ભૂતકાળનું તાદૃશ દર્શન થવાની અદ્દભુત ઘટના
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- વિજ્ઞાનનો ઉદ્દેશ્ય સત્યની શોધ કરવાનો છે પણ મસ્તિષ્કીય ચેતનાની ઉપલી સપાટીથી સંચાલિત થવાને કારણે તે ઊંડાણમાં પ્રવેશ કરી શકતું નથી
'પ્રાણોડસ્મિ પ્રજ્ઞાત્વા ! તં મામાયુરમૃતમિત્યુપાસ્યાયુ :
પ્રાણો વા આયુ : । પ્રાણેન હિ એવાસ્મિન્ લોકેડમૃતત્વમ્
આપ્નોતિ । હું જ પ્રાણ રૂપ પ્રજ્ઞા છું. મને જ
આયુષ્ય અને અમૃત સમજો અને તેની ઉપાસના કરો.
પ્રાણ જ જીવન છે. આ જગતમાં પ્રાણથી જ
અમૃતત્વની પ્રાપ્તિ થાય છે.'
- સાંખ્યાયન, આરણ્યક ૫/૨
પ્રા ણ શબ્દની વ્યુત્પત્તિ 'પ્ર' ઉપસર્ગપૂર્વક 'અન્' ઘાતુથી થાય છે તેનો અર્થ જીવન શક્તિ કે આત્મશક્તિ એવો થાય છે. તેને જ બ્રહ્મ કહેવાય છે. બ્રહ્મોપનિષદમાં કહેવાયું છે - 'પ્રાણો ભવેત્ પરંબ્રહ્મ જગત્કારણમવ્યયમ્ । - પ્રાણ જ જગતનું કારણ પરમ બ્રહ્મ છે. પ્રાણશક્તિ એ જ બ્રાહ્મશક્તિ છે. સમગ્ર શરીર, બધી ઈન્દ્રિયો એનાથી જ સજીવ રહે છે અને કાર્યાન્વિત થાય છે. એટલે જ પ્રશ્નોપનિષદ્ કહે છે - 'પ્રાણાગ્નય એવાસ્મિન્ બ્રહ્મપુરે જાગ્રતિ - આ બ્રહ્મપુરીમાં પ્રાણના અગ્નિ જ હમેશાં પ્રજવલિત રહે છે.' જે બુદ્ધિમાન આ પ્રાણનું રહસ્ય જાણી લે છે તે અમર બની જાય છે.'
૧૯૩૩નું ભૌતિકવિજ્ઞાનનું નોબલ પ્રાઈઝ પ્રાપ્ત કરનારા ઓસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની ઈરવિન શ્રોડિન્જર જેમણે ક્વૉન્ટમ નિકેનિકસના ક્ષેત્રે મૂળભૂત પાયારૂપ કામ કર્યું છે. What is life ? and mind and matter નામના તેમના પુસ્તકમાં તે કહે છે કે વિશ્વ, બ્રહ્માણ્ડનું મુખ્ય તત્ત્વ ચેતના છે. પદાર્થ જગતનું નિર્માણ તેનાથી જ થયું છે. જે રીતે શારીરિક જરૂરિયાતોની પૂર્તિ ભોજનથી પાચન થઈ એની રાસાયણિક ઊર્જામાં પરિવર્તિત થાય છે તે રીતે બૌદ્ધિક પ્રક્રિયાઓ, વૈચારિક પ્રક્રિયાઓ માટે જરૂરી ઊર્જા ચેતન સત્તાથી પ્રાપ્ત થાય છે.
૧૯૨૧નું ભૌતિક વિજ્ઞાનનું નોબલ પ્રાઈઝ પ્રાપ્ત કરનાર, જગતને સાપેક્ષવાદના સિદ્ધાંતની ભેટ આપનાર વિશ્વ વિખ્યાત થિયરિટિકલ ભૌતિકવિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને એમના જીવનના અંતિમ દિવસો દરમિયાન લાઈફ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂ વખતે કહ્યું હતું કે વૈજ્ઞાનિક સંશોધનોના દરમિયાન મને જે સૌથી સુખદ અને સુંદર અનુભવ થયો તે એ છે કે મને કાયમ એવું પ્રતીત થતું રહ્યું કે કોઈ અદ્રશ્ય ચેતના આ બ્રહ્માણ્ડની નિયામક છે.
વિજ્ઞાનનો ઉદ્દેશ્ય સત્યની શોધ કરવાનો છે પણ મસ્તિષ્કીય ચેતનાની ઉપલી સપાટીથી સંચાલિત થવાને કારણે તે ઊંડાણમાં પ્રવેશ કરી શકતું નથી. અમે જે જાણકારી પ્રાપ્ત કરી છે. તે બહુ સામાન્ય અને ઉપર છલ્લી છે. એમ કહી શકાય કે શાળાના વિદ્યાર્થીથી વધારે નથી. તે અતિ પ્રાથમિક જ્ઞાનના સહારે વસ્તુઓનું સાચું સ્વરૂપ જાણી શકાય એમ નથી અને જીવનના ઊંચા ઉદ્દેશ્યની પૂર્તિ કરવી પણ શક્ય નથી. 'વ્હોટ આઈ બિલિવ' નામના તેમના પુસ્તકમાં આઈન્સ્ટાઈન કહે છે કે સામાન્ય તર્ક અને બુધ્ધિના આશરે વિશાળ બ્રહ્માણ્ડ પર છવાયેલા રહસ્યમય પડદાને હટાવી શકાતો નથી અને મનુષ્ય પોતાને વિશે કંઈ અધિક જાણકારી પણ મેળવી શકતો નથી. જૈવ વિકાસની જટિલ પ્રક્રિયાઓને તર્ક અને કલ્પનાઓ દ્વારા સમજી શકાતી નથી. ખરેખર માનવ વિકાસ બાયોલોજિકલ નહીં પણ મનોવૈજ્ઞાનિક અને ચેતનાત્મક છે. સાધારણ સ્થિતિમાં આપણી બુદ્ધિ જેટલું જાણે છે એટલી જ આપણે પ્રગતિ કરી શકીએ છીએ પણ ક્યારેક કોઈના જીવનમાં એવી પળ આવી જાય છે જ્યારે તે છલાંગ લગાવીને એક ઉચ્ચસ્તરીય ભૂમિકા પર પહોંચી જાય છે જેને અન્ત:પ્રજ્ઞા કે સુપર કોન્સિયસનેસ કહે છે મોટેભાગે બધી મહાન શોધોનો ઉદ્દભવ કોન્સિયસ માઈન્ડથી સુપર કોન્સિયસ માઈન્ડ તરફ જે ક્વોન્ટમ જમ્પ વાગે તેનાથી થયો છે. આ અતિ ચેતન અવસ્થા ક્યારેક ભૌતિક નિયમોનું અતિક્રમણ કરી દે છે. તે વખતે અનેક ચમત્કારો પણ સર્જાય છે.
શું વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં પ્રવેશી જવું સંભવ છે ? વિજ્ઞાનનો બુદ્ધિવાદ તો એમ જ કહેશે કે તે અસંભવ છે. જે સમય વીતી ગયો, જે લોકો સેંકડો વર્ષો પહેલાં મરી ગયા તેમને વર્તમાનની જેમ જોવા-અનુભવવા શક્ય નથી. પણ ક્યારેક આવું બને છે. ચેતના ભવિષ્યકાળમાં પ્રવેશી તેને જોઈ લે છે તો ક્યારેક ભૂતકાળમાં પ્રવેશી તેને જોઈ લે છે ! ૧૦ ઓગસ્ટ ૧૯૦૧ના દિવસે આવી ઘટના બની હતી. ઈગ્લેન્ડની ઓક્ષફર્ડ યુનિવર્સિટીની સેન્ટ હગ્સ વિમેન કોલેજની પ્રિન્સિપાલ એની મોબરલી અને વાઈસ પ્રિન્સિપાલ એલિનર જોર્ડન સન્સના પેલેસ ઓફ વર્સેલ્સના ઉદ્યાનમાં ફરી રહ્યા હતા. બપોરનો સમય હતો. આ વખતે તેમણે પેટિટ ટ્રાયનન (Petit Trianon) જોવા જવાનું નક્કી કર્યું. તે વિશાળ કેસલ-મહેલનો તે ભાગ છે જે ફ્રાંસના તત્કાલીન શાસક લુઈ સોળમાં અને તેમની પત્ની કિવન મેરી એન્ટોનેટ (Mary Antoinette) નું પોતાનું નિવાસસ્થાન હતું.
તે તેને જોવા તે તરફ ચાલવા લાગ્યા. થોડીવાર બાદ તેવો લાગ્યું કે તે રસ્તો ભૂલી ગયા છે. પછી તેમને એવો અનુભવ થયો કે તે નિદ્રાની સ્થિતિમાં સ્વપ્નમાં ચાલતા હોય તેમ ચાલી રહ્યા છે. તે ચેતનાની બદલાયેલી સ્થિતિમાં આવી ગયા.
થોડીવાર બાદ તેમની આંખો સામે એ મહેલ અલગ રીતે પ્રગટ થયો. તેમને અલગ પહેરવેશવાળા લોકો દેખાવા લાગ્યા અને તેમની વાતો સંભળાવા લાગી પહેલાં તેમને બગીચાના બે માળી દેખાયા. તેમણે લાંબા કોટ અને વિશિષ્ટ પ્રકારની હેટ પહેરી હતી. તે સેંકડો વર્ષ પૂર્વે જે લઢણવાળી ફ્રેન્ચ ભાષા બોલાતી હતી તેમાં વાતચીત કરતા હતા. બીજા એક માણસને પેટિટ ટ્રાયનન ક્યાં છે તે પૂછ્યું તેણે તે બતાવ્યો પણ ખરો. તેમણે જમીન પર ચિત્ર દોરી રહેલી એક મહિલાને પણ જોઈ. મહેલની અંદર પ્રવેશ્યા પછી તેનો વૈભવ જોઈને તે ખુશીમાં ગરકાવ થઈ ગયા. થોડા સમયગાળામાં તે મહેલમાં ભૂતકાળમાં બનેલી અનેક ઘટનાઓ વર્તમાનમાં આંખો સામે બની રહી હોય તેમ દેખાઈ. પોતે તે સમય કાળમાં જ ઉપસ્થિત હોય તે રીતે દેખાઈ. એવું નહોતું બન્યું કે બેમાંથી એક જ વ્યક્તિને તેવી અનુભૂતિ થઈ. એની અને એલિનર બન્ને મહિલાઓને તેની એક સમાન અનુભૂતિ થઈ હતી. તે પછી તે બન્ને જેવા તે પેટિટ ટ્રાયનન-પેલેસમાંથી બહાર નીકળ્યા બધું જ બદલાઈ ગયું. પહેલા જોયેલા લોકો, તે વખતની જગ્યાઓ અદ્રશ્ય થઈ ગયા. તે પાછા વીસમી સદીનાં તેમના વર્તમાન સ્થળમાં પાછા આવી ગયા. આ ચેતનાનો એવો ચમત્કાર હતો જેમાં અત્યંત દૂરના ભૂતકાળનું તેમણે તાદ્રશ દર્શન કરી લીધું હતું.