શી યુકી : વિવાદો છતાં બેડમિંટનમાં શિખરે પહોંચેલો ચીની ખેલાડી
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- ખેલભાવનાથી વિપરીત વર્તનને કારણે વર્લ્ડ રેન્કિંગમાં બીજા ક્રમે હોવા છતાં શી યુકી પર ચીને એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો અને આજે શીએ દુનિયાના નંબર વન ખેલાડી તરીકેનો તાજ હાંસલ કર્યો છે
સ ફળતાનું સ્વપ્ન દરેકની આંખોમાં છુપાયેલું હોય છે. તેને સાકાર કરવા માટે શરીર અને મનને આકરી કસોટીના એરણેે ચઢાવવાની જરુર રહે છે. જ્યાં સુધી સ્વપ્નના બીજને અંકુરિત કરવા માટે સખત મહેનત અને પરસેવાનું સિંચન કરવામાં ન આવે ત્યાં સુધી કશું પણ પ્રાપ્ત થતું નથી. ઘણી વખત તમામ પ્રયાસો અને મહેનત છતાં સફળતાને હાંસલ કરવા માટે ધીરજપૂર્વકનો ઈંતજાર પણ કરવો પડતો હોય છે અને આ માનસિક કસોટીમાં પણ જેઓ ટકી રહે છે, તેઓ આખરે ક્ષિતિજની રેખાને પાર કરીને સ્વપ્નની દુનિયામાં પ્રવેશી શકે છે.
ઝડપની સાથે સાથે શરીરને અસાધારણ વળાંક આપવાની કુશળતા અને ત્વરિત નિર્ણયશક્તિની સાથે તનાવની વચ્ચે પણ ટકી રહેવાના જુ્સ્સાની કસોટી કરતી બેડમિંટનની રમતમાં ચીનના શી યુકીએ આગવું પ્રભુત્વ ઉભું કર્યું છે. કારકિર્દીના પ્રારંભે જ ઈજાઓથી પરેશાન રહેલા શી યુકીને ખેલભાવનાથી વિપરિત વર્તન કરવા બદલ એક વર્ષના પ્રતિબંધનો પણ સામનો કરવો પડી ચૂક્યો છે. જોકે, મુશ્કેલીનો સામનો કરીને બહાર આવેલા યુકીએ વિશ્વના ટોચના પુરુષ બેડમિંટન ખેલાડી તરીકેનું આગવું ગૌરવ હાંસલ કરી લીધું છે.
શી ની આ સફળતાની વિશેષતા એ પણ છે કે, તેણે ઓલિમ્પિક ચેમ્પિયન ડેનમાર્કના વિક્ટર એક્સેલસનના વિશ્વના ટોચના ખેલાડી તરીકેના ૧૩૨ સપ્તાહના સામ્રાજ્યનો અંત આણતા આ ખિતાબ હાંસલ કર્યો હતો. કારકિર્દીની શરુઆતમાં જ ભારે ચડાવ-ઉતારનો સામનો કરી ચૂકેલા શી યુકીએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૧૮માં રજત ચંદ્રક હાંસલ કર્યો હતો. જ્યારે સુદીરમાન કપમાં ચીનની ટીમ તરફથી તે ત્રણ સુવર્ણચંંદ્રકો જીતવાનું ગૌરવ મેળવી ચૂક્યો છે. થોમસ કપ અને એશિયન ગેમ્સમાં પણ તેણે સુવર્ણ સહિતના ચંદ્રકો પણ હાસલ કર્યા છે અને માત્રને માત્ર બેડમિંટન રેકેટને સહારેે આગળ વધવાનો તેનો દ્રઢ સંકલ્પ જ તેને નવી ઊંચાઈ સુધી પહોચાંડવાના પાયામાં રહેલો છેે.
આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં યુકી ૨૦૧૮માં વિજેતા બની ચૂૂક્યો છે. જ્યારે ચાલુ વર્ષે ઈન્ડિયા ઓપનની સાથે ફ્રેન્ચ ઓપન, સિંગાપોર અને ઈન્ડોનેશિયા ઓપન જેવા ટાઈટલ પણ પોતાના નામે કરી લીધા છે. સુપર સિરીઝ જેવી એલીટ ટુર્નામેન્ટમાં પણ તેણે ખિતાબી જીત હાંસલ કરી છે, જે તેની કારકિર્દીને આગવા પ્રભુત્વ સાથેનો નિખાર પુરો પાડી રહી છે.
અત્યંત તનાવ વચ્ચે પણ અડગ બની રહેેવાના જુસ્સાને કારણે શી યુકીને તેના અંતરંગ વર્તુળમાં સામેલ પરિવારજનો અને ચાહકો 'સ્ટોન'ના નામથી જ ઓળખે છે અને તેણે પોતાની કારકિર્દી દરમિયાન 'સ્ટોન' એટલે કે પથ્થર જેવી જ મક્કમતા દેખાડીને બધાને આશ્ચર્ય સાથેનો આંચકો આપતાં સફળતા હાંસલ કરી લીધી છે. માત્ર છ વર્ષની વયે શીને તેના પિતા ફેંગે નાન્તોન શહેરમાં આવેલી જુનિયર સ્પોર્ટ્સ સ્કૂલમાં દાખલ કરી દીધો હતો. સ્થાનિક સ્તરની ટુર્નામેન્ટમાં મેળવેલી સફળતાને પરિણામે તેના પરિવારે બેડમિંટનમાં જ તેની કારકિર્દીને આગળ ધપાવવાનું નક્કી કર્યું.
માત્ર ૧૧ વર્ષની વયેે ચીન છોડીને શી એ બેડમિંટનની તાલીમ માટે સાઉથ કોરિયા જવાનું નક્કી કર્યું. નાનકડા શી માટે સાઉથ કોરિયામાં રહેવું પડકારજનક હતુ, પણ તેણે તમામ મુશ્કેલીઓનો સામનો કરતાં ત્યાં રહીને જે પ્રશિક્ષણ મેળવ્યું, તેનાથી તેની રમતનો પાયો નંખાયો અને આ જ પાયા પર તેની સફળતાનો આખો મહેલ તૈયાર થયો. સાઉથ કોરિયાના ભૂતપૂર્વ ચીફ કોચ ઝાંગ કિંગ સોંગના સીધા માર્ગદર્શનમાં શી ની કારકિર્દીનું ઘડતર થયું. જોકે તેની કારકિર્દી આકાશી ઉડાન ભરે તે પહેલા વર્ષ ૨૦૦૮માં જ્યારે આર્થિક મંદીનું વાતાવરણ સર્જાયું ત્યારે ફેંગની સ્થિતિ પણ કથળી. તેની સીધી અસર શી ની બેડમિંટન પ્રેક્ટિસ પર થઈ અને તેને સાઉથ કોરિયા છોડીને પાછા ફરવું પડયું.
ચીનમાં પરત ફર્યા બાદ તેણે ફરી સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરુ કર્યું. સાઉથ કોરિયામાં તાલીમ મેળવનારા શીના ફૂટવર્કમાં જબરજસ્ત સુધારો થયો અને તેની ફિટનેસમાં વધારો થયો. શી એ ૧૬ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તો નેશનલ ચેમ્પિયનશિપ જીતી લીધી અને આ પછી યુથ ઓલિમ્પિકમાં પણ તેેણે સ્વર્ણિમ સફળતા હાંસલ કરી બતાવી. આ સાથેે તેની પ્રોફેશનલ ખેલાડી તરીકેની કારકિર્દીનો પ્રારંભ થયો. આ પછી ૨૦૧૮માં તેેણે તેના જ દેશના દિગ્ગજ ખેલાડી લીન ડાનને હરાવીને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ અને જાપાનના મોમોતાને હરાવીને વર્લ્ડ ટુર ફાઈનલ્સ પણ જીતવાની સિદ્ધિ મેળવી.
આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં આગળ વધી રહેલા શી ની કારકિર્દીની ૨૦૧૯માં પગ મચકોડાઈ જતાં ગંભીર ઇજા થઈ અને તેની કારકિર્દીને મોટો ફટકો પડયો. સર્જરી અને લાંબા રિહેબ કાર્યક્રમ બાદ તેણે ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લીધો પણ તે ખાસ સફળતા મેળવી ન શક્યો. જોકે ૨૦૨૦ના થોમસ કપમાં જાપાન સામેની મેચમાં મોમોતા સામે તેે પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ બીજી અને નિર્ણાયક ગેમમાં ૫-૨૦થી પાછળ હતો, ત્યારે ખસી ગયો હતો. આ કારણેે મોમોતાને વોકઓવર મળ્યો હતો. શી એ જાણી જોઈને તેને હરિફને એક પોઈન્ટ લેવા ન દીધો અને મેચને વોકઓવરમાં ફેરવી. આ પછી જ્યારે ૨૦૨૨માં જ્યારે તેને પત્રકારે ૨૦૨૦ની ચેમ્પિયનશિપમાં ખસી જવા અંગે પ્રશ્ન કર્યો, ત્યારે વર્લ્ડ રેન્કિંગમાં બીજા ક્રમાંકિત શી એ કહ્યું કે, હું ખસી ગયો એટલે તેેને વોકઓવર મળ્યો. આમ તે મારી સામે જીત્યો તો ન જ કહેવાય.
તેની આ કોમેન્ટ બાદ આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં ભારે ઉહાપોહ મચી ગયો અને આખરે ચીને તેેના સ્ટાર ખેલાડી પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું. પ્રતિબંધના સમયગાળા દરમિયાન શી એટલો હતાશ થઈ ગયો કે તેણે બેડમિંટન છોડવાનું મન મનાવી લીધું હતુ. જોકે તેના કોચ અને પરિવારના સપોર્ટને કારણે તે ટકી રહ્યો. આખરે લેખિતમાં માફી માંગવાના કારણે તેની સજામાં બે મહિનાનો ઘટાડો કરવામા આવ્યો અને તેેણે ૨૦૨૨ની વર્લ્ડ ચેમ્પિયનશિપથી પુનરાગમન કર્યું અને તેને બે ટાઈટલ હાંસલ કર્યા.
સખત મહેનતની સાથે સંઘર્ષ કરી રહેલા શીએ ૨૦૨૩માં ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ ટુર ફાઈનલ્સ સુધીની સફર ખેડી પણ તેને રનરઅપ બનીને સંતોષ માનવો પડયો. જોકે ત્યાર બાદના વર્ષે તેણે ફરી વખત આગવી લય હાંસલ કરી લીધી. તેણે તેના પાવરફૂલ સ્મેશ અને અણધાર્યા રિફ્લેક્સિસની મદદથી જબરજસ્ત રિટર્ન કરીને હરિફોને પરેેશાન કરી દીધા અને ૨૦૨૪માં થોમસ કપ જીતવા સાથે એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ હાંસલ કર્યો અને સતત ચાર વર્લ્ડ ટુર ટાઈટલ્સ મેળવતા ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી બન્યા બાદ હજુ તેની સામે વર્લ્ડ ચેમ્પિયન બનવાનો પડકાર ઉભો જ છે. જોકે, ઈજાઓ સામેના સંઘર્ષ અને હતાશાને દૂર કરીને તેણે જે પ્રકારે બેડમિંટનની દુનિયામાં સફળતા હાંસલ કરી છે, તે ખરેખર પ્રેરણાદાયી છે.