દેશમાં રેડીમેડ કપડાંની ઈન્ડસ્ટ્રીમાં દિવાળી .
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- આખા વર્ષની સરખામણીએ દિવાળીના તહેવારમાં રેડીમેડ કપડાંની સર્વાધિક ખરીદી થાય છે. આ દિવસોમાં તૈયાર કપડાનું સ્વેદશી માર્કેટ 35 ટકા સુધી વધે છે...
સિલ્ક રોડ.
ઈ.સ. પૂર્વેની બીજી સદીમાં યુરોપ-એશિયા વચ્ચે વેપાર શરૂ થયો ત્યારે જે રસ્તાનો ઉપયોગ થયેલો એ ભવિષ્યમાં આ નામથી ઓળખાયો. ભારત અને ચીનના સિલ્કની યુરોપમાં ભારે ડિમાન્ડ રહેતી એટલે એ રૂટ પર વેપાર થયો એને ઈતિહાસકારોએ સિલ્ક રોડ નામ આપ્યું. ઈ.સ. પૂર્વ ૧૩૦ના વર્ષમાં ચીનમાં હાન વંશનું શાસન હતું ત્યારે આ રસ્તાનો વિકાસ કરાયો હતો. ભારતના મરી-મસાલા યુરોપના દેશો સુધી આ માર્ગે પહોંચતા હતા.
સિલ્ક રોડ શબ્દ જર્મન ટ્રાવેલર ફર્ડિનાન્ડ વોન રિથોફને છેક ૧૮૭૭માં પહેલી વખત પ્રયોજ્યો હતો. યુરોપ અને પૂર્વ એશિયા વચ્ચે આ માર્ગ પર વેપાર ઉપરાંત સાંસ્કૃતિક આદાન-પ્રદાન થયું હોવાથીય એને સિલ્ક રોડ કહેવાય છે. સિલ્ક રોડ એટલે માત્ર એક જ રસ્તો એવી વ્યાખ્યા ન હતી. ઘણાં વેપારીઓ ભારતને બાજુ પર રાખીને સીધા ચીન પહોંચતા. તો કેટલાક ભારતમાં થઈને ચીન અને ત્યાંથી પૂર્વ એશિયાના દેશો સુધી જતા.
આ રૂટ એના નામ પ્રમાણે સિલ્ક કાપડ માટે જાણીતો હતો. ઈતિહાસકારો તો ત્યાં સુધી દાવો કરે છે કે ઉત્તર ભારતમાંથી સિલ્ક ચીન પહોંચતું અને ચીનથી યુરોપના દેશો સુધી જતું. દેશ પર અંગ્રેજી શાસન હતું ત્યારે ભારત કાપડનો સૌથી મોટો નિકાસકાર દેશ હતો. ભારતમાંથી કાપડનું રો-મટિરિયલ બ્રિટનમાં જતું અને બ્રિટન એની પ્રોસેસ કરીને એના પર માતબર કમાણી કરતું. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ૧૭૫૦ના ગાળામાં જગતના કાપડની જરૂરિયાતમાંથી ૨૫-૩૦ ટકા કાપડ એકલા ભારતમાંથી એક્સપોર્ટ થતું. ભારતીયોને જરૂરી કાપડને ઉમેરીએ તો ભારતનો કાપડ ઉદ્યોગ કેટલો મોટો હશે એની કલ્પના કરવી અઘરી નથી. યાદ રહે, આ ભારત એટલે અખંડ ભારત. જેમાં આજના પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંનેનો સમાવેશ થાય છે. આજેય ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગના સંયુક્ત આંકડાં માંડવાના થાય તો આખું ચિત્ર બદલાઈ જાય.
વેલ, દાયકાઓની પડતી પછી ફરીથી ભારતીય કાપડ ઉદ્યોગની ચડતી શરૂ થઈ અને આજે વસ્ત્ર ઉદ્યોગમાં ભારતનો ક્રમ દુનિયામાં બીજો છે. એમાંય તૈયાર કપડાંનું માર્કેટ ઝડપભેર ગ્રો થઈ રહ્યું છે. આખા વર્ષ દરમિયાન તો તૈયાર કપડાંની ડિમાન્ડ રહે જ છે, પરંતુ દિવાળીમાં તો વાત જ જુદી હોય છે. આજેય ભારતીયો સર્વાધિક ખરીદી દિવાળીમાં કરે છે. તેના કારણે રેડીમેડ ગારમેન્ટના બિઝનેસમાં દિવાળી સીઝન દરમિયાન ૩૫ ટકાનો ઉછાળો આવે છે.
***
ચીન પછી કાપડ અને રેડીમેડ ગારમેન્ટના ઉત્પાદન, નિકાસમાં ભારતનો બીજો ક્રમ છે. ચીન અને ભારત કપાસના ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. દુનિયામાં ૨.૭ કરોડ ટન કપાસનું ઉત્પાદન થાય છે. એમાંથી ચીનમાં લગભગ ૬૦-૬૫ લાખ ટન અને ભારતમાં ૫૦થી ૫૫ લાખ ટનનું ઉત્પાદન થાય છે. બંને મળીને દુનિયાની કુલ જરૂરિયાતનું ૪૫ ટકા કાપડનું પ્રોડક્શન કરે છે, પરંતુ નિકાસની વાત આવે ત્યારે ભારત ચીનની સરખામણીએ પાછળ રહી જાય છે.
ભારતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી ૧૬૫ અબજ ડોલરે પહોંચી છે. એમાંથી ૪૮-૫૦ અબજ ડોલરથી વધુની નિકાસ થાય છે. ભલે, નિકાસની બાબતમાં હજુય ચીન પ્રથમ ક્રમે છે અને વિશ્વમાં કાપડની નિકાસમાં ૫૦ ટકા શેર ચીનના ભાગે છે, પરંતુ ભારત આગામી એકાદ દશકામાં એમાંથી મોટો હિસ્સો અંકુશમાં લેશે. ભારતમાં વર્ષ દર વર્ષ કપાસનું ઉત્પાદન કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરાય છે. તે સિવાય ભારતીય કંપનીઓ કોટનની આયાત પણ કરે છે.
દુનિયામાં ચીનની પ્રોડક્ટની જે તકલાદી ઈમેજ બની છે તેનો ફાયદો ભારતને મળશે. ભારતનું આ માર્કેટ ૧૧ ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે. દેશમાં અત્યારે ૨૫૦૦ મોટી મીલ કાર્યરત છે અને રેડીમેડ કપડાંના ૪૫૦૦ યુનિટ ધમધમી રહ્યા છે. ભારતનો કાપડ ઉદ્યોગ કૃષિ પછી બીજા ક્રમનો એવો ઉદ્યોગ છે જે સૌથી વધુ રોજગારીનું સર્જન કરે છે. આ ક્ષેત્રમાં સાડા ચારથી પાંચ કરોડ લોકોને સીધી રોજગારી મળી રહી છે ને છ કરોડ લોકોને આડકતરી રોજગારી મળે છે એ રીતે જોઈએ તો દેશના ૧૦-૧૧ કરોડ લોકો કાપડ ઉદ્યોગ પર નિર્ભર છે.
આમેય ભારતની કાપડની નિકાસ, ખાસ તો તૈયાર કપડાંની નિકાસમાં ૧૨ ટકાનો ઉછાળો તો છેલ્લાં એક ક્વાર્ટરમાં આવ્યો છે. અત્યારે આખા જગતમાં યુદ્ધના ઓછાયા પડી રહ્યા છે. યુક્રેન-રશિયા યુદ્ધ ઉપરાંત મિડલ-ઈસ્ટમાં ભડકો થયો છે. ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ થાય એવી શક્યતા છે. તુર્કીમાં આતંકવાદી હુમલા બાદ આગ વધારે પ્રસરી છે. એવી સ્થિતિમાં રેડીમેડ ગારમેન્ટના બિઝનેસમાં ગ્લોબલ ક્રાઈસિસ છે, છતાં ભારતના તૈયાર કપડાંની ડિમાન્ડ ધીમી પણ મક્કમ ગતિએ થઈ રહી છે.
ભારતમાં ચીન અને બાંગ્લાદેશની સરખામણીએ તૈયાર કપડાંનું પ્રોડક્શન થોડું મોંઘું પડે છે, છતાં ચીનની સરખામણીએ ટકાઉ હોવાથી સ્વદેશી રેડીમેડ ગારમેન્ટની વિદેશમાં ડિમાન્ડ છે. ભારતની કેટલીય પ્રોડક્શન કંપનીઓ વિદેશી બ્રાન્ડ્સના ગારમેન્ટ્સ બનાવીને નિકાસ કરે છે.
***
કાપડ ઉદ્યોગમાં રેડીમેડ સેગમેન્ટ છેલ્લાં એક દશકામાં ૫૦ ટકાએ પહોંચી ગયું છે. એટલે કે જેટલા જથ્થામાં કાપડની જરૂર પડે છે એટલા જ જથ્થામાં તૈયાર કપડાં વેચાય છે. દુનિયાભરમાં તૈયાર કપડાંનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બે-અઢી દશકા પહેલાં દેશનું રેડીમેડ કપડાંનું માર્કેટ એટલું વિશાળ ન હતું. મોટાભાગના ગ્રાહકો કાપડ લઈને સીવવાનું પસંદ કરતા હતા, પરંતુ સમય બદલાયો અને રેડીમેડ કપડાંના પ્રોડક્શનમાં ગ્રાહકોને વિશ્વાસ બેસવા માંડયો પછી ઓનલાઈન-ઓફલાઈન બંને માર્કેટમાં ચારેબાજુ તૈયાર કપડાંના ગંજ ખડકાય છે.
દિવસો પહેલાં કાપડ ખરીદ્યા પછી માપ પ્રમાણે સીવડાવવાનો ટ્રેન્ડ હતો. એમાં દરજીને વારંવાર યાદ પણ કરાવવું પડતું. બધું સમયસર ન થાય તો છેક છેલ્લી ઘડીએ દોડધામ થતી અને એમ માંડ દિવાળી-બેસતા વર્ષે નવા કપડાં હાથમાં આવતા.
એના બદલે અનુકૂળ સમયે માર્કેટમાં જઈને કે ઈ-કોમર્સ એપ ઓપન કરીને છેલ્લી ઘડીએ કપડાં લેવાનું વધારે સરળ બન્યું છે. ટ્રાય કરીને માપ બરાબર હોય તો તુરંત પહેરી શકાતા હોવાથી રેડીમેડ ગારમેન્ટ્સ તરફ ગ્રાહકો આકર્ષાય છે. ને તેના કારણે રેડીમેડ કપડાંના બિઝનેસમાં કાયમ દિવાળી રહે છે.
દિવાળીમાં કપડાં કેટલાં મોંઘા પડે છે?
દિવાળીના તહેવારો આડે ૧૫-૨૦ દિવસની વાર હોય ત્યારથી ઓનલાઈન શોપિંગની ઓફર્સ શરૂ થઈ જાય છે. એમાં સ્માર્ટફોનથી લઈને કપડાં-જૂતાંમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળે છે એટલે લોકો એ દિવસોમાં ઓનલાઈન શોપિંગનો તડાકો પડી જાય છે. તેમ છતાં એક મોટો વર્ગ આજેય ઓફલાઈન માર્કેટમાં જાય છે. ઓનલાઈન-ઓફલાઈન માર્કેટને નજીકથી ઓબ્ઝર્વ કરનારા તો ત્યાં સુધી કહે છે કે ઓનલાઈન ઓર્ડર કરેલાં તૈયાર કપડાં અને જૂતાં એ જ બ્રાન્ડના હોવા છતાં ઓફલાઈન વધુ સારા હોય છે. ઈ-કોમર્સ કંપનીઓ આવા દાવાના રદિયા આપે છે, પરંતુ એક મોટો વર્ગ માને છે કે ઓનલાઈન ઓફર્સ આપવા માટે ઉત્પાદકો અને ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે કંઈ મોટી ખિચડી પાકે છે. એ જે હોય તે, પરંતુ આજેય લાખો-કરોડો લોકો ઓફલાઈન માર્કેટમાં જઈને તૈયાર કપડાં ખરીદે છે. ઘણાં ભાગદોડમાં દિવાળીના દિવસોના બે-ચાર દિવસ બાકી હોય ત્યારે છેક શોપિંગમાં નીકળી શકે છે, પણ દિવાળીમાં નવા કપડાં પહેરવાની પરંપરા હોવાથી આ તહેવાર કાપડ ઉદ્યોગમાં તેજી લાવે છે, પરંતુ એ તેજીમાં કપડાં થોડાં મોંઘા પણ પડે છે. કપડાંની પોપ્યુલર બ્રાન્ડ્સને ધ્યાનમાં રાખીને થયેલા એક ખાનગી બિઝનેસ સર્વેમાં જણાયું હતું કે દિવાળીની સીઝનમાં ડિસ્કાઉન્ટ બાદ થયા પછીય રેડીમેડ કપડાંમાં સરેરાશ ૨૦ ટકા સુધી ભાવવધારો થાય છે. રાધર, ડિસ્કાઉન્ટ એવું ટ્રિકી હોય છે કે ગ્રાહક વધારે ખરીદી કરવા પ્રેરાય છે. જેમ કે, દસ હજારની ખરીદી પર બે હજારની છૂટ એવી ઓફર હોય ત્યારે જે ગ્રાહકની શોપિંગ અમાઉન્ટ છએક હજાર સુધી પહોંચતી હોય એ પણ જોર લગાવીને ૧૦ હજારનાં કપડાં ખરીદે છે અને બે હજાર બાદ થાય તો પણ આઠ હજાર ચૂકવીને જાય છે!
બાંગ્લાદેશની આફતને ભારત અવસરમાં બદલે તો...
બાંગ્લાદેશમાં રાજકીય અરાજકતાની સ્થિતિ સર્જાઈ છે. હજુય બાંગ્લાદેશમાં દેખાવો થઈ રહ્યા છે. વિદેશી રોકાણકારોએ રોકાણ પાછું ખેંચી લીધું છે. તેની અસર બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગ પર પડી છે. અત્યારે બાંગ્લાદેશમાં રેડીમેડ કપડાંનું કામ સૌથી સસ્તું પડે છે. પરિણામે ચીન જેવા દેશોની ઘણી ગારમેન્ટ કંપનીઓ બાંગ્લાદેશમાં પ્રોડક્શન કરે છે. આમ બાંગ્લાદેશનો કાપડ ઉદ્યોગ આકારની રીતે ભારતની સરખામણીએ તો ઘણો નાનો છે, પરંતુ નિકાસની વાત આવે તો એ ભારતને ટક્કર આપે છે. ૫૫ અબજ ડોલરના તૈયાર કપડાંની નિકાસ બાંગ્લાદેશમાંથી થાય છે. બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાના કારણે ઉત્પાદન ઘટયું છે. એના ઓર્ડર્સ ભારતીય કંપનીઓને મળી રહ્યા છે. જો ભારત આ તક ઝડપી લેશે તો સ્વદેશી રેડીમેડ કાપડ ઉદ્યોગને પાંખો આવી જશે. બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગ પર સંકટ આવ્યું એ સાથે જ ભારતીય ગારમેન્ટ કંપનીઓના શેર ઉછળ્યા હતા. વિદેશી રોકાણકારો પણ ભારતીય ગારમેન્ટ કંપનીઓ તરફ આશાની નજરે જોઈ રહ્યા છે. એક અંદાજ એવો છે કે બાંગ્લાદેશમાંથી સાત-આઠ ટકાનો બિઝનેસ ભારતીય કંપનીઓને મળશે. બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી પછી અમુક ઈન્ડિયન કંપનીઓની નિકાસ ૧૭ ટકા સુધી વધી છે.