Get The App

અંદરના બાળકને ઓળખીએ! .

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
અંદરના બાળકને ઓળખીએ!                            . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- માતા-પિતાએ સમજવું જોઈએ કે તમે જે કરશો તેવું તરત જ તમારું બાળક કરશે. બે-ત્રણ વર્ષની ઉંમર સુધી તેને એકલું ન મૂકવું

પ તિયાલામાં સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને હરપ્રીત ગ્રોવર ઉચ્ચ અભ્યાસાર્થે મુંબઈ આવ્યા. મુંબઈની આઈ.આઈ.ટી.માંથી સિવિલ એન્જિનીયરીંગમાં પદવી મેળવી અને કન્સલ્ટન્ટ તરીકે થોડાં વર્ષો સુધી કામ કર્યા પછી તેમના સહાધ્યાયી સાથે ૨૦૦૬માં કોક્યૂબ કંપની શરૂ કરી, જે અભ્યાસ પૂર્ણ કરીને નોકરી શોધતાં યુવાનોને જુદી જુદી કંપનીઓને જોડી આપતું પ્લેટફોર્મ છે. યુવાનોની નોકરીની ક્ષમતાને ચકાસીને એ પ્રમાણે નોકરી આપે છે, પરંતુ ૨૦૧૬માં હરપ્રીત ગ્રોવરે કોક્યૂબને એઓન હેવિટને વેચી દીધી. આ સમય દરમિયાન તેમણે ફંડ રેઝિંગ અને અન્ય ઘણા સ્ટાર્ટઅપમાં કામ કર્યું. તેઓ કહે છે કે તેમને માટે ૨૦૧૬નું વર્ષ મહત્ત્વનું બની રહ્યું, કારણ કે એ સમયે એમની દીકરી એક વર્ષની હતી અને તેઓ તેની સાથે રહીને તેને મોટી થતી જોવા માગતા હતા. 

હરપ્રીત ગ્રોવરે પોતાની કંપની વેચી દીધી. જેઓ સફળતા મેળવવામાં એમનાથી દસ વર્ષ આગળ હતા તેમને પૂછયું કે જો તેઓ એમના ભૂતકાળના સમયમાં પાછા ફરી શકે તો જીવનમાં શું કરવા માગે છે ? ત્યારે હરપ્રીતના આશ્ચર્ય વચ્ચે સહુએ એક જ વાત કહી કે બાળકો ક્યારે મોટા થઈ ગયા તેની ખબર નથી. તેમને સમય ન આપી શક્યા તેનો અફસોસ થાય છે. પૈસા તો મળ્યા, સફળતા હાંસલ થઈ, પરંતુ હવે એ સમય પાછો નહીં લાવી શકીએ. હરપ્રીતે પોતાની દીકરી સાથે રહેવાનું નક્કી કર્યું. તેમણે પુત્રી સાથે, પાડોશીના બાળકો સાથે અને પુત્રીના મિત્રો સાથે સમય વીતાવ્યો, બાળમનોવિજ્ઞાાનનો અભ્યાસ કર્યો અને આ વિષયનાં અનેક પુસ્તકો વાંચ્યાં. તેમને લાગ્યું કે બાળકોની એક અલગ જ દુનિયા છે. એમણે જોયું કે માતા-પિતા પોતાના જીવનમાં વ્યવસાયમાં અત્યંત વ્યસ્ત છે. બાળઉછેરને માતા-પિતા બહુ સાહજિક રીતે લે છે. બીજી બાજુ અમુક લોકો બાળકો પર જરૂર કરતાં વધુ ધ્યાન આપી રહ્યા છે. બાળક દોઢ-બે વર્ષનું થાય એટલે માતા-પિતા પ્રિ-સ્કૂલ માટે દોડાદોડી કરે છે. થોડું મોટું થાય એટલે સ્કૂલના અભ્યાસ સાથે જુદી જુદી પ્રવૃત્તિ અથવા ક્લાસમાં દાખલ કરે છે. આને કારણે એમને રમવાનો કે શાંતિથી બેસવાનો સમય નથી મળતો. 

આજે હરપ્રીત ગ્રોવર પોતાના અનુભવે અને સંશોધનો કરીને, બાળકો વિશે વાંચે છે, લખે છે અને વક્તવ્ય આપે છે જેથી જે માતા-પિતા પાસે બાળકોની દુનિયાને જાણવાનો સમય નથી તેમને ઉપયોગી માહિતી મળે અને વિશેષ સંશોધન ન કરવું પડે. તેઓ માને છે કે બાળક એક જ પ્રકારનું ત્યારે દેખાય છે જ્યારે તે કામમાં મગ્ન હોય છે, વ્યસ્ત હોય છે. તે કોઈ પ્રશંસા, લાલચ કે ડરને કારણે ન લડે છે, ન રડે છે, ન મમ્મી-મમ્મી કે પપ્પા-પપ્પા કરે છે, પરંતુ ત્યારબાદ પ્રથમ ક્રમાંક મેળવવામાં, મોબાઈલ જોવાના આકર્ષણમાં, સ્કૂલમાં ગણિત, વિજ્ઞાાન, અંગ્રેજી શીખવામાં અને મા-બાપને ખુશ કરવાના ચક્કરમાં તે ખોવાઈ જાય છે.

આ બધા અનુભવે તેઓ સોશિયલ મીડિયા પર ૨૦૨૨થી 'ધ ક્યુરિયસ પેરેન્ટ્સ' નામે દરરોજ પાંચ મિનિટ પોતાના અનુભવો કહે છે. પહેલાના સમયમાં એમ કહેતા કે, 'બચ્ચે તો ઐસે હી બડે હો જાયેંગે', પરંતુ ખરેખર તેનો યોગ્ય ઉછેર થાય છે ખરો ? તેઓ કહે છે કે માતા-પિતાએ સમજવું જોઈએ કે તમે જે કરશો તેવું તરત જ તમારું બાળક કરશે. બે-ત્રણ વર્ષની ઉંમર સુધી તેને એકલું ન મૂકવું.

તેઓ 'અન્ડરસ્ટેન્ડિંગ યોર ચાઇલ્ડ' અને 'હાઉ ટુ સિલેક્ટ એ સ્કૂલ' નામના બે કોર્સ ચલાવે છે. એવી કોઈ સ્કૂલ નથી જે તમારા બાળકને હોશિયાર અને જીવનમાં સફળ બનાવે. બાળકોની સંભાળ લેનાર અને પ્રેમાળ વાતાવરણ ધરાવતી સ્કૂલ તેમને સફળ બનાવવામાં મદદરૂપ થાય છે. એવી સ્કૂલ પસંદ કરવી કે જ્યાં તેમને ભૂલ કરવાની છૂટ હોય. 'બ્રશ કર', 'જમવા બેસ', 'રમકડાં સરખાં મૂક', 'સ્વેટર પહેર' જેવી આદેશાત્મક ભાષાનો ઉપયોગ કરીએ છીએ. તેને બદલે 'દાંતમાં જીવાણું થઈ જશે તો ?', 'ચાલો, હવે જમવાનો સમય થઈ ગયો છે', 'રમકડાં કબાટમાં કેટલાં સારાં લાગે છે !', 'સ્વેટર પહેરીશ તો ઠંડી નહીં લાગે' જેવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.

જો બાળકને વાંચવાની ટેવ પાડવી હોય તો ઘરમાં એવું વાતાવરણ સર્જવું અને માતા-પિતાએ પણ સાથે વાંચવું જોઈએ. બાળક સાથે વીતાવેલો સમય તેના પર એક છાપ અંકિત કરી જાય છે. દરેક વાતચીતની નાની નાની છાપમાંથી પસાર થઈને તે મોટું થાય છે. તેના મન પર એવી છાપ છોડવી કે જેનાથી તેનું ભવિષ્ય બદલાઈ જાય. આજે બાળકો અભ્યાસ કરે છે, પણ સમજતા નથી. બાષ્પીભવન વિશે કડકડાટ બોલી જાય છે, પણ ઘરમાં કપડાં સૂકાય છે તેમાં આ જ સિદ્ધાંત કામ કરે છે તેવી સમજ નથી. લખે છે, પણ સારી અભિવ્યક્તિ આવડતી નથી. માતા-પિતાના કહેવાથી વડીલોને આદર આપે છે, પણ સ્નેહ નથી. બાળકોને બહારથી જોઈએ છીએ અને અંદરના બાળકને ભૂલતા જઈએ છીએ. તેની અંદર શું થઈ રહ્યું છે તે જોવા માટે મનની આંખોથી બાળકોને જોવા પડશે.

નારી કરશે વિશ્વ પરિવર્તન

આજે હજારો સ્ત્રીઓ જાગૃત થઈને અન્ય યુવાન સ્ત્રીઓને સહાય કરે છે અને એમને આશા છે કે તેઓ વિશ્વમાં પરિવર્તન લાવી શકશે

અંદરના બાળકને ઓળખીએ!                            . 2 - image૧૯ ૭૯માં પાકિસ્તાનના લોઅર દીર જિલ્લામાં શાદ બેગમનો જન્મ થયો હતો. ૧૯૬૯ સુધી આ વિસ્તાર સ્વાયત્ત રજવાડું હતું અને ત્યાં નવાબ શાહજહાં ખાનનું રાજ્ય હતું. તેઓ નહોતા ઇચ્છતા કે પોતાની બિરાદરીમાં લોકો શિક્ષિત થાય. શાદના જન્મ વખતે જ દીર પાકિસ્તાનમાં વિલય પામ્યું અને તે સમયે પાંચ ટકા છોકરાઓ અને એક ટકો છોકરીઓ સ્કૂલમાં પ્રવેશ પામી શક્યા હતા. શાદ નસીબદાર હતી કે તેનો સમાવેશ એક ટકા છોકરીઓમાં થયો હતો. તેનું કારણ તેના પિતા ડૉક્ટર હતા અને સમાજમાં તેમનું આગવું સ્થાન હતું. તેઓ 'ઈદારા ખિદમત-એ-ખલ્ક' નામનું લોકકલ્યાણકારી સંગઠન પણ ચલાવતા હતા. પાંચ ભાઈઓની એકની એક બહેન હોવાથી પિતાએ શાદના સ્કૂલે જવા પર કોઈ દિવસ પ્રતિબંધ મૂક્યો નહોતો. શાદ સ્કૂલેથી છૂટયા પછી પિતાના ક્લિનિક પર પહોંચી જતી અને ત્યાં દર્દીઓની સારવારની સાથે સાથે લોકોની સામાજિક-આર્થિક સમસ્યાઓમાં પણ પિતાને રસ લેતા જોઈને તેને રસ પડતો હતો.

પરંતુ શાદ જ્યારે સોળ વર્ષની થઈ ત્યારે પિતાએ એને કહ્યું કે તે હવે તેની સાથે જાહેર જગ્યાઓએ જવાનું બંધ કરી દે. શાદને લાગ્યું કે જાણે પિતાએ કેદની સજા કરી દીધી ન હોય ! તેને ખૂબ દુ:ખ થયું, પરંતુ બે વર્ષ પછી પિતાએ જ તેને પોતાના સંગઠનમાં આવવાનું કહ્યું, કારણ કે ત્યાં મહિલાઓ જાતજાતની તકલીફ લઈને આવતી હતી. પિતા અને ફરિયાદી સ્ત્રીઓ વચ્ચે સેતુ બનેલી શાદ હવે વિચારવા લાગી કે તેની પોતાની શું ઓળખ છે ? શું સ્ત્રી હોવું કોઈ ગુનો છે ? પિતા શાદને સમજાવતાં કે સ્ત્રી હોવું તે કોઈ ખરાબ બાબત નથી, પરંતુ સમાજની દ્રષ્ટિમાં અને તેમની પ્રવર્તમાન માનસિકતામાં સમસ્યા છે. તેઓ સ્ત્રીઓને મનુષ્યનો દરજ્જો આપવા તૈયાર નથી.

૧૯૯૪માં એણે એસોસિયેશન ફૉર બિહેવિયર એન્ડ નોલેજ ટ્રાન્સફોર્મેશન - જે એબીકેટીના નામે ઓળખાય છે - નામનું સંગઠન શરૂ કર્યું. શાદે ઘણી છોકરીઓ અને સ્ત્રીઓને પોતાની સાથે જોડી. કેટલીક ઘટનાઓ એવી બનતી કે શાદ લાચાર બનીને જોઈ રહેતી, પરંતુ તે કહે છે કે આવી ઘટનાઓને કારણે વધુ મક્કમતાથી કામ કરતી થઈ. ૨૦૦૧માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભી રહી. અનેક પડકારોનો સામનો કરીને તેણે ચૂંટણીમાં જીત મેળવી. તેણે જોયું કે કાઉન્સિલમાં પુરુષોની સાથે મહિલાઓને બેસવાની કે નિર્ણયો લેવાની મંજૂરી નહોતી. સ્ત્રીઓને જુદા ઓરડામાં બેસાડવામાં આવતી.

છ વર્ષના પોતાના કાર્યકાળ દરમિયાન એણે મહિલાઓની વાસ્તવિક સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એણે પાંચ હેન્ડપમ્પ નખાવ્યા અને બે કૂવાને પુનર્જીવિત કર્યા તેના કારણે પાંચ હજાર પરિવારોને પીવાનું સ્વચ્છ પાણી મળ્યું. એક વખત એક વ્યક્તિએ તેને કહેલું કે તમે ચૂંટાયેલી મહિલાઓ સીવવાનાં મશીન ખરીદો. શાદે એ પુરવાર કર્યું કે જે કામ પુરુષો કરે છે તે કામ સ્ત્રીઓ પણ કરી શકે છે. શાદે કાઉન્સિલમાં પુરુષોની સાથે જ સ્ત્રી સભ્યો પણ બેસે એવી મંજૂરી મેળવી. એટલું જ નહીં પણ બજેટ, આયોજન અને કાયદાકીય બાબતોમાં પોતાનો મત પણ દર્શાવી શકશે. ૨૦૦૭માં સ્વાતમાં તાલિબાનો દ્વારા નિર્દોષ લોકોની હત્યા થવા લાગી, ત્યારે તેણે પોતાનાં બાળકોને દાદા-દાદી પાસે મૂકીને દીર છોડીને પેશાવરથી કામ ચાલુ રાખ્યું. 

૨૦૦૯માં લાખોની સંખ્યામાં લોકો સ્વાત, દીર અને આસપાસના જિલ્લામાંથી પેશાવર આવી ગયા હતા. શાદ દરરોજ આ કેમ્પોમાં જતી. તે સમયે તેણે ચાર હેલ્થકેર યુનિટ શરૂ કર્યા, જેમાં માતા અને બાળકની સંભાળ લેવામાં આવે. આશરે દસ હજાર સ્ત્રીઓએ તેની મુલાકાત લીધી. શાદે અનુભવ્યું કે સ્ત્રીઓની જરૂરિયાતો પર ઓછું ધ્યાન આપવામાં આવે છે. તેની પાછળનું કારણ એ હતું કે સામાજિક અને રાજકીય સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી ખૂબ ઓછી હતી, તેથી તેણે પોતાનું સમગ્ર ધ્યાન રાજકીય ક્ષેત્રે મહિલા નેતૃત્વ તૈયાર કરવા પર કેન્દ્રિત કર્યું. શાદે ત્રણસો મહિલાઓ અને યુવતીઓને ૨૦૧૫ની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યા, જેમાંથી પચાસ ટકા ઉમેદવારો ચૂંટણીમાં જીત્યાં. તેઓ કાઉન્સિલમાં સક્રિય રીતે કામ કરતાં થયાં.  

આ બધામાં છવ્વીસ વર્ષની સાયરાએ બે કોમ્યુનિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ પૂર્ણ કરી. ગર્લ્સ સ્કૂલ તરફ જવાના રોડ તૈયાર કરાવ્યા અને સાબિત કર્યું કે સ્ત્રીઓ આવા કામ પણ કુશળતાથી કરી શકે છે. તે ક્ષેત્રની પ્રથમ પત્રકાર અસ્મા ગુલે યંગ લીડર ફોરમની રચના કરી. પાકિસ્તાનના ૨૦૧૩ની સામાન્ય ચૂંટણીમાં અને ૨૦૧૫ની સ્થાનિક ચૂંટણીમાં દીરમાં એકસોથી પણ ઓછી સ્ત્રી મતદાતા હતી, પરંતુ આજે દીરમાં ત્રાણું હજાર સ્ત્રી મતદાતાઓ છે. આજે ૪૫ વર્ષના શાદને આટલું કરતાં ત્રેવીસ વર્ષ થયા, પરંતુ તેઓ નથી ઇચ્છતા કે અન્ય સ્ત્રીને ત્રેવીસ વર્ષ સંઘર્ષ કરવો પડે. આજે હજારો સ્ત્રીઓ જાગૃત થઈને અન્ય યુવાન સ્ત્રીઓને સહાય કરે છે અને એમને આશા છે કે તેઓ વિશ્વમાં પરિવર્તન લાવી શકશે.


Google NewsGoogle News