તો હવેના ચાર દિવસ આપણે શું કરીશું?
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- દિવાળીના તહેવારના દિવસોમાં જીવનમાં દીવડા પ્રગટે, ધૂમધડાકા થાય અને રંગો છલકે એવી મધુરી વાતોનો થાળ!
દે વેન વર્મા નામના જાણીતા કોમેડી એક્ટર કદાચ નોરા ફત્તેહીને ઓળખતી જનરેશનને યાદ નહિ હોય. અશોકકુમારના એ જમાઈ. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્માર્ટ તો બહુ બધા હોય પણ ભણેલા બહુ ઓછા હોય. વર્માજી તો સોશ્યલ એન્ડ પોલીટીકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ હતા અને એમની જેમ જ માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએટ એવા શાહરૂ ખખાનને એમણે એ સ્ટ્રગલર હતો ત્યારે એક સોનેરી સલાહ આપેલી. જે શાહરૂખે જ વર્ષો બાદ સુપરસ્ટાર થઇ એની એક મુલાકાતમાં કહેલી લાઈફ મેનેજમેન્ટ ટિપ તરીકે. દેવેન વર્માએ શાહરૂખને કહેલું કે 'લંબા ખેલના હૈ તો તીન તરહ કી ફિલ્મેં કરના. તન કે લિયે, મન કે લિયે ઔર ધન કે લિયે.' શાહરૂખ જ નહિ એની પહેલાના અને પછીના મજબૂત ને લોંગ ઇનિંગ્સ રમનાર દરેક સ્ટાર એક્ટરમાં તમને આ દેખાશે.
ઇનફેકટ, ફિલ્મોની વાત તો એક દ્રષ્ટાંત છે, મેટાફર છે. જિંદગીમાં આ ઉપયોગી અને વહેવારુ પોલિસી છે. અમુક કામ તમને ગમે નહિ, પણ આ દુનિયાના શૂન્ય પછી પોઈન્ટ મૂકી બીજા આઠ શૂન્ય મૂકીને એકડો લખો એટલા જૂજ ભાગ્યશાળીઓને બાદ કરતા ભલભલાને કમાણી માટે અમુક ના ગમતા કામો કરવા જ પડે છે. રાધર, કરવા જ જોઈએ. નહિ તો ઉધારી, વ્યાજ, સ્ટ્રેસ ને ટેન્શન ભરડો લઇ લે ને શરીર ઓછું ચાલે કે કોઈ કટોકટી આવે ત્યારે ફસાઈ જાવ, હેરાન થાવ, દુખી થાવ, ભાંગી જાવ. અમસ્તો આપણે ત્યાં લક્ષ્મીપૂજનનો તહેવાર સર્વોચ્ચ સેલિબ્રેશન છે ? એટલે કેટલીક ફિલ્મો કે કામ ના ગમે , લોકો કે આસપાસના સ્વજનો ટીકા કરે ને ઠેકડી ઉડાવે તો પણ સારા પૈસા મળતા હોય ને બીજાનું એમાં અંગત નુકસાન ના થતું હોય કે ફ્રોડ ક્રાઈમ ના હોય ત્યાં કરવાના. બેધડક. જાહેરાતખોર કે રૂપિયા માટેના ગુલામ કહીને વગોવણી કોઈ કરે તો એ કરનારા આપણી ઘેર ચણાનો લોટ, તેલ ને મરચાંબટાકા મસાલા કોથમીર નથી આપવાના બટેટાવડા બનાવવા માટે.
અમુક કામ તન માટેના હોય. એટલે શરીર સારું રહે એ અર્થ તો ખરો પણ બેઝિકલી જે પ્રોફેશન કે ક્રિએટીવિટી કે બિઝનેસમાં તમે હો એમાં મદદરૂપ થાય કે તમારા કોઈ સાથેના રિલેશન મજબૂત થાય એના માટેના. એમાં પૈસા ના હોય પણ તમારા માટે કશુક ભવિષ્યમાં આસન રહે એવા સંબંધો, પ્રતિા કે પ્રેમ હોય. કોઈના ઉપકારનું ઋણ ચૂકવવાનું હોય, કોઈ વિરાટ વ્યક્તિત્વ કે મહાન પ્રતિભા કે મોટા માણસ સાથે સંપર્ક થતો હોય, કોઈ ગમતાનું મન અને માન રહી જતું હોય, કોઈ બીજાની મદદ કે સેવા થતી હોય, તમને નવું શીખવા મળતું હોય કે તમારી ક્ષમતા, આવડત અને ઈજ્જત વધતી હોય એ માટે પણ કેટલાક કામ જીવનમાં કરવા જ જોઈએ. બધે કેવળ મેરી મરજી ના ચાલે. માત્ર આવા પોકાર કર્યા કરનાર ગમે એટલા હોશિયાર કે ટેલેન્ટેડ હોય - એમની મરજીને કોઈ ગણકારે નહિ જો એમની પાસે સંપત્તિ, સંબંધો, સત્તા અને સ્નેહ ના હોય તો.
બસ, જો આવા બે કામોનું બેલેન્સ આવી ગયું તો પછી એક્ચ્યુઅલી તમને જે મન છે, તમને જે ગમે છે, તમારી અંદરનો જે અવાજ છે એ મુજબનું કશુંક કરવાની સ્થળ, સમય અને સગવડતા તમારી પાસે રહેશે. તમારી પાસેની કમાણી તમે એમાં ખર્ચ કરી શકશો. તમારી પાસે એમાં ટેકો કરનાર લોકો હશે. તમને જગ્યા રહેશે જીવનમાં કશુક જે ખુદને ગમે છે એવું કરવાની. શોખ કે મોજ પુરા કરવાની. આફ્ટરઓલ, જીવનનું ચાલકબળ તો આપણી આ તમન્નાઓ (ભાટિયા કે વર્મા નહિ, વિશીઝ ! ખીખીખી) છે. એના માટે તો શ્વાસ લેવાનું મન થતું હોય છે. કોઈને નડો નહિ કે અન્યાય અપરાધ ના થાય એ સિવાય પોતપોતાની લાઈફ પોતપોતાને ગમે એવી રીતે જીવવાનો તો મૂળભૂત અધિકાર છે. આવા મનપસંદ કામો જ ભલે દુનિયાને ફ્લોપ લાગે કે ફજેતો લાગે, પણ તમને રિચાર્જ કરશે, રિફ્રેશ કરશે. ને દરેક વખતે ના ચાલે એવું નથી. કયારેક તમારા વાયબ્રેશન્સ કનેક્ટ થશે અને બધાને એ અણધાર્યું ગમી જશે. પછી ભલે મનવાળા કામ વધારતા જાવ. પણ એ માટેની મોકળાશ ખાતર પહેલા બે પ્રકારના કામો જોઇશે. બેલેન્સ્ડ ડાયેટ પ્લાનની જેમ બધા ન્યુટ્રીશન્સ કવર થશે અને જીવવામાં ટેસ્ટ પણ આવશે. જેથી ટેસ પણ આવશે. સ્વાદને મૂલ્ય સાથે સંબંધ નથી. મોજ સાથે છે. ખૂમચા પર પણ ફાઈવ સ્ટાર કરતા વધુ આવે. લાઈફનું પણ એમ જ સમજવું.
બસ, આ સંતુલન દિવાળીના તહેવારોમાં પહેલેથી છે. અગાઉ પણ યાદ દેવડાવ્યું છે અલગ અલગ રીતે. પર્વ ઉત્સવને ઉજાણી માટે છે. ધાર્મિકતાના બહુ ધક્કા સનાતની સંસ્કૃતિના નામે માર્યા કરશો તો બોર થઇ જશે યંગથિંગ્સ અને પછી આમે એમને પરદેશી પર્વો મજામસ્તીને લીધે પ્રિય લાગે છે તો દિવાળીમાં અજવાળા કરતાં અંધારા ઓર વધશે. તાજેતરમાં આ લખવૈયાએ રીડરબિરાદરોનું ખાસ્સું ફોલોઈંગ ધરાવતા ઇન્સ્ટાગ્રામ પર પૂછયું હતું કે આ દિવાળી પર શું કરવાના છો ? સેંકડો જવાબો ઠલવાયા. એક પ્રકારનો સોશ્યલ સર્વે થઇ ગયો અલગ અલગ બેકગ્રાઉન્ડ અને ઉંમરના મિત્રોનો. એનો સાર શું હતો?
મોટા ભાગના લોકોને નોકરીધંધાની ઘટમાળમાંથી છૂટીને બસ થોડા દિવસો ફેમિલી ને ફ્રેન્ડસ સાથે રહેવું હતું. બાળકો રમાડવા હતા. વતનના ગામડે જવું હતું. કુદરતના ખાળે બેસવું હતું ઓફિસ કે કામની મહેનતમાંથી બ્રેક લઈને. રાઈટ, તહેવારો રિલેક્સ થવા માટે જ છે. અમુક તો બસ રજા પડે તો ઊંઘવું હતું. તાજેતરના વૈજ્ઞાાનિક સમાચાર છે કે એલાર્મ પર સતત ઉઠવાનું જીવન થઇ જાય એનું બ્લડપ્રેશર અપ જ રહે. પુરતી રોજીંદી ઘસઘસાટ ઊંઘ પણ એક થેરેપી છે. પણ આ લિજ્જત ક્યારે બરાબર આવે ? કામ ખૂબ કરીને થાક્યા હો ત્યારે ! વેકેશન સતત ચાલે તો કંટાળો આપે એ તો કોવિડે હમણાં જ અનુભવ કરાવી દીધો. કામ ગમે નહિ પણ તરસ લાગે તો પાણી મીઠું લાગે એમ એમાં ખૂંપ્યા હો તો આરામ અને આનંદ પ્લેઝર ફીલિંગ આપે. ઉપવાસ કરો તો ભાવતું ભોજન વધુ ગમી જાય.
બીજા નંબરે જવાબ હતો શોખ, પેશન પુરા કરવાનો. કોઈને રંગોળી બનાવવાનો થનગનાટ હતો, તો કોઈને અધુરો પ્રોજેક્ટ પૂરો કરવાનો. કોઈને રીડિંગ લિસ્ટ પૂરું કરવું હતું તો કોઈને ફિલ્મો ને વિડિયો જોવાની યાદી હતી. કોઈને એકધારું ઘરમાં કે ઓફિસમાં બેસવાને લીધે ફરવા જવું હતું તો કોઈને સતત ફર્યા કરવાની કામગીરીનો થાક ઉતારવા નિરાંત જીવે હાશ કહીને ઘેર બેસવું હતું. ત્રીજા નંબરે ફૂડ એન્ડ ફેશન. નવી ખરીદીનો રોમાંચ. મનલુભાવન મિષ્ટાન્ન કે ભોજનનો રસ, નવા કપડાં લહેરાવવાનો ચાર્મ. ફટાકડા તો ફૂટવાના જ. પણ એના કરતા વધુ રસ લોકોને ફુરસદમાં નવું જાણી કે માણી લેવામાં હતો. મિડલ ક્લાસમાં તો બાળકોનું વેકેશન હોય ત્યારે જ ફેમિલી ફન પ્લાન થાય. ચોથા નંબરે લોકોને કોઈ કોઈ બીજાને ત્યાં ઉજાસ પથરાય એ જોવું હતું. સેવા, દાન, ગરીબોને મદદ, મેડિકલ કે એજ્યુકેશન માટે સહાય, પશુપંખીઓને મદદ, ઝુંપડાની મુલાકાત કે શ્રમિકોને બોનસ એવું બધું. પાંચમાં નંબરે જવાબો હતા સ્વકલ્યાણના. કોઈને કરિઅરની કસોટી માટે તૈયારી કરવી હતી તો કોઈને સાધના શિબિરમાં જવું હતું. કોઈને નવી કોઈ સ્કિલ ડેવલપ કરવી હતી તો કોઈને ગમતા ગુરુજી કે ઈશ્વરના દર્શન કરી વડીલોના આશીર્વાદ લઈ ભક્તિ કરવી હતી.
તો આ બધું જ બરાબર છે ને એ સિવાય પણ જે કંઈ કરવાનો અંદરથી હરખ થાય એ પણ બરાબર છે. આપણે બધા દિવાળી ઉજવી શકીએ શાંતિથી એ માટે સેંકડો લોકો ફરજ બજાવશે. આવું કશું કરવાને બદલે. પોલીસ, વીજળી, ડિજીટલ અને અન્ય સેવાઓના કારીગરો, દુકાનમાં કામ કરતા સ્ટાફ, ચીકીદારો, ડ્રાઈવરો, ટ્રાવેલ એજન્સી ઓપરેટરો, હોટલ ને રેસ્ટોરાં સ્ટાફ, રંગરોગન કે રિપેરિંગના કર્મચારીઓ, સફાઈ કામદારો, મજૂરો, એરલાઈન, રેલ્વે, બસ વગેરે સાથે સંકળાયેલા લોકો અને બીજા ઘણા બધા. એમને પણ કામ કરતા કરતા ફેસ્ટિવલ ફિલ થાય એવો ઉષ્માભર્યો માહોલ આપણે બનાવી જ શકીએ. હસમુખા થવા પર કોઈ ટેક્સ નથી. અને સંસ્કાર ખાલી બીજાના કપડાંની લંબાઈ માપવામાં નહિ પણ પોતાની ફરજ બજાવતા માણસ સાથે એ ખોટું ના કરે તો કારણ વગર શેઠાઈ કર્યા વિના સન્માનજનક વર્તન કરવામાં છે. ઉમળકો ઉછળે એનું નામ જ દિવાળી.
પણ સોમવારથી શરુ થતા દીપોત્સ્વી પર્વના આગામી પાંચ દિવસોની કાચીપાકી ડિઝાઈન કૈંક આવી પણ બની શકે. આને માત્ર તરવૈયા વાપરે ડાઈવ કરવામાં એવા સ્પ્રિંંગબોર્ડ તરીકે લઇ શકાય. બાકી પોતપોતાની રીતે એમાં પરિવર્તન કરીને અવનવા જલસા શોધી શકાય. પાણી ગરમ કેમ કરવું એના પણ વિડીયો બને છે, એવા જમાનામાં જરાક માળખું આપીએ તો કોઈને કામ લાગે એટલું જ.
(૧) વાકબારસ : આ દિવસ છે સરસ્વતીનો. ના જી, વાઈલ્ડ લાઈફ કે પ્રોજેક્ટ ટાઈગરનો નહિ. ભલે શિકારીઓ અને વનમાં અતિક્રમણ કે વેપારીકરણથી વાઘ બચાવવાનો મેસેજ તો જરૂરી છે. પણ મૂળ તો વાગ્દેવીની પૂજા છે. આપણે ગુજરાતીઓ બીજેથી ઉધાર લીધેલા ગણેશોત્સવથી ક્રિસ્મસ સુધીનું બધું ઉજવી નાખીશું પણ દિવાળી પર સરસ્વતી પૂજનના વિચાર કોઈ નહિ કરે. આના માટે પંડાલ કે ઘોંઘાટ કે મોલની આવશ્યકતા નથી. આજકાલ બધા ફેમસ બનવા માટે કંઈ પણ કરવા તૈયાર છે, સર્જરીથી સેટિંગ સુધી. પણ જ્ઞાાની બનવાની આજીવન જહેમત ગમતી નથી, જે રિયલ ને રોયલ ઇમ્પ્રેશન પાડે છે. તો આજે કોઈ બાળક માંડ રજામજા મૂડમાં હોય ત્યારે પરીક્ષા અને ભણતર કરિઅરના હથોડા પણ નથી મારવાના. તો શું કરવાનું છે આજે?
આજે આપણે દિવાળી અંકો જો ડલ ને પેશનેટ ટચ કે આગવા સંપાદન વગરના બોરિંગ લાગે તો કોઈ સરસ પુસ્તક લઈશું. ખરીદીને પુસ્તક લેવાથી થોડો ભાર રહે છે પૈસા વસૂલ કરવા એનો ઉપયોગ કરવાનો. ઉપદેશનું નહિ તો ફેન્ટેસી, કવિતા, સાહસકથા કંઈ પણ. ઇન ફેક્ટ, ફિક્શન વધુ વાંચો તો ઈમેજીનેશન સારી ખીલે. ઘણી વાર આપણે ખરીદેલા પુસ્તકો એમ જ પડયા રહે છે, અમુક મેગેઝીન પણ. આ આપણા 'આળસાંક'ની સાબિતી છે. ગમતી બાબતોનો સંગ્રહ પૈસા ખર્ચીને કરવો જ જોઈએ, પણ ક્યારેક એ માટેની નિરાંત પણ શોધવી જોઈએ. જો કે, નોલેજ ઈઝ ઓન્લી બૂકરીડિંગ ઈઝ આઉટડેટેડ થોટ. સરસ જ્ઞાાનવર્ધક વિડીયો જોઇને કોઈ નવી સાયન્ટીફિક સ્કિલ કેળવો કે પછી કોઈ વેબસાઈટમાં કે એવું શેર કરતા ઓનલાઈન સોશ્યલ મીડિયા પ્રોફાઈલમાં ડોકિયું કરી લો. એક આઈડિયા એ પણ છે,કે જ્યાંથી કૈંક નવી જાણવા જોવા મળે એવી (શોપિંગ લેટર ઓન) જગ્યાએ લટાર મારો. એવી કોઈ વ્યક્તિને મળો જેની પાસે ભાષા કે કોઈ અનુભવની જૂની મૂડીનો ખજાનો હોય. આજે સપરિવાર ભેગા થઇ વાંચવાનું કશુક રાખો. એક ગમતું વાંચે અને બીજા સાંભળે. એક સૂચન : હમણાં જ જેમની જન્મશતાબ્દી આવશે એવા ફાધર વાલેસનું પુસ્તક : કુટુંબમંગલ.
(૨) ધનતેરસ : અગેઇન, ભારત સરકારે ખાસ ઠરાવ્યું છે એમ આ ધન્વંતરિનો તહેવાર છે. આપણા પ્રોફિટ મેકિંગ માનસમાં જામી ગયું છે, એમ ધનનો નહિ. મતલબ ફિટનેસનું રિમાઈન્ડર. હવે આરોગ્ય વિશેની સલાહોનો આજકાલ રાફડો ફાટયો છે ને ડોકટરો યુટયુબ પર પાણીનો વઘાર કરવાનું શીખવે છે ! પણ મોટે ભાગે લોકો બધું સાંભળે છે, લાંબો સમય આચરણ કરતા નથી. એના માટે ખરેખર તો મનોબળ જોઈએ. તો જ તનોબળ ટકે. સ્વઅનુશાસન. પહેલી વાત તો એ કે ભલે લોકપ્રિય હોય, હેલ્થના નામે અપાતા દરેક મેસેજને સાચો ના માનો. તપાસ કરો જરાક સચ્ચાઈની સરખી. ગૂગલ ફ્રી છે, ને સરસ્વતી એટલે છબીમાં પૂરીને ફૂલ ચડાવવા એમ નહિ, પણ દિમાગને ખુલ્લું રાખવું.
તબિયત ફાંકડી રાખવાના આપણી વસતિ જેટલા દોઢસો કરોડ નુસખા છે, પણ બેઝિક્સ ચેક કરીએ. ભૂખ હોય એનાથી થોડું ઓછું ખાવાનું. ત્રણે ટાઈમ ખાવા જેટલો શ્રમ નથી કરતા, માટે નહિ ખાવાનું. વ્યસનોની ગુલામી તો ફટાકડા ભેગી જ ધુમાડો કરી નાખવાની. ઝાડો પેશાબ શરમમાં બહુ રોકવાના નહિ. રોટલી ને ભાત સાથે રોજ નહિ ખાવાના. ફરસાણ કે મીઠાઈને તહેવારો પૂરતા રાખીએ તો ગેપને લીધે એની મજા ઓર આવે. પણ બને તો ભોજનની સાથે. સતત બહારનું બનેલું નહિ જ ખાવાનું. ઉપરથી શરબત કે છાશ વગેરેમાં ખાંડ મીઠું
નહિ ભભરાવવાનું. સોફ્ટ ડ્રિંંક અને મેંદો કોઈ કોઈ વાર જ. શાકભાજી ને ફળો કાચાં ખાઈને પછી રાંધેલું અન્ન ખાવાનું. મોડેથી નાસ્તા નહિ કરવાના. બાર કલાક અન્ન વગર રોજ રહેવું જોઈએ. ઊંઘ પૂરતી લેવાની જ. રોજ એક કલાક ચાલવાનું ને બીજી ફાવે તેવી કસરત, યોગ પ્રાણાયમ અલગથી. ૨૪માંથી બે કલાક આપણા શરીરને સ્વસ્થ બનાવવા માટે રાખીએ. આજે એક સંકલ્પ લઈએ કે સપ્તાહમાં એક ઉપવાસ ૩૬ કલાકનો માત્ર પાણી ને ફળ અથવા સલાડ ખાઈને કરવાનો. જેથી કોઈ વાર મસ્ત ને મિષ્ટ જમ્યા હો તો એને પ્રોસેસ કરવાનો શરીર ને ટાઈમ મળે. અને આવતી દિવાળી પર ગમતા કપડાં ફિટ થાય !
(૩) કાળીચૌદશ : ઘણા એને રૂપચૌદશ કહે છે. કથાઓ અલગ અલગ હોય છે. શીખવાનું એટલું કે કાલિકા એટલે પડકારો. કાલિકા એટલે ગમે તેટલા રાક્ષસો સામે હોય લડી લેવાની હિમ્મત. અને કાલિકા એટલે ઊંધું ઘાલીને ઝુકાવી દેવાને બદલે રક્તબીજનું લોહી નીચે પડે ને નવા ક્લોન પેદા ના થાય માટે ખપ્પરમાં ભરી લેવાની બુદ્ધિ. ટૂંકમાં વડા ને વર્તુળનો પછી, પહેલા અભય અને આત્મવિશ્વાસનો દિવસ. આ દિવસ એક રીતે દિવાળી અને બેસતા વર્ષ પહેલાના બ્રેકનો છે. એટલે થોડી નવરાશ મળે તૈયારીની. એમાં રોલ રિવર્સલ કરી શકાય. પુરુષો જો ઘેર રસોઈ ના બનાવતા હોય કે સફાઈ ના કરાવતા હોય તો એમને એમાં ભેગા જોતરી શકાય એટલે ખ્યાલ આવે કે તહેવારો પર સ્ત્રીઓ કેટલો બોજ હસતા મોઢે પરિવાર ખાતર ખેંચે છે. સાસુસસરાએ વહુની શિખામણો સાંભળવાની અને મમ્મીપપ્પાએ બાળકોની ફરિયાદો.
પણ આ બધું સરસ ગોઠવાયેલું હોય તો થોડો રોમાન્સ કરી લો. કુટુંબ મેળાવડામાં પ્રાઈવસી નહિ રહે પછીના બે દિવસ. થાક ઉતારે એમ ફરી લેવાનું. ફિટનેસ ને નોલેજ પર તો કામ થયું, પર્સનાલિટી પર આજે કરવાનું. વિદ્યાર્થીઓને રમતગમત ને સંગીત, વિજ્ઞાાન ને ગણિત તો ઠીક છે, બોલતા શીખવાડો. કોમ્યુનિકેશન ઈઝ ધ કી. વ્યક્તિત્વમાં ચાલ ને ઢબછબ જેટલો પ્રભાવ વાત કરવાની કલાનો હોય છે. થોડા સરસ ટુચકા સાંભળી વાંચી લો. શાયરીઓ યાદ રાખો. હિમ્મતથી ના આવડે તો પણ ઝુકાવો દુનિયાના અભિપ્રાયોની પરવા વિના. અને આજે દિવાળી પહેલા થોડી ડિજીટલ સાફસફાઈનું ટાસ્ક કરી લઈએ. આજની મુખ્ય એક્ટીવિટી. ગયા વર્ષમાં કેટલી ઉપયોગ જ ના થાય એવી શૂઝથી ડ્રેસ સુધીની વસ્તુ માત્ર ગમી ગઈ એટલે વસ્તુઓ લઇ ઘરમાં રાખી છે કે મોબાઈલ - ટીવીમાં એપ રૂપે ભરી છે એનું ઓડિટ અને એવી ચરબીમાંથી આવતા વર્ષે છૂટકારો.
(૪) દિવાળી : તમારી યંગ સેલ્ફને શું એડવાઈસ આપશો ? એનો ઈલોન મસ્કબ્રાંડ જવાબ છે : ઇન્વેસ્ટ કરતા શીખો સમયસર જેથી તમે ના દોડો ત્યારે પણ લક્ષ્મીજી તમારી માટે ગજગામિની બનીને ધીમા ના પડે પણ નહિ પણ ઉલુકવાહિની બનીને ઉડતા રહે. આજે નક્કી કરવાનું કયા લોંગ ટર્મ શેર કે સોના કે આધારભૂત ક્રિપ્ટો વગેરેમાં થોડું રોકાણ કરી આવતીકાલની દિવાળીઓ થોડી વધુ રંગીન બનાવીશું. બચત કરીશું ને એમાંથી કંઈક સપના પુરા કરીશું. હા, જો પૈસાની રેલમછેલ હોય તો સાચવી નહિ રાખીએ. એને દેશહિત ને જનહિતમાં તરતો મુકીશું. જીવતેજીવ જેનો ખર્ચ નથી કરી શકતા એ મારી ગયા બાદ બીજા માટે કમાવાની મહેનત કરી હતી એમ નક્કી માનવું.
આજે બીજું એક કરવા જેવું કામ જેમની સાથે કોઈ ઓળખાણ ના પણ હોય એવા કુટુંબની દિવાળી અજવાળીએ. એમને મળીએ. એમના બાળકોને આતશબાજી ને મીઠાઈઓ ચોકલેટ્સ ડ્રાયફ્ટ્સ આપીએ. દિવાળીની મજા તો જ છે જો બધા ઘરમાં રોશની હોય, રંગોળી હોય, ફટાકડા હોય, શણગાર હોય, નવા ચમકતા કપડાં ને સ્વાદિષ્ટ સુગંધી ભોજન હોય. આ વ્યક્તિગત પ્રસન્નતાનો નહિ પણ સામૂહિક પ્રસન્નતાનું પર્વ છે. એમાં જ એની રોનક છે. નાના ફેરિયા કે શ્રમજીવીનું સ્વમાન સચવાય એટલી ખરીદી એમની પાસેથી પણ કરવાનું બજેટ શો રૂમ સાથે રાખી શકાય. નામ ફોટા કે સોશ્યલ મીડિયા પોસ્ટ વિના પણ થઇ શકે આવું કામ. કરો તો પ્રેરણાદાન થશે. આજે ઘર સરસ કર્યા પછી શું કરીશું ? અક્ષયકુમારની ઘસાયેલી આબરૂ ને ઈટાલીયન ફિલ્મની કોપી હોવાની છાપને લીધે ઓછી જોવાયેલી ફિલ્મ 'ખેલ ખેલ મેં' ઓટીટી પર આવી ગઈ છે. ને વિથ ફેમિલી જોવા જેવી છે એ જોઈશું.
અને નવા વરસે ? એની નવી વાતો વાતો નવા વિક્રમ સંવતમાં ! બસ, રોજ ના મળતા હોય પણ નિરુપદ્રવી હોય ને નડતા ના હોય એવા લોકોને ક્યારેક સાલ મુબારક કરવા સામેથી જવામાં વાંધો નહિ. એમની એકલતા દૂર કરવી એ પણ પુણ્યકાર્ય !
ફાસ્ટ ફોરવર્ડ
દિલ સે સાબિત કરો કિ જિન્દા હો,
સાંસ લેના કોઈ સબૂત નહીં
તુમને તો નારાજ હોના ભી છોડ દિયા,
ઇતની નારાજગી ભી ઠીક નહીં
- ફહમી બદાયૂની