Get The App

મિથ્યા ચિંતા છોડીને નૂતન વર્ષે મોજમસ્તીથી જીવીએ!

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
મિથ્યા ચિંતા છોડીને નૂતન વર્ષે મોજમસ્તીથી જીવીએ! 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- કાલ્પનિક મુસીબતોનું વિચારવલોણું કરનાર ક્યારેય સુખી થતો નથી. જો આવો લાંબો વિચાર કર્યો હોત તો બેંગાલુરુની ટેસ્ટમાં ઋષભ પંતને ઘૂંટણ પર દડો વાગીને ઇજા થયા પછી રમ્યો ન હોત.

દિ પાવલી અને નૂતન વર્ષનું પર્વ સમીપ આવી રહ્યું છે, ત્યારે ભીતરમાં પ્રેરણાના દીપનો પ્રકાશ પ્રગટાવવો છે. વર્ષભરની વેદનાઓ વીસરીને વિષાદ યોગમાંથી કર્મયોગ તરફ ગતિ કરવી છે અને આવે સમયે નવા વર્ષના વધામણાં કરતી વખતે વીતેલા ભૂતકાળ તરફ પીઠ રાખીને ભવિષ્ય તરફ સન્મુખ થવું છે.

આજની દુનિયામાં વિષાદ, હતાશા કે જેને ડિપ્રેશન કહીએ છીએ, તે રોગ ખૂબ વ્યાપક બની ગયો છે. તે વ્યાપી પોતાના અંગત જીવનની સમસ્યાથી માંડીને વૈશ્વિક સમસ્યાઓ સુધી માનવી ગ્લાનિભર્યા ચહેરાથી દુ:ખી નજર માંડીને જુએ છે અને એના ચહેરા પર ભવિષ્યની ચિંતાની અપાર રેખાઓ ઉપસી આવે છે. કેટલીક વ્યક્તિઓ ભવિષ્યની ચિંતા કરીને વર્તમાનને દુ:ખમાં ડુબાડી રાખતી હોય છે. આવી ચિંતાને કારણે મૃત્યુ પહેલાં વ્યક્તિ કેટલીય વાર મનોમન પોતાનું શ્રાદ્ધ કરી ચુક્યો છે.

કાલ્પનિક મુસીબતોનું વિચારવલોણું કરનાર ક્યારેય સુખી થતો નથી. જો આવો લાંબો વિચાર કર્યો હોત તો બેંગાલુરુની ટેસ્ટમાં ઋષભ પંતને ઘૂંટણ પર દડો વાગીને ઇજા થયા પછી રમ્યો ન હોત. વળી એ જ ઘૂંટણ પર ઇજા થઈ, જ્યાં એને અત્યંત ગમખ્વાર અકસ્માતમાં ઇજા થઇ હતી અને તેના પર મોટું ઓપરેશન કરાવવું પડયું હતું. એની આ ઇજોને કારણે એનું વિકેટ કિપિંગનું કામ તો બીજાને સોંપાયું, પરંતુ ઋષભને રોકવો મુશ્કેલ. આથી એણે સઘળી ચિંતા છોડીને કપરે સમયે બેટિંગમાં આવવાનું નક્કી કર્યું અને ભવ્ય રમત ખેલીને નવ્વાણું રન કર્યાં. જો ઇજાની ચિંતા રાખીને પગ પંપાળતો જ રહ્યો હોત, તો પંત આવી રમત બતાવી શક્યો ન હોત.

પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ કહેતા કે, 'એ કદી ભવિષ્યની ચિંતા કરતા નથી' વળી જેઓ કર્મસિદ્ધાંતમાં માને છે એમને ભવિષ્ય કદી પજવી શક્તું નથી કે ચિંતાતુર બનાવી શક્તું નથી.' જરા, ચિંતાનું એનાલિસિસ કરીએ. ચિંતા એક એવો ઘોડેસવાર છે કે જે ઘોડા પરથી વ્યક્તિ સહેલાઇથી નીચે ઉતારી શક્તો નથી. જેમ અશ્વ ખેલાવવા માટે આવડત જોઇએ, એ જ રીતે જીવનમાં ચિંતાને સમજવા માટે કેટલીક યુક્તિઓ જોઇએ. એમાં પહેલી યુક્તિ એ છે કે તમારી ચિંતાઓની એક નોંધપોથી બનાવો અને એમાં અગ્રતાક્રમ પ્રમાણે તમને પજવતી ચિંતાઓના એક-એક મુદ્દા રૂપે લખો. કેટલીક ચિંતા એવી છે કે જે તમારા મનમાં તમને પજવ્યા કરે છે અને હકીકતમાં એને દૂર કરવાની બાબતમાં તમે સાવ નિ:સહાય હોવ છો. કોઇને ઘણી મોટી રકમ આપી હોય અને પછી તે પાછી આવે તેમ ન હોય, ત્યારે તેની ચિંતા ઘણાને કોરી ખાતી હોય છે. રોજેરોજ તો ઠીક, પરંતુ દર કલાકે એ વિચાર કરે છે કે પેલા ભાઈને આપેલી મારી પેલી રકમ ડૂબી ગઈ. હવે જે રકમ ડૂબી જ ગઈ હોય અને પાછી આપવાની કોઈ શક્યતા ન હોય, એની ચિંતા કર્યે ક્યાંથી પાછી મળે ?

ક્યારેક એવી ચિંતા થાય કે જે જીવનમાં જેને ચાહતો હતો, તેની સાથે લગ્ન કર્યાં હોત તો સારું થાત. કોઈ એવું વિચારે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાને બદલે વકીલ થયો હોત તો કેવું સારું ? આવી ચિંતાથી વ્યક્તિ ઉદાસ તો રહે છે, પણ એના જીવન પર સતત અભાવનો અજંપો ભરડો લગાવીને બેસે છે. આવી ચિંતાઓને વ્યક્તિએ 'નિર્દય બનીને' પોતાના મનમાંથી દૂર હટાવી દેવી જોઇએ અને મનના અશ્વ પર સવાર થયેલી આવી ચિંતાને વશ કરવી જોઇએ.

એ પછી તમે નોંધપોથીમાં એવી કેટલીક ચિંતાઓની નોંધ કરો કે જે દૂર થઇ શકે તેમ છે, પરંતુ એને માટે પ્રયત્ન કરવાની જરૂર છે. ઘણીવાર વ્યક્તિ થોડો વધુ પુરુષાર્થ કરે તો એની એ ચિંતા એ અળગી કરી શકે, પરંતુ એ પ્રયત્ન કરવાને બદલે વારંવાર માત્ર એને વિશેની ચિંતા જ કરતો રહે છે અને એને પરિણામે એની એ જ ચિંતા એના મનમાં સદા 'જીવંત' રહે છે. જ્યારે કેટલીક ચિંતા એવી હોય છે કે જેનો ઉકેલ તમને મળી રહે છે. માત્ર તમારી જીવનશૈલી બદલો તો એ ચિંતા ચાલી જાય છે. ક્યારેક તો તમારી જીવનષ્ટિ બદલો એટલે તરત જ એ ચિંતા ચિતા સમાન બનવાને બદલે ચિંતા ભસ્મીભૂત થઇ જશે.

વિચાર કરીએ નેપોલિયન બોનાપાર્ટનો. ફ્રાંસના આ સમ્રાટનો વૉટર લૂ યુદ્ધમાં પરાજય થતાં ૧૮૧૫ની ૨૨મી જૂને ગાદીત્યાગ કર્યો અને એ પછી એને બ્રિટિશ આધિપત્ય હેઠળના સેન્ટ હેલેના ટાપુ પર કેદ કરવામાં આવ્યો. આ સમયે હોજરીના કેન્સરના દર્દથી પીડાતો નેપોલિયન બોનાપાર્ટ એના એક ડોક્ટર સાથે લટાર મારવા નીકળ્યો. બંને એક કેડી પરથી પસાર થતા હતા, ત્યારે ડૉક્ટરે માથા પર ઘાસનો ભારો લઇને આવતી સ્ત્રીને કહ્યું કે 'તું બાજુમાં હટી જા. સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ આવી રહ્યા છે.' ત્યારે નેપોલિયને પોતાની પરિસ્થિતિનો ખ્યાલ આપતાં ડોક્ટરને કહ્યું, 'હવે હું કેદી છું, સમ્રાટ નથી. એક સમયે નાનકડા કેડી તો શું, પરંતુ વિશાળ પહાડને હું હટી જવાનું કહેતો અને એ ખસી જતા. પણ હવે ઘાસનો ભારો ઉપાડીને આવતી પેલી સ્ત્રીને દૂર ખસવાનું કહી શકાય નહીં. આજે આપણે જ બાજુએ હટી જવું પડે.'

આ ઘટનામાં નેપોલિયન પોતે સમ્રાટ હતો એ ભૂતકાળની ચિંતાથી મુક્ત થઇને કારાવાસના કેદી તરીકે પોતાની જીતને જુએ છે. માથા પર મોટાઈનો ભારો રાખવાને બદલે એ ચિંતામુક્ત બનીને વર્તમાન પરિસ્થિતિને પામી શકે છે. 

તમારે એ ચિંતાની નોંધપોથી બંધ કરીને બાકીનો દિવસ પસાર કરવો જોઇએ. થાય છે એવું કે વ્યક્તિ પોતાની સમસ્યાઓને ચિત્તમાં સતત લસોટયા કરે છે, યાદ કર્યા કરે છે અને ચિંતાની ફેરફુદરડી કરતો રહે છે. 

ડાયાબિટિસનો દર્દી સતત પોતાના રોગ વિશે ચિંતિત અને સભાન હોય છે. ક્યાંક કોઈ વાનગી જુએ અને પોતાને ડાયાબિટીસ છે, એમ કહે તે તો બરાબર, પરંતુ એ સાંજે લટાર મારવા નીકળ્યો હોય ત્યારે, કોઈ સામે મળે તો એ વ્યક્તિએ એને કશુંય પૂછ્યું ન હોય, તો પણ પોતાના ડાયાબિટીસના રોગનું દુ:ખભર્યા સ્વરે વર્ણન કરવા માંડે છે. કેટલીક ચિંતા અસ્થાયી હોય છે. શેરબજારમાં મંદીની અસર થાય, ત્યારે ઘણા લોકો ચિંતામાં ડૂબી જતા હોય છે, જો કે સાથોસાથ એ જાણે છે કે તેજી આવશે ત્યારે એમની આ ચિંતા દૂર થઈ જશે.

ઘરમાં કે બગીચામાં તમે હીંચકા પર બેઠા હશો. હીંચકાની એ ગતિનો વિચાર કરીએ તો એ સામેની બાજુએ છેક ઊંચે જાય અને પછી એટલા જ વેગથી એ પાછળની બાજુએ ઊંચે જશે. આમ હીંચકો ખાતો માણસ થોડા સમય પછી એ હીંચકો થોભાવે છે, ત્યારે એણે જ્યાંથી હીંચકો ખાવાનું શરૂ કર્યું હતું, ત્યાં જ આવીને ઊભો હોય છે !

બસ, આપણા મનમાં જાગતી ચિંતાની ગતિ આવી છે, ચિંતા તમારા મનને આમતેમ ખૂબ દોડાવશે. ઘડિયાળના લોલકની જેમ એક બાજુથી બીજી બાજુ મન પળનાય વિલંબ વિના દોડતું રહેશે. આ બધાને અંતે વિચાર કરશો તો તમે જ્યાં હશો, ત્યાં જ ઊભા હશો. જ્યારે હીંચકો ચાલતો હતો ત્યારે થોભીને એક શ્વાસ પણ લેવાનો સમય નહોતો અને એ અટકી ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો હતા ત્યાંના ત્યાં જ છીએ.

ચિંતાને દૂર કરવાનો ઉપાય શો ? આ ચિંતાને હીંચકે ઝુલાવવાને બદલે જરા હીંચકો પકડીને જમીન પર પગ ખોડીને થોભી જાવ. પછી વિચારો કે આ ચિંતાના નિવારણ માટે શું કરી શકાય ? એના નિવારણ માટે કયા કયા ઉપાયો અને પગલાંઓ છે ? મનમાં અહીંથી તહીં કૂદતી અને સતત આમતેમ ઘૂમતી ફેરફુદરડી જેવી ચિંતાને ઊભી રાખો. એને ઊભી રાખ્યા પછી એ ચિંતાને બરાબર પકડી રાખો. એ ચિંતાને પકડયા પછી એને નોંધપોથીમાં નોંધીને સાંગોપાંગ ચિંતન કરો. એનો ઉપાય શોધો અને એની અજમાયશ કરો. કર્મયોગી કે જીવનનો અનુભવી ધ્યાનયોગી પોતાના જીવનમાં આવતી ચિંતાગ્રસ્ત સ્થિતિમાંથી બહાર નીકળવા માટે આવો ઉપાય યોજે છે. આ ઉપાયને કારણે એમને આ ચિંતાનું સાચું સ્વરૂપ સમજાઈ જાય છે અને પછી એ ચિંતા જન્માવનારી બાબતોનો વિચાર કરશે અને તેને પરિણામે એમાંથી મુક્તિ પામવાના પ્રયાસો કરશે.

આથી ચિંતાને રોજિંદા સમયપત્રકમાં નહીં, બલ્કે તમારી નોંધપોથીમાં રાખો અને રોજ પંદરેક મિનિટ એ નોંધપોથી ખોલીને એમાં નવી ઉમેરાયેલી ચિંતાઓનો સમાવેશ કરો અને દૂર થયેલી ચિંતાઓને છેકી નાંખો. મનમાં રહેલી ચિંતાને હૃદય પર રાખવાને બદલે ખિસ્સામાં વૉલેટની જેમ રાખો. જેને ક્યારેક કાઢીને આપણે જોઈ લઇએ છીએ. આજે જ્યારે નૂતન વર્ષનાં વધામણાં કરવા જઇ રહ્યા છીએ, ત્યારે ભૂતકાળની ચિંતાના બોજને બાજુએ રાખી મોજ-મસ્તીથી નૂતન વર્ષને આવકારીએ.

મનઝરૂખો

યહૂદી ધર્મગુરૂએ શિષ્યોને પ્રશ્ન પૂછયો, 'હે શિષ્યો, હવે રાત પૂરી થઈ ગઈ છે અને દિવસ શરૂ થયો છે, એ તમે ક્યારે કહી શકો ? અંધારાએ વિદાય લીધી છે અને અજવાળાનો ઉઘાડ થયો છે એવું તમને ક્યારે લાગે છે ?' ધર્મગુરૂનો આવો પશ્ન સાંભળીને પ્રથમ તો શિષ્યો આશ્ચર્ય પામ્યા. આવો તે પ્રશ્ન હોય ! રાત પૂરી થાય છે અને દિવસ ઊગે છે એ તો રોજની બાબત છે.  એનો ઉત્તર આપવો કઈ રીતે ?

એક શિષ્યે કહ્યું, 'ગુરૂજી, વહેલી સવારે દૂરથી પ્રાણીઓ આવતાં હોય અને એમાં બકરી કોણ છે અને ઘેટું કોણ છે, એનો ભેદ પારખી શકીએ, ત્યારે સવાર પડી કહેવાય.' ધર્મગુરૂએ નકારમાં માથું ધુણાવ્યું.

બીજા શિષ્યએ કહ્યું, 'ગુરૂજી, આસપાસ વૃક્ષોની વનરાજી હોય. એના ભણી જ આંખો માંડી હોય અને પછી ધીરે ધીરે પ્રકાશ પથરાતાં અમને અંજીર અને પીચનાં ઝાડ વચ્ચેનો તફાવત નરી આંખે દેખાય ત્યારે સમજવું કે બસ, સવાર પડી ગઈ છે.'

ત્રીજા શિષ્યે કહ્યું, 'બારીમાંથી સૂર્યનું પહેલું કિરણ દેખાય ત્યારે સવાર પડી હોય એમ લાગે છે.' તો કોઈ શિષ્યએ કહ્યું 'ખુલ્લા આકાશ નીચે સૂતા હોઈએ અને આંખમાં પહેલું સૂર્યકિરણ પડે ત્યારે એમ લાગે કે બસ, હવે સવાર પડી ગઈ.'

શિષ્યોના જવાબથી પણ ગુરૂને સંતોષ થયો નથી. અંતે થાકીને શિષ્યોએ કહ્યું, 'ગુરૂજી, તમે જ અમને સમજાવો.'

યહૂદી ધર્મગુરૂ બોલ્યા, 'મારા પ્રિય શિષ્યો, તમે આ જગતની કોઈ પણ સ્ત્રીને તમારી ભગિનીના સ્વરૂપમાં જુઓ અને પુરૂષને તમારા બંધુના રૂપે જુઓ, ત્યારે માનજો કે હવે સાચો ઉજાસ ફેલાયો છે. બાકી તો ભરબપોરે પણ અંધારું જ છે એમ માનજો. દિવસ ઊગ્યો છે એવું સહેજે માનશો નહીં.'


Google NewsGoogle News