એક દિવાળી આવી ઉજવીએ .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'તમારામાં તાકાત હોય તો પોતાને બદલો પછી દેશ અને દુનિયાને બદલવાના અભિયાન ચલાવજો. પહેલાં પોતાની જાતમાં પરિવર્તન લાવીએ. એક દિવાળી આવી ઉજવીએ.'
'કો ણ છે આ સુમિત પાઠક? ક્યાં છે આ સુમિત પાઠક? એવું તો સુમિત પાઠકે શું કરી નાખ્યું છે કે, આખા ગુજરાતમાં તેની ચર્ચા છે? આ નામની ખરેખર કોઈ વ્યક્તિ છે કે પછી માત્ર વાતો જ ચાલે છે.' - ગુજરાતભરના અખબારો, ન્યૂઝ ચેનલ, સોશિયલ મીડિયા અને ચારેકોર બસ એક જ નામની ચર્ચા ચાલે છે.
સુમિત પાઠક એક એવી વ્યક્તિ હતી જેણે ગુજરાતના મુખ્યમંત્રી, તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, કોર્પોરેટરો, મેયર, મ્યુનિસિપલ કમિશનર, હાઈકોર્ટના ચિફ જસ્ટિસ, ડીજી, આઈજી, ડીજીપી, કમિશનર, ડીસીપી, તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ, તમામ મોટા અખબારોના માલિકો અને તંત્રીઓ, તમામ સમાચાર ચેનલોના વડાઓ, રેડીયોના જાણીતા જોકી, સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સર્સ એને બધાને એક પત્ર મોકલાવ્યો હતો. તેણે ઓનલાઈન અને ઓફલાઈન તમામ માધ્યમોમાં ભૂકંપ લાવી દીધો હતો.
છ મહિના પસાર થઈ ગયા પણ સુમિત પાઠકનો ક્યાંય અતોપતો નહોતો. પોલીસ, મીડિયા, એજન્સીઓ અને બધા જ થાક્યા હતા પણ સુમિતના કોઈ વાવડ નહોતા. આખરે એ દિવસો આવી ગયા. સુમિત પાઠકના પત્રમાં જણાવાયું હતું કે, મેં જે માગણી કરી છે, જે વાત કરી છે તેના વિશે નક્કર પગલાં લેવામાં આવે નહીંતર દિવાળીની રાત્રે અને બેસતા વર્ષના પરોઢિયે હું કાંકરિયા લેકના ગેટ નં.૧ની બહાર આત્મવિલોપન કરીશ.
ધનતેરસનો દિવસ આવી ગયો હતો. સુમિતની ધમકી સાચી પડવાના ત્રણ દિવસ રહ્યા હતા. કાંકરિયાની બહાર પોલીસનો મોટો ખડકલો કરી દેવાયો. બરાબર રાત્રે આઠ વાગ્યે સુમિતે એક ખાનગી ચેનલ ઉપર દેખા દીધી. ગુજરાતની આ જાણીતી ન્યૂઝ ચેનલને તેણે વીડિયો મોકલાવ્યો હતો. આ વીડિયો આગની જેમ ફેલાવા લાગ્યો. તેનો પહેલો વીડિયો એટલું જ કહેતો હતો કે, બરાબર રાત્રે ૧૨ વાગ્યે હું મારી જાતને તમારી સમક્ષ મુકીશ અને મારી માગણીઓ પણ જણાવીશ. જો બે દિવસમાં તેના વિશે પગલાં નહીં લેવાય તો મારા મોત માટે મેં જેટલા લોકોને પત્ર લખ્યો છે તે તમામ લોકો જવાબદાર હશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, યુએનના વડા અને હ્યુમન રાઈટ્સ એસોસિયેશનના વડા, અમેરિકી પ્રેસિડેન્ટ તમામને આ સ્યુસાઈડ લેટર પહોંચી જશે. ત્યારબાદ જવાબદારી તમારી રહેશે.
લોકો હવે રાતના ૧૨ વાગ્યાની રાહ જોવા લાગ્યા. આખું ગુજરાત જ નહીં દેશભરના લોકો ટીવીની સામે ગોઠવાઈ ગયા. બરાબર બાર વાગ્યે તે જ ચેનલ ઉપર વીડિયો શરૂ થયો.
'મોઢા ઉપર સફેદ માસ્ક પહેરેલો એક યુવાન સ્ક્રીન ઉપર દેખાતો હતો. તેના હાથમાં પત્ર હતો. તેણે વાંચવાની શરૂઆત કરી.'
'મારા પ્રિય માઈકાંગલા દેશવાસીઓ, તમામને વંદન. મને આપણા સૌની દયા આવે છે. આપણને અંગ્રેજો પાસેથી આઝાદી મળી તે ઈતિહાસની સૌથી દયનીય ઘટના હતી. આપણે જો અંગ્રેજોના ગુલામ હોત તો વધારે સારી રીતે જીવતા હોત. આપણો વિકાસ વધારે સારી રીતે થયો હોત.'
'કમનસીબે બસ્સો વર્ષ સુધી ચાલેલા સંઘર્ષના અંતે અંગ્રેજો ભારત છોડીને જતા રહ્યા. હિંસા અને અહિંસા બંનેએ પોતાના કામ કર્યા અને ભારત આઝાદ થયો. ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ની મધરાતે દેશ આઝાદ થયો અને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની સવારથી દેશ ફરી ગુલામ થઈ ગયો. રાજકારણ અને બાબુશાહીનો ગુલામ.'
'સ્વતંત્રતા બાદ દેશમાં સત્તા મેળવવાનું એવું તો તરકટ ચાલ્યું જે આજ સુધી અટક્યું નથી. ખુરશીની પાછળ દીવાલ ઉપર બાપુની તસવીર લગાવીને બેસનારા આ વ્હાઈટ કોલર ભેજાબાજોએ બાપુની જ તસવીર ધરાવતી નોટોનો ખડકલો કરી લીધો છે.'
'દેશની આઝાદી માટે ખુશીથી અને સુખેથી જીવ આપી દેનારી પ્રજાના આ ઉત્તરાધિકારીઓ ધીમે ધીમે એવા, માઈકાંગલા થવા લાગ્યા કે પોતાનું જ સારું અને નરસું કોઈને દેખાતું નથી. પોતાનો નેતા જે કરે તે લીલા અને બીજા કરે તે અપરાધની ભાવના વધવા લાગી.'
'નવાઈની વાત તો એવી છે કે, છેલ્લાં એક વર્ષથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે સરકાર, ન્યાયતંત્ર અને પ્રજા વચ્ચે સંતાકુકડીના ખેલ ચાલે છે. ચારે તરફ ભ્રષ્ટાચારનો સડો પેઠો છે, સરકારી બાબુઓ ખાઉધરા બનીને ચારેકોરથી પ્રજાને ભરખી રહ્યા છે, મીડિયા પણ ક્યાંક વેચાઈ ગયું છે તો ક્યાંક વહેંચાઈ ગયું છે, લોકો પણ ભ્રષ્ટાચારના ભોરિંગને દૂધ પાઈને મોટો કરી રહ્યા છે અને પછી પોતે જ નાગપાશમાં સપડાઈ રહ્યા છે.' 'આપણી કરુણતા તો જુઓ, ન્યાયતંત્ર લોકોને હેલમેટ પહેરાવીને કાયદાનું પાલન કરાવવા મથી રહ્યું છે. હેલમેટ ન પહેરે તેને દંડ કરવા, વાહન જપ્ત કરવા અને કદાચ શક્ય બને કે આઠ-દસ વર્ષની સજા કરાવવા સુધી પણ પહોંચી જાય. લોકોને તેની પડી નથી. હોઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના આદેશોનું પણ જાડી ચામડીના વ્યવસ્થાપકો દ્વારા પાલન કરવામાં કે કરાવવામાં આવતું નથી.'
'ચારેતરફ ભ્રષ્ટાચાર ફેલાયેલો છે, રસ્તા એટલી ખરાબ હાલતમાં છે કે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને ટાંપીને વિકાસ કરી ચૂકેલા ખાડાઓની વચ્ચે વચ્ચે ક્યાંક રસ્તો મળી જાય છે પણ ત્યાં ન્યાયતંત્રની નજર જતી નથી. દિવસ દરમિયાન મોટા જંક્શનો ઉપર, રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ થાય છે, પોલીસ હોતી નથી, જ્યાં હોય છે ત્યાં તોડબાજી કરતી હોય છે, કાયદાના નામે પ્રજાને ડરાવીને ખિસ્સાં ખાલી કરાવવાના કાવતરા ચાલતા હોય છે. જાહેર ચાર રસ્તા ઉપર દિવસ દરમિયાન જોવા ન મળતી પોલીસ વહેલી પરોઢે અને મોડી રાત્રે રીવરફ્રન્ટ, જમાલપુર ફુલ માર્કેટ, કાલુપુર શાકમાર્કેટ પાસે પહોંચી જઈને લોકોના વાહનોને તાળા મારીને બંધ પોલીસ ચોકીની પાછળ લઈ જઈને લોકો સાથે તોડ થાય છે અને ૧૫૦૦ના દંડની જગ્યાએ ખિસ્સામાં ૫૦૦ સેરવી લેવાય છે.'
'ક્યારેક શાળામાં આગ લાગે છે તો ક્યારેક ટયૂશન ક્લાસમાં આગ લાગે છે તો ક્યારેક ગેમઝોનમાં અનેક લોકો જીવતા ભુંજાઈ જાય છે, ક્યાંક બોટ પલટી જાય છે તો ક્યાંક બ્રિજ તૂટી જાય છે. સામાન્ય પ્રજાનો સાવ જીવજંતુઓની જેમ જીવ જતો રહે છે પણ કોઈને કંઈ જ પડી નથી. રોજે રોજ બળાત્કારની કેટલી બધી ઘટનાઓ બને છે પણ ન્યાય કોઈને મળતો નથી. ક્યાંક ગુનેગાર પકડાઈ જાય તો ગુનો સાબિત કરવામાં વર્ષો નીકળી જાય છે પણ રાજાને પડી નથી અને પ્રજા તેના ગુણ ગાવામાંથી નવરી પડતી નથી.'
'મેં જેટલા લોકોને પત્ર લખ્યો છે તે તમામ લોકોને અપીલ છે કે, ભ્રષ્ટ અધિકારીઓ સામે, પૈસા અને પાવરથી વેચાઈ જતા કાયદાના રક્ષકો, ભ્રષ્ટ નેતાઓ, સમાજના સંત્રીઓ અને ઠેકેદારો સામે તાકીદે પગલાં લઈને તેમને જેલભેગા કરવામાં આવે નહીંતર મારી આત્મહત્યાને સ્વીકારી લેવામાં આવે. ખાસ કરીને મારા શહેર, રાજ્ય અને દેશની નપુંશક અને માઈકાંગલી પ્રજાને વિનંતી છે કે, મારા મોત પછી મીણબત્તી હાથમાં પકડીને જસ્ટિસ ફોર સુમિત નામના પોસ્ટરો લઈને રસ્તા ઉપર આંટાફેરા ન કરે, મારા માટે સોશિયલ મીડિયાના અર્થહિન કેમ્પેન ન ચલાવે. તમારામાં તાકાત હોય તો પોતાને બદલો પછી દેશ અને દુનિયાને બદલવાના અભિયાન ચલાવજો. પહેલાં પોતાની જાતમાં પરિવર્તન લાવીએ. એક દિવાળી આવી ઉજવીએ.'
સુમિતનો આ વીડિયો પૂરો થયો અને પોલીસનો એક વિશાળ કાફલો સીએમ હાઉસ ખાતે પહોંચ્યો. સાઈબર ક્રાઈમના વડા સહિતના પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા. તેમણે જણાવ્યું કે, વીડિયો સીએમ હાઉસના આઈપીથી પોસ્ટ કરાયો છે. પોલીસ જ્યારે સીએમ સાથે આ વાત કરતી હતી ત્યારે એક યુવાન આવ્યો.
'પપ્પા હું જ સુમિત પાઠક છું. સુભાષ પાઠક અને મિતા પાઠકનો દીકરો, સુમિત પાઠક. હવે સત્તાની રમત રમો અને મને સજા કરાવો ક્યાં પછી લોકો સાથે અન્યાય ચાલવા દો.' - સીએમના દીકરાએ રૂમની બહાર આવીને કહ્યું. તમામ પોલીસ અધિકારીઓ, સીએમ, સીએમની પત્ની અને અન્ય સ્ટાફ તેની સામે જ જોઈ રહ્યા. બહાર આતશબાજીના ગગનભેદી અવાજ ફેલાવા લાગ્યા.