Get The App

એક હતું ગ્રેટ ‌નિકોબાર... .

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
એક હતું ગ્રેટ ‌નિકોબાર...                                         . 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

-‌ વિકાસના નામે અને 73,000 કરોડના દામે થનારા આંદામાન-‌નિકોબારના અ‌વિચારી આધુ‌નિકીકરણમાં ગ્રેટ ‌નિકોબાર ટાપુના વન-વન્યજીવો-વનવાસીનું આવી બનશે?

- આધુ‌નિકતા તરફ દોટ મૂકનાર ‌વિકાસની ગાડી તળે પર્યાવરણનો ભોગ ન લેવાય એવું ભૂતકાળમાં ક્યારેય બન્‍યું નથી—અને ક્યારેય બનવાનું પણ નથી. પરંતુ ગ્રેટ ‌નિકોબારના કેસમાં પર્યાવરણ શબ્‍દને વધુ ગંભીરતાથી લેવો પડે. 

‌લેખનું શીર્ષક છે તો ભ‌વિષ્‍યના ગ્રેટ ‌નિકોબાર દ્વીપ માટેનું, પણ વર્તમાનમાં તેના નૈસ‌ર્ગિક ‌નિકંદનની યોજના જે રીતે ઘડાઈ રહી છે તે જોતાં ભ‌વિષ્‍ય બહુ દૂરનું જણાતું નથી.

વાત જાણે એમ છે કે પાછલાં અમુક વર્ષથી સંયમ અને સંવેદના નામના પાટા પરથી ખડી પડેલી ‌વિકાસની ડબલ એ‌ન્‍જિન ગાડી આંદામાન-‌નિકોબાર ટાપુસમૂહ પહોંચી ચૂકી છે. ‌લિટલ આંદામાન અને ગ્રેટ ‌નિકોબારમાં ‌વિ‌વિધ ‌વિકાસલક્ષી કાર્યો હાથ ધરવા માટે કેંદ્ર સરકારે રૂ‌પિયા ૭૩,૦૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે. વ્‍યાપારી જહાજોની આવનજાવન માટે આધુ‌નિક કક્ષાનાં બંદરો બનાવવાં, પેસેન્‍જર તથા માલવાહક ‌વિમાનો માટે એરપોર્ટ બાંધવાં, માનવ વસવાટ માટે પાકાં મકાનોની ‌વિશાળ વસાહતો ઊભી કરવી, ‌વિદ્યુત મથકો સ્‍થાપવાં વગેરે જેવાં ‌વિકાસ કાર્યો પાછળ બજેટની રકમ ખર્ચાવાની છે.

આટલાં બધાં નાણાંનું આંધણ મૂક્યા પછી ભારતનાં આ‌ર્થિક, વ્‍યાપારી તથા વ્‍યૂહાત્‍મક સમીકરણો સકારાત્‍મક રીતે બદલાશે એમાં બેમત નથી. જેમ કે, ગ્રેટ ‌નિકોબાર ટાપુ પર વ્‍યાપારી બંદર બન્‍યા પછી ભારતને ૭૦,૦૦૦થી ૧,પ૦,૦૦૦ ટન વજન ધરાવતાં ‘કેપ્‍સાઇઝ’ વર્ગનાં માલવાહક જહાજોનો આંતરરાષ્‍ટ્રીય ટ્રા‌ફિક મળવાનો છે. અત્‍યારે એટલાં વજનદાર જહાજો જ્યાં લાંગરી શકે એવું કોઈ બંદર ભારતની મુખ્‍ય ભૂ‌મિ પાસે નથી. સ્‍ટીલ, કોલસો, કાચું લોખંડ જેવી સામગ્રી સાથે હંકારતાં ‘કેપ્‍સાઇઝ’ વર્ગનાં માલવાહક જહાજને બંદરમાં સલામત હંકારવા માટે ‌મિ‌નિમમ ૧૪ મીટર ઊંડો દ‌રિયો જોઈએ. આંતરરાષ્‍ટ્રીય જળવ્યાપારના સમુદ્રી રૂટ પર આવેલાં આપણા ચેન્‍નાઈ, તૂ‌તિકો‌રિન, ‌વિશાખાપટ્ટણમ, એન્‍નોર, પારાદીપ અને કોલકાતા એ મુખ્‍ય બંદરો પૈકી એકેય તેના ફુરજા પાસે આટલો ઊંડો દ‌રિયો ધરાવતું નથી. પ‌રિણામે ભારતે ‘કેપ્‍સાઇઝ’ પ્રકારનાં આંતરરાષ્‍ટ્રીય જહાજોના ટ્રા‌ફિક થકી મળનારો મોટો (વા‌ર્ષિક આશરે રૂા.૧,પ૦૦ કરોડનો) ‌બિઝનેસ ગુમાવવાનો થાય છે. ગ્રેટ ‌નિકોબારનું સૂ‌ચિત બંદર એ દૃ‌ષ્‍ટિએ વ્‍યાપારી જહાજો માટે આવકાર્ય સા‌બિત થવાનું છે.

વ્‍યૂહાત્‍મક દૃ‌ષ્‍ટિએ પણ ગ્રેટ ‌નિકોબારનું બંદર દેશના સંરક્ષણ માટે આવકાર્ય છે. કારણ કે ભારતીય નૌકાદળ ત્‍યાં પોતાનું નૌકામથક સ્‍થાપી દે ત્‍યાર પછી તેનાં યુદ્ધજહાજો તથા સબમરીનો ‌હિંદ મહાસાગરમાં આપણો દમ ને દબદબો મજબૂત કરી શકે.

એરપોર્ટ બન્‍યા પછી ગ્રેટ ‌નિકોબારને માલવાહક તથા પેસેન્‍જર ‌વિમાનોનો ટ્રા‌ફિક મળે, પર્યટન ઉદ્યોગ ખીલે અને તેના પગલે અનેક‌વિધ રોજગારી ઊભી થાય એ પણ આવકાર્ય છે. રોજગાર મેળવવા માટે આવેલા લોકો માટે આવાસીય વસાહતો બને એમાં પણ ખોટું નથી.

■■■

પરંતુ ખાટલે ખોડ જેવી સમસ્‍યા એક જ છે : તો‌તિંગ ખર્ચે ઊભા થનારા તાયફાઓ માટેનું સરનામું ખોટું પસંદ કરાયું છે. આંદામાન-‌નિકોબાર દ્વીપસમૂહનો ગ્રેટ ‌નિકોબાર સહજ ટાપુ નથી. બલકે, પૃથ્‍વીના હજારો વર્ષ પુરાણા ભૂસ્‍તરીય ઇ‌તિહાસનો સાક્ષી છે. શેમ્‍પોનના નામે ઓળખાતી આ‌‌દિ આદમ જા‌તિનો તે એકમાત્ર આવાસ છે. ‌વિ‌વિધ ‌કિસમની ઔષધીય વનસ્‍પ‌તિનું, સમૃદ્ધ વનનું તથા તેમાં વસતા વન્‍યજીવોનું કુદરતે રચેલું બેશ‌કિંમતી ઓપન એર સંગ્રહાલય છે. વળી ટાપુના કાંઠે ઇંડા મૂકવા આવતા લેધરબેક સ્પી‌સિસના દ‌રિયાઈ કાચબાનું તે નૈસ‌ર્ગિક મેટરની‌ટિ હોમ પણ છે.

માન્‍યું કે આધુ‌નિકતા તરફ દોટ મૂકનાર ‌વિકાસની ગાડી તળે પર્યાવરણનો ભોગ ન લેવાય એવું ભૂતકાળમાં ક્યારેય બન્‍યું નથી—અને વર્તમાન કે ભ‌વિષ્‍યમાં ક્યારેય બનવાનું પણ નથી. પરંતુ વાત ગ્રેટ ‌નિકોબારની કરતા હો ત્‍યારે પર્યાવરણ શબ્‍દને વધુ ગંભીરતાપૂર્વક લેવો પડે. કારણ કે સાડા નવસો ચોરસ ‌કિલોમીટરનો ગ્રેટ ‌નિકોબાર ટાપુ એક એવો અમૂલ્‍ય ઐ‌તિહા‌સિક દસ્‍તાવેજ છે જે કુદરતના અદૃશ્‍ય હાથે લખાવાની શરૂઆત આજથી  દસેક કરોડ વર્ષ પૂર્વે થઈ હતી.

આજે જ્યાં આંદામાન-‌નિકોબારના ૩,૦૦૦ ટાપુઓ વેર‌વિખેર ફેલાયેલા છે ત્‍યાં પંદર કરોડ વર્ષ અગાઉ લાંબી-પહોળી પર્વતમાળા હતી. પૃથ્‍વીના ભૂગર્ભમાં સતત ચાલતી ભૂસ્‍તરીય પોપડાની ઊથલપાથલોએ તે પર્વતમાળાનો પાયો ડોલાવ્યો, એટલે ઉત્તુંગ ‌શિખરોવાળા પહાડો આસ્‍તે આસ્‍તે સમુદ્રમાં ગરક થવા લાગ્યા. વધુ ઊંચાઈવાળાં જે ‌શિખરો જળસમા‌ધિ ન પામ્‍યાં અને સમુદ્ર સપાટીની બહાર ડોકાતાં રહ્યાં તેમને આજે આપણે આંદામાન-‌નિકોબાર દ્વીપ તરીકે ઓળખીએ છીએ.

આ ભૂસ્‍તરીય ઘટના પશ્ચાત્ લાખો વર્ષના કાળખંડમાં કા‌ચિંડા અને સાપ જેવાં સરીસૃપો, ઉભયજીવી સજીવો, કીટકો-પંખીઓ, વનસ્‍પ‌તિના બીજ વગેરે સમુદ્રી તેમજ વાયુ પ્રવાહોમાં તણાતા આંદામાન-‌નિકોબાર પહોંચ્‍યા. અનેક સહસ્રા‌બ્‍દિ સુધી ભેંકાર ટાપુઓ પહેલી વાર ચેતનવંતા બન્‍યા. મનુષ્‍ય નામના બેપગા સજીવનું હજી આગમન થયું નહોતું. લાખો વર્ષ બાદ એ મુહૂર્ત પણ આવ્યું. આજથી આશરે ૭પ,૦૦૦ વર્ષ પહેલાં ઓસ્‍ટ્રે‌લિયાની ઉત્તરે આવેલા ન્યૂ ગીની ટાપુના નીગ્રિટો વંશી આદિમાનવો હોડકાં મારફત સમુદ્ર ખેડીને આંદામાન-નિકોબાર પહોંચ્‍યા. વર્તમાન મનુષ્‍યની આ‌દિ જા‌તિઓનો અભ્‍યાસ કરનાર નૃવંશશાસ્‍ત્રીઓ આંદામાન-‌નિકોબારના ની‌ગ્રિટો આ‌દિવાસીઓને ભારતના સૌ પ્રથમ વસાહતી ગણાવે છે. કારણ કે પોણો લાખ વર્ષ પહેલાંના તે અરસામાં સમગ્ર ભારતમાં કશે માનવ હાજરી હોય તો માત્ર આંદામાન‌‌-‌નિકોબારમાં! આ ‌હિસાબે આજે એ ટાપુઓ પર વસતા ઓંગ, જારાવા, ‌નિકોબારી વગેરે આ‌દિ જા‌તિના વંશજોને ચલતા ‌ફિરતા અ‌‌શ્‍મિ ગણવા રહ્યા. માનવ જા‌તિનો ૭પ,૦૦૦ વર્ષ પુરાણો બાયોલો‌જિકલ ઇ‌તિહાસ તેઓ પોતાની ‌જિને‌ટિક બ્‍લૂ ‌પ્રિન્‍ટમાં લઈને જીવી રહ્યા છે.

■■■

ગ્રેટ ‌નિકોબાર ટાપુ જેમનું હજારો વર્ષથી માદરે વતન રહ્યું છે તે શોમ્‍પેન આ‌દિ જા‌તિના લોકોની વાત કરીએ. વર્ષ ૧૯પ૭માં ભારત સરકારે ગ્રેટ ‌નિકોબારનો ઘણોખરો ભૌગો‌લિક વનપ્રદેશ શોમ્‍પેન સમુદાય માટે આર‌ક્ષિત જાહેર કર્યો હતો. સમયના વીતવા સાથે તે ભૂ‌મિ પર એક યા બીજી રીતે અ‌તિક્રમણ શરૂ થયું અને આર‌ક્ષિત વનપ્રદેશનું ક્ષેત્રફળ ઘટીને ૮પ૩.૨ ચોરસ ‌કિલોમીટર થઈ ગયું. કેટલાંક વર્ષ પછી એ પ્રદેશમાંથી સરકારે ૪૩ ‌કિલોમીટર લાંબી પાકી સડક કાઢી, એટલે શોમ્‍પેન આ‌દિ જા‌તિએ પોતાનો વધુ કેટલોક પ્રદેશ ગુમાવવાનો વારો આવ્યો. નૈ‌તિક રીતે જોતાં તો આખો ટાપુ તેમની મા‌લિકીનો ગણાય, કેમ કે ભારત નામના દેશનું ગઠન થયું તેના હજારો વર્ષ પહેલાંથી શોમ્‍પેન લોકો ગ્રેટ ‌નિકોબાર પર આવીને વસ્‍યા હતા. આમ છતાં, તેમની પાસેથી તેમની જ મા‌લિકીની જમીન ‌છિનવી લેવામાં આવી. ગ્રેટ ‌નિકોબારમાં ‌વિકાસનો સૂ‌ચિત મેગાપ્રોજેક્ટ હાથ ધરાયા પછી તો શોમ્‍પેન પ્રજા‌‌તિનો નૈસ‌ર્ગિક આવાસ ઓર સંકોચાઈ જશે.

ભારત સરકારે ૨૦૦૬માં ઘડેલા Forest Rights Act કાયદા મુજબ ગ્રેટ ‌નિકોબારનાં અત્‍યંત સમૃદ્ધ વર્ષાજંગલોના ઉપયોગનો તથા જાળવણીનો ‌વિશેષા‌ધિકાર શોમ્‍પેન આ‌દિવાસીઓને મળ્યો છે. આજે તે ટાપુ પર ડેવલપમેન્‍ટના નામે સરકાર ૯,૬૪,૦૦૦ વૃક્ષોનું ‌વિચ્‍છેદન કરવા જઈ રહી છે ત્‍યારે Forest Rights Act ની ઐસીતૈસી થતી દેખાય છે. કારણ કે જંગલની જાળવણી જેમના ‌શિરે છે તે શોમ્‍પેન આ‌દિવાસીઓનો તીવ્ર ‌વિરોધ હોવા છતાં ૧૩૦.૭પ ચોરસ ‌કિલોમીટરમાં લગભગ ૧૦ લાખ વૃક્ષોનો સફાયો થશે. આ સફાઈ અ‌ભિયાનમાં શોમ્‍પેન લોકો ઉપરાંત ‌વિ‌વિધ કીટકો, પંખીડાં, સરીસૃપો તથા ઉભયજીવોનો પણ નૈસ‌ર્ગિક આવાસ ‌છિનવાઈ જશે.

અ‌વિચારી ‌વિકાસની આડઅસર ગ્રેટ ‌નિકોબારની જમીન પૂરતી જ સી‌મિત નથી. એક નજર દ‌રિયામાં પણ કરવા જેવી છે કે જ્યાં coral/ પરવાળાની ૨૦,૬૬૮ કોલોની માટે અ‌સ્‍તિત્‍વનો સવાલ જાગ્યો છે. બંદર બાંધવા માટે દ‌રિયાના ત‌ળિયામાં ડ્રે‌જિંગ (કાંપ ‌નિષ્‍કર્ષણ) કરવામાં તથા ‌કિનારે ‌સિમેન્‍ટ કોં‌ક્રિટના ફુરજા બાંધવામાં પરવાળાનો નાશ થાય તેમ છે. આથી ૨૦,૬૬૮ પૈકી પરવાળાની ૧૬,૧પ૦ કોલોનીનું સ્થાનાંતરણ કરવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. (બાકીની ૪,પ૧૮ કોરલ કોલોનીઓનું શું થશે તેનો ફોડ હજી પાડવામાં આવ્યો નથી.) પો‌લિપ નામના સૂક્ષ્‍મ જીવોની પેઢીઓને સમુદ્રી જળના કે‌લ્‍શિયમ-મેગ્‍ને‌શિયમ જેવા ક્ષારો વડે રંગબેરંગી પરવાળા રચવામાં હજારો વર્ષ લાગી જતાં હોય છે. સમુદ્રી ત‌ળિયે સેંકડો ‌કિલોમીટરમાં ફેલાયેલી કોરલ કોલોની છેવટે મૃદુકાય જીવો, શેવાળ, માછલી તથા કરચલાંની હાઉ‌સિંગ કોલોની બને એવું કુદરતે સંકીર્ણ આયોજન કર્યું છે. મનુષ્‍યનો તેમાં હસ્‍તક્ષેપ ન થવો જોઈએ. દુર્ભાગ્‍યે ગ્રેટ ‌નિકોબારને બંદર તરીકે ‌વિકસાવવા જતાં હસ્‍તક્ષેપ થયા ‌વિના રહેવાનો નથી.

■■■

ધ્‍યાનમાં લેવા જેવી બીજી વાત : લેધરબેક જા‌તિના સમુદ્રી કાચબા ગ્રેટ ‌નિકોબાર ટાપુના કાંઠે ઇંડાં મૂકવા આવતા હોય છે. રેતાળ તટમાં ઇંડાં મૂકીને માદા લેધરબેક સમુદ્રની વાટ પકડે છે. કેટલાક વખત પછી ઇંડાંનું કાચલું તોડીને બહાર નીકળતાં બચ્‍ચાંનું લશ્‍કર કાંઠેથી દ‌રિયા તરફ આગળ વધતું છેવટે અફાટ સમુદ્રમાં ચાલ્યું જાય છે. વર્ષો બાદ એ જ લશ્‍કરની માદા લેધરબેક ગ્રેટ ‌નિકોબારના એ જ કાંઠે ઇંડાં મૂકવા માટે આવે કે જ્યાં અગાઉ તેમનો પોતાનો જન્‍મ થયો હતો. આ જીવન ઘટમાળ લેધરબેક કાચબાની પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. ગ્રેટ ‌નિકોબારમાં માલવાહક, ક્રૂઝ તથા નૌકાદળનાં જહાજોનો ટ્રા‌ફિક શરૂ થયા પછી લેધરબેકની આગુ સે ચલી આતી જીવન ઘટમાળમાં રૂકાવટ આવે તે સંભવ છે. વંશવેલો આગળ ધપાવવા માટે લેધરબેકે કદાચ નવું મેટરની‌ટિ હોમ શોધવાનું થાય.

હજી એક સી‌રિઅસ મુદ્દો પણ જાણો : ગ્રેટ ‌નિકોબાર ટાપુ મેગાપોડ નામના પક્ષીનો એકમાત્ર આવાસ છે. (સમગ્ર ભારતમાં બીજે ક્યાંય મેગાપોડ થતું નથી.) પક્ષીજગતમાં સૌથી મોટા કદનો માળો બાંધવાનો ‌વિક્રમ મેગાપોડના નામે બોલે છે. દસ ફીટ ઊંચો અને ૧૮ ફીટ ઘેરાવો ધરાવતા માળા નીચેના પોલાણમાં મેગાપોડ ચાર-પાંચ ઇંડાં મૂકે છે. આટલું મોટું બાંધકામ મેગાપોડ અમસ્‍તું જ કરતું નથી. માળો વાસ્‍તવમાં ઇન્‍ક્યૂબેટર (ઉષ્માનિયંત્રક) પેટીની ગરજ સારે છે. મેગાપોડનાં ઇંડાંને ૩પ અંશ સે‌લ્‍શિઅસનું તાપમાન લાગલગાટ સવા બે મ‌હિના મળતું રહે તો અને ત્‍યારે જ ઇંડું સેવાય છે. અન્‍યથા ન‌હિ. મેગાપોડનો ‌વિરાટ માળો ઇંડાંને યોગ્‍ય તાપમાન આપે છે. ગ્રેટ ‌નિકોબાર પર ‌વિકાસકાર્યો હાથ ધરવા જતાં દુર્લભ મેગાપોડના અ‌સ્‍તિત્‍વનો સવાલ ઉદ્‍ભવે એવું ઘણા પર્યાવરણ અભ્‍યાસુઓનું મંતવ્‍ય છે.

મેગાપોડની જેમ માત્ર ગ્રેટ ‌નિકોબારના વતની એવા ‌નિકોબાર tree shrew/ વૃક્ષ છછૂંદર, ડે‌નિયલ ફોરેસ્‍ટ ‌લિઝાર્ડ પ્રકારનો કા‌ચિંડો, ‌લાંબી પૂંછવાળા મકાક વાંદરા વગેરે જેવા દુર્લભ સજીવોની પણ સલામતી જોખમમાં જણાય છે. હજારો વર્ષથી ગ્રેટ ‌નિકોબાર જેમની માતૃભૂ‌મિ રહી તે શોમ્‍પેન આ‌દિવાસીઓ પોતાની જ છોટી સી દુ‌નિયાને સતત સંકોચાતી જોઈને દુ:ખની કેવી લાગણી અનુભવતા હશે એ તો આટલે દૂર બેઠા આપણે શી રીતે જાણી શકવાના હતા?

ગ્રેટ ‌નિકોબારને ‌વિકા‌સિત બનાવવાના મેગાપ્રોજેક્ટ ‌વિશે ગંભીરતાથી ‌વિચાર માગી તેવા બીજા તો ઘણા મુદ્દા છે. પરંતુ અંતમાં એક સી‌રિઅસ મુદ્દો નોંધ્‍યા ‌વિના ચાલે તેમ નથી. ‌સિત્તેરના દસકામાં ભારત સરકારે લશ્‍કરના ‌નિવૃત્ત અફસરો સ‌હિત કેટલાક લોકોને આંદામાન-‌નિકોબારમાં વસાવવાનું શરૂ કર્યું હતું. વસાહતી મારફત ટાપુઓ પર પહેલી વાર એ વાઇરસ તેમજ બેક્ટી‌રિઆ આવ્યા જેમની ‌વિરુદ્ધ લડી લેવાની રોગપ્ર‌તિકારક શ‌ક્તિ અહીંના આ‌દિવાસીઓ પાસે નહોતી. પ‌રિણામે એંશીના દસકામાં ગ્રેટ ‌નિકોબારના સોએક જેટલા શોમ્‍પેન આ‌દિવાસી ‌વિષાણુ ચેપનો ‌શિકાર બની માર્યા ગયા.

નજીકના ભ‌વિષ્‍યમાં ભારત સરકાર ગ્રેટ ‌નિકોબાર પર સાડા ત્રણ લાખ લોકોને વસાવવા માગે છે. પર્યટન વડે રોજના હજારો લોકોને અહીં તેડાવવા ઇચ્‍છે છે. આ જાતનું અ‌તિક્રમણ શોમ્‍પેન આ‌દિવાસીઓને ‌વિ‌વિધ ‌વિષાણુજન્‍ય બીમારીના ભોગ બનાવે તો નવાઈ ન‌હિ. જીવંત અ‌શ્‍મિ સમી શોમ્‍પેન આ‌દિજા‌તિનું ભા‌વિ એ ‌હિસાબે ધૂંધળું લાગે છે. 

આ છે રૂ‌પિયા ૭૩,૦૦૦ કરોડનું આધુ‌નિકીકરણ મોડલ, જેને ચાહે વિકાસ કહો યા રકાસ... પસંદ અપની અપની!■


Google NewsGoogle News