Get The App

જગતનિર્માતા ઈશ્વર માનવી પર અપાર દુ:ખો કેમ વીંઝે છે ?

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
જગતનિર્માતા ઈશ્વર માનવી પર અપાર દુ:ખો કેમ વીંઝે છે ? 1 - image


- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- 'જો ગુસ્સો સારો નહીં, પણ એક કામ કર. જે દિવસે આવો ક્રોધ આવે એ દિવસે ભોજન સમયે જોવું કે આજે સ્વાદિષ્ટ વસ્તુ કઈ થઈ છે અને પછી એ દિવસે એ વસ્તુ ખાવી નહીં, કારણ કે તારાથી ગુસ્સો કરવાનો અપરાધ થયો છે. બસ આમ કરીશ એટલે ધીરે ધીરે રોકાઈ જશે.'

- જો સાધક અજ્ઞાની હોય તો એને ફળપ્રાપ્તિમાં વિલંબ થતો હોય છે. અથવા તો એને શીઘ્ર લાભ થતો નથી. પરંતુ એ અજ્ઞાનના કારણે કેમ વિલંબ થાય છે એ જાણી શકતો નથી

આ પણી અનોખી સત્સંગ સભામાં મા આનંદમયીનાં ઉપદેશોનો અર્ક પામી રહ્યા છીએ, ત્યારે કેટલાંક માર્મિક પ્રશ્નોનો તેઓએ આપેલો ઉત્તર એ સાધકમાં નવી દ્રષ્ટિનો સંચાર કરે તેવો છે. એક વ્યક્તિએ બહુ માર્મિક જિજ્ઞાસા કરી કે, 'આ જગતની રચના ઈશ્વરે કરી હોય તો પછી માનવી પર આટલા બધાં દુ:ખો કેમ ? શું ઈશ્વર માનવીને આવાં દુ:ખો આપવા માટે રાજી હશે ? અરે ! જુઓ ને ! સંતો પર પણ કેટલાં દુ:ખો પડે ?'

આના ઉત્તરમાં શ્રીમા આનંદમયીએ કહ્યું કે, 'ઈશ્વરે ક્યાંક કષ્ટની રચના કરી નથી. એ શાને પોતાના સર્જન એવા માનવીને દુ:ખ આપવાનો વિચાર કરે ? હકીકતમાં તો માનવીને જે દુ:ખ થાય તે એના અહંકાર અને અભિમાનને કારણે થાય છે. એને પરિણામે એ કષ્ટ ભોગવે છે. જો એ અહંકાર અને અભિમાનનો પરિત્યાગ કરી દે, તો પછી એને કશું કષ્ટ રહેતું નથી. આમ ઈશ્વરે કષ્ટની રચના કરી નથી. એ શાને દુ:ખની રચના કરે ? અને માનવીને દુ:ખ આપવાનું વિચારે?' હકીકતમાં તો લોકોએ સ્વયં પોતાના અજ્ઞાનથી આ કષ્ટોની સૃષ્ટિ ઊભી કરી છે.

એક જિજ્ઞાસુએ આવો જ સવાલ પોતાની જબાનમાં પૂછયો, ''જ્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું, ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું, 'તું તારે માર્યે રાખ, એના પાપની જવાબદારી મારે માથે.' તો પછી અમારા પાપની જવાબદારી પણ ભગવાનની જ ને ? અમે પાપ કરીએ એનો ગુનેગાર પણ એ ભગવાન જ ને ?''

આવા પ્રશ્નના ઉત્તરમાં શ્રીમા આનંદમયી એ કહ્યું કે, 'તમે વાલ્મિકીની વાત તો જાણો છો. આ વાલ્મિકી એ પૂર્વે વાલિયો લૂંટારો હતો અને એનો એક વાર નારદ સાથે ભેટો થયો, ત્યારે નારદે એને પ્રશ્ન કર્યો હતો, 'તમે જે પાપકૃત્ય કરો છો એના ભાગીદાર કોણ છે ?'

આના ઉત્તરમાં વાલિયાએ કહ્યું હતું, 'હું જે પાપકૃત્ય કરું છું કે પછી લૂંટ ચલાવું છું, તેને કારણે તો મારી સ્ત્રી, મા અને મારા બાળકોનું ભરણપોષણ થાય છે. એટલે એ બધાં આમાં ભાગીદાર ગણાય જ ને?'

નારદે કહ્યું કે, 'ઘેર જઈને સ્ત્રી વગેરેને એ વિશે પૂછી આવજે.'

એ ઘેર ગયા અને સહુએ કહ્યું કે, 'ના, અમે તમારા પાપનાં ભાગીદાર નહીં,' આથી વાલિયાની આંખ ઊઘડી ગઈ. એનો અર્થ જ એ કે તમે જે પાપ કરો છો, તેના ભાગીદાર પણ તમે પોતે જ છો. જો પાપનો બોજો ઉપાડનાર બીજો કોઈ મળી જાય તો તો તમે ફાવે તેટલા પાપ કરો. જુઓ, યંત્રને કોઈ પાપ લાગતું નથી. યંત્રીને જ પાપ લાગે છે.

મોટર અકસ્માત થાય તો કોઈ મોટરને સજા કરતું નથી, પણ ડ્રાઈવરને જ ડંડા પડે છે. પરંતુ ભગવાન તો સૃષ્ટિતનું સર્જન કરે છે. જે સૃષ્ટિનું સર્જ કરે છે, તે તેમાં વૃદ્ધિ પણ કરી શકે છે અને સંહાર પણ કરી શકે છે. જે દોષ મટાડી શકે છે એને દોષ લાગતો નથી. ભગવાન પર તમે દોષ ઢોળી શકો નહીં, તેને માટે તો કોઈ દોષસ્થાન છે જ નહીં. એ અંગે જેને દોષદ્રષ્ટિ હોય એને જ દોષ લાગે છે.

આવે સમયે એક જિજ્ઞાસુએ વળી વિકટ પ્રશ્ન પૂછ્યો. એણે સવાલ કર્યો, 'મા, તુલસીદાસ તો મહાજ્ઞાની અને ભક્ત હતા અને જ્યારે ભગવાને તેમને શ્રીકૃષ્ણ રૂપે દર્શન આપ્યા ત્યારે શા માટે તેમણે કહ્યું કે હું તમને આ રૂપમાં જોવા ઈચ્છતો નથી. મને રામ રૂપે દર્શન આપો. આવું કેમ ? બધું જ્યારે એક હોય, ત્યારે રૂપ વિશે આવી ભિન્નતા શા માટે ? આનો અર્થ સમજાવો.'

આ સમયે શ્રીમા આનંદમયીએ કહ્યું કે, ''તમે જ કહ્યું કે તુલસીદાસ જ્ઞાની અને ભક્ત બંને હતા. એમણે જ્ઞાનની વાત તો કરી. એમણે એમ કહ્યું કે, 'તમે મને રામરૂપમાં દર્શન આપો. તમારું આ રૂપ હું જોવા ઈચ્છતો નથી.' આનો અર્થ એ કે તેઓ જાણતા હતા કે રામ અને કૃષ્ણ એક જ છે. માત્ર રૂપ જ ભિન્ન છે. આ પરથી એમનું જ્ઞાન વ્યક્ત થાય છે કે હું તમને મારા ઈષ્ટ રામરૂપમાં જોવા ઈચ્છું છું, કારણ કે એ રૂપ મને પ્રિય છે.''

શ્રીમા આનંદમયીએ આ ઉત્તર આપ્યો, ત્યારે ભારતના મનિષી શ્રી ગોપીનાથ કવિરાજ ઉપસ્થિત હતા અને એમણે આ ઉત્તર સાંભળીને કહ્યું, 'કોઈ પણ વાતનો જવાબ આપવા માટે માએ વિચાર કરવો પડતો નથી. જ્યારે જે વાતની જરૂર હોય, ત્યારે માની અંદરથી એ પ્રકારનો જવાબ પ્રગટે છે.'

એક વખત કોઈએ જિજ્ઞાસા વ્યક્ત કરી અને એ સાહજિક જિજ્ઞાસા હતી. એમણે કહ્યું કે, 'ધર્મમાં જેટલાં મત છે, તેટલાં નામ છે આવું કેમ ?'

આના ઉત્તરમાં શ્રીમા આનંદમયીએ કહ્યું કે, 'દરેક વ્યક્તિને માટે માર્ગ જુદો હોય છે. દરેકને પોતાનાં ઘેર પહોંચવા માટે જુદાં જુદાં માર્ગો લેવા પડે છે. એક ઘરમાં પાંચ છોકરાઓ હોય, તો એ પાંચેયની રુચિ ભિન્ન હોય છે.'

એટલે કે કોઈને વેદાંતમાં રસ હોય છે, કોઈને વૈષ્ણવ મતમાં શ્રદ્ધા હોય છે, તો કોઈ શાક્તામાં આસ્થા ધરાવતો હોય છે. આથી જ એનો પથ અર્થાત્ માર્ગ એક કહી શકાતો નથી. હકીકતમાં તો સત્યપ્રાપ્તિની જે ઈચ્છા હોય, તેનું ઘડતર જૂદું જ હશે, પણ અંતે તો એને જવું પડશે સત્યના દ્વારથી જ.'

શ્રીમા આનંદમયીના ઉત્તરનો અર્થ એ થાય કે સાધકની રુચિ પ્રમાણે એનો પથ નિર્ધારિત થતો હોય છે. દરેક વ્યક્તિની પોતાની અમુક રુચિ હોય છે. અમુક સંસ્કારો એને પ્રાપ્ત થતા હોય છે, એની પાસે અમુક સામર્થ્ય હોય છે અને એ સઘળી બાબતો અનુસાર એ પોતાના પથ-માર્ગને નિર્ધારિત કરે છે. જેમ બધી જ નદીઓ ઘૂમીને, ફરીને સમુદ્રમાં મળે છે, એ જ રીતે બધાં જ માર્ગ જુદાં જુદાં હોવા છતાં ઘૂમી ફરીને પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે. આ રીતે જુદાં જુદાં મતો પ્રવર્તતા હોય એ સામાન્ય બાબત છે અને સાધક પોતાની પસંદગીના માર્ગે ચાલતો હોય તે પણ સાહજિક બાબત છે. લક્ષ્ય તો બધાનાં એક જ છે. મુમુક્ષુતા સહુમાં પડેલી છે, પણ જે માર્ગ એને પસંદ પડે એ માર્ગે એ ચાલતો હોય છે.

એક વ્યક્તિએ પોતાની વિલક્ષણ જિજ્ઞાસા પ્રગટ કરી. એને એમ હતું કે શા માટે જીવનભર સાધના કરવી જોઈએ ? અમુક વર્ષ સુધી સાધના કરીએ અને ફળપ્રાપ્તિ થાય તેમ કેમ નથી ? અમુક વર્ષ વ્યક્તિ વ્યાપારમાં પુરુષાર્થ કરે અને ફળપ્રાપ્તિ મેળવી શકે છે એમ જે સંસારમાં બને છે તે સાધનામાં કેમ નહીં ? આથી એણે પ્રશ્ન કર્યો કે, 'સાધના કેટલા દિવસ સુધી કરવી જોઈએ ?'

આ પ્રશ્નનો બહુ માર્મિક ઉત્તર શ્રીમા આનંદમયી પાસેથી પ્રાપ્ત થાય છે .એમના કહેવા પ્રમાણે 'જે ક્ષણપર્યંત પ્રકાશ ન થાય ત્યાં સુધી નિરંતર કર્યે જવું જોઈએ. નિરંતર એટલે વચ્ચે અટક્યા વિના સતત. તેઓ કહે છે કે, અંતર પડવાથી આંટી પડે છે. પરિણામે નિરંતર અખંડ ધારામાં સાધના કરવી જોઈએ. એટલે કે તમારો પ્રયત્ન 'તૈલધારાવત્' હોવો જોઈએ. જેમ તેલની સતત ધાર પડે એ રીતે એ પ્રયત્ન ચાલવો જોઈએ અને લક્ષ્ય અખંડ દિશામાં રહેવું જોઈએ. જ્યારે મનની ગતિને એ અખંડ સ્પર્શ થાય, ત્યારે એ જ ક્ષણે પૂર્ણતાની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રાપ્તિની ઉત્કટતા હોય, પામવાની એકાગ્ર તમન્ના હોય, ફળ તરફની દ્રષ્ટિ ન હોય તો ફળપ્રાપ્તિનો સમય વહેલો આવે છે. આ મહાક્ષણના આવિર્ભાવ સાથે પૂર્ણસ્વરૂપ અખંડ રૂપથી આત્મપ્રકાશ થાય છે. ક્ષણનો ઉદય થતાં કાળનું બંધન કપાઈ જાય છે.'

જો સાધક અજ્ઞાની હોય તો એને ફળપ્રાપ્તિમાં વિલંબ થતો હોય છે. અથવા તો એને શીઘ્ર લાભ થતો નથી. પરંતુ એ અજ્ઞાનના કારણે કેમ વિલંબ થાય છે એ જાણી શકતો નથી. હકીકતમાં તો ફળ જ્યાં સુધી ઉદય ન પામે ત્યાં સુધી શ્રદ્ધાની સાથે એ કર્મને સમગ્ર અંતરની સાથે પકડી રાખવું આવશ્યક છે.'

એક વાર એક વ્યક્તિએ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતા કહ્યું કે, 'મા મને ગુસ્સો બહુ આવે છે અને એને રોકી પણ શકતો નથી ?'

ત્યારે શ્રીમા આનંદમયીએ કહ્યું, 'જો ગુસ્સો સારો નહીં, પણ એક કામ કર. જે દિવસે આવો ક્રોધ આવે એ દિવસે ભોજન સમયે જોવું કે આજે સ્વાદિષ્ટ વસ્તુ કઈ થઈ છે અને પછી  એ દિવસે એ વસ્તુ ખાવી નહીં, કારણ કે તારાથી ગુસ્સો કરવાનો અપરાધ થયો છે. બસ આમ કરીશ એટલે ધીરે ધીરે રોકાઈ જશે.'


Google NewsGoogle News