ફટાકડાંના ઝેરી રસાયણો ફેફસાંને કોતરી નાંખશે
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- ફટાકડામાં જે દારૂગોળો ભર્યો હોય તેમાં 75 ટકા પોટાશ, 15 ટકા કાર્બન, 10 ટકા સલ્ફર હોય છે...
દિ વાળી એ આપણો સર્વશ્રેષ્ઠ તહેવાર છે. નવા વર્ષની શરૂઆત પણ થતી હોવાથી સૌ કોઈ આ દિવસો ઉત્સાહથી વીતાવે છે. પરંતુ આ દરમ્યાન ફટાકડા ફોડવાનો રિવાજ છે. અવાજથી આનંદ આવે છે પણ અન્યોને પીડા પણ થાય છે.
હોસ્પિટલમાં કે સોસાયટીમાં દર્દીની હાલત આ ફટાકડાને લીધે કેવી થશે એ વિચારો. કુતરાઓને આ અવાજ છ ગણો સંભળાય છે તેની હાલત દયનીય બની જાય છે. પશુ-પક્ષી શહેરથી દૂર થોડા દિવસ ભાગી જાય છે. જ્યાં એમને પૂરતો ખોરાક મળતો નથી. ફટાકડામાંથી નીકળતા ધૂમાડા અસ્થમાના દર્દીની હાલત ગંભીર કરી નાંખે છે. બાળકોને શ્વસનની તકલીફ પડે છે. બોમ્બના અવાજથી વૃદ્ધોને બહેરાશ આવી શકે છે. ફટાકડા ફોડનાર તો દાઝે છે પણ ત્યાંથી પસાર થનાર કૂતરા, ગાય વગેરે પણ દાઝી જાય છે તેની કોઈ કાળજી લેતું નથી.
સરકારે ફટાકડાની ફેકટરી માટે નિયમો સ્વાસ્થ્ય રક્ષક બનાવી તેનું પાલન કરાવવું જોઇએ. ફટાકડા રસ્તા પર કે સોસાયટીમાં ના ફોડો. ખુલ્લા મેદાનો કે નદી તળાવ પાસે ફોડો. ડૉક્ટર તેમજ એમ્બ્યુલન્સના નંબર હાથવગા રાખો. દિવાળી દરમ્યાન વાતાવરણ ફટાકડાથી ધમધમી ઊઠે છે. ભારતીય પ્રજાને ખૂબ અવાજ, ઘોંઘાટ અને ગીર્દિમાં મજા આવે છે. પોતાના આનંદમાં બગડતા પર્યાવરણ, ઘવાતા પક્ષીઓ અને દાઝી જતાં શ્વાનની યાદ આવતી નથી. દિલ્હી, યુપી, રાજસ્થાન, ગુજરાત દિવાળી દરમ્યાન પ્રદૂષણના શિકાર બને છે. બાળકો શરદી, કફ, ઊધરસથી પીડાય છે.
ફટાકડાના અવાજથી નાના બાળકના કાન બહેરા થઇ શકે છે. વૃદ્ધોેને હાર્ટએટેક આવી શકે છે. ફટાકડામાંના ગંધકથી ચામડી પર ફોલ્લાં ઉઠે છે. ફટાકડાના ઝેરી ધૂમાડાથી એલર્જી થઇ શકે છે. પાવડરની કણ આંખમાં જાય તો અંધાપો આવી શકે છે. ફટાકડાથી ઊડતા રોકેટો કે કોઠીના ફુવારા તમારા સિન્થેટિક કપડાંને આગ લગાડી શકે છે. ખુલ્લી બારીમાં ઘૂસી જતા રોકેટો ઘરમાં આગ લગાડી શકે છે.
ફટાકડામાં જે દારૂગોળો ભર્યો હોય તેમાં ૭૫ ટકા પોટાશ, ૧૫ ટકા કાર્બન, ૧૦ ટકા સલ્ફર હોય છે. આ બધા જ પદાર્થો હવામાં ફેલાતા ઉપર મુજબની તકલીફ થાય છે.
પાલતુ કુતરાને દિવાળી દરમ્યાન ઘરમાં રાખો તેના કાનમાં રૂના પૂંમડા લગાડી રાખો (મોટી બ્રીડમાં). ઘરના બારી બારણાં બંધ રાખી બહારનો અવાજ ઘટાડો. ટીવી ચાલુ રાખો જેથી તેના અવાજમાં બહારનો અવાજ ઢંકાઈ જાય. પાલતુ ડૉગને ખૂબ પાણી આપો તેના પર હાથ ફેરવતા રહી આશ્વાસન આપો.
પાલતુ ડૉગને પડદા પાછળ રાખો જેથી અવાજ અને પ્રકાશથી તે બચી શકે પરંતુ હવા-પાણી મળે તે ધ્યાન રાખો તેના ગળામાં નામ, ટેલી નંબર ચોંટાડી રાખો. સાથે રસ્તા પરના કુતરાની પણ કાળજી લેજો. તેનાં આહાર તેમજ સારવારની વ્યવસ્થા વિચારી રાખજો.