કાલરાત્રિ : મહાદેવીની તાંત્રિક સાધનાનો સુવર્ણ અવસર!
- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ
સ નાતનીઓનો સૌથી મોટો તહેવાર આવવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ચાર મહિના સુધી યોગનિદ્રા કરનાર ભગવાન શ્રીવિષ્ણુ પુન: સૃષ્ટિનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે. નિઋતિ અર્થાત્ દેવી અલક્ષ્મીનું સામ્રાજ્ય સમાપ્ત થઈને દિવાળીની રાતથી મા લક્ષ્મીનું સામ્રાજ્ય સ્થાપિત થવા જઈ રહ્યું છે. તંત્રશાસ્ત્રોએ આ રાત્રિને 'કાલરાત્રિ' કહી છે. એક એવી રાત, જ્યાં સમસ્ત બ્રહ્માંડની સઘળી દિવ્ય અને મહાનતમ શક્તિઓ પોતાની ચરમસીમા પર હોય છે. દેવીસાધનાનું અત્યાધિક મહત્ત્વ કાલરાત્રિ પર દર્શાવાયું છે. તંત્રશાસ્ત્રો પ્રમાણે, દિવાળીની રાતે જો કોઈ સાધનાનો આરંભ કરવામાં આવે, તો તે મંત્રનું જાગૃત થવું નિશ્ચિત છે! સંપૂર્ણ શક્તિ અને પ્રભાવ સાથે એ સાધના ફળીભૂત થતી હોય છે. આથી, આજના લેખનું કેન્દ્રબિંદુ શાસ્ત્રમાં અપાયેલી એ સાધના પર રહેશે, જે સાધનાને ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવા માટેનું બ્રહ્માસ્ત્ર માનવામાં આવે છે - શ્રીસૂક્તમ્!
બ્રહ્માંડની સર્વોચ્ચ તંત્રવિદ્યા - શ્રીવિદ્યા - નાં અધિષ્ઠાત્રી મા લલિતા મહાત્રિપુરસુંદરીના માહાત્મ્યનું વર્ણન જેમાં અપાયેલું છે, એ ગ્રંથ - ત્રિપુરારહસ્યમ્ - માં 'શ્રીસૂક્તમ્'નું રહસ્ય ધરબાયેલું છે.
સમુદ્રમંથન વેળા મા લક્ષ્મીનું પ્રાગટય થયું. ભગવાન શ્રીવિષ્ણુ સાથે એમના વિવાહ થયાં. મા લક્ષ્મીના અંતરમનમાં વેદોએ જેને 'પરબ્રહ્મ'ની સંજ્ઞાા આપી છે, એ મહાશક્તિનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ અને એમણે મા લલિતા મહાત્રિપુરસુંદરીની આરાધના શ્રીસૂક્તમ્ વડે કરવાની શરૂઆત કરી. ઋગ્વેદના પાંચમા મંડળમાં અપાયેલાં શક્તિશાળી શ્રીસૂક્તમાં મૂળ ૧૬ ઋચાઓ સમાવિષ્ટ છે, પરંતુ કાલાંતરે એમાં નવી ઋચાઓ ઉમેરાતાં આજે ૩૭ ઋચાઓનું શ્રીસૂક્તમ્ જોવા મળે છે; જેનો ઉલ્લેખ લક્ષ્મીતંત્રમાં પણ જોવા મળે છે.
મા લલિતાની શ્રીવિદ્યા સાધનામાં લીન થઈ ગયેલાં લક્ષ્મીજીએ કેટલાંય વર્ષો સુધી તપ કર્યુ. અંતે, શ્રીમાતા મહાત્રિપુરસુંદરી એમની સમક્ષ પ્રગટ થયાં.
'હે દેવી, હું અત્યંત પ્રસન્ન છું. વરદાન આપવા માટે તત્પર છું.' મા લલિતાએ કહ્યું.
'મા, હું સ્વયં શ્રી છું, લક્ષ્મી છું. આ સંસારના સંચાલન માટે કારણભૂત મૂળ પ્રકૃતિ છું. મને બીજું કશું જ ન ખપે. મારી એકમાત્ર કામના એટલી જ છે કે આજથી સદાય માટે હું આપના પરમસ્વરૂપમાં વિલીન થઈ જઉં.' મા લક્ષ્મીએ આર્દ્ર સ્વરે કહ્યું.
'પુત્રી, એ સંભવ નથી! જો આપ મારી ભીતર સમાહિત થયાં તો સૃષ્ટિ શ્રીહીન થઈ જશે. સમસ્ત બ્રહ્માંડ ઐશ્ચર્યહીન થઈ જશે. આપની અનુપસ્થિતિમાં જીવસૃષ્ટિ પોતાનું નિર્વહન કઈ રીતે કરી શકશે? બીજું કોઈ વરદાન માંગી લો.' બ્રહ્માંડસામ્રાજ્ઞાીએ અત્યંત વ્હાલસોયાં સ્વરે કહ્યું.
'જો આપ વાસ્તવમાં પ્રસન્ન હો, તો મને માત્ર આ એક વરદાન આપો, જગતજનની!' અંતરાત્મામાં પ્રગટેલી સર્વોચ્ચ ભક્તિને કારણે હવે મા લક્ષ્મી બીજું કશું માંગી શકે એમ જ નહોતાં.
'તથાસ્તુ! અંતર માત્ર એટલું હશે કે હવેથી આપ મારી ભીતર નહીં, પરંતુ હું - સ્વયં મા લલિતા મહાત્રિપુરસુંદરી - આપના અંતરાત્મામાં એકાકાર થઈશ. આપના નામ સાથે હું મારા સ્વરૂપને એકરૂપ કરી રહી છું.
મા ત્રિપુરસુંદરીએ આગળ શું કહ્યું, એ 'ત્રિપુરારહસ્યમ્'માં વર્ણવવામાં આવ્યું છે:
श्रीविधेत्यहमाखयाता श्रीपुरं मे पुरं भवेत् ।
श्रीचक्रं मे भवेच्चक्रं श्रीक्रमः स्यान्मम क्रमः ।।
'શ્રીવિદ્યા તરીકે હું ખ્યાતિ પામીશ. શ્રીપુર જ મારું ભવન અર્થાત્ પુર હશે. શ્રીચક્ર જ મારું ચક્ર ગણાશે અને શ્રીક્રમ જ મારો ક્રમ ગણાશે.'
श्रीसूत्कमेतदभूयान्मे विधा श्रीषोडशी भवेत् ।
महालक्ष्मीत्यहं खयाता त्वत्तादात्म्येन संस्थिता ।।
'શ્રીસૂક્તમ્ જ મારી શ્રીષોડશી મહાવિદ્યા છે! 'મહાલક્ષ્મી' નામ ધારણ કરીને આ ક્ષણથી હવે હું આપના સ્વરૂપ સાથે તાદાત્મ્ય રૂપે સંસ્થિત અર્થાત્ સ્થિર છું!'
જેનો અર્થ એ થયો કે શ્રીસૂક્તમ્ એ વાસ્તવમાં માત્ર મા લક્ષ્મીની કૃપા કરવાનું સાધન નહીં, પરંતુ સ્વયં શ્રીવિદ્યા અર્થાત્ મા લલિતાનાં આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનું પણ અમોઘ શસ્ત્ર છે!
મા લલિતાએ મહાલક્ષ્મીને આશિષ આપ્યાં, 'આ ક્ષણથી જે મનુષ્ય શ્રીસૂક્તમ્ સાધના કરશે, એ માત્ર લક્ષ્મીની કૃપા નહીં, પરંતુ મારી અર્થાત્ મા લલિતા મહાત્રિપુરસુંદરીની કૃપા પણ પ્રાપ્ત કરશે.'
દિવાળીના પાવન પર્વ નિમિત્તે અત્યંત પ્રભાવશાળી શ્રીસૂક્તનું પઠન કરવા માટે ઘણી નિ:શુલ્ક વેબસાઈટ્સ પરથી સંપૂર્ણ વ્યાકરણશુદ્ધિ સાથે તેનું ઉચ્ચારણ શીખી શકાય છે. ટેક્નોલોજી અને સ્માર્ટફોનના આ યુગમાં The Hindu Prayer (ધ હિન્દુ પ્રેયર), Drikpanchang (દ્રિકપંચાંગ), Bhaktilok (ભક્તિલોક), Stotra Nidhi (સ્તોત્રનિધિ) જેવી વેબસાઈટ્સ પર ઊંડાણપૂર્વકના અર્થ સાથે શ્રીસૂક્તમ્ નિ:શુલ્ક ઉપલબ્ધ છે. તદુપરાંત, ઘરે બેઠાં તેની નિ:શુલ્ક સાધના કરવા માટે 'સાધના એપ્લિકેશન' પણ એક ઉત્તમ વિકલ્પ છે. પહેલી નવેમ્બરથી શરૂ કરીને સત્તરમી નવેમ્બર સુધી ચાલનારી આ સાધના ઉજ્જવળ ભવિષ્યના અનેક દ્વાર ખોલી આપવાનું સામર્થ્ય ધરાવે છે.
શ્રીસૂક્તમ્ અને શ્રીયંત્ર/શ્રીચક્રને આજના સમાજે માત્ર સંપત્તિપ્રાપ્તિનાં હેતુ પૂરતાં સીમિત કરી દીધાં છે, પરંતુ બ્રહ્માંડની સર્વોચ્ચ મહાવિદ્યાને પ્રસન્ન કરવા માટે તે કેટલાં પ્રચંડ શક્તિશાળી શો સાબિત થઈ શકે છે, એનો અંદાજ તો શ્રીસૂક્તમ્ સાધના કર્યા પછી જ મેળવી શકાય એમ છે!