ઇન્ડિકા વી-ટુમાં સુધારા કરી લેવાયા. લાઇસન્સ રાજના જમાનામાં જે આર ડી એ પોતાના બનેવી લેસ્લી સોહનીની સહાયથી ટીસીએસ કંપની ચાલુ કરી. આઈટી ક્ષેત્રની ભારતની સૌથી મોટી આ કંપનીનો ભારતના ઇતિહાસમાં તે વખતે સૌથી મોટો પબ્લિક ઇસ્યુ રતન ટાટાએ કર્યો. ૨૦૦૮માં ટાટા જૂથે ફોર્ડ પાસેથી જેગુઆર-લેન્ડ રોવર કંપની ૨.૩ બિલિયન ડોલરમાં ખરીદી લીધી. ઇંગ્લેન્ડમાં આ ઉદ્યોગ એટલી સફળતાથી ચલાવ્યો કે લંડનના લોર્ડ મેયરે કહ્યું કે અમે ટાટાને બ્રિટિશ કંપની ગણીએ છીએ. ટાટા ગુ્રપ સામાજિક ઉત્તરદાયિત્વ પરત્વે સભાન છે. તાન્ઝાનિયાના લેકમાં સોડા એશનો જંગી પુરવઠો મળી આવ્યો. ત્યાંની સરકાર ઇચ્છતી હતી કે ટાટા સોડા એશનું ઉત્પાદન કરે. પર્યાવરણવાદીઓએ આંદોલન કર્યું કે લેકમાં વસતાં ફ્લેમિન્ગો બેઘર થઈ જશે. આની જવાબદારી કંઈ ટાટાની નહોતી, છતાં તેમણે આ ઉદ્યોગ હાથમાં લેવાની ના પાડી દીધી. ૨૬ નવેંબરે મુંબઈ પર ત્રાસવાદીઓ ત્રાટક્યા. તાજ હોટેલના માર્યા ગયેલા કર્મચારીઓના પરિવારજનો સાથે રતને પોતે સંપર્ક સાધ્યો, તેમની નાણાકીય જવાબદારીઓ ઉપાડી લીધી, એટલું જ નહિ, હોટેલની બહાર નાનો-મોટો સામાન વેચનારા ફેરિયાઓને પણ વળતર ચૂકવ્યું. સૌથી ધનાઢય કે સૌથી નફાકારક ઉદ્યોગગૃહ બનવું, એ ટાટાની ફિલસૂફી નથી. બલ્કે સમાજને સમૃદ્ધ બનાવવો, એ ટાટાની ફિલસૂફી છે. રતન ટાટાએ પોતે ઘડેલા નિયમોનું ચુસ્ત પાલન કર્યું. પંચોતેરની વયે તેઓ ટાટા સન્સના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા. જોસિયાહ હોલેન્ડની પ્રાર્થના યાદ આવે છે : (અનુ. મકરન્દ દવે)

ભીડ પડી ભગવાન,

મર્દને મહાકાળ આ માગે

આજ અમારી વચ્ચે એવા

સાવજ-શૂરા જાગે!


Google NewsGoogle News