Get The App

નવા વર્ષને એકાગ્રતાથી આવકારીએ .

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
નવા વર્ષને એકાગ્રતાથી આવકારીએ                     . 1 - image


- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

મકડી જૈસે મત ઉલજો તુમ ગમ કે તાનેબાને મેં,

તિતલી જૈસે રંગ બિખેરો હંસ કર ઇસ જમાને મેં .

કો ની પંક્તિ છે ખબર નથી, ક્ષમા પણ હા, વિક્રમ સંવત ૨૦૮૦ના અંતિમ દિવસોમાં માનવીય નબળાઈ તરફ બરાબર આંગળી ચિંધે છે.

આપણું જીવન જાણે કે એમેઝોનનું વેરહાઉઝ હોય તેમ આપણે તેમાં વસ્તુઓ, વિચારો, પ્રસંગો, દુ:ખો, અને બેહિસાબ સ્મૃતિઓ  ઠાલવ્યા કરીએ છીએ. જીવનભર ખાધેલાં ફળોના છાલ- છોતરાં કોણ કબાટમાં એકઠાં કરે ? પણ સૂક્ષ્મ અર્થોમાં આપણે આમ જ કરીએ છીએ. વહેતું રહે તે જીવન, રોકાય જાય તે મૃત્યુ. પળ તો તાજું ફળ છે - સત્વ અને પોષણથી છલોછલ, જો તેને બચાવી રાખ્યું તો તે વાસી અને ઝેરી બની જાય છે. તથાગત બુધ્ધ તો વળગી રહેવાની વૃત્તિને જ દુ:ખનું મૂળ કારણ ગણે છે. ગત વરસની સ્મૃતિઓ (સારી કે નઠારી) પણ આવરણ બની જાય છે. તે આપણને સામે આવીને ઉભેલ પળને નીરખવા દેતી નથી. તે ફિલ્ટર્ડ વિઝન છે. જો રવિવાર હઠ પકડે કે મારે રોકાવું છે તો સોમવાર નથી આવતો. આજને વળગવું એટલે આવતીકાલને નકારવી. આવો એક રસપ્રદ ઘટનાથી સમજીએ....

એક વખત મંદિરેથી પાછી આવેલી નાનકડી દીકરીએ પિતાને કહ્યું, ડેડી હવેથી હું ક્યારેય મંદિરે નહીં જાઉં. ત્યાં કોઈને ભગવાન માટે આદર નથી. ભજન-આરતી-પ્રાર્થના દરમ્યાન પણ મોબાઇલ, ઘૂસપૂસ અને બેધ્યાન. આ સાંભળી પિતા કહે, તું આ મંદિરે ન જવાનો ફાઈનલ નિર્ણય લે તે પહેલાં મારે ખાતર એક કામ કરીશ? દીકરી હા પાડે છે. પિતા ઉભા થઇ  દીકરીના હાથમાં પાણી ભરેલો એક પ્યાલો આપે છે. તેને સુચના આપે છે કે પ્યાલો હાથમાં રાખીને મંદિરની ત્રણ પ્રદક્ષિણા કર. યાદ રાખજે, પ્યાલામાંથી એક ટીપું પાણી પણ છલકાવું કે ઢોળાવું ના જોઈએ અને દીકરી પ્યાલો લઈને નીકળી પડી, થોડા સમય પછી દિકરી ભરેલા પ્યાલા સાથે પાછી આવી અને બોલી, લો ડેડી આ પ્યાલો. આમાંથી એક ટીપું પાણી પણ ઓછું થયું નથી. પિતા પૂછે છે, બેટા, આ વખતે તેં  કોઈને મોબાઈલ જોતા કે ગપશપ કરતા સાંભળ્યા ? ત્યારે દીકરી કહે, ના, આ વખતે તો મારું સમગ્ર ધ્યાન પ્યાલામાંથી પાણી ન છલકાય તેના પર જ હતું. તેથી બીજું કાંઈ જોયું - સાંભળ્યું નથી. આ સાંભળી પિતા કહે, બેટા, બસ તેવી અને તેટલી એકગ્રતા મંદિરે જઈએ ત્યારે ઈશ્વર પર રાખવાની હોય છે. તો બીજું કશું ખલેલ નહીં પાડે.

ચાલો, આવી રહેલ વિક્રમ સંવત ૨૦૮૧થી આવી અને આટલી જ  એકગ્રતાથી - સમગ્રતાથી આપણે જીવન જીવીએ.

વર્તમાન જીવન પળને;

સ્વીકારીએ અને આવકારીએ,

સંવાદીએ અને સંબોધીએ,

પામીએ અને આલિંગીએ !

ફ્લાવરવાઝમાં તાજાં- મઘમઘતી પળોના  ફૂલો ગોઠવીએ. આપણી જીવનકથાના પર્વનો આરંભ, મધ્યાન્તર અને અંત ક્યાં, ક્યારે અને  કેવો કરવો તે સર્વ હક્કો લેખકને(આપણને) આધીન છે, ચાલો, આ નૂતન વર્ષ જીવન કથાનું એક અફલાતૂન પ્રકરણ જીવીએ-લખીએ.....


Google NewsGoogle News