Get The App

દિવાળીએ તુલાએ મમ્મીને ત્રણ દીવાની ભેટ આપી

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
દિવાળીએ તુલાએ મમ્મીને ત્રણ દીવાની ભેટ આપી 1 - image


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

તુ લા પોતાના ખાલીખમ કમ્પાઉન્ડમાં એકલી-અટૂલી બેઠી છે. આખું શહેર નવરાત્રિની ધમાલમાં વ્યસ્ત છે, પણ કોણ જાણે કેમ તુલાનું મન હરખાતું નથી. તુલાની મમ્મી શિવજાદેવી દિવાળીને વધાવવા ઘરમાં સાફસૂફી કરી રહ્યાં છે.

તુલા અન્યમનસ્ક દશામાં કમ્પાઉન્ડના બાંકડા પર બેઠી છે.. તેના મનમાં અભ્યુદય નહીં હોવાનું ભારે દુ:ખ છે. તુલા મોટી અને ભાઈ અભ્યુદય નાનો. અભ્યુદય અભ્યાસમાં તેજસ્વી હતો... રંગ રૂડો રૂપે પૂરો... જોતાંની સાથે જ વહાલું લાગે તેવું વ્યકિતત્વ. છ ફૂટ ઊંચાઈ, વિશાળ લલાટ, કાળી ભમ્મર આંખો. કોલેજમાં અભ્યુદયના ક્લાસમાં જ અભ્યાસ કરતી ગ્રીષ્માને તે પસંદ કરતો હતો. ગ્રીષ્મા અમીર પરિવારની એકની એક દીકરી હતી.

અભ્યુદયને ગ્રીષ્મા સાથે લગ્ન કરવાની ઇચ્છા હતી. સૌ પહેલાં તેણે તુલાદીદીને વાત કરી. તુલાદીદીએ અભ્યુદયને સપોર્ટ આપવાની હા પાડી, પણ અભ્યાસ પૂરો થાય અને સારી જોબ મળે પછી જ લગ્ન કરવાની સલાહ આપી... પણ અભ્યુદયને ગ્રીષ્મા બહુ દબાણ કરીને જલ્દી લગ્ન કરવા માટે ઉશ્કેરતી હતી... તુલાના પપ્પા ઉત્પલરાયને અભ્યુદયની પસંદગી સામે વાંધો નહોતો પણ તેઓ માનતા હતા કે તુલા ભાઈ અભ્યુદય કરતાં વયમાં મોટી છે એટલે તુલાનું લગ્ન થાય પછી જ અભ્યુદયનાં લગ્ન કરવાં...

એક દિવસ સાંજે ભાઈ અભ્યુદય ઘરે જ ના આવ્યો. ગ્રીષ્મા સાથે લગ્ન કરીને તે ઘરજમાઈ બની ગયાના સમાચાર મળ્યા.  અને મમ્મી શિવજાદેવી અભ્યુદય પર બહુ જ ગુસ્સે થયાં અને કાયમ માટે અભ્યુદય સાથે સંબંધ કાપી નાખવાની જાહેરાત કરી દીધી... એને સૂનમૂન બેઠેલી જોઈને શિવજાદેવી સમજી ગયાં હતાં કે તુલા તેના ભાઈને ખૂબ જ મિસ કરે છે. એમણે કહ્યું : 'બેટા તુલા, ચાલ ઊભી થા, તૈયાર થઈ જા. આપણે બહાર જઈએ તને દિવાળીનું શોપિંગ કરાવું. પાંચ વર્ષનાં વહાણાં વાયાં, તારા ભાઈએ કોઈ દિવસ આપણી ખબર લીધી છે ? ચાલ, મૂડમાં આવી જા...'

એટલામાં ટપાલી ટપાલ નાખીને ચાલતો થયો. આવેલી ટપાલ ઉપરઉપરથી જોઈ લેવાને ઈરાદે તુલા કાગળો આમતેમ ઉથલાવવા લાગી. અને એકાએક એની નજર પડે છે એક પોસ્ટકાર્ડ પર ! નથી એ કાગળ પર પત્ર લખનારનું નામ કે નથી તેનું સરનામું. પણ અક્ષરો આંખ મારફતે તુલાના મનમાં યાદના દીપક જલવા માંડે છે. પરિચિત સગાંઓની યાદી પર ચોકડી મારતાં-મારતાં સ્મૃતિમાં કેન્દ્રિત થાય છે એક જ નામ !

'અરે, આ તો અભ્યુદયના અક્ષર છે.' તુલા સ્વગત બોલી ઊઠે છે. તુલા અને મમ્મી-પપ્પાની જિંદગીથી દૂર થયા પછી અભ્યુદયે ક્યારેય તુલાને દીપોત્સવી કાર્ડ લખ્યું નહોતું. પણ અભ્યુદયના અક્ષરો તુલા સારી રીતે ઓળખતી હતી. એટલે નામ ના લખ્યું હોવા છતાં તુલા સમજી ગઈ કે ભાઈ અભ્યુદયનું જ આ કાર્ડ છે.

તુલા ભૂતકાળમાં સરી પડી છે. તુલાનાં મમ્મી-પપ્પા ખૂબ જ ધર્મનિષ્ઠ હતાં. શિવજાદેવી અને શીતલદેવી બે ખાસ અંતરંગ સહેલી હતા. અભ્યુદયની મમ્મી શીતલદેવી યાત્રા કરવા ગયાં હતાં, ત્યારે જ અકસ્માતનો ભોગ બન્યાં અને પરલોક સિધાવ્યાં. અભ્યુદય પર જાણે કે આભ તૂટી પડયું... અભ્યુદય માત્ર બે વર્ષનો હતો ત્યારે તુલાનાં મમ્મી શિવજાદેવીએ અભ્યુદયને સહારો આપી કાયમ માટે પોતાને ઘેર રાખી એને માતાથી યે અદકો પ્રેમ આપ્યો હતો.

તુલાદીદીને તો અભ્યુદય ખૂબ જ વહાલો હતો. મમ્મી-પપ્પાએ વાપરવા આપેલા પૈસા એ વાપરતી નહોતી અને ભેગા કરીને કોઈને કોઈ વસ્તુ લાવીને અભ્યુદયને ભેટ આપતી હતી. અભ્યુદય કોલેજમાં આવ્યો, ગ્રીષ્મા સાથે એનો પરિચય થયો અને આખી જિંદગી બદલાઈ ગઈ. અભ્યુદય ઘર છોડીને ગ્રીષ્મા સાથે લગ્ન કરીને રહેવા લાગ્યો.

તુલાને આકર્ષક દીપોત્સવી કાર્ડના નમૂના સંઘરવાની ટેવ હતી. જૂના પત્રો, અભ્યુદયને બાંધેલી રાખડી, છેલ્લા ૫ વર્ષથી બાંધ્યા વગર પડી રહેલી રાખડીઓ, દરેક જન્મદિવસના 'હેપી બર્થ ડે'નાં કાર્ડ બધો સંગ્રહ કબાટમાંથી કાઢી તુલાએ ટેબલ પર ઢગલો કર્યો. અને તુલા જૂનાં કાર્ડ એક પછી જોવા લાગી. ઢગલામાંથી એક કાર્ડ નીકળીને નીચે પડયું. એણે જોયું તો ગ્રીષ્માનું કાર્ડ હતું. તુલાએ કાર્ડ હાથમાં લીધું. બધી સામગ્રી કબાટમાં પાછી મૂકીને તુલા કાર્ડ પર્સમાં મૂકીને બહાર જવા તૈયાર થઈ ગઈ. શિવજાદેવીએ પૂછયું 'કેમ બેટા હવે બહાર જવા તૈયાર થઈ ગઈ ? તું નહીં આવે એમ માનીને મેં તો કપડાં પણ બદલી નાખ્યાં.'

તુલાએ કહ્યું 'વાંધો નહીં, મમ્મી, હું જરા મારી ફ્રેન્ડ તિથિને ત્યાં જઈ આવું. એટલે મન ફ્રેશ થઈ જાય અને તમે કહેતાં હતાં એ કોડિયાં પણ લેતી આવીશ.'

બધું કામ પડતું મૂકીને તુલાએ ગ્રીષ્માના મળેલા કાર્ડના સહારે અભ્યુદયને શોધવાનો પ્રયત્ન શરૂ કર્યો.

'અરે વડીલ, જરા ઊભા રહો. અહીં 'સત્કાર' નામના બંગલામાં મન્મંથરાય શેઠ રહેતા હતા તે હવે ક્યાં રહેવા ગયા છે ? ખબર છે આપને ? એમને એક દીકરી હતી અને જમાઈ પણ સાથે જ રહેતા હતા.'

'અરે હા, તમે ગ્રીષ્માની વાત કરો છો ને ? એક નંબરની દગાબાજ નીકળી. નામ બડે અને દર્શન ખોટે. એના કારણે તો મન્મંથરાય શેઠે આ બંગલો ખાલી કરીને બીજે રહેવા જવું પડયું. અને શરૂઆતમાં ગ્રીષ્મા અને જમાઈરાજા સારી રીતે રહેતાં હતાં પણ ગ્રીષ્મા તો ધાર્યુ કરનારી અમીર બાપની બગડેલી બેટી હતી.... સોરી હોં બેટા, હું તો મારું હાંકે જાઊં છું, પણ તને ગ્રીષ્માની વાત સાંભળવામાં રસ છે ?' પેલા વડીલે પૂછયું.

'અરે, હા અંકલ, મારે જાણવું છે ગ્રીષ્મા સાથે મારા ભાઈ અભ્યુદયનાં લગ્ન થયાં હતાં. અભ્યુદયને મળવા આવી છું. પાંચ વર્ષ થઈ ગયાં, અભ્યુદય અમને મળ્યો નથી, કે નથી એક ફોન પણ કર્યો.'

'અરે બેટા, અભ્યુદયના અને ગ્રીષ્માના ઋણાનુબંધ તો ક્યારનાંય પૂરા થઈ ગયાં. નાની બે મહિનાની બાળકીને અભ્યુદય પાસે મૂકીને ગ્રીષ્મા તો અમેરિકા જતી રહી છે.'

'અંકલ મને મારા ભાઈ વિષે જાણવામાં રસ છે. પ્લીઝ. મને જલ્દીથી એડ્રેસ આપો.'

'તો પછી છેલ્લાં ત્રણ વર્ષ સુધી ક્યાં ઊંઘી ગયાં હતાં ? બાપડા છોકરા પર દુ:ખના ડુંગર તૂટી પડયા અને એક નોકરની જેમ રાખતી હતી ગ્રીષ્મા પણ કોઈએ એની ખબર ન લીધી. મન્મંથરાય રોડ પર આવી ગયા અને આઘાતમાં તેઓ પડી ભાંગ્યા અને પરલોક સીધાવી ગયા. અંતે થોડા દરદાગીના વેચીને ગ્રીષ્માના મમ્મી સરિતાદેવી, અભ્યુદય અને નાની બેબી કોઈ ચાલીમાં રહેવા ચાલ્યાં ગયાં છે.'

અને ઉદાસ મને તુલા રોડ પર આવીને રીક્ષાની રાહ જોતી ઊભી રહી. ત્યાં એકાએક એની નજર ગ્રીષ્માના મમ્મી સરિતાદેવી પર પડી. હાથમાં દવાની શીશી લઈને એ ધીમે-ધીમે ચાલતાં રોડ પાર કરવાનો પ્રયત્ન કરતાં હતાં. તુલાએ બૂમ પાડી એટલે પોતાનું નામ સાંભળીને એ અટકી ગયાં.

તુલા એમની નજીક ગઈ. એટલે તેના મસ્તક પર હાથ મૂકીને સરિતાદેવી રડવા લાગ્યાં. એમને આશ્વાસન આપીને તુલાએ રિક્ષામાં બેસાડયાં અને તેમની સૂચના મુજબ રિક્ષા એક સાધારણ મહોલ્લાના નાકે જઈને ઊભી રહી.

ઘરમાં અભ્યુદય તાવમાં કણસતો હતો. શરીર સાવ સુકાઈ ગયું હતું. ગાલમાં ખાડા પડી ગયા હતા અને અંદર ધસી ગયેલી આંખો દીનહીન દશામાં એ ખાટલા પર પડયો હતો.

'ભાઈ, તારી આ દશા ? છેલ્લાં પાંચ વર્ષથી કોઈ સમાચાર નહીં અને આ દિવાળીએ પત્ર લખ્યો તેય નામ-સરનામા વગરનો ?' તુલાએ શિકાયતના સ્વરમાં કહ્યું.

ં'દીદી, ભૂતકાળનું કોઈ પ્રકરણ મારે ખોલવું નથી. ગ્રીષ્મા એને રસ્તે, હું મારે રસ્તે. મને દુ:ખ એ વાતનું નથી કે એણે મને છેતર્યો, અને ખાલી જીદ પૂરી કરવા ખાતર લગ્ન કર્યાં, પણ દુ:ખ એ વાતનું છે કે એણે વૃધ્ધ માતાના ઘડપણની મૂડીનેય પચાવી પાડી, ઘર-બાર વગરનાં બનાવી દીધાં. અમારી દીકરી નાની હતી, માત્ર બે મહિનાની, એને મારા ભરોસે છોડીને ગ્રીષ્મા અમેરિકા જતી રહી. ત્રણ વર્ષ થયા અમને એક ફોન કરીને અમારી ખબર પણ નથી લીધી એણે. જીવનમાં ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે, એવો જ એક અકસ્માત મારું ગ્રીષ્મા સાથેનું લગ્ન હતું. જીવથી ય વધારે વહાલ કરનાર માતા-પિતા અને દીદીને છોડીને હું ગ્રીષ્મા પાસે આવતો રહ્યો હતો. કેવી રીતે હું તમારી સામે નજર મેળવું ? મારો અક્ષમ્ય અપરાધ પપ્પાજી કેવી રીતે માફ કરી શકે ?...' બોલતાં- બોલતાં અભ્યુદયના ગળે ડૂમો ભરાયો. 

એટલામાં સરિતાદેવી તુલાને પાણીનો ગ્લાસ આપતાં કહે છે : 'તુલા બેટા તારા ભાઈ પાસે બેસ. એને સારુ લાગે. તમારી યાદમાં એ ઝૂરે છે. જોબ તો મળી છે. એ અમારું પૂરું પણ કરે છે. પણ અવાર નવાર બીમાર પડી જાય છે. બસ મમ્મી, પપ્પા અને દીદીને યાદ કર્યા કરે છે.'

'પપ્પા, તમે કહેતાં હતાં તે આ જ મારા ફોઈ છે.' સ્વીટીએ અભ્યુદયને પૂછયું, અભ્યુદયે કહ્યું 'બેટા ફોઈ નહીં બાફોઈ કહે.' અને 'બાફોઈ' શબ્દ સાંભળતાંજ તુલાના અંત:કરણમાં લાગણી અને કર્તવ્યનાં હજાર દીવાઓ પ્રગટી ઊઠયા.

તુલા સરિતાદેવી, અભ્યુદય અને સ્વીટી ત્રણેયને લઈને ઘેર પાછી ફરે છે. અભ્યુદય અને સરિતાદેવીને પરાણે મનાવીને પોતાને ઘેર લઈ આવે છે.

તુલાને ઘરમાં પ્રવેશતી જોઈને શિવજા દેવી પૂછવા લાગ્યાં : 'અરે તુલા મેં કોડિયા મંગાવ્યા હતાં તે લાવી કે પછી ભૂલી ગઈ ?'

તુલા એક ક્ષણ માટે થોભી અને કહ્યું : 'હા, મમ્મી બહાર આવ જોતો ખરી કોણ આવ્યું છે ? દિવેટવાળાં ત્રણ કોડિયાં લાવી છું. આપણા ગોખલે સજાવવા માટે. તારે આ ત્રણેય દીવાને લાગણીથી પ્રગટાવવાના છે. જો હું તો દિવાળી જ લઈ આવી છું.'

શિવજાદેવીને શું કહેવું તેની સમજ ન પડી. પણ તુલાએ કહ્યું : 'મમ્મી, આ ત્રણે બાળકોની જવાબદારી હું તારી પર થોપવા માગતી નથી. થોડા સમય પછી આ બાળકોને લઈને હું જુદી રહેવા ચાલી જઈશ. પારકાંને પોતાનાં બનાવવાં એ કળા નથી પણ પોતીકાંને પોતીકાપણાની ઉષ્મા આપવી એમાં કળા નહીં પણ માનવતા છે. મારી તો મમ્મી દિવાળી સુધરી ગઈ. દિવાળી ઝિંદાબાદ.


Google NewsGoogle News