ગ્રેહામ હેનકોક સ્યુડો-સાયન્સનાં પ્રણેતા છે?
- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
તા જેતરમાં ઓટીટી પ્લેટફોર્મ નેટ ફ્લીક્સ ઉપર 'એનસીયન્ટ એપોકેલિપ્સ' નામની સિરીઝની સીઝન-૨ રજૂ થઇ છે. સીઝન-૨માં રજૂ થયેલ રહેલ કેટલીક હકીકતો, વિજ્ઞાન જગતને ચેલેન્જ કરી રહી છે. જેના કારણે કેટલાક વિજ્ઞાનીઓ અને લેખકોએ નેટ ફ્લીક્સ સામે વાંધો ઉઠાવ્યો છે. આર્કિયોલોજીકલ પુરાવા આપ્યા સિવાય આ પ્રકારની રજૂઆત થઈ રહી છે. જેના કારણે વિજ્ઞાન જગત ઉપરથી સામાન્ય માણસનો ભરોસો ઉઠી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નિષ્ણાતો આ સિરીઝનેસ સ્યુડો-સાયન્ટિફિક સિરીઝ તરીકે ઓળખાવે છે. સોસાયટી ફોર અમેરિકન આર્કિયોલોજી (જીછછ)એ શીાકનૈટને એક ખુલ્લો પત્ર પણ મોકલ્યો હતો, જેમાં સ્ટ્રીમિંગ સેવાને વિનંતી કરી હતી કે એનસીયન્ટ એપોકેલિપ્સ શ્રેણીને 'ડોક્યુમેન્ટરી' તરીકે લેબલ કરવાનું બંધ કરે. તેના બદલે તેને મનોરંજક સિરીઝ તરીકે વર્ગીકૃત કરે. જોકે આવા વિવાદોથી, સિરીઝ બનાવનાર કે તેના વિવાદાસ્પદ લેખક ગ્રેહામ હેનકોકને કોઈ ફરક પડતો નથી. ગ્રેહામ હેનકોકને તેના પુસ્તક, રોયલ્ટી, વેચાણ અને પબ્લિસિટીમાંથી ફાયદો થઈ રહ્યો છે. નેટ ફ્લીક્સને દર્શકો અને જાહેરાતોથી ફાયદો થઇ રહ્યો છે. ભૂતકાળમાં પણ ગ્રેહામ હેનકોક અનેક વિવાદ સર્જી ચૂક્યા છે? કોણ છે આ ગ્રેહામ હેનકોક?
સ્યુડો-સાયન્સનાં પ્રણેતા?
ગ્રેહામ બુ્રસ હેનકોકનો જન્મ ૨ ઓગસ્ટ, ૧૯૫૦ના રોજ એડિનબર્ગ, સ્કોટલેન્ડમાં થયો હતો. તેમનો ઉછેર ભારતમાં થયો હતો, જ્યાં તેમના પિતા સર્જન તરીકે કામ કરતા હતા. તેમના પ્રારંભિક જીવન દરમિયાન વિવિધ સંસ્કૃતિઓ સાથેના તેમના સંપર્કે પ્રાચીન સંસ્કૃતિઓમાં તેમના ભાવિ રસને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હેનકોકે ઇંગ્લેન્ડની ડરહામ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. તેમણે ક્યારેય વિધિવત વિજ્ઞાન કે પુરાતત્વ વિજ્ઞાનનો અભ્યાસ કરેલ નથી. તેમનો અભ્યાસ સમાજશાસ્ત્રનો હોવા છતાં તેમણે , પત્રકારત્વ ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. હેનકોકે શરૂઆતના વર્ષોમાં, ધ ટાઈમ્સ, ધ ઈન્ડિપેન્ડન્ટ અને ધ ગાર્ડિયન સહિતના વિવિધ અખબારો માટે કામ કર્યું હતું. તેમની પત્રકારત્વ કારકિર્દી શરૂઆતમાં રાજકીય અને આર્થિક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. પરંતુ સમય જતાં, પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વના રહસ્યો તરફ આકર્ષાયા. આકર્ષણને તેમણે પોતાની કાલ્પનિક વિચારસરણી સાથે જોડીને, વિવાદાસ્પદ લખતા આવ્યા છે.
૧૯૮૦ના દાયકામાં, હેનકોકે તેમનું ધ્યાન ઐતિહાસિક રહસ્યો અને પ્રાચીન સંસ્કૃતિઓની શોધ તરફ વાળ્યું હતું. પ્રાચીન ઈતિહાસમાં તેમનો રસ ઊંડો જાગ્યો હતો. અહીં તેમણે એવા વિચારો શોધવાનું શરૂ કર્યું, જે મુખ્ય પ્રવાહના પુરાતત્ત્વશાસ્ત્રની બહાર હતા. આનાથી લેખક તરીકે તેમની પ્રથમ મોટી સફળતા મળી હતી. આ સફળતાએ તેમની કારકિર્દી અને આગામી દાયકાઓ સુધી જાહેર વ્યક્તિત્વને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ગ્રેહામ હેનકોક એક બ્રિટીશ લેખક અને પત્રકાર છે. તેઓએ ખાસ કરીને પુરાતત્વ, ઇતિહાસ અને માનવ ઉત્પત્તિના ક્ષેત્રોમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. હેનકોક તેમના બિનપરંપરાગત સિદ્ધાંતો માટે જાણીતા છે. જે પ્રાચીન ઇતિહાસના મુખ્ય પ્રવાહના વિચારોને પડકારે છે. વિકિપીડિયા જેવી વેબસાઈટ તેમને સ્યુડો-આર્કિયોલોજિસ્ટ તરીકે ઓળખાવે છે. નેટ ફ્લીક્સની 'એનસીયન્ટ એપોકેલિપ્સ' નામની સિરીઝના, તેઓ લેખક અને રજૂઆતકર્તા છે.
હેનકોકની રજૂઆત વૈજ્ઞાનિક નથી
હેનકોક જેને સુપર સિવિલાઈઝેશન તરીકે ઓળખે છે, તેના વિનાશમાં યંગર ડ્રાયસ ઈમ્પેક્ટ હાઈપોથીસીસ વિવાદનું કારણ બની છે. હેનકોકનો દાવો છેકે 'એન્ટાર્કટિકા એક સમયે એક અદ્યતન સંસ્કૃતિનું ઘર હતું. આ સંસ્કૃતિએ તેના અંતિમ વિનાશ પહેલા, વિશ્વના અન્ય ભાગોમાં તેમનું જ્ઞાન ફેલાવ્યું હતું. જાણીતા વિજ્ઞાનીઓના મંતવ્ય પ્રમાણે, યંગર ડ્રાયસ એક દસ્તાવેજીકૃત સમયગાળો છે. જે છેલ્લા હિમયુગના અંતની નજીક બન્યો હતો. વિજ્ઞાનીઓ આ ઘટના પાછળ ધૂમકેતુ કે એસ્ટ્રોઇડની અથડામણ જવાબદાર ગણાતાં નથી.
હેનકોક પૂર્વધારણા અને રજૂઆતનો શિક્ષણવિદો તરફથી શા માટે વ્યાપક વિરોધ થઈ રહ્યો છે? ગ્રેહામ હેનકોકની રજૂઆતને શા માટે વૈજ્ઞાનિક ગણવામાં આવતી નથી? ઉત્તર છે : ખાસ કરીને પુરાતત્વ અને માનવશાસ્ત્રના ક્ષેત્રોમાં થયેલા સંશોધનને હેનકોક ઘણી વખત ખોટી રીતે રજૂ કરે છે. તેમના સિદ્ધાંતોને અનુરૂપ પસંદગીયુક્ત પુરાવાઓ રજૂ કરીને, પોતાની રીતે તેનુ અર્થઘટન કરે છે. સામાન્ય રીતે કોઈપણ પૂર્વધારણાને નક્કર સ્વરૂપ આપવા માટે ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ડેટાનું પસંદગીયુક્ત અર્થઘટન કે અનુમાનને તેમાં કોઈ સ્થાન હોતું નથી. ઉદાહરણ તરીકે, હેનકોકે વારંવાર તુર્કીમાં ગોબેકલી ટેપેની ૧૧,૦૦૦ વર્ષ જૂની જગ્યાને તેની ખોવાયેલી સંસ્કૃતિના પુરાવા તરીકે ટાંકી છે. જો કે, પુરાતત્વવિદો નિર્દેશ કરે છે કે ગોબેકલી ટેપે બનાવનારા લોકો શિકારી-સંગ્રહકો હતા. હેનકોક કહે છે તેવો અદ્યતન સમાજ કે સભ્યતા ન હતી. વિવેચકો એવી પણ દલીલ કરે છેકે હેનકોકના કાર્યમાં વૈજ્ઞાનિક પુરાવાઓનો અભાવ છે. તેઓ પોતાની પૂર્વધારણાના સમર્થન માટે, પુસ્તકો અને દસ્તાવેજી કથાના પુરાવાઓ, પ્રાચીન દંતકથાઓના ખોટા અર્થઘટન અને માહિતીના વિભિન્ન ટુકડાઓ જોડીને તેમની વચ્ચેનો સંબંધ, અટકળો બાંધીને રજૂ કરે છે. ઉદાહરણ તરીકે, તેમના લખાણોમાં, હેનકોકે સૂચવ્યું છેકે પ્રાચીન ઇજિપ્તીયન દેવ ઓસિરિસ અને મેસોઅમેરિકન દેવતા ક્વેત્ઝાલકોઆટલ, બંને પ્રદેશો વચ્ચેના વિશાળ ભૌગોલિક અને સાંસ્કૃતિક તફાવતો હોવા છતાં, તેમની ખોવાયેલી સંસ્કૃતિ સમાન આકૃતિથી પ્રેરિત છે.
ધ યંગર ડ્રાયસ ઈમ્પેક્ટ પૂર્વધારણા
૧૯૯૫માં ગ્રેહામ હેનકોકે ફિંગરપ્રિન્ટ્સ ઓફ ધ ગોડ્સ: ધ એવિડન્સ ઓફ અર્થ'સ લોસ્ટ સિવિલાઈઝેશન નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. જે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું હતું. જેનું પુષ્કળ વેચાણ પણ થયું હતું. હેનકોકના સિદ્ધાંતો ગ્રાઉન્ડબ્રેેકિંગ અને વિવાદાસ્પદ રહ્યાં હતા. ફિંગરપ્રિન્ટ્સ ઓફ ધ ગોડ્સ: પ્રકાશિત થતા એક ચમત્કારી ઘટના બની. વિશ્વનો એક વિશાળ વાચક વર્ગ ગ્રેહામ હેનકોક દ્વારા મોહિત થઈ ગયો. જો કે, આ પુસ્તકનો શૈક્ષણિક સમુદાય તરફથી ભારે વિરોધ થયો હતો. પુરાતત્વવિદો અને ઈતિહાસકારોએ પુરાવાને, અર્ધ સત્ય અને કાલ્પનિક થીયરી સાથે જોડીને પુસ્તક લખવા બદલ બદલ હેનકોકની ટીકા કરી હતી. તેઓએ દલીલ કરી હતી કે હેનકોક દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રાચીન સ્થળો અને તેની કલાકૃતિઓના તેમના અર્થઘટનને વૈજ્ઞાનિક ડેટા દ્વારા સમર્થન મળતું નથી. આમ વિજ્ઞાન જગત દ્વારા તેમના કાર્યને સ્યુડોસાયન્સનું લેબલ લગાડવામાં આવ્યું હતું.
હેનકોકની રજૂઆતમાં સૌથી વિવાદાસ્પદ બાબત તેમની એક પૂર્ણધારણા રહી છે. આ પૂર્વધારણા યંગર ડ્રાયસ ઇમ્પેક્ટ તરીકે ઓળખાય છે. હેનકોકે પુસ્તકમાં આલેખન કર્યું હતું કે' માનવ ઇતિહાસની સ્વીકૃત સમયરેખાના, હજારો વર્ષો પહેલા, એક અદ્યતન સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી. આશરે ૧૨,૮૦૦ વર્ષ પહેલાં પૃથ્વી પર ધૂમકેતુ અથવા એસ્ટરોઇડની અથડામણ થઈ હતી. જેના કારણે આબોહવામાં મોટા પાયે વિક્ષેપો સર્જાયા હતા. આ સંસ્કૃતિનો વિનાશ, પ્રલયની ઘટનાઓ દ્વારા થયો હતો. કદમાં મોટા પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ હતી. જેમ કે ઊન જેવા વાળ ધરાવનાર અને હાથી જેવું દેખાતું પ્રાણી એટલે કે મેમથ. આ સભ્યતાના બચેલા કેટલાક લોકોએ, ત્યારબાદ વિકાસ પામેલી વિશ્વની અનેક સભ્યતા અને સંસ્કૃતિઓને, આ ખોવાયેલી સંસ્કૃતિના અવશેષો અને તેનું જ્ઞાન પહોંચાડયું હતું. આ સભ્યતામા પ્રાચીન ઇજિપ્તવાસીઓ, માયા અને સુમેરિયનો સભ્યતાનો સમાવેશ થાય છે. પ્રાચીન સ્મારકો, જેમ કે ગીઝાના મહાન પિરામિડ, સ્ટોનહેંજ અને બોલિવિયામાં તિવાનાકુના ખંડેર, નાશ પામેલી અને ખોવાયેલી સંસ્કૃતિના પુરાવા છે.
ટીકાકારો આક્ષેપ - હેનકોકનો જવાબ
હેન્કોક ખોવાયેલી સંસ્કૃતિના વિચારને પ્રોત્સાહન આપીને, વિશ્વની તમામ જાણીતી સભ્યતા અને ઇતિહાસ કરતા પણ પ્રાચીન હોવાનું જણાવે છે. જેના કારણે માત્ર હેનકોક જ નહીં પરંતુ સામાન્ય માનવી પણ હવે, વિશ્વભરની સ્વદેશી સંસ્કૃતિઓની સિદ્ધિઓને પર શંકાની નજરે જોઈ રહ્યો છે.
હેનકોકની પૂર્વધારણા, બિન-યુરોપિયન સમાજ અને સભ્યતા, યુરોપ બહારના બહારના પ્રભાવ વિના, અહીં પોતાની જટિલ યુરોપિયન સંસ્કૃતિઓ વિકસાવી શકે નહીં, તેવી રજૂઆત કરી રહી છે. વિજ્ઞાન જગત અને શૈક્ષણિક સમુદાય દ્વારા ગ્રેહામ હેનકોકની કાલ્પનિક પૂર્વ ધારણાઓનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. મોટાભાગે તેમના અર્થઘટનને સ્યુડોસાયન્ટિફિક તરીકે નકારી કાઢવામા આવે છે. આકરી ટીકા થતી હોવા છતાં, તેમણે પોતાના સિદ્ધાંતોનો બચાવ કરવાનું ચાલુ રાખ્યું છે.
હેનકોક ઘણીવાર દલીલ કરે છે કે 'મુખ્ય પ્રવાહના પુરાતત્વવિદો, તેમની વિચારસરણીમાં ખૂબ જ જક્કી અને અડગ છે. હેનકોકની પૂર્વધારણાને, વિજ્ઞાન જગત અને નિષ્ણાતો, ઇતિહાસના વૈકલ્પિક અર્થઘટન તરીકે ધ્યાનમાં લેવા તૈયાર નથી. હેંગકોક માને છેકે તેમના સિદ્ધાંતોને શૈક્ષણિક અભ્યાસક્રમમાં જોડવા જોઈએ. તેનાં ઉપર સંશોધન થવું જોઈએ. પરંતુ આમ થઈ રહ્યું નથી તેના કારણે, હેંગકોક હતાશ છે. ઇતિહાસના અભ્યાસમાં હેનકોક નિ:શંકપણે સૌથી વિવાદાસ્પદ વ્યક્તિઓમાંની એક છે.
ખોવાયેલી સંસ્કૃતિઓ, પ્રલયની ઘટનાઓ અને માનવ ઇતિહાસના પુનર્લેખન વિશેના તેમના સિદ્ધાંતોએ વિશ્વભરના લાખો વાચકો અને દર્શકોને મોહિત કર્યા છે. લોકપ્રિય સંસ્કૃતિ અને ઇતિહાસની જાહેર ધારણાઓ પર તેમનો પ્રભાવ નિર્વિવાદ છે. ભલે તે વિચારો, સ્વીકૃત વૈજ્ઞાનિક તપાસની સીમાની બહાર રહે છે. તેમનું કાર્ય ઐતિહાસિક જ્ઞાનની પ્રકૃતિ અને માનવતાના મૂળ વિશેની આપણી સમજણને આકાર આપવામાં, વિજ્ઞાનની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કરે છે. ભલે કોઈ તેને સ્વપ્ન દ્રષ્ટા તરીકે જુએ કે સ્યુડોસાયન્સના સંશોધક તરીકે, ગ્રેહામ હેનકોકનો વારસો, આવનારા વર્ષોમાં હેનકોકનાં સમર્થકો દ્વારા ચર્ચા જગાવતો રહેશે.